સુરેન્દ્રનગર: વીજલાઈનના થાંભલા નાખવાની કામગીરીનો ખેડૂતોએ કર્યો ભારે વિરોધ - ન્યૂઝ અપડેટ

સુરેન્દ્રનગરમાં વિરોધ

ઇમેજ સ્રોત, SACHIN PITHVA/BBC

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ લાઈનના થાંભલા નાખવાની કામગીરી મુદ્દે આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

બીબીસી સહયોગી સચીન પીઠવાએ જણાવ્યા પ્રમાણે, આજે એક તરફ પોતાના 'ખેતરો બચાવવા' ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા તો બીજી તરફ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા કામગીરી આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ખેડૂતોનું કહેવું છે કે ઉપજાઉ જમીનમાં વીજ લાઈન પસાર થવાથી ખેતીને મોટું નુકસાન થશે, જમીનની કિંમત ઘટશે અને ભવિષ્યમાં ખેતી કરવી મુશ્કેલ બનશે. યોગ્ય વળતર અને લેખિત ખાતરી વિના કામગીરી સ્વીકાર્ય નહીં હોવાની માગ સાથે ખેડૂતો ખેતરોમાં જ રહ્યા હતા.

વિરોધ ઉગ્ર બનતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને કોંઢ ગામમાંથી કુલ 44 ખેડૂતોની અટકાયત કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ અગાઉ પણ પાવરગ્રીડ કંપની દ્વારા સર્વેની કામગીરી દરમિયાન ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આજે સ્થિતિને કાબૂમાં રાખવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો વિશાળ કાફલો કોંઢ ગામે તૈનાત કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસવડા, એએસપી, ડીવાયએસપી, પીઆઈ સહિત વિવિધ પોલીસ મથકોના અંદાજે 400થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં મુકાયો હતો.

ખેડૂતોનું કહેવું છે કે "જમીન અમારી જીવનરેખા છે, ન્યાય અને યોગ્ય વળતર વગર અમે પાછળ નહીં હઠીએ."

આ લખાય છે ત્યાં સુધી હજુ પાવરગ્રીડ કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી.

નીટ પેપરલીક થયા પછી રાહુલ ગાંધીએ CBSE સામે શું સવાલો ઉઠાવ્યા?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નીટ પેપરલીક કેસ પછી CBSE (સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન) બૉર્ડ પરીક્ષા અંગે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી છે.

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર પણ નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું , "દાયકાઓમાં પહેલી વાર, સીબીએસસી બૉર્ડની પરીક્ષાઓ વિશે આટલાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. 18.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એક અઠવાડિયાથી OSM, ખોટું માર્કિંગ અને ચેકિંગની અનિયમિતતાઓ અંગે થયેલી ફરિયાદો સાંભળવામાં આવી નથી."

પહેલી વાર, સીબીએસસીએ ઉત્તરવહી મૂલ્યાંકન માટે ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ લાગુ કરી. જેમાં અંદાજે 98.67 લાખ ઉત્તરવહીઓ સ્કેન કરવામાં આવી અને ડિજિટલી મૂલ્યાંકન કરવામાં આવ્યું.

બૉર્ડનો દાવો છે કે આનાથી મૂલ્યાંકન પ્રક્રિયા ઝડપી, પારદર્શક અને ત્રુટિરહિત બની છે, અને તેથી પરિણામો પણ ઓછા સમયમાં જાહેર કરી શકાય છે.

જોકે, પરિણામો જાહેર થયાં પછી, ઘણા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોએ ઓએસએમ સિસ્ટમ પર સવાલ ઉઠાવી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ડિજિટલ મૂલ્યાંકનમાં તેમના વિગતવાર જવાબોનું સચોટ મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.

આ ઉપરાંત કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 17 વર્ષના વિદ્યાર્થીને ટ્રોલ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

તેમણે લખ્યું, "એક 17 વર્ષનો છોકરો, જેની ઉત્તરવહી ખોટી રીતે તપાસવામાં આવી હતી, તે ન્યાયની આશામાં સોશિયલ મીડિયા પર આવ્યો. પરંતુ મદદને બદલે, તેને પણ ગાળો મળી."

આસામમાં યુસીસી બિલ રજૂ

ડોનાલ્ડ ટ્રમ્પે, પીએમ મોદી, બીબીસી, આસામ

ઇમેજ સ્રોત, Getty Images

આસામ સરકારે સોમવારે યુનિફૉર્મ સિવિલ કોડ (યુસીસી) પર એક બિલ વિધાનસભામાં રજૂ કર્યું છે, જેમાં બહુલગ્નો (એક કરતાં વધુ લગ્ન) પર રોક લગાવવા અને લિવ-ઇન સંબંધોની અનિવાર્ય નોંધણી કરવાની વાત કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, સંસદીય કાર્યમંત્રી અતુલ બોરાએ 'યુનિફૉર્મ સિવિલ કોડ, આસામ, 2026 બિલ' વિધાનસભામાં મૂક્યું છે.

કૉંગ્રેસ સમેત વિપક્ષોએ આ પગલાનો વિરોધ કરીને કહ્યું કે આને લાગુ કરતાં પહેલાં બધા પક્ષો સાથે ચર્ચા થવી જોઈએ.

મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, "પહેલી વાર બિલમાં લિવ-ઇન સંબંધોને કાયદાકીય રૂપ અપાઈ રહ્યું છે. અનિવાર્ય નોંધણીથી પાર્ટનરો અને એવા સંબંધોથી પેદા થયેલાં બાળકોના અધિકારોને માન્યતા મળશે."

જોકે બિલમાં કહેવાયું કે આ આસામમાં રહેનારા કોઈ પણ અનુસૂચિત જનજાતિ પર લાગુ નહીં થાય.

ગુજરાત વિધાનસભામાં પાસ થયું હતું યુસીસી બિલ

ગુજરાત વિધાનસભામાં 24 માર્ચે યુસીસી બિલ પાસ કરાયું હતું, જેમાં કહેવાયું હતું કે લગ્ન, તલાક, ઉત્તરાધિકારી અને લિવ-ઇન સંબંધોથી સંબંધિત એક જ કાયદો હશે. એટલે કે અલગ-અલગ ધર્મોના અલગ કાયદા નહીં હોય.

બિલમાં કહેવાયું હતું કે જો લગ્ન બળજબરી, દબાણ કે ખોટી રીતે કરાય તો સાત વર્ષની જેલની સજા થશે. તેમાં બહુલગ્નો પર રોક અને લિવ-ઇનની નોંધણી અનિવાર્ય કરાઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કૉલ પર કહ્યું - 'આઇ લવ પીએમ મોદી, તેઓ મારા મિત્ર છે'

ડોનાલ્ડ ટ્રમ્પે, પીએમ મોદી, બીબીસી

ઇમેજ સ્રોત, Mark Wilson/Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત મારા પર અને અમારા દેશ પર વિશ્વાસ કરી શકે છે (ફાઇલ ફોટો)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ભારતીય વડા પ્રધાન મોદીને ખૂબ પસંદ કરે છે અને ભારત અમેરિકા પર વિશ્વાસ કરી શકે છે.

અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસે નવી દિલ્હીમાં એક સમારોહ ચાલી રહ્યો હતો. આ સમારોહ દરમિયાન અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરેએ લાઇવ કૉલ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને સમારોહમાં સામેલ કર્યા હતા.

ટ્રમ્પે કૉલ પર કહ્યું , "આઇ લવ પ્રાઇમ મિનિસ્ટર મોદી. તેઓ ખૂબ સારા છે. તેઓ મારા મિત્ર છે, હું કહેવા માગું છું કે તમે લોકો ખૂબ સારા છો. ભારત અને અમેરિકા ક્યારેય આટલા નજીક નહોતા. ભારત મારા પર અને અમારા દેશ પર 100% વિશ્વાસ કરી શકે છે."

"જો તેમને ક્યારેય મદદની જરૂર પડે, તો તેમને ખબર છે કે કોને કૉલ કરવો. તેઓ અહીં જ કૉલ કરશે. અમે સારું કરી રહ્યા છીએ, અમે રેકૉર્ડ બનાવી રહ્યા છીએ. અમારી અર્થવ્યવસ્થા રેકૉર્ડ સ્તરે છે, આપણું શેરબજાર રેકૉર્ડ સ્તરે છે. હું વડા પ્રધાન મોદીનો બહુ મોટો પ્રશંસક છું."

નોંધનીય છે કે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો અને પીએમ મોદી 23મેના રોજ મળ્યા હતા. તે સમયે, સર્જિયો ગોરે જણાવ્યું હતું કે રુબિયોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી પીએમ મોદીને વ્હાઇટ હાઉસની મુલાકાત માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે.

ફાલ્ટા વિધાનસભા બેઠકનાં પરિણામ પર પીએમ મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદી, બંગાળ, ચૂંટણી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકોને ભાજપમાં અતૂટ વિશ્વાસ છે

પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ મોટી જીત હાંસલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને "લોકશાહીનો વિજય" ગણાવ્યો છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું , "ફાલ્ટાના લોકોએ પોતાનો મત જણાવી દીધો. લોકશાહી જીતી ગઈ છે અને ડરાવવાનો પ્રયાસોની હાર થઈ છે."

તેમણે લખ્યું "ફાલ્ટામાં રેકૉર્ડ માર્જિનથી જીતવા બદલ શ્રી દેબાંગ્શુ પાંડાજીને અભિનંદન. આ પશ્ચિમ બંગાળના લોકોનો ભાજપમાં અતૂટ વિશ્વાસ દર્શાવે છે. લોકો પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરેલાં ઉત્તમ કામોને જોઈ રહ્યા છે અને તેથી તેમણે અમારા પર વધુ આશીર્વાદ આપવાનું નક્કી કર્યું છે."

તેમણે લખ્યું, "પશ્ચિમ બંગાળના તમામ ભાજપ કાર્યકરોને મારી શુભકામનાઓ, તેમણે ખૂબ જ શાનદાર કામ કર્યું છે. અમે પશ્ચિમ બંગાળની પ્રગતિ માટે કામ કરતા રહીશું."

ઉલ્લેખનીય છે કે ભાજપના દેબાંગ્શુ પાંડાએ એક લાખથી વધુ મતોથી ચૂંટણી જીતી હતી. તેમણે 1,49,666 મતો એટલે 71.2% મત મેળવ્યા હતા.

કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના શંભુનાથ કુર્મી 40,645 (19.34%) મતો સાથે બીજા ક્રમે રહ્યા. કૉંગ્રેસના ઉમેદવાર અબ્દુર રઝાક 10,084 (4.8%) મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા.

તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાનને પણ 7783 (3.7%) મત મળ્યા, જોકે મતદાન પહેલાં તેમણે ચૂંટણી મેદાનમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી.

ઈરાન યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું 'હું ખરાબ સમજૂતીઓ કરતો નથી'

ડોનાલ્ડ ટ્રમ્પે, ઈરાન, બીબીસી

ઇમેજ સ્રોત, NISHIMURA / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો હું ઈરાન સાથે કોઈ સમજૂતી કરીશ તો તે સારી અને યોગ્ય હશે (ફાઇલ ફોટો)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ઈરાનના મુદ્દે વાટાઘાટ કરી રહેલા પોતાના પ્રતિનિધિઓને ઉતાવળમાં કોઈ કરાર ન કરવા સૂચના આપી છે.

જોકે,આ અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે એક સમજૂતીની નજીક છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું છે કે તેઓ ઈરાન સાથે એક સારી સમજૂતી કરશે અને તે દરમિયાન તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા કરારની ટીકા કરી.

અમેરિકાના મીડિયા અનુસાર, હાલમાં જે કરાર પર ચર્ચા થઈ રહી છે તેમાં 60 દિવસના યુદ્ધવિરામને લંબાવવા, હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વધુ વાટાઘાટનો સમાવેશ થાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું , "જો હું ઈરાન સાથે કોઈ કરાર કરીશ, તો તે સારો અને યોગ્ય રહેશે. ઓબામાએ કરેલા કરાર જેવો નહીં, જેનાથી ઈરાનને ઘણી રોકડ રકમ મળી અને પરમાણુ શસ્ત્રોનો માર્ગ ખૂલ્યો.

"અમારો કરાર બિલકુલ વિપરીત છે, પરંતુ કોઈએ નથી જોયો અને તે શું છે તે કોઈને ખબર નથી. તેને હજુ સુધી અંતિમ સ્વરૂપ પણ આપવામાં આવ્યું નથી. તેથી જેઓ તેની ટીકા કરી રહ્યા છે, તેમની વાત સાંભળશો નહીં, તેઓ તેના વિશે કંઈ જાણતા નથી."

તેમણે લખ્યું, "મારા પહેલાંના લોકોએ આ સમસ્યા વર્ષો પહેલાં ઉકેલી લેવી જોઈતી હતી, પરંતુ તેમણે એવું ન કર્યું. હું ખરાબ સમજૂતી કરતો નથી."

ઉલ્લેખનીય છે કે રવિવારે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આશા વ્યક્ત કરી હતી કે તેઓ બીજા રાઉન્ડની વાતચીતનું આયોજન કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન