પરણેલા લોકોમાં આત્મહત્યા કેમ વધુ જોવા મળે છે, નવા અહેવાલમાં શું સામે આવ્યું

લગ્ન સંબંધ, બીબીસી ગુજરાતી, માનસિક તણાવ, mental health, marital problems

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મૃદુલિકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

લગ્નને લાંબા સમયથી સામાજિક તથા પારિવારિક સ્થિરતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. જોકે, હાલના આંકડા સૂચવે છે કે, આ સ્થિરતા હાંસલ કરવા માટેનું દબાણ હવે ઘણા લોકો માટે માનસિક હતાશાનું નિમિત્ત બની રહ્યું છે.

અમુક કિસ્સાઓમાં તેના કારણે લોકો આત્મહત્યા જેવા આત્યંતિક નિર્ણયો લેવા તરફ વળતા હોવાની ચોંકાવનારી વિગતો નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્ઝ બ્યૂરો (એનસીઆરબી)ના અહેવાલમાં સામે આવી છે.

'ઍક્સિડેન્ટલ ડેથ્સ ઍન્ડ સ્યૂસાઇડ્ઝ ઇન ઇન્ડિયા, 2024' એવું શીર્ષક ધરાવતા એનસીઆરબીના અહેવાલ અનુસાર, દેશમાં પારિપારિક સમસ્યા હજુ પણ આત્મહત્યા પાછળનું મોટું કારણ છે.

2024માં આત્મહત્યાના જે 1.70 લાખ કરતાં વધુ કેસ નોંધાયા હતા, તે પૈકીના ત્રીજા ભાગ કરતાંયે વધુ કેસોમાં ઉપરોક્ત કારણ જ જવાબદાર હતું. તેના પછી લાંબી કે ગંભીર બીમારી, નશીલાં દ્રવ્યોની લત અને વૈવાહિક તણાવ જેવાં કારણો જવાબદાર હોય છે.

(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)

એનસીઆરબીના રિપોર્ટમાં લગ્ન સંબંધિત પ્રશ્નો માટે અલગ વિભાગ સામેલ કરવામાં આવ્યો છે. તેમાં લગ્ન ન થવા, દહેજની તકરારો, લગ્ન બાહ્ય સંબંધો, છૂટાછેડા તથા લગ્નને લગતા અન્ય તણાવો જેવાં કારણોને આવરી લેવામાં આવ્યાં છે.

અહેવાલ મુજબ, 18થી 30 વર્ષની વયના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા હતા અને તે પછીના ક્રમે 30થી 45 વર્ષની વયના લોકો આવતા હતા.

આ આંકડાઓમાં અન્ય એક પેટર્ન પણ સ્પષ્ટપણે જોવા મળે છે. પરણેલા લોકોમાં આત્મહત્યા કરવાનું પ્રમાણ ઘણું ઊંચું હતું. અહેવાલ પ્રમાણે, તમામ આત્મહત્યાઓ પૈકીની 67.5 ટકા આત્મહત્યાઓ પરણેલા લોકોએ કરી હતી.

ગુજરાતમાં આપઘાતનો દર કેટલો છે

લગ્ન સંબંધ, બીબીસી ગુજરાતી, માનસિક તણાવ, mental health, marital problems

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રત્યેક એક લાખ લોકોની વસ્તીમાં થતી આપઘાતની સંખ્યાને 'આત્મહત્યા દર' કહેવામાં આવે છે. 2024માં સમગ્ર ભારતમાં સરેરાશ આત્મહત્યા દર (સ્યૂસાઇડ રેટ) 12.2 નોંધાયો હતો.

આ માપન અનુસાર, અંદામાન અને નિકોબાર ટાપુસમૂહ (40.6) આ યાદીમાં ટોચના સ્થાને રહ્યો હતો જ્યાં દર એક લાખની વસ્તીએ 41 મોત જીવન ટૂંકાવવાને કારણે નીપજ્યાં હતાં. ત્યાર પછીના ક્રમે સિક્કિમ (36.3), કેરળ (30.2), તેલંગણા (28.6) અને છત્તીસગઢ (26) જેવાં રાજ્યો રહ્યાં હતાં. દેશની રાજધાની દિલ્હીનો આત્મહત્યા દર 13.2 નોંધાયો હતો. જ્યારે ગુજરાતમાં આ દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ એટલે કે 12.4 ટકા નોંધાયો હતો.

ત્યારે ગુજરાતમાં વર્ષ 2024માં 8.984 આત્મહત્યાના કેસ નોંધાયા હતા.

આંકડાકીય રીતે જોતાં, સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાંથી આવ્યા હતા, જે કુલ કેસોનો લગભગ 49 ટકા હિસ્સો ધરાવે છે.

લગ્ન સંબંધિત પ્રશ્નો કયા હોય છે, તે જાણવા માટે બીબીસીએ દિલ્હીમાં એનસીઆરબીના અધિકારીઓ સાથે વાત કરી હતી.

આસિસ્ટન્ટ ડિરેક્ટર પૂનમના જણાવ્યા પ્રમાણે, આ વિભાગ લગ્ન સંબંધિત તણાવ, સમજણનો અભાવ કે પછી સંબંધોમાં ઉદ્ભવતા અન્ય સંઘર્ષોના કેસો નોંધે છે. જોકે, અધિકારીઓએ કહ્યું હતું કે, એનસીઆરબી માત્ર રાજ્યોમાંથી જ ડેટા એકત્રિત કરતું હોવાથી તેમની પાસે સંપૂર્ણ માહિતી હોતી નથી.

નિષ્ણાતો જણાવે છે કે, દેશના ઘણા ભાગોમાં લગ્નને આજે પણ જીવનમાં 'ઠરીઠામ' થવા તરીકે જોવામાં આવે છે. વડીલો ઘણી નાની વયથી જ યુવાન લોકો પર લગ્નની અપેક્ષાઓ લાદવા માંડે છે. જો યુવાનો નિશ્ચિત સમયની અંદર લગ્ન ન કરી લે, તો સમાજના ઘણા લોકો એવું વિચારે છે કે, તેઓ સામાજિક રીતે પછાત છે અથવા તો અન્ય લોકોની નજરમાં ઊતરતા છે.

દિલ્હી સ્થિત રિલેશનશિપ કાઉન્સેલર રિચા હોરાએ જણાવ્યું હતું, "આજની પેઢી જે સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહી છે, તે છે સંબંધો અને લગ્નને લઈને વધી રહેલી અનિશ્ચિતતા. ઘણા યુવાન લોકો એ નથી સમજતા કે, લગ્ન તેમની કારકિર્દી, સપનાંઓ અને અંગત જીવનને કઈ દિશા તરફ લઈ જશે."

તેમણે જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં એવા ઘણા કિસ્સા બન્યા છે, જ્યાં લાંબા સમયથી સાથે રહેતાં અપરિણીત યુગલો લગ્ન વિશે મૂંઝવણ ધરાવતાં હોવાને કારણે પ્રિ-મેરેજ કાઉન્સેલિંગ (લગ્ન પૂર્વે કાઉન્સેલિંગ) માટે આવતાં હોય.

તેમણે એક એવા કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં લગભગ આઠ વર્ષથી સંબંધ ધરાવતું યુગલ મદદ મેળવવા માટે આવ્યું હતું.

રિચા હોરાના જણાવ્યા પ્રમાણે, 'તે યુવક અને યુવતી, બંનેનો ભૂતકાળ પણ મુશ્કેલીઓથી ભરેલો હતો. યુવતી તેના પરિવારમાં ભગ્ન સંબંધો જોઈ ચૂકી હતી. તેના લીધે, તે વધુ ભાવનાત્મક સુરક્ષા ઇચ્છતી હતી. '

'બીજી તરફ, યુવક તેના પરિવારમાં હિંસક વાતાવરણ જોઈ ચૂક્યો હતો. તેના લીધે તેની પોતાની સમસ્યાઓ હતી.'

'જ્યારે ભાવનાત્મક રીતે અસુરક્ષિત એવાં આ યુવક-યુવતી એકબીજાંને મળ્યાં, ત્યારે તેમની વચ્ચે જોડાણ સ્થપાયું, પણ તે બંને એકમેકને સમજતાં નહોતાં. ધીમે-ધીમે સંબંધ તંગ થવા માંડ્યો અને અવિશ્વાસ વધવા લાગ્યો. છોકરાએ એવું પણ કહ્યું કે, તેને લગ્નેતર સંબંધ હતો.'

'વૈવાહિક તણાવના કિસ્સા વધી રહ્યા છે'

લગ્ન સંબંધ, બીબીસી ગુજરાતી, માનસિક તણાવ, mental health, marital problems

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીએ આ મુદ્દે દિલ્હી હાઇકોર્ટના સિનિયર ઍડવોકેટ મનીષ ભદૌરિયા સાથે પણ વાત કરી હતી.

તેમનું માનવું છે કે, સત્તાવાર આંકડા ન હોવા છતાં પારિવારિક અને વૈવાહિક ઝઘડાનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું, "લગભગ દરેક ફેમિલી લૉયર પાસે લગ્નને લગતા ઘણા કેસો હોય છે. મારી પાસે જે કેસો આવે છે, તે પૈકીના મોટાભાગના કેસ પણ લગ્ન અને સંબંધો અંગેના વિખવાદોના જ હોય છે."

વધુમાં તેમણે કહ્યું હતું, "ઘણી વખત લગ્ન પાછળ લખલૂંટ ખર્ચો કરવા છતાં પણ થોડા જ સમયની અંદર કાનૂની વિવાદો ઉદ્ભવતા હોવાના કિસ્સા પણ મોજૂદ છે."

મનીષ ભદૌરિયાનું માનવું છે કે, ઘણા કિસ્સાઓમાં લોકો સતત સંઘર્ષોનો સામનો કરતા હોય છે, જેની તેમના માનસિક આરોગ્ય પર અવળી અસર પડે છે.

તેમણે જણાવ્યું હતું, "જીવનશૈલીમાં તફાવતો અને એકમેક પાસેથી અપેક્ષાઓ પણ સંબંધોમાં તણાવ સર્જાવા પાછળનું મોટું કારણ છે. ઘણી વખત બંને પાર્ટનર્સ અલગ-અલગ રીતે જીવન જીવવા માગતાં હોય છે. તે તફાવત જ આખરે છૂટા પડવા તરફ દોરી જાય છે."

'જો સમાજ બદલાય, તો તણાવ પણ વધશે'

નિષ્ણાતોના મતાનુસાર, આત્મહત્યાના કુલ કિસ્સાઓમાં પુરુષોનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે મહિલાઓની માનસિક વેદના અન્ય સ્વરૂપે પ્રગટ થતી હોય છે.

મિરાન્ડા હાઉસ કૉલેજ ખાતે સમાજશાસ્ત્ર વિભાગનાં હૅડ પ્રોફેસર રીમા ભાટિયા એક યુવાન મહિલાનું ઉદાહરણ ટાંકે છે, જે આઇઆઇટીમાં ભણતાં હતાં અને ઘણાં વર્ષો સુધી જર્મનીમાં કામ કર્યું. તેમ છતાં, તેમના લગ્ન બાદ તેમની પાસેથી ઘરેલૂ કામો કરવાની જ અપેક્ષાઓ રાખવામાં આવે છે.

રીમા ભાટિયા કહે છે, "લગ્ન એ હજુયે આપણા દેશમાં એક સાર્વત્રિક વિચાર છે. ઘણા લોકો લગ્ન કરે છે."

"મોટાભાગના લોકો તેને સફળતાનો માપદંડ માને છે. પણ સમસ્યા એ છે કે... લગ્નની વાત આવે, ત્યારે મહિલાઓ અને પુરુષોની અપેક્ષાઓ જુદી-જુદી હોય છે."

તેમણે કહ્યું હતું કે, "છોકરીઓ હવે આગળ વધી રહી છે, શિક્ષિત થઈ રહી છે અને બહાર નીકળીને કામ કરી રહી છે. પણ, લગ્ન પછી તેમની પાસેથી - તેઓ ઘરેલૂ કામો કરે, તેવી અપેક્ષા સેવવામાં આવે છે."

"બીજી તરફ પુરુષો તે સ્તર પર તેમની સાથે મેળ બેસાડી શકતા નથી."

ફ્રેન્ચ સમાજશાસ્ત્રી એમાઇલ ડર્ખીમે લખેલા પુસ્તક 'સ્યૂસાઇડ - અ સ્ટડી ઇન સોશિયોલૉજી'નો સંદર્ભ આપતાં પ્રોફેસર ભાટિયાએ કહ્યું હતું, "જ્યારે પણ સમાજ પ્રગતિ સાધે, ત્યારે આત્મહત્યાનું પ્રમાણ વધે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.