ગુજરાત કરતાં પણ વિસ્તારમાં નાના આ દેશનું શૅરબજાર ભારતના શૅરબજાર કરતાં કેવી રીતે આગળ નીકળી ગયું?

ઇમેજ સ્રોત, Getty Images
તાઇવાન સોમવારે શૅરબજાર મૂલ્ય એટલે કે સ્ટૉક માર્કેટ વૅલ્યૂએશનની બાબતમાં ભારત કરતાં આગળ નીકળી ગયું.
તેની પાછળનું સૌથી મોટું કારણ દુનિયાની સૌથી મોટી ચિપ બનાવનારી કંપની તાઇવાન સેમિકંડક્ટર મૅન્યુફૅક્ચરિંગ કંપની (ટીએસએમસી)ના શૅરોમાં આવેલો વિસ્ફોટક ઉછાળો રહ્યો.
સ્ટૉક માર્કેટ વૅલ્યૂએશન કે માર્કેટ કૅપિટલાઇઝેશન કોઈ સ્ટૉક ઍક્સ્ચેન્જમાં લિસ્ટેડ બધી કંપનીઓની કુલ માર્કેટ કૅપનું સંયુક્ત મૂલ્ય હોય છે.
દાખલા તરીકે, ભારતમાં એનએસઇ અને બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ વૅલ્યૂ કે બજારમૂલ્ય અત્યારે 4.92 ટ્રિલિયન ડૉલર છે.
જોકે, સ્ટૉક માર્કેટ વૅલ્યૂએશનની બાબતમાં તાઇવાન ભલે ભારત કરતાં આગળ નીકળી ગયું છે, પરંતુ આઇએમએફના અનુમાન અનુસાર, ભારતની 4.15 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા હજુ પણ તાઇવાનની 977 અબજ ડૉલરની જીડીપી કરતાં ઘણી મોટી છે અને દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે.
પરંતુ, આને આ રીતે પણ જોઈ શકાય છે કે, 4.15 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાવાળા ભારતને 977 અબજ ડૉલરની અર્થવ્યવસ્થાવાળા તાઇવાને પાછળ રાખી દીધું છે.
બ્લૂમબર્ગના આંકડા અનુસાર, સોમવાર સુધી તાઇવાનના શૅરબજારનું કુલ મૂલ્ય વધીને 4.95 ટ્રિલિયન ડૉલર પહોંચી ગયું, જ્યારે ભારતીય શૅરબજારોનું મૂલ્ય ઘટીને 4.92 ટ્રિલિયન ડૉલર થઈ ગયું.
હવે તાઇવાનનું શૅરબજાર દુનિયાનું પાંચમું સૌથી મોટું બજાર બની ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકા, ચીન, જાપાન અને હૉંગ-કૉંગ પછી તાઇવાન આવી ગયું છે.
સૌથી રસપ્રદ બાબત એ છે કે ટૉપ ફાઇવમાં ત્રણ ચીન, હૉંગ-કૉંગ અને તાઇવાન છે. હૉંગ-કૉંગ ચીનનું જ સ્વાયત્ત ક્ષેત્ર છે અને તાઇવાનને પણ ચીન પોતાનો જ ભાગ માને છે.
તાઇવાનના વૈશ્વિક ઇક્વિટી રૅન્કિંગમાં આ ઝડપી ઉછાળાનું મુખ્ય કારણ ટીએસએમસી છે, જેનું વેઇટેજ હવે તાઇવાનના બૅંચમાર્ક ઇન્ડેક્સ તાઇઍક્સમાં લગભગ 42 ટકા છે.
એઆઇના કારણે મોટો ઉછાળો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)માં ઉછાળાનો ફાયદો ઉઠાવીને ચાલુ વર્ષે ટીએસએમસીના શૅરોમાં 49 ટકાનો ઉછાળો આવ્યો છે, કેમ કે એઆઇ સાથે સંકળાયેલા સેમિકંડક્ટર બજારમાં તેની મજબૂત અને લગભગ પ્રભુત્વવાળી સ્થિતિ છે.
તાઇવાનના શૅરબજાર મૂલ્યમાં આવેલો ભારે ઉછાળો દર્શાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બાબતમાં વૈશ્વિક સ્તરે કેટલું સકારાત્મક વાતાવરણ છે.
આ જ આશાના લીધે દુનિયાભરમાં ટૅક્નૉલૉજી શૅરોમાં રેલી શરૂ થઈ છે, જેનો સૌથી વધુ લાભ તાઇવાન અને દક્ષિણ કોરિયાના મૅન્યુફૅક્ચરિંગ હબને મળી રહ્યો છે.
બ્લૂમબર્ગે લખ્યું છે કે બીજી તરફ ભારત વધતા ઊર્જાખર્ચ, કૉર્પોરેટ નફામાં ધીમી વૃદ્ધિ અને એઆઇના ક્ષેત્રમાં નિષ્ણાત કંપનીઓની અછત સામે ઝઝૂમી રહ્યું છે.
ફ્રૅન્કલિન ટૅમ્પલ્ટન ઇન્વેસ્ટમેન્ટના ફંડ મૅનેજર યી પિંગ લિયાઓએ બ્લૂમબર્ગને કહ્યું, "તાઇવાનનું વધતું માર્કેટ કૅપિટલાઇઝેશન મૂળભૂત રીતે ટૅક હાર્ડવૅરમાં તેની મોટી ભાગીદારીને દર્શાવે છે, જે વર્તમાન સમયે એઆઇ રોકાણના કેન્દ્રમાં છે."
તેમણે કહ્યું, "જે બજારોમાં ટૅક હાર્ડવૅરની સીમિત હાજરી છે, તે હવે તાઇવાન અને દક્ષિણ કોરિયા જેવાં ટૅક હાર્ડવૅર પ્રધાન બજારો કરતાં પાછળ થતાં જાય છે."
નવા નાણાકીય નિયમો પણ ટીએસએમસીને મદદરૂપ બન્યા છે. ગયા મહિને તાઇવાનના નાણાકીય નિયામકે ઘરેલુ ફંડ્સની કોઈ એક શૅરમાં રોકાણની મર્યાદા વધારી દીધી હતી.
નવા દિશા-નિર્દેશો હેઠળ માત્ર તાઇવાની શૅરોમાં રોકાણ કરનાર ફંડ હવે પોતાની કુલ સંપત્તિના 25 ટકા સુધી એવા કોઈ લિસ્ટેડ શૅરમાં રોકી શકે છે, જેનું વેઇટેજ તાઇઍક્સ ઇન્ડેક્સમાં 10 ટકા કરતાં વધારે હોય. અગાઉ આ સીમા માત્ર 10 ટકા હતી.
અત્યારે માત્ર ટીએસએમસી જ આ માપદંડને પૂરા કરે છે. જેપી મૉર્ગન ચેઝનું કહેવું છે કે આ ફેરફારથી તાઇવાનમાં 6 અબજ ડૉલર કરતાં વધારેનું નવું રોકાણ આવી શકે છે.
વિદેશી રોકાણકારો અને ભારત

ઇમેજ સ્રોત, Getty Images
ચાલુ વર્ષે ભારતીય શૅરબજારમાંથી રેકૉર્ડ સ્તરે વિદેશી રોકાણકારોએ પોતાના પૈસા કાઢી લીધા છે.
તેની પાછળ શૅરોમાં મોઘા ભાવ, નબળો પડતો રૂપિયો અને વધતો ઊર્જાખર્ચ જેવાં કારણ ગણાવાઈ રહ્યાં છે.
ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય શૅરબજારમાંથી વિદેશી રોકાણકારો લગભગ 24 અબજ ડૉલર કાઢી ચૂક્યા છે.
વિદેશી રોકાણકારોનો બધો ભાર એઆઇના શૅરો પર છે અને ભારતની પાસે એઆઇમાં અત્યારે કોઈ મજબૂત વિકલ્પ ઉપલબ્ધ નથી.
ભારતનો મુખ્ય શૅર સૂચકાંક સેન્સેક્સ ચાલુ વર્ષે લગભગ 10 ટકા નીચે છે.
એમએસસીઆઇ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં ભારતની ભાગીદારી પણ ગયા વર્ષના 19 ટકાથી ઘટીને લગભગ 12 ટકા થઈ ગઈ છે.
માત્ર બે વર્ષ પહેલાં ભારત હૉંગ-કૉંગ કરતાં આગળ નીકળીને દુનિયાનું ચોથું સૌથી મોટું શૅરબજાર બની ગયું હતું.
પરંતુ બે વર્ષ પછી હવે હૉંગ-કૉંગ ચોથા નંબરે છે અને તાઇવાન પણ ભારત કરતાં આગળ નીકળી ગયું.
કહેવાય છે કે, દક્ષિણ કોરિયા પણ ટૂંક સમયમાં જ ભારત કરતાં આગળ નીકળી શકે છે. પહેલાંથી જ કહેવાઈ રહ્યું હતું કે ભારત એઆઇની રેસમાં પાછળ રહી ગયું છે.
ચાલુ મહિને ગ્લોબલ ઇન્વેસ્ટર અને આર્થિક બાબતોના ઍક્સ્પર્ટ રુચિર શર્માએ ભારતના અગ્રગણ્ય અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સ્પ્રેસને કહેલું, "હવે ભારતમાંથી એટલા માટે મૂડી કાઢી લેવામાં આવી રહી છે, કેમ કે, આજે દુનિયાનું લગભગ બધું જ ધ્યાન એઆઇ પર છે."
"રોકાણકાર એઆઇની વૈશ્વિક દોડના દીવાના થઈ ગયા છે અને આ દોડમાં ભારતને એક નબળા ખેલાડીરૂપે જોવામાં આવે છે. અત્યારે દુનિયા એઆઇના 'પિક્સ ઍન્ડ શૉવેલ્સ' તબક્કામાં છે. એટલે કે સેમિકંડક્ટર, મેમરી અને કમ્પ્યૂટિંગ ક્ષમતા પર ફોકસ છે. આ ક્ષેત્રોમાં ભારત નબળું છે."
રુચિર શર્માએ કહેલું, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શૅરબજારમાંથી 50 અબજ ડૉલર કાઢી લીધા છે. નેટ એફડીઆઇ પણ લગભગ શૂન્ય છે. રોકાણના મારા 30 વર્ષના અનુભવમાં મેં ભારત માટેની આટલી ઉદાસીનતા ક્યારેય નથી જોઈ. 2013ના 'ફ્રૅજાઇલ ફાઇવ' દોરમાં ભારત માટે નકારાત્મકતા હતી, પરંતુ આજે સ્થિતિ તેનાથી પણ ખરાબ છે. રોકાણકારોનું બધું ધ્યાન એઆઇ પર છે અને ભારતની નબળાઈઓ હવે સ્પષ્ટ દેખાઈ રહી છે."
ભારત પાછળ કેમ પડી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
રુચિર કહે છે, "ભારત રિસર્ચ પાછળ જીડીપીના માત્ર 0.6 ટકા ખર્ચે છે, જ્યારે દક્ષિણ કોરિયા અને તાઇવાન ચારથી પાંચ ટકા સુધી ખર્ચે છે. આ બાબતમાં ઇઝરાયલ દુનિયામાં સૌથી આગળ છે. આપણું આઇટી સેક્ટર લાંબા સમય સુધી સસ્તા શ્રમ અને આઉટસોર્સિંગ આધારિત મૉડલ પર નિર્ભર રહ્યું, ઇનૉવેશન અને નવી તકનીક વિકસાવવા પર નહીં. હવે આ જ નબળાઈ આપણી સામે મોટો પડકાર બનીને પાછી આવી રહી છે."
20 મેએ અંગ્રેજી અખબાર 'હિંદુસ્તાન ટાઇમ્સ'માં આરબીઆઇના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવે પણ લખ્યું હતું કે ભારત ટૅક્નૉલૉજીની બાબતમાં પાછળ પડતું જાય છે.
સુબ્બારાવે લખ્યું હતું, "વિદેશી રોકાણકાર દુનિયાભરમાં વધુ સારી તકોની શોધમાં ભારતમાંથી પૈસા કાઢીને બીજાં બજારોમાં જતા રહ્યા. વૈશ્વિક સ્તરે મૂડી હવે તકનીક આધારિત અર્થવ્યવસ્થાઓ, ખાસ કરીને એઆઇ, બાયૉટૅક અને ડેટા સેન્ટર્સ તરફ આકર્ષાઈ રહી છે. ભારત હજુ પણ ઝડપથી વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થા છે, પરંતુ આ અત્યાધુનિક તકનીકી ક્ષેત્રોમાં તેની ભૂમિકા સીમિત જોવા મળે છે. જેમ-જેમ પૈસા ઇનૉવેશનવાળી ઇકૉનૉમી તરફ જાય છે, રૂપિયા પર દબાણ વધવું લગભગ નિશ્ચિત છે."
સુબ્બારાવે લખ્યું હતું, "ભારતનો વિદેશી મુદ્રા ભંડાર હજુ પણ લગભગ 700 અબજ ડૉલરની આસપાસ છે, જે દુનિયાના સૌથી મોટા ભંડારોમાંથી એક છે. પરંતુ તેનાથી અતિઆત્મવિશ્વાસ ન થઈ જવો જોઈએ. સામાન્ય સમયમાં આ રકમ મોટી લાગી શકે છે, પરંતુ સંકટના સમયે તેનું ખરું મહત્ત્વ તેની વિશ્વસનીયતા હોય છે."
બ્લૂમબર્ગે પોતાના એક રિપોર્ટમાં લખ્યું છે, "એઆઇ આધારિત ટૅક શૅરોમાં ભારતની ગેરહાજરી તેના પર ભારે પડી રહી છે. બીજી તરફ ઈરાન યુદ્ધના લીધે સ્થાનિક કંપનીઓના નફા પર દબાણ વધવાથી આ સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે."
ક્રિસિલ રેટિંગ્સના એક રિપોર્ટ અનુસાર, "જો સંઘર્ષ લાંબો ચાલ્યો, તો કૉર્પોરેટ નફામાં લગભગ 200 બેસિસ પૉઇન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. ઍરલાઇન્સ, પૉલિએસ્ટર ટેક્સટાઇલ, સ્પેશિયલિટી કેમિકલ્સ, ફ્લેક્સિબલ પૅકેજિંગ અને ઑટોમોબાઇલ સેક્ટર સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















