You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત તરફ આવતું ચોમાસું આગળ વધ્યું, આગામી ત્રણ દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાના વરસાદની વધવાની શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વાદળો પણ છવાયાં હતાં.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું જોર વધી શકે તેમ છે.
આજથી એટલે કે 24 જૂનથી ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં ચોમાસું થોડું થોડું આગળ વધી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસાનો વરસાદ ઓછો પડે તેવું અનુમાન છે અને ભારત સહિત ગુજરાતમાં પણ ચોમાસાની સિઝનનો વરસાદ જોઈએ તેટલો હજુ સુધી પડ્યો નથી. ગુજરાતમાં જુલાઈના અંત કે શરૂઆતમાં સાર્વત્રિક વરસાદ પડે તેવું અનુમાન છે.
ચોમાસું આગળ વધીને હાલ ક્યાં પહોંચ્યું છે?
ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચોમાસું હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગળ વધી ચૂક્યું છે.
દક્ષિણ કોંકણમાં ચોમાસું સક્રિય છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી પણ અપાઈ હતી.
24 જૂને રત્નાગિરિમાં પણ કેટલાંક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 23 જૂને દક્ષિણપશ્ચિમ ચોમાસું મધ્ય અરબ સાગરના બાકીના ભાગો, મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગો, તેલંગણા અને ઓડિશાના કેટલાક ભાગો, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર અરબ સાગર અને ગુજરાતના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક ભાગો, મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે.
જો આવી જ પરિસ્થિતિ રહે તો વરસાદની પ્રબળ શક્યતા છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કયા જિલ્લામાં વરસાદ પડશે?
ગુજરાત હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર, 24 જૂને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડી શકે છે.
તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં થોડાંક સ્થળોએ વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ વરસાદ પડે શકે છે.
આ જગ્યાએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
25 જૂનથી 26 જૂન વચ્ચે વરસાદનું જોર ઘટી શકે છે. એટલે કે ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા અને નગરહવેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં કેટલીક જગ્યાએ વરસાદની શક્યતા છે.
26થી 27 જૂન વચ્ચે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગરહવેલીમાં છૂટોછવાયો અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
28 જૂન આસપાસ વરસાદનું જોર વધી શકે છે. એટલે કે જુલાઈની શરૂઆતમાં ગુજરાતમાં સમગ્ર જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતનું તાપમાન કેવું રહેશે?
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, પ્રદેશના તાપમાનમાં કોઈ મહત્તમ ફેરફાર નોંધાયો નથી. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્યથી ઉપર રહ્યું છે. ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું છે. બાકીના પ્રદેશનું તાપમાન સામાન્ય હતું.
હવામાન વિભાગ અનુસાર, ગાંધીનગરમાં નોંધાયેલું પ્રદેશનું સૌથી મહત્તમ તાપમાન 41.0 ડિગ્રી સેલ્સિયસ હતું.
હવામાન વિભાગનું કહેવું છે કે 24 જૂને અમદાવાદ અને તેની આસપાસમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન