You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુવતી પર પોતાના પ્રેમીની મદદથી થનાર પતિની હત્યાનો આરોપ, શું છે આખો મામલો?
- લેેખક, બીબીસી ન્યૂઝ મરાઠી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
મહારાષ્ટ્રની પુણે પોલીસે જણાવ્યું કે એક યુવતીની પોતાના મંગેતરની લોહાગઢના કિલ્લેથી ધક્કો મારીને હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરાઈ છે. તેના પ્રેમીની પણ ધરપકડ કરાઈ છે.
પોલીસે એક પત્રકારપરિષદમાં કહ્યું કે એક યુવતીના થનાર પતિની તેના પ્રેમી સાથે મળીને એક ખીણથી ધક્કો મારીને, દુર્ઘટનાનું નાટક કરવાના આરોપમાં ધરપકડ કરાઈ છે.
મૃતક યુવકનું નામ કેતન અગ્રવાલ છે. પોલીસે તેની થનાર પત્ની સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીની કેતનની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે.
"હું અને મારો ભાવિ પતિ લોહાગઢ ફરવા ગયાં હતાં. તે ત્યાં પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું." આવું યુવતીએ પોલીસને જણાવ્યું હતું.
જોકે, તપાસ દરમિયાન મહિલાના પ્રેમી વિશે માહિતી બહાર આવી હતી.
આનાથી પોલીસને શંકા ગઈ કે તેને અગાઉ પ્રેમસંબંધ હતો અને પછીથી તેમણે આ કેસને હત્યા તરીકે નોંધ્યો હતો.
પુણે ગ્રામીણ પોલીસ અધીક્ષક સંદીપ ગિલે એક પત્રકારપરિષદમાં જણાવ્યું કે શંકાઓ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં બંને આરોપીએ ગુનો કબૂલી લીધો છે.
બીબીસી મરાઠીએ આરોપીઓ, તેમના પરિવારો અને તેમના વકીલોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. અમને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જવાબ મળતાં જ અમે આ માહિતી અપડેટ કરીશું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું યુવતી લગ્ન માટે રાજી નહોતી?
પુણેના માવલ તાલુકાના ગહુંજે નિવાસી કેતન અગ્રવાલની સગાઈ કેટલાક મહિના પહેલાં પુણેના માર્કેટયાર્ડમાં રહેતી સિયા ગોયલ નામની યુવતી સાથે થઈ હતી.
પોલીસે એ પણ કહ્યું કે ત્રણેય પરિવારો માર્કેટયાર્ડમાં અલગ-અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે.
કેતન અને સિયાની સગાઈ ફેબ્રુઆરીમાં થઈ હતી અને એક-બે મહિનામાં લગ્ન થવાનાં હતાં.
જોકે તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી છે કે લગ્ન નક્કી થવા અગાઉ સિયાનો કોંઢવાના રહેવાસી ચેતન ચૌધરી નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો.
સિયાએ કેતન સાથે લગ્ન કરવાની ના પાડી હતી, કેમ તે ચેતન સાથે અગાઉથી પ્રેમસંબંધમાં હતી. આરોપ છે કે સિયા અને ચેતને લગ્નથી બચવા માટે કેતનની મળીને હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો.
આરોપ છે કે બંનેએ મળીને કેતનની લોહાગઢ કિલ્લા પરથી ધક્કો મારીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેથી હત્યાને દુર્ઘટનામાં ખપાવી શકાય.
કિલ્લે લઈ જઈને યુવકની હત્યા કેવી રીતે થઈ?
કેતન અને સિયાનાં લગ્ન નક્કી થઈ ગયાં હતાં. આથી સિયા ચેતન સાથે વાતચીત કર્યા બાદ 18 જૂને કેતનને લોહાગઢ કિલ્લામાં ફરવા માટે લઈ ગઈ.
પોલીસ અધીક્ષક સંદીપ ગિલે માહિતી આપી કે સિયા અને કેતન પ્રથમ લોહાગઢ કિલ્લામાં ગયાં હતાં.
થોડા સમય પછી સિયાનો પ્રેમી ચેતન પણ ત્યાં પહોંચી ગયો. પોલીસ અનુસાર, તેણે કેતનને ધક્કો માર્યો અને એ કિલ્લાના પશ્ચિમ ભાગમાં પડી ગયો અને ઘાયલ થઈ ગયો.
બાદમાં સિયાએ બૂમ પાડી અને ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ મદદ માટે દોડી આવ્યા. એ બાદ કિલ્લાના પશ્ચિમ ભાગમાં કેતનનો મૃતદેહ મળી આવ્યો.
ઘટના બાદ સિયા ગોયલે પોલીસને જણાવ્યું કે "કિલ્લામાં ફરતી વખતે કેતનનો પગ લપસી ગયો અને તે ઊંડી ખીણમાં પડી ગયો."
પોલીસે શરૂઆતમાં આ કેસનો આકસ્મિક મૃત્યુ તરીકે નોંધ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને કેવી રીતે હત્યા થયાની શંકા પડી?
જ્યારે પોલીસે આકસ્મિક મૃત્યુ નોંધીને તપાસ શરૂ કરીને નિવેદનો લેવાનું શરૂ કર્યું ત્યારે તપાસમાં કેટલાક શંકાસ્પદ સુરાગ મળ્યા.
તપાસ દરમિયાન કેટલાક સંબંધીઓએ પોલીસને જણાવ્યું કે કેતન અને શિયા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં બે-ત્રણ વાર બોલાચાલી થઈ હતી. પોલીસને તેનાથી શંકા પડી અને તેણે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી.
પોલીસ તપાસમાં ખબર પડી કે સિયાનો ચેતન સાથે કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો. બાદમાં તપાસ માટે બે વિશેષ ટીમની રચના કરાઈ.
પછી કેતનના પિતા વિશાલ અગ્રવાલે પોલીસ ફરિયાદ નોંધાવી કે સિયા અને તેના પ્રેમી ચેતને મળીને કેતનની હત્યાનું કાવતરું રચ્યું હતું..
બાદમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી. તપાસમાં ખબર પડી કે ઘટનાના દિવસે ચેતન ચૌધરી લોહાગઢ કિલ્લાના વિસ્તારમાં હાજર હતો.
કેસ નોંધ્યા બાદ સ્થાનિક અપરાધ શાખાની ટીમે ચેતન ચૌધરીની શોધ કરીને અને તેને અટકાયતમાં લીધો. બાદમાં તપાસ દરમિયાન હત્યાની ચોંકાવનારી વિગતો સામે આવી.
પોલીસનું કહેવું છે કે હત્યા બાદ સિયાએ આ કેસને દુર્ઘટનામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ પોલીસને જણાવ્યું કે કેતન લપસીને ખીણમાં પડી ગયો હતો.
જોકે તપાસમાંથી મળેલાં તકનીકી તથ્યો, ઘટનાસ્થળની પરિસ્થિતિ અને આરોપીઓની ગતિવિધિઓની પુષ્ટિ બાદ પોલીસે આખા કાવતરાનો પર્દાફાશ કર્યો.
સિયા કેતન સાથે લગ્ન કરવા રાજી નહોતી. સિયા અને ચેતનને લાગ્યું કે કેતન તેમના પ્રેમસંબંધમાં અડચણરૂપ છે, આથી બંનેએ તેની હત્યા કરી નાખી.
પોલીસ અધીક્ષક સંદીપ ગિલે એ પણ કહ્યું કે આ મામલે આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
કેતન અગ્રવાલના પિતાએ શું કહ્યું?
કેતન અગ્રવાલના પિતાએ સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું કે "તેમની ફેબ્રુઆરીમાં સગાઈ થઈ હતી. તેઓ છ તારીખે બાલી જવાના હતા. ચાર લોકો એકસાથે બાલી જવાના હતા, પણ માત્ર કેતનનો પાસપૉર્ટ ચોરી થઈ ગયો. તેના કારણે તે ન જઈ શક્યો અને ઍરપૉર્ટથી પાછો આવ્યો."
તેમણે આરોપ મૂક્યો કે "ચેતન ચૌધરી ટૂ-વ્હિલરથી લોહાગઢ પહોંચ્યો હતો. બંને (ચેતન ચૌધરી અને સિયા ગોયલ) એકસાથે ઉપર ગયાં. તેમણે કેતન અગ્રવાલ પર કોઈ ચીજથી હુમલો કર્યો અને પછી તેને ઉપરથી નીચે ફેંકી દીધો."
"પોલીસે ઘણી મદદ કરી અને મામલો ઝડપી ઉકેલી નાખ્યો. સ્થાનિક ગ્રામીણ એસપી સંદીપસિંહ ગિલે બહુ મદદ કરી. તેમણે અમને બધી માહિતી આપી અને બંને લોકોની ધરપકડ કરી લીધી."
"ચેતન ચૌધરીની રાતે (22 જૂન) ધરપકડ કરાઈ છે, જ્યારે સિયાની આજે સવારે (23 જૂન) ધરપકડ થઈ છે. બંનેને કોર્ટમાં રજૂ કરાઈ રહ્યાં છે. જો તે લગ્ન નહોતાં કરવા માગતી તો સ્પષ્ટ ના પાડી શકતી હતી. અમે તરત લગ્ન રદ કરી દેત."
તેમણે કહ્યું કે "તેમણે આટલું મોટું પગલું ભરવાનો નિર્ણય કેમ કર્યો? તેમના વિચારો કેવા છે? આ કેવો ક્રૂર વિચાર છે કે એક 26 વર્ષીય છોકરાની હત્યા કરી દેવાઈ. સમાજે આવી ક્રૂરતા પર ધ્યાન આપવાની જરૂર છે. આવા વિચાર ક્યાંથી આવે છે? પરિવારમાંથી, પાલનપોષણમાંથી?"
મૃતક યુવકનાં માતાએ કહ્યું કે 'તેને મોતની સજા મળવી જોઈએ'
મૃતક યુવકનાં માતા પાખી અગ્રવાલે મીડિયાને જણાવ્યું કે "આજે મારો દીકરો અમારાથી છીનવાઈ ગયો. સિયા અને તેનો પ્રેમી આના માટે જવાબદાર છે. મેં સિયાને પોતાની વહુ માની હતી. તેણે મને મોટી ધમકી આપી હતી. તે ખોટું બોલી. હવે ઘણી બાબતો સામે આવી રહી છે. એ બે-ત્રણ વાર અમારે ઘેર આવી હતી."
"એ અમારે ઘેર પૂજા વખતે આવી હતી. તે અમારી જન્મદિનની પાર્ટીમાં પણ આવી હતી અને બે-ત્રણ વાર રાતે ખાવા માટે પણ ઘરે આવી હતી."
પાખી અગ્રવાલે વધુમાં જણાવ્યું કે "હું તેને ઘણી વાર મળી, અમે ઘણી વાર શૉપિંગ કરવા ગયાં. અમને ક્યારેય શંકા ન ગઈ કે સિયા આવી છોકરી હશે. તેને મોતની સજા મળવી જોઈએ. તેના પ્રેમી, ભાઈ, પિતા અને માતાને પણ મોતની સજા મળવી જોઈએ."
ચેતન ચૌધરીના વકીલ રામ શહાણેએ કહ્યું: "પોલીસે તપાસના હેતુથી બંને આરોપીઓ માટે 7 દિવસની પોલીસ હિરાસત મંગાઈ હતી. પોલીસ દ્વારા રજૂ કરાયેલા રિમાન્ડના કારણોને ધ્યાનમાં રાખીને અદાલતે પણ 7 દિવસની પોલીસ હિરાસતનો હુકમ આપ્યો છે. આરોપી નંબર બે ચેતન ચૌધરી સામે આ FIRમાં કોઈપણ સીધો આરોપ નથી. તેને માત્ર યુવતીનો મિત્ર હોવાથી આ કેસમાં જોડવામાં આવ્યો છે. સાથે જ, લોહગઢ વિસ્તારમાં ચેતન ચૌધરી ફર્યો હોવાનો કોઈ મજબૂત પુરાવો પોલીસ પાસે નથી અને આ બાબત સંબંધિત કોઈ દસ્તાવેજ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન