સૂર્યમંડળના 'નવમા ગ્રહ'ના રહસ્યનો ઉકેલ શું હવે હાથવેંતમાં છે, તેના વિશે હજુ સુધી શું જાણવા મળ્યું?

ઇમેજ સ્રોત, Caltech/R Hurt (IPAC)
- લેેખક, ફર્નાન્ડો ડુઆર્ટે
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
પ્લૂટોએ 2006માં ગ્રહ તરીકેનો તેનો દરજ્જો ગુમાવ્યો, ત્યારથી આપણને કહેવામાં આવતું હતું કે, આઠ ગ્રહો એક-મેકના પાડોશી છે, પણ કેટલાક વિજ્ઞાનીઓનું માનવું છે કે, રહસ્યમયી નવમો સભ્ય અસ્તિત્વ ધરાવે છે અને એક અત્યંત શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી આપણે તેને શોધી લેવાના આરે હોઈ શકીએ છીએ.
ઉત્તર ચિલીમાં પર્વતની ટોચ પર વેરા રૂબિન ઑબ્ઝર્વેટરીએ જૂન, 2025માં બ્રહ્માંડને જોવાની આપણી રીતમાં ક્રાંતિ લાવવાનું તેનું મિશન આદર્યું.
અને તે જે બાબતો પર પ્રકાશ પાડવાની આશા સેવે છે, તેમાં આપણા બ્રહ્માંડની રચનાનો પણ સમાવેશ થાય છે.
પ્લૅનેટ નાઇન (નવમા ગ્રહ)નું અસ્તિત્વ 2016થી વિજ્ઞાનીઓમાં રસ અને અસંમતિનો વિષય રહ્યો છે.
આ એ જ વર્ષ હતું, જ્યારે અમેરિકાની કૅલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી (કેલટૅક)ના ખગોળશાસ્ત્રીઓ કૉન્સ્ટેન્ટિન બેટીગિન અને માઇકલ બ્રાઉને એક પેપર પ્રકાશિત કર્યું, જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, સૂર્યમંડળની બાહ્ય સીમામાં પૃથ્વીના દળ કરતાં આશરે 10 ગણો મોટો ગ્રહ આવેલો છે.
તેમનો દાવો હતો કે, માત્ર એક મહાકાય અવકાશી પદાર્થની હાજરી જ નૅપ્ચ્યુનની પેલે પાર કૂપર બેલ્ટ તરીકે ઓળખાતા પ્રદેશમાં સૂર્યની ફરતે ભ્રમણ કરતા બર્ફીલા પદાર્થો એવા છ દૂરના ટ્રાન્સ-નૅપ્ચ્યુનિયન ઑબ્જેક્ટ્સ (ટીએનઓ)ના જૂથનું વર્તન સમજાવી શકે છે.
દૂર-દૂરના આ ટીએનઓ અસાધારણ રીતે નમેલા છે અને લાંબી ભ્રમણકક્ષા ધરાવે છે, જે સૂચવે છે કે, તેઓ પાડોશના કોઈ વિશાળ ગુરુત્વાકર્ષણના પ્રભાવ હેઠળ હોઈ શકે છે.
પ્રોફેસર બ્રાઉને બીબીસીને જણાવ્યું હતું, "જો પ્લૅનેટ નાઇન નથી, તો ઘણી વિચિત્ર ઘટનાઓ બદલ આપણી પાસે હવે કોઈ સ્પષ્ટતા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો તમે ખગોળશાસ્ત્રના વળાંકોને નથી અનુસરતા, તો તમે અહીં એક કટાક્ષ ચૂકી રહ્યા છોઃ રહસ્યમય નવા ગ્રહના અગ્રણી સમર્થક બ્રાઉન એ જ ખગોળશાસ્ત્રી છે, જેમણે બે દાયકા અગાઉ નવમા ગ્રહને રુખસદ આપવા ક્ષેત્રે મહત્ત્વનું કામ કર્યું હતું.
1930માં પ્લૂટોની શોધ થઈ, ત્યારથી તેને આપણા સૂર્યમંડળના સૌથી નાના અને સૌથી દૂરના ગ્રહ તરીકે દર્શાવવામાં આવતો હતો.
પણ 2005માં, બ્રાઉન અને બે સહકર્મીઓએ નૅપ્ચ્યુનથી આગળ સૂર્યની આસપાસ ભ્રમણ કરતા પ્લૂટોના કદનો પદાર્થ - એરિસ શોધ્યો.
એરિસની શોધે 2005માં ગ્રહની વ્યાખ્યા બદલવાના અને પ્લૂટોને સૂર્યમંડળના પરિવારમાંથી બહાર કાઢીને તેને એરિસની સાથે વામન ગ્રહ બનાવવાના ઇન્ટરનૅશનલ ઍસ્ટ્રોનૉમિકલ યુનિયન (આઇએયુ)ના નિર્ણય પર ભારે પ્રભાવ પાડ્યો.
વિશિષ્ટ, ઝાંખો અને દૂરસ્થ 'ગ્રહ' કેવો છે

ઇમેજ સ્રોત, NASA
નવમા ગ્રહના વિચાર અંગેની સૌથી મોટી સમસ્યા એ છે કે, આજ સુધી કોઈએ કમ સે કમ સત્તાવાર રીતે તેની પુષ્ટિ નથી કરી. ઉદાહરણ તરીકે, બેટીગિન અને બ્રાઉને તેમના દાવા માટે કમ્પ્યુટર મૉડલ્સનો ઉપયોગ કર્યો હતો.
તેનું એક આંશિક કારણ એ છે કે, પ્લૅનેટ નાઇન (જો અસ્તિત્વ ધરાવે છે) તો વાસ્તવમાં તે આપણાંથી ઘણો-ઘણો દૂર આવેલો છે.
કેલટૅકના ખગોળશાસ્ત્રીઓના અંદાજ પ્રમાણે, તે નૅપ્ચ્યુન અને સૂર્ય વચ્ચેના અંતર કરતાં (સૂર્યથી) સરેરાશ 20 ગણો વધારે દૂર છે. તેનો અર્થ એ કે, સૂર્યની આસપાસ એક ચક્ર પૂરું કરતાં તેને 20,000 પૃથ્વી વર્ષો લાગી શકે છે.
સૂર્યથી આટલા બધા દૂર હોવાને કારણે તે અત્યંત ઓછો પ્રકાશ પરિવર્તિત કરે છે, જેના લીધે તે અત્યંત ઝાંખો દેખાય છે.
આટલું હજી ઓછું હોય તેમ, તેમણે આગાહી કરી હતી કે, નવમા ગ્રહની ભ્રમણકક્ષા એકદમ વિચિત્ર હશે.
સૂર્યની ફરતે ફરનારા આઠ ગ્રહો લગભગ વર્તુળાકાર અને સપાટ ભ્રમણકક્ષામાં ફરે છે, પણ નવમા ગ્રહની ગતિ એકદમ લંબગોળ અને નમેલી હશે. પણ તેને જોવાની સંભવિતતાઓ બદલાઈ શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ જેવાં શક્તિશાળી જૂનાં ટેલિસ્કોપ અવકાશમાં રહેલાં ચોક્કસ લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બનાવવામાં આવ્યાં છે, જ્યારે વેરા રૂબિન ઑબ્ઝર્વેટરી દર થોડી-થોડી રાતે સમગ્ર દક્ષિણ ગોળાર્ધના અવકાશનું નિરીક્ષણ કરે છે.
અત્યાર સુધીના સૌથી વિશાળ ડિજિટલ કૅમેરા જેવી સુવિધાઓથી સજ્જ આ ઑબ્ઝર્વેટરી તેનાં 10 વર્ષના મિશનમાં 40,000 કરતાં વધારે નવા ટીએનઓ સહિત બ્રહ્માંડના અબજો પદાર્થોની યાદી બનાવશે.
ઑબ્ઝર્વેટરીનાં ખગોળશાસ્ત્રી ડૉક્ટર સારાહ ગ્રીનસ્ટ્રીટ કહે છે, "રૂબિન ઑબ્ઝર્વેટરી અવકાશમાં અત્યંત ઝાંખા અને આપણે અગાઉ કદી ન જોયા હોય, તેવા સુદૂરના પદાર્થોને શોધી શકે છે."
તેઓ દાવો કરે છે, "જો પ્લૅનેટ નાઇન તેના અનુમાનિત કદ અને સ્થળ પર અસ્તિત્વ ધરાવતો હોય... તો રૂબિન ઑબ્ઝર્વેટરી તેને શોધી કાઢશે."
ફરી નૅપ્ચ્યુન જેવું થશે?

ઇમેજ સ્રોત, Corbis via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બ્રાઉન એમ પણ માને છે કે, રૂબિન ઑબ્ઝર્વેટરી કાં તો પ્લૅનેટ નાઇનને સીધો જ શોધી કાઢશે અથવા તો તે અસ્તિત્વ ધરાવે છે કે નહીં, તેના સજ્જડ પુરાવા શોધી કાઢશે.
જો તે અસ્તિત્વ ધરાવતો હોય, તો એકાદ-બે વર્ષની અંદર તેને શોધી શકાશે - જે એક મહત્ત્વનું સીમાચિહ્ન બની રહેશે, એવો બ્રાઉનનો અભિપ્રાય છે.
1846માં નૅપ્ચ્યુનની ઔપચારિક શોધનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે, "પ્લૅનેટ નાઇન આપણા સૂર્યમંડળનો પાંચમો સૌથી મોટો ગ્રહ અને 180 વર્ષોમાં શોધાયેલો પ્રથમ ગ્રહ હશે!"
ખગોળશાસ્ત્રીઓએ નૅપ્ચ્યુનના પાડોશી - યુરેનસની ભ્રમણકક્ષામાં અનિયમિતતાઓ નોંધી, તે પછી નૅપ્ચ્યુનના અસ્તિત્વની આગાહી કરવામાં આવી હતી.
તે પછી આકાશમાં નૅપ્ચ્યુનનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે જર્મન ખગોળશાસ્ત્રી જોહાન ગોટફ્રીડ ગાલેએ ગણતરીનો ઉપયોગ કર્યો હતો.
પણ પછીથી જાણવા મળ્યું કે, છેક 1612માં ગેલિલિયો ગેલિલી નૅપ્ચ્યુનનું અવલોકન કરી ચૂક્યા હતા, પણ ગ્રહ તરીકે તેની ઓળખ કરી નહોતી, કારણ કે, તારાઓની સાપેક્ષમાં તેની ગતિવિધિ તે યુગના ટેલિસ્કોપ માટે અત્યંત ધીમી અને સૂક્ષ્મ હતી.
શું પ્લૅનેટ નાઇન સાથે પણ આવું થઈ શકે છે?
યેલ યુનિવર્સિટી ખાતે પ્લૅનેટરી ઍસ્ટ્રોફિઝિસિસ્ટ આસિસ્ટન્ટ મેલેના રાઇસને તે અંગે શંકા છે.
તેઓ કહે છે, "હું નથી માનતી કે, પ્લૅનેટ નાઇન પહેલેથી જ આપણા ડેટામાં નથી. આપણે ધ્યાનપૂર્વક જોવાની જરૂર છે."
સર્વત્ર સામાન્ય

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images
ગયા વર્ષે એપ્રિલમાં જાપાન, તાઇવાન તથા ઑસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓની એક ટીમે પણ કદાચ આવું જ કર્યું છે.
તેમણે અનુક્રમે 1983 અને 2006માં લૉન્ચ કરવામાં આવેલાં બે ઇન્ફ્રારેડ સ્પેસ ટેલિસ્કોપે કરેલા આકાશનાં સર્વેક્ષણોનું વિશ્લેષણ કરીને ઝાંખાં ટપકાંની એક જોડી શોધી કાઢી, જે કદાચ 23 વર્ષો દરમિયાન ગતિ કરનારા તે અજાણ્યા ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.
કેટલાક ખગોળશાસ્ત્રીઓએ આ તારણો અંગે શંકા વ્યક્ત કરી છે. સંશોધન ટીમ સુદ્ધાં તે અંગે સતર્ક છે.
તાઇવાનની નૅશનલ સિંગ હુઆ યુનિવર્સિટી સ્થિત અગ્રણી લેખક ટેરી ફાન કબૂલે છે, "અમારા અભ્યાસે પ્લૅનેટ નાઇન (નવમા ગ્રહ)ની શોધ કરી છે, એમ કહેવું ઘણું વહેલું ગણાશે." તેને બદલે તેઓ તે અભ્યાસને "નવમા ગ્રહના સંભવિત ઉમેદવારની શોધ" ગણાવે છે.
પરંતુ એક મુદ્દો એ છે કેઃ નવમા ગ્રહનું અસ્તિત્વ રાઇસ જેવાં ખગોળશાસ્ત્રીઓ માટે આંચકાજનક બાબત નહીં હોય.
આ કલ્પિત ગ્રહ પૃથ્વી કરતાં મોટો, પણ નૅપ્ચ્યુન કરતાં નાનો હોવાની આગાહી છે. વળી, રાઇસ જણાવે છે કે, અન્ય ગ્રહમાળાઓમાં ગ્રહોનું આ કદ સામાન્ય છે.
તેઓ કહે છે, "અમે ઘણા તારાઓની આસપાસ આ પ્રકારના ગ્રહ જોઈએ છીએ અને સૌરમંડળમાં આવો એક પણ ગ્રહ નથી."
જો તે ગ્રહ નથી, તો શું છે?

ઇમેજ સ્રોત, Nasa, Esa and M Brown (Caltech)
પરંતુ, પ્લૅનેટ નાઇનની પૂર્વધારણાના વિરોધીઓએ બેટીગિન અને બ્રાઉનના વિશ્લેષણમાં અવલોકનાત્મક ભૂલોથી લઈને રહસ્યમય ગ્રહ અંગેના આપણા ઇતિહાસ સુધીની અનેક દલીલો રજૂ કરી છેઃ યુરેનસને ખેંચતા પ્લૅનેટ ઍક્સનો પ્રસ્તાવ વીસમી સદીના પ્રારંભમાં રજૂ કરવામાં આવ્યો હતો, પણ પાછળથી તે નામંજૂર કરાયો હતો.
જેની ભ્રમણકક્ષા બેટીગિન અને બ્રાઉનના વિશ્લેષણમાં દર્શાવેલા છ ટીએનઓ સાથે સંરેખિત નથી, તેવા ટ્રાન્સ-નૅપ્ચ્યુનિયન ઑબ્જેક્ટ (ટીએનઓ) એમોનાઇટની શોધ પણ શંકા જન્માવતી વધુ એક દલીલ છે.
જર્મનીની ફોર્શુંગ્ઝેન્ટ્રમ જુલિચ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઍસ્ટ્રોફિઝિસિસ્ટ્સની એક ટીમ દ્વારા એક સ્પર્ધાત્મક સિદ્ધાંત પણ રજૂ કરવામાં આવ્યો છે.
2025માં તેમણે કમ્પ્યુટર સિમ્યુલેશન્સ ચલાવ્યાં હતાં, જે સૂચવે છે કે, અબજો વર્ષ પહેલાં કોઈ મહાકાય તારો નજીકથી પસાર થવાથી ગુરુત્વાકર્ષણની અરાજકતા સર્જાઈ હોઈ શકે અને તેના કારણે ટીએનઓની ભ્રમણકક્ષા બદલાઈ હોઈ શકે છે.
અભ્યાસનું નેતૃત્વ સંભાળનારાં પ્રોફેસર સુઝાન ફાલ્ઝનર કબૂલે છે, "હું એમ નહીં કહું કે, પ્લૅનેટ નાઇનનું અસ્તિત્વ જ ન હોઈ શકે, પણ તેની સંભાવના ઘણી જ ઓછી છે."
ગ્રીનસ્ટ્રીટ જણાવે છે, "આ વધારાના ગ્રહ અંગેના પુરાવા તાજેતરનાં વર્ષોમાં ઓછા થઈ રહ્યા છે."
પણ રૂબિનની તસવીરો પ્લૅનેટ નાઇનને ન શોધે, તો પણ તેઓ જે પણ શોધ થાય, તે વિશે હકારાત્મક વલણ ધરાવે છે.
તેઓ કહે છે, "બાહ્ય સૂર્યમંડળનો ઘણો વિશાળ પ્રદેશ હજુયે વણખેડ્યો રહી ગયો છે... કોણ જાણે, ત્યાં બીજું શું છૂપાયું હશે!"
"આપણે દરેક સવાલનો જવાબ આપીએ, તે સાથે હંમેશાં નવા પ્રશ્નો ઉદ્ભવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















