તમારે વાળ કેવી રીતે અને કેટલી વાર ઓળવા જોઈએ, વાંકડિયા વાળ હોય તો શું-શું ધ્યાન રાખવું જોઈએ?

વાળ ઓળવા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, સોફિયા ક્વોગ્લિયા
    • પદ, બીબીસી ફ્યુચર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

વાળની સુંદરતાનું રહસ્ય વાળના પ્રકારથી લઈને તમારા કાંસકાની ડિઝાઇન સુધીની બાબતોમાં છુપાયેલું છે.

હું જ્યારથી મારા વાળ કેવા રાખવા, તે જાતે નક્કી કરવા જેટલી મોટી થઈ, ત્યારથી પીઠની નીચે સુધીના સીધા વાળ રાખું છું.

નાની હતી, ત્યારે મને જ્યારે પણ તક મળે, ત્યારે હું વાળ ઓળી લેતી હતીઃ સવારે ઊઠું ત્યારે, જેટલી વખત બાથરૂમ જાઉં ત્યારે અને હોમવર્ક કરવાની વચ્ચે વિરામ લઉં ત્યારે પણ.

હું 1800ના દાયકાનાં ઑસ્ટ્રિયાનાં મહારાણી સિસી વિશે વિચારતાં-વિચારતાં વાળ ઓળતી રહેતી.

તે મહારાણીના વાળ મારા જેવા જ સીધા અને બ્રાઉન હતા, પણ તેમના વાળ પગની ઘૂંટી સુધી લાંબા હતા.

તે મહારાણી વિશે એવું કહેવાતું કે, તેઓ રોજ રાતે તેમના વાળમાં 100 વખત કાંસકો ફેરવતાં હતાં. (તે વાત ઉપર મને અખૂટ શ્રદ્ધા હતી, પણ આ લેખ લખતી વખતે મને નિરાશાભેર જાણવા મળ્યું કે, કદાચ તે વિશ્વભરની દાદીમાઓ દ્વારા ફેલાવવામાં આવેલી એક ઉપજાઉ વાર્તા હોઈ શકે છે.)

હવે તો હું મોટી થઈ ગઈ છું, આથી સ્નાન કર્યા પછી એક વાર મારા વાળ ઓળી લઉં છું, બસ એટલું જ. છતાં હજુયે મારા વાળ પહેલાં જેવા જ દેખાય છે.

તેનું કારણ એ છે કે, વિક્ટોરિયન યુગની વાર્તાઓ અમુક અંશે સાચી હોઈ શકે છે, પણ તમારે તમારા વાળ કેટલી વખત ઓળવા જોઈએ, તે પાછળનું વિજ્ઞાન ગૂંચવાડા ભરેલું છે અને ભૌતિકશાસ્ત્રીઓથી લઈને હેરડ્રેસર સુધીના તમામ લોકો તે ગૂંચવાડો દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

તેના જવાબનો આધાર તમારા વાળના પ્રકાર, તમારા કાંસકાના પ્રકાર, તમારી જીવનશૈલી પર અને અન્ય બાબતો પર રહેલો છે, આથી યોગ્ય રીતે વાળ કેવી રીતે ઓળવા, તેની જાણકારી આ લેખમાં આપેલી છે.

પહેલાંના સમયમાં વાળ ઓળવા મામલે કેવી માન્યતાઓ હતી?

વાળ ઓળી રહેલાં મહિલાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કાંસકા તથા હેરબ્રશ અને તેને કારણે કેશ સજાવટની પ્રણાલી પ્રાગૈતિહાસિક કાળથી ચાલી આવે છે.

"ધ હેર હિસ્ટોરિયન"નાં સ્થાપક રાચેલ ગિબ્સન જણાવે છે, "માનવીએ તેની આસપાસ રહેલી ચીજવસ્તુઓનો ઉપયોગ સફાઈ અને સજાવટ, બંને પ્રકારનાં ઉપકરણો બનાવવામાં કર્યો છે, આથી વાળને કાંસકાથી કે બ્રશથી ઓળવાની પ્રક્રિયા સમગ્ર ઇતિહાસમાં વૈશ્વિક સ્તરે મહત્ત્વની રહી હશે."

વાળમાં 100 વખત કાંસકો ફેરવવાનો વિચાર વિક્ટોરિયન યુગમાં ઉદ્ભવ્યો હોવાની શક્યતા છે.

તે સમયની સામાજિક અપેક્ષાઓને કારણે મહિલાઓ ઘણા લાંબા વાળ રાખતી હતીઃ લાંબા વાળ મહિલાઓનું "ગૌરવ" ગણાતા અને તે તેમની મહિલા-સહજ લાક્ષણિકતાનો મહત્ત્વનો હિસ્સો ગણાતા હતા, એમ ગિબ્સને જણાવ્યું હતું. સજાવટના રૂટિનમાં સામાન્યતઃ વાળની ગૂંચ દૂર કરવા માટે તેને કાંસકા વડે ઓળવા, તેમાંથી કચરો, ધૂળ અને જૂ કાઢવી અને તે પછી કુદરતી વાળ (સામાન્યપણે જંગલી ભૂંડના વાળ)માંથી બનેલા હેરબ્રશ વડે વાળ ઓળવાનો સમાવેશ થતો હતો, જેથી વાળ સુંવાળા થાય અને વાળનું કુદરતી તેલ સમાન રીતે વહેંચાઈ જાય.

ગિબ્સન કહે છે કે, વિક્ટોરિયન કાળની ભદ્ર વર્ગની મહિલાઓ તેમનાં વસ્ત્રોને તૂટેલા વાળથી બચાવવા માટે ફેશનેબલ કેપ (ગળા ફરતે પહેરાતું વસ્ત્ર) પણ પહેરતી હતી અને પછીથી તૂટેલા વાળને એકઠા કરવા માટે એક પાત્ર પણ રાખતી હતી.

પછીથી હેરસ્ટાઇલમાં વાળનો જથ્થો વધારવા માટે અને નવો આકાર આપવા માટે મહિલાઓ 'ડેડ હેર ડોનટ્સ' બનાવવા તે વાળનો ઉપયોગ કરતી હતી.

1898માં અમેરિકાના ઓહાયો ખાતેનાં આફ્રિકન અમેરિકન હેરડ્રેસર લાયડા ન્યૂમેને કૃત્રિમ વાળ ધરાવતું પ્રથમ હેરબ્રશ શોધ્યું હતું અને આ સાથે હેરબ્રશનું ઉત્પાદન ઓછું ખર્ચાળ અને સરળ બનાવીને તેમણે આ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી દીધી હતી.

આ શોધને પગલે વાળ ઓળવાની પ્રક્રિયા વધુ સામાન્ય બની અને ટૂંક સમયમાં જ તેની સાથે કેટલીક ગેરમાહિતીઓ પણ જોડાવા માંડી.

વાળ વાંકડિયા હોય તો કેવી રીતે ઓળવા જોઈએ?

વાંકડિયા વાળની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, BBC/ Prashanti Aswani

ઇમેજ કૅપ્શન, વાંકડિયા વાળના ગુણધર્મો અલગ હોય છે

એ બાબત પર વિચાર કરી જુઓ કે, વારંવાર વાળ ઓળવાથી વાળ ઝડપથી વિકાસ પામે છે.

2025માં હાથ ધરાયેલા એક સર્વેના 46 ટકા કરતાં વધુ ઉત્તરદાતાઓ હજુયે આ દાવા પર વિશ્વાસ ધરાવે છે.

પરંતુ, અમેરિકાના કેલિફૉર્નિયા ખાતે એક હેર સલૂનનાં માલિક નિક્કી કોર્ઝિનના મતે, આ કેવળ એક માન્યતા છે.

તેઓ કહે છે કે, વાળ વધુ ઓળવાથી તમારા વાળ ઝડપથી ઊગવા માંડતા નથી.

વાસ્તવમાં, વાળને વ્યવસ્થિત રાખવાની રીતની તેને થતા નુકસાન ઉપર શું અસર પડે છે, તેનું પરીક્ષણ કરવાની ફૉર્મ્યૂલા તૈયાર કરનારા વિજ્ઞાનીઓ સૂચવે છે કે, વાળને વધુ પડતા ઓળવાથી વાળને થોડું નુકસાન થઈ શકે છે અને વાળ ખરી પણ શકે છે.

વાળની બે લટો જ્યારે એકમેકમાં ગૂંચવાઈ જાય અને પછી તે ગૂંચ કાઢવા માટે તેમને ખેંચવામાં આવે, ત્યારે શું થાય છે, તે જાણવા માટે સંશોધકોની એક ટીમે એક પરીક્ષણ તૈયાર કર્યું હતું.

વધુ પડતો કાંસકો ફેરવવાથી વાળ અંદરથી તૂટી જાય છે, ખાસ કરીને એવા વાળ જે છેડેથી સ્પ્લિટ થઈ જતા હોય (સ્પ્લિટ એન્ડ્ઝ - વાળના છેડા ફાટી જવા). જ્યારે તંદુરસ્ત વાળની સ્થિતિ પ્રમાણમાં સારી રહી હતી, તેમ છતાં વારંવારના ખેંચાણને કારણે તે ફાટવા માંડ્યા હતા અને અંદરથી તેમાં તિરાડો પડવા લાગી હતી.

વાળ ઓળી રહેલાં મહિલાની પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અભ્યાસના લેખક તથા આયર્લૅન્ડના ડબ્લિન ખાતે આવેલી ટ્રિનિટી કૉલેજમાં ઍન્જિનિયરિંગના પ્રોફેસર ડૅવિડ ટેલરે જણાવ્યું હતું કે, "અમારું માનવું છે કે, સ્પ્લિટ ઍન્ડ્ઝ પાછળનું તે મુખ્ય જવાબદાર કારણ છે, કારણ કે તે સ્થિતિમાં વાળ સાવ વળી ગયેલા હોવાથી તેના પર ઘણું વધારે દબાણ આવતું હોય છે."

"ખરેખર, આપણે જેટલા વધારે વાળ ઓળીએ છીએ, તેટલું વધારે તેને નુકસાન થવાની શક્યતા રહે છે."

"પણ વાસ્તવમાં તેનો આધાર તમે કેટલી વખત કાંસકો ફેરવો છો, તેના પર નહીં, બલ્કે તમે કેટલા જોરથી કાંસકો ફેરવો છો, તેના પર રહે છે."

વાળ પર સંશોધન કરનારા સંગઠન ટીઆરઆઇ પ્રિન્સટનના ટ્રેફોર ઇવાન્સે પણ વાળ તૂટવાનાં વિવિધ આંકડાકીય વિશ્લેષણોમાં દર્શાવ્યું હતું કે, વાળને વારંવાર ઓળતા રહેવાથી "એકઠા થયેલા થાકનું નુકસાન" - "ક્યુમ્યુલેટિવ ફૅટિગ ડૅમેજ" થાય છે.

પણ સાથે જ, તેઓ નોંધે છે કે, લૅબનાં આ પરિણામો વાસ્તવિક વિશ્વની અસરોમાં પરિણમે, તે જરૂરી નથી.

ઇવાન્સ કહે છે કે, મોટાભાગના લોકો માટે તો, કૅમિકલ અને હિટ ટ્રિટમેન્ટના મુકાબલે વાળમાં કાંસકો કે બ્રશ ફેરવવાથી ઉપજતી અસર "ઘણી સામાન્ય" હશે.

વાળમાં કાંસકો કે બ્રશ ફેરવવાથી થતું નુકસાન "મોટાભાગના લોકો માટે નજીવું છે" અને "'નુકસાનથી ભરેલા વિશાળ સમુદ્ર'માં તે કેવળ ટીપાં સમાન છે".

વાળમાં બ્રશ કે કાંસકો ફેરવવાના લાભ કયા છે?

ભીના વાળ

ઇમેજ સ્રોત, BBC/ Prashanti Aswani

ઇમેજ કૅપ્શન, વાળ ભીના હોય તો તેને તમામ લોકોએ ન ઓળવા જોઈએ, એ તમારા વાળ કેવા છે તેના પર નિર્ભર છે

કોર્ઝિન કહે છે, "વાળમાં હળવા હાથે કાંસકો ફેરવવાથી કોઈ નુકસાન થતું નથી. સમસ્યા વાળમાં બ્રશ કે કાંસકો ફેરવવામાં નહીં, બલ્કે તમે તે કેવી રીતે ફેરવો છે, તેમાં રહેલી છે."

વાળને નિયમિતપણે ઓળતા રહેવાથી સમય જતાં મોટી અને મુશ્કેલ ગૂંચ બનતી અટકે છે.

આથી તમે જ્યારે વાળ ઓળો, ત્યારે જોરથી કાંસકો ફેરવવાથી, વાળ ખેંચાવાથી કે વાળ તૂટવાથી બચી શકાય છે.

હેરકેર બ્રાન્ડ લૉન્ચ કરનારા બાયોકૅમિસ્ટ જેરેડ રેનોલ્ડ્ઝ કહે છે કે,"તમે એક અઠવાડિયું રાહ જોયા પછી વાળ ખેંચાય, એ રીતે બળપૂર્વક વાળ ઓળવાને બદલે દિવસમાં એક કે બે વખત નિયમિતપણે વાળ ઓળો, તો તેને ઘણું ઓછું નુકસાન થાય છે."

જોકે, તેઓ ભારપૂર્વક જણાવે છે કે, પ્રયોગશાળામાં વાળ પર થતું પરીક્ષણ રોજબરોજના જીવનની કુદરતી પ્રક્રિયાનું અનુકરણ કરી શકતું નથી.

આ ઉપરાંત વાળને નિયમિતપણે ઓળવાથી ખરી ગયેલા વાળ, ડેડ સ્કિન ફ્લૅક્સ અને સ્કાલ્પ પર ચોંટેલો કચરો દૂર કરવામાં મદદ મળે છે.

જો તે દૂર કરવામાં ન આવે, તો સ્કાલ્પ પર બળતરા ઉત્પન્ન કરતું સૂક્ષ્મ-વાતાવરણ સર્જાઈ શકે છે.

વાળ ઓળતી વખતે શું-શું ધ્યાન રાખવું જોઈએ?

વાંકડિયા વાળ ઓળવા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વાળ ઓળવાની શ્રેષ્ઠ પદ્ધતિનો આધાર તમારા વાળના પ્રકાર પર રહેલો છે.

અમેરિકાના મિયામી સ્થિત એક હેર સલોનનાં માલિક નિકોલા લિન્ચ જણાવે છે કે, સીધા કે વાંકડિયા, પણ અત્યંત ગૂંચવાઈ ગયેલા ન હોય, તેવા વાળ ધરાવનારા લોકોએ અઠવાડિયે ઓછામાં ઓછા ત્રણ વખત અને દિવસમાં બે વખત વાળ ઓળવા જોઈએ. (રેનોલ્ડ્ઝ અને કોર્ઝિન પણ દિવસમાં એકથી બે વખત વાળ ઓળવાનું સૂચન કરે છે.)

લિન્ચ સલાહ આપે છે કે, સીધા કે વાંકડિયા વાળ ધરાવનારા લોકોએ વાળ ભીના હોય, તે સમયે ઓળવા ન જોઈએ. ભીના વાળ મજબૂત અને જાડા લાગી શકે છે, પણ વાસ્તવમાં તે કમજોર હોય છે.

કારણ? વાળની લટ કોર્ટેક્સ (તે વચ્ચેનો ભાગ હોય છે) અને ક્યુટિકલની બનેલી હોય છે, જે કેરેટિનની ટાઇલ્સ હોય છે - આપણા નખ આ જ સામગ્રીમાંથી બનેલા હોય છે.

તે છાપરાં પર ગોઠવેલા પતરાંની માફક એકબીજા સાથે જોડાયેલા હોય છે.

જ્યારે સીધા કે વાંકડિયા વાળ ભીના હોય, ત્યારે ટાઇલ્સના છેડા ઉપરની તરફ ઊંચા થાય છે અને ખૂલે છે. સાથે જ તે ઝડપથી તૂટી કે ઊખડી શકે છે.

વાંકડિયા કે ગૂંચળા જેવા વાળ ધરાવનારા લોકોને તદ્દન વિપરિત સલાહ આપવામાં આવી છેઃ વાળ કોરા હોય, તે સમયે તેને ઓળવાનું ટાળો અને જ્યારે તમે વાળને ધુઓ, ફક્ત ત્યારે જ તેની ગૂંચ કાઢવી.

વાંકડિયા અને ગૂંચળાવાળા વાળ સીધા અને વાંકડિયા વાળ કરતાં ઘણા અલગ ભૌતિક ગુણધર્મો ધરાવે છે, જેની વૈજ્ઞાનિક સાહિત્ય તથા વાળની સંભાળ માટેના ઉદ્યોગમાં લાંબા સમયથી ઉપેક્ષા થતી આવી છે, એમ અમેરિકાના જ્યૉર્જિયામાં સ્પેલમૅન કૉલેજ ખાતે કેમિસ્ટ્રી અને બાયોકેમિસ્ટ્રીનાં પ્રોફેસર મિશેલ ગેઇન્સે જણાવ્યું હતું.

તેઓ ટેક્સ્ચર્ડ હેર (વાળના વિવિધ ટેક્સ્ચર)ની કૅમિસ્ટ્રીનો અભ્યાસ કરે છે.

તેમણે વાંકડિયા વાળના પ્રકારોને વૈજ્ઞાનિક રીતે વર્ગીકૃત કરવાની પદ્ધતિ શોધી છે અને સાથે જ તેમણે શોધ્યું છે કે, વાળના રેષા જેમ-જેમ વધુ વાંકા કે ગૂંચળાવાળા બને છે, તેમ-તેમ ચોક્કસ કૅમિકલ બૉન્ડ્ઝની હાજરીમાં ફેરફાર થાય છે.

તેની અસર વાળના રેષાના ભૌતિક ગુણધર્મો પર પડે છે, જેમાં તેની મજબૂતાઈ અને વાળ જલ્દી તૂટશે કે નહીં, વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

ગેઇન્સના પ્રારંભિક પ્રયોગો એમ પણ સૂચવે છે કે, વાંકડિયા વાળની તુલનામાં ગૂંચળાવાળા વાળમાં ક્યુટિકલનાં સ્તરો નાનાં, એકમેકની વધુ નિકટ હોય છે અને તેમની કિનારી વધુ ખરબચડી હોય છે.

અર્થાત્, તે ભેજને જાળવી શકતા નથી અને તે સહેલાઈથી નુકસાનગ્રસ્ત થઈ શકે છે અને ગૂંચવાઈ શકે છે. પણ આ વાતની પુષ્ટિ કરવા માટે વધુ સંશોધન થવું જરૂરી છે.

વધુમાં, સ્ટાઇલિંગના સામાજિક પ્રવાહોમાં પણ ઘણી વખત વાળ સાથે ઘણી છેડછાડ કરવામાં આવે છે - જેમકે, કાંસકો કે બ્રશ ફેરવવું, સ્ટ્રેટનિંગ (વાળને સીધા કરવા), રિલેક્સિંગ અને કૃત્રિમ વાળ વડે ચોટલો ગૂંથવો - આ તમામ પ્રક્રિયાઓમાં વાળને વધુ નુકસાન પહોંચતું હોવાનું ગેઇન્સે કહ્યું હતું.

આથી, ગેઇન્સ જણાવે છે કે, વાળનું રક્ષણ થાય, તેની કાળજી રાખવા માટે કાંસકા અને બ્રશમાં વાળ સરળતાથી સરકી શકે, તે માટે ગૂંચ દૂર કરતાં ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ.

અને છેલ્લે, વાળનો પ્રકાર ચાહે ગમે તે હોય, પણ હંમેશાં યોગ્ય પ્રકારના બ્રશનો જ ઉપયોગ કરવો જોઈએ.

લિન્ચ જણાવે છે કે, જો તમારા વાળ ગૂંચળાવાળા હોય અથવા તો જો તમારા વાળ સીધા કે વાંકડિયા હોય અને તમે ભીના વાળમાં કાંસકો કે બ્રશ ફેરવવા માગતા હોવ, તો સખ્ત કાંસકાને બદલે ગૂંચ કાઢવા માટેના નરમ અને લવચિક બ્રશ (નિષ્ણાતો તેને "વેટ બ્રશ" કહે છે)નો ઉપયોગ કરવો જોઈએ.

જ્યારે કોરા વાળ માટે સ્કાલ્પ માટે અનુકૂળ હોય, તેવા નરમ દાંતા ધરાવતા બ્રશનો ઉપયોગ કરવો જોઈએ.

હજુયે ઘણી વખત તેને "બોર બ્રિસલ બ્રશ" (જંગલી ભૂંડના વાળમાંથી બનાવેલું બ્રશ) કહેવામાં આવે છે, કારણ કે, વિક્ટોરિયન યુગમાં તે બ્રશ જંગલી સૂવ્વરના વાળમાંથી બનાવવામાં આવતું હતું અને મહારાણી સિસી તેમના વાળમાં 100 વખત બ્રશ ફેરવતાં હતાં.

હવે, બંને ફાયદા મેળવવા માટે રેનોલ્ડ્ઝ એક નવા જ પ્રકારનો નમૂનો તૈયાર કરી રહ્યા છેઃ પ્લાસ્ટિકની પિનોવાળું તેમજ વિક્ટોરિયન યુગનું બોર-સ્ટાઇલ દાંતા, બંને ધરાવતું હાઇબ્રિડ બ્રશ. પ્લાસ્ટિકની લાંબી પિનો વાળને છૂટા પાડવાનું કામ કરે છે, જ્યારે બોર-સ્ટાઇલના નરમ દાંતા કુદરતી તેલને ફેલાવે છે અને વૉલ્યૂમ વધારે છે. "તે એક પરફેક્ટ સંયોજન છે," એમ રેનોલ્ડ્ઝ જણાવે છે.

એકંદરે, ઇતિહાસમાં વિવિધ આકારો અને આકૃતિઓનાં બ્રશ મળી આવ્યાં છે, જેમાં ઈસુ પૂર્વે 3200માં પ્રાચીન ઇજિપ્તની કબરોમાંથી મળી આવેલા હાથીદાંતના બનેલા કાંસકા તથા વળેલી ડાળીઓમાંથી બનેલા કાંસકાઓનો સમાવેશ થાય છે.

અને ભવિષ્યમાં વાળના રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર અંગેની આપણી સમજ ઊંડી જવા સાથે આપણે આપણા વાળનું રક્ષણ કરવા માટેના નવા રસ્તા શોધી શકીશું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન