You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શેખર સુમન જ્યારે એક દિવસ માટે ભાજપમાં જોડાયા
"થોડા દિવસ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે આઠ યુદ્ધ અટકાવ્યાં છે, પરંતુ તેમણે એ નથી જણાવ્યું કે તેમણે કરાવ્યાં કેટલાં છે."
"આ કૉકરોચ પણ વિચિત્ર પ્રાણી છે, ગમે ત્યાં પહોંચી જાય છે. હવે જુઓ, થોડા દિવસ પહેલાં દિલ્હી પહોંચી ગયા… એક સમાચાર એ પણ છે કે બપોરે 3 વાગ્યા ને 3 મિનિટે કૉકરોચના પ્રમુખ દિલ્હીની બળબળતી લૂના કારણે ઊંધા થઈ ગયા."
"હવે કહો, અમેરિકાથી આવેલા કૉકરોચ દિલ્હીની ગરમી સહન નથી કરી શકતા."
"જોકે, એ પણ સાચું છે કે દિલ્હી પણ આજકાલ અમેરિકાની ગરમી સહન નથી કરી શકતું."
આ વાક્યો અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક અને ટીવી હોસ્ટ શેખર સુમનના કાર્યક્રમમાંથી છે.
તાજેતરના દિવસોમાં તેઓ તેમના નવા શો 'શેખર ટુનાઇટ' માટે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આ શોના ઘણા વીડિયો વાઇરલ થયા છે.
આ શોનું ફૉર્મેટ લેટ-નાઇટ ટૉક શોની જેમ ડિઝાઇન કરાયું છે. શોમાં તેઓ વ્યંગ્યાત્મક મોનોલૉગ પછી મહેમાનો સાથે વાતચીત કરે છે.
શરૂઆતના એપિસોડમાં તેમણે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, અભિનેતા બૉબી દેઓલ, અલી ફઝલ અને મનોજ વાજપેયી ઉપરાંત અમૃતા ફડણવીસ જેવાં મહેમાનોના ઇન્ટરવ્યૂ કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'શેખર ટુનાઇટ'ની ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે, કેમ કે તેના દ્વારા શેખર સુમને ઘણાં વરસો પછી એક મુખ્ય હોસ્ટ અને હાસ્યકાર તરીકે સ્ક્રીન પર પુનરાગમન કર્યું છે.
એક સમયે ટેલિવિઝન પર પોતાના હાસ્યના કાર્યક્રમો અને હોસ્ટ માટે ઓળખાતા શેખર સુમન હવે ડિજિટલ માધ્યમથી નવા દર્શકો સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે.
શેખર સુમને અભિનયની શરૂઆત કેવી રીતે કરી હતી?
પટણામાં જન્મેલા શેખર સુમને પોતાની કૅરિયરની શરૂઆત 1985માં ફિલ્મ 'ઉત્સવ'થી કરી હતી.
ફિલ્મમાં તેઓ અભિનેત્રી રેખાની સાથે જોવા મળ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેમણે મોટા પરદાની જગ્યાએ નાના પરદાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવી લીધો.
તેઓ દૂરદર્શનના ઘણા શોનો ચહેરો બની ગયા. 'દેખ ભાઈ દેખ', 'રિપોર્ટર', 'વાહ જનાબ', 'છોટે બાબુ', 'અમર પ્રેમ', વગેરે શોમાં તેમણે પોતાની અભિનયક્ષમતા બતાવી દીધી.
સાથે જ તેઓ 'ગ્રેટ ઇન્ડિયન કૉમેડી શો', 'ડાયલ વન ઔર જીતો', 'કૉમેડી સર્કસ' જેવા ઘણા શોનો ભાગ રહ્યા.
1990 અને 2000ના દાયકામાં શેખર સુમન એવા ગણનાપાત્ર ટીવી ચહેરામાં સામેલ હતા જેમણે રાજકીય વ્યંગ, સેલિબ્રિટી ઇન્ટરવ્યૂ અને મનોરંજનને એકસાથે પ્રસ્તુત કર્યાં.
તેમનો શો 'મૂવર્સ ઍન્ડ શેકર્સ' એ જમાનાના સૌથી ચર્ચિત ટૉક શોમાંનો એક ગણાય છે.
અટલ બિહાર વાજપેયીએ જ્યારે શેખર સુમનના અભિનયનાં વખાણ કર્યાં
બીબીસીના 'એક મુલાકાત' કાર્યક્રમમાં શેખર સુમને પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે સંબંધિત એક કિસ્સો પણ શેર કર્યો હતો.
તેમણે જણાવ્યું કે એક વાર તેઓ એક ઉદ્યોગપતિના પુત્રનાં લગ્નમાં સામેલ થયા હતા, જ્યાં વાજપેયી પણ હાજર હતા.
શેખર સુમન અનુસાર, તેમને ખબર હતી કે વાજપેયી તેમનો કાર્યક્રમ જુએ છે અને તેમને ગમે પણ છે. તેઓ તેમને મળવા માગતા હતા, પરંતુ જ્યાં સુધીમાં તેઓ ત્યાં પહોંચે ત્યાં સુધીમાં વાજપેયી તેમની ગાડીમાં બેસી ગયા હતા.
તેમણે જણાવ્યું, "એ સમયે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય મંત્રી છગન ભુજબળ તેમને વિદાય આપવા માટે ઊભા હતા."
"મને લાગ્યું કે જ્યારે તેમનો કાફલો ત્યાંથી પસાર થશે ત્યારે તેઓ ભુજબળજીની તરફ જરૂર જોશે અને હું તેમને નમસ્કાર કરી લઈશ."
શેખર સુમને કહ્યું કે જેવી વાજપેયીની નજર તેમના પર પડી, તેમણે ગાડી રોકાવી દીધી અને તેમની પાસે આવી ગયા.
શેખર સુમન અનુસાર, વાજપેયીએ તેમને કહ્યું, "મને તમારા પર ગર્વ છે. તમે દેશના ઉત્તમ અભિનેતાઓમાંના એક છો."
"શું હજુ પણ મારી નકલ કરો છો? સાચું માનજો, જ્યારે તમે મારી નકલ કરો છો ત્યારે સૌથી વધારે હું જ હસું છું."
શેખર સુમન જ્યારે એક દિવસ માટે ભાજપમાં જોડાયા
શેખર સુમને રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. જોકે, તેમની રાજકીય સફર લાંબી ન રહી.
વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં તેઓ કૉંગ્રેસની ટિકિટ પર બિહારની પટના સાહિબ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા.
આ ચૂંટણીમાં તેમની હરીફાઈ ભાજપના ઉમેદવાર અને અભિનેતા શત્રુઘ્ન સિન્હા સાથે હતી. શેખર સુમન જીતવામાં સફળ ન રહ્યા.
લગભગ 15 વર્ષ પછી, મે 2024માં શેખર સુમન ભાજપના સભ્ય બન્યા.
પાર્ટીમાં સામેલ થવા દરમિયાન તેમણે કહેલું, "જીવનમાં ઘણી બધી વસ્તુઓ અજાણતાં થઈ જાય છે અને ઘણી વાર તમને ખબર નથી હોતી કે તમારું ભવિષ્ય શું છે."
"ઉપરથી એક સંદેશો આવે છે અને પછી તમે તેનું પાલન કરો છો. હું ઈશ્વરનો આભાર માનું છું કે તેમણે મને અહીં આવવાનો સંદેશો આપ્યો."
તેમણે એમ પણ કહેલું કે તેઓ એવા સમયે ભાજપમાં સામેલ થયા છે જ્યારે તેમની પાસે વ્યાવસાયિક રીતે કરવા જેવું ઘણું બધું છે.
તેમણે કહ્યું, "હું 'હીરામંડી' સફળ થવાની રાહ જોતો હતો. હું નહોતો ઇચ્છતો કે લોકો એમ કહે કે મારી પાસે કરવા માટે કશું નહોતું, તેથી હું રાજકારણમાં આવ્યો છું."
જોકે, ભાજપમાં સામેલ થયાના 24 કલાકની અંદર જ તેમણે પોતાને ભાજપથી અલગ કરી લીધા.
પછીથી આ નિર્ણય અંગે સ્પષ્ટતા કરતાં શેખર સુમને કહેલું કે તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી.
સુમન કહે છે, "મને લાગ્યું કે હું કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાઈને મારું કામ ન કરી શકું."
"તેથી મેં એ જ સમયે પાર્ટી છોડી દીધી. ક્યારેક ક્યારેક એવું દબાણ પણ હોય છે, કોઈ એવી વાતો હોય છે જેની હેઠળ માણસ કંઈક કરી લે છે."
શેખર સુમનના પુત્ર આયુષને કઈ બીમારી હતી?
શેખર સુમનના પરિવારમાં તેમનાં પત્ની અલકા અને પુત્ર અધ્યયન છે.
શેખર સુમનના સોશિયલ મીડિયા વીડિયોની શરૂઆતમાં 'ટૂ માય લવિંગ સન આયુષ' લખેલું દેખાય છે. આયુષ તેમના મોટા પુત્ર હતા, જેમનું નાની ઉંમરે મૃત્યુ થઈ ગયું.
એબીપી ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શેખર સુમને પોતાના પુત્રની બીમારી અને અવસાનને યાદ કરતાં કહ્યું છે, "જ્યારે અમને આયુષની બીમારી વિશે ખબર પડી ત્યારે તે અમારા માટે ખૂબ મોટો આઘાત હતો."
"મારા પિતા પોતે એક વરિષ્ઠ ડૉક્ટર હતા, પરંતુ તેઓ પોતાના જ પૌત્રને બચાવી ન શક્યા."
"આયુષને ઈએમએફ નામની હૃદયસંંબંધી દુર્લભ બીમારી હતી."
સુમન કહે છે, "કાર્ડિઑલોજિસ્ટે મને કહ્યું, 'વી આર રિયલી સૉરી, શેખર'."
"આ સાંભળતાં જ મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. મેં રોતાં રોતાં ડૉક્ટરને પૂછ્યું કે તેની પાસે કેટલો સમય છે?"
"ડૉક્ટરે કહ્યું કે, બહુ બહુ તો આઠ મહિના. આ સાંભળીને મને લાગ્યું કે મને જ હાર્ટ અટૅક આવી જશે."
"જ્યારે હું રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે મારો ચહેરો જોઈને જ અલકા રડવા લાગી."
સુમને જણાવ્યું કે પુત્રને બચાવવાની આશામાં તેમણે શક્ય તે બધા પ્રયાસો કર્યા.
તેમના શબ્દોમાં, "એવું કોઈ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે સંત નહોતા, જ્યાં હું ન ગયો હોઉં. હું મારા પુત્રને સારવાર માટે અમેરિકા અને લંડન પણ લઈ ગયો."
તેમણે કહ્યું કે ઈએમએફ એક ખૂબ દુર્લભ બીમારી છે, જે કરોડો-અબજો લોકોમાંથી કોઈ એકને થાય છે.
આ બીમારીમાં હૃદયની સ્થિતિસ્થાપકતા ધીમે-ધીમે સમાપ્ત થવા લાગે છે.
સુમન જણાવે છે, "ડૉક્ટરોએ કહેલું કે આયુષ વધુમાં વધુ આઠ મહિના સુધી જીવિત રહી શકશે, પરંતુ ઈશ્વરની કૃપાથી તે ચાર વર્ષ સુધી અમારી સાથે રહ્યો."
"જોકે, પાછળના દિવસોમાં બીમારીનાં લક્ષણ સતત વધતાં ગયાં. મારાં પત્ની અલકા કદાચ એ માતાઓમાંનાં એક હતાં જેમણે ઈશ્વરને કહ્યું હશે કે હવે મારા બાળકને તમારી પાસે બોલાવી લો, કેમ કે, તેનું દુઃખ જોઈ શકાય તેમ નહોતું."
તેમણે આગળ કહ્યું, "આજે પણ એ દૃશ્ય મારી આંખો સામેથી હઠતું નથી, જ્યારે મારો પુત્ર બરફની પાટો પર સૂતો હતો."
"કોઈ પણ માતા-પિતા માટે આનાથી મોટું દુઃખ કયું હોઈ શકે કે તેમણે પોતાના જ બાળકને કાંધ આપવી પડે."
"મને લાગતું હતું કે સમયની સાથે આ દુઃખ ઓછું થઈ જશે, પરંતુ એ તો વધારે ઘેરું થતું ગયું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન