એ ટ્રીક્સ જેના થકી મન સ્વાદના બદલે હેલ્થી ખોરાક ખાવા માની જશે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મેલિસા હોગેનબૂમ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

આપણને લાગે છે કે, આપણે શું ખાવું તે આપણે આપણી મરજીથી નક્કી કરતા હોઈએ છીએ, પણ વાસ્તવમાં આપણી ઇન્દ્રિયો આપણે શું ખરીદીએ છીએ અને કેટલું ખાઈએ છીએ, તેને સતત પ્રભાવિત કરતી હોય છે. આ ક્રિયાને આપણા માટે ફાયદાકારક કેવી રીતે બનાવવી, તેની માહિતી અહીં આપવામાં આવી છે.

તમને કદાચ ખબર નહીં હોય, પણ તમે કાનથી પણ ભોજનનો સ્વાદ માણી શકો છો. જરા સમોસાં તળાવાનો કે સોફ્ટ ડ્રિંકનું કેન ખૂલવાનો અવાજ યાદ કરી જુઓ – શું તે અવાજો સાંભળીને અગાઉથી જ તમારા મોંમાં પાણી નથી આવી જતું? અને છેલ્લે તમે કોઈ રૅસ્ટોરાંમાં ભોજન લીધું હોય, ત્યારે ત્યાં વાગી રહેલા સંગીત (મ્યુઝિક) વિશે વિચાર્યું છે? તે સંગીતે તમારા ભોજનની મજા પર કેવી રીતે અસર ઉપજાવી હતી, તેના તરફ તમારું ધ્યાન ગયું હતું?

બ્રિટનસ્થિત યુનિવર્સિટી ઑફ ઓક્સફર્ડ ખાતે ફૂડ સાયન્સના સાઇકોલોજિસ્ટ ચાર્લ્સ સ્પેન્સ કહે છે, "આપણને સૌને લાગે છે કે, આપણને મોંમાં જ સ્વાદ આવે છે. એવું લાગતું હોય છે કે, ત્યાંથી જ બધો સ્વાદ આવે છે, પણ હકીકતમાં સ્વાદ લેતી વખતે અન્ય ઇન્દ્રિયો પણ તેમાં સામેલ હોય છે."

વાસ્તવમાં, આપણે કોઈ વસ્તુનો સ્વાદ ચાખીએ ત્યારે આપણું મગજ તે ખોરાક કેવો દેખાતો હશે, તેનો અવાજ કેવો હશે, તેની સુગંધ કેવી હશે, વગેરે વિશે અનુમાન કરવા માંડે છે. આ ક્રિયા ઘણી વખત આપણી જાણ બહાર પણ થતી હોય છે. પરંતુ, આપણી આંખો, કાન, આંગળીઓ તથા નાક પાસેથી મળતી માહિતીનો પ્રવાહ આપણે ભોજનને કેટલું માણીએ છીએ માત્ર તેમાં જ નહીં, બલ્કે આપણે કેટલું ખાઈએ છીએ તેમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

માનવી કદી સમજી-વિચારીને ખાતો નથી – ઇન્દ્રિયોના સંકેતો આપણી પસંદગીને સહેલાઈથી પ્રભાવિત કરી શકે છે. પરંતુ, વધુ ને વધુ સંશોધનો દર્શાવી રહ્યાં છે કે, આપણે આપણી ઇન્દ્રિયોને 'હેક' કરવા માટે આ સમજૂતીનો ઉપયોગ કરી શકીએ છીએ, જે આપણને વધુ પૌષ્ટિક ખોરાક ખાવા તરફ વાળી શકે છે. આવું કેવી રીતે થાય છે, તે સમજવા માટે મેં સંશોધકો સાથે વાત કરી હતી.

રૂપકડાં પૅકેજિંગથી સાવધ રહો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આપણે જે ખરીદીએ છીએ અને ખાઈએ છીએ, તેના પર પેકેજિંગનો વધુ પડતો પ્રભાવ પડી શકે છે

ઉદાહરણ તરીકે, આપણે જ્યારે ખરીદી કરીએ છીએ ત્યારે આપણી ખરીદીમાં આપણી આંખો મોટો ભાગ ભજવે છે. પૅકેજનો રંગ, બ્રાન્ડનો લોગો અને પૅકેજિંગ કેટલું ચમકદાર છે, તે બાબત આપણું મગજ અંદરના ખોરાક વિશે શું અપેક્ષા સેવે છે તે નક્કી કરે છે.

અને જો કોઈ ખોરાક દેખાવમાં આકર્ષક હોય, તો તે આપણને વધુ પસંદ પડે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, જ્યારે આરોગ્યપ્રદ ખોરાકના રંગો વધુ ચમકદાર બનાવવામાં આવ્યા, ત્યારે બાજુમાં બિનઆરોગ્યપ્રદ વિકલ્પ મોજૂદ હોવા છતાં સહભાગીઓએ આરોગ્યપ્રદ ખોરાકનો વિકલ્પ વધારે પસંદ કર્યો હતો. આ બાબત "સેલિયન્સ બાયસ" સાથે જોડાયેલી છે, જેનો અર્થ એ છે કે આપણું ધ્યાન વધુ આકર્ષક ચીજો તરફ જલ્દી ખેંચાતું હોય છે.

નેધરલેન્ડ્સની વેગનિંગન યુનિવર્સિટી ખાતે માર્કેટિંગ અને કન્ઝ્યુમર બિહેવિયરનાં ઍસોસિએટ પ્રોફેસર બેટિના પિકેરાસ-ફિઝમેન જણાવે છે કે, આપણે ખાદ્ય પદાર્થોના આરોગ્યલક્ષી ગુણોનું મૂલ્યાંકન પૅકેજિંગના રંગના આધારે પણ કરતાં હોઈએ છીએ. બદામી, લીલાં અને સફેદ ઉત્પાદનો વધુ આરોગ્યપ્રદ ગણાય છે, જ્યારે લાલ, પીળાં અને જાંબલી ઉત્પાદનો કે પછી "ચળકતા" પદાર્થો હાનિકારક તત્ત્વો સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.

સ્પેન્સના જણાવ્યા પ્રમાણે, આ માનસિક વલણને ઘરે હૅક કરવાનો એક ઉપાય બિસ્કિટ તથા ચમકીલા પૅકેજિંગમાં આવતી અન્ય ગળી ચીજોને આરપાર ન દેખાતું હોય તેવા ડબ્બામાં ભરવાનો છે. તેનાથી તમે (અચાનક જ બિનઆરોગ્યપ્રદ ચીજ ખાવાની ઇચ્છાને જાગ્રત કરી દેતા) રંગબેરંગી પૅકેજિંગના સંકેતોથી અંજાશો નહીં.

માર્કેટિંગથી કઈ રીતે બચવું?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખાદ્ય ચીજોને શેલ્ફ પર કઈ જગ્યાએ રાખવામાં આવે છે, તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આપણે ઝાઝી જહેમત ઉઠાવ્યા વિના નજીકમાં હોય કે નજરની સામે હોય તેવી વસ્તુઓ પસંદ કરવાનું વલણ ધરાવીએ છીએ. તેને "પ્રિન્સિપલ ઑફ લીસ્ટ એફર્ટ" (સાવ ઓછી મહેનતનો સિદ્ધાંત) કહેવામાં આવે છે અને દુકાનદારો આપણી ખરીદીને પ્રભાવિત કરવા માટે તેનો ફાયદો ઉઠાવતા હોય છે.

સુપરમાર્કેટ્સ આકર્ષક ઉત્પાદનોને બિલિંગ કાઉન્ટરની નજીક રાખે છે અને વધુ મોંઘાં ઉત્પાદનોને આંખની સામે આવે એ રીતે ગોઠવતાં હોય છે, જેથી આપણે જે ખરીદવાનો ઈરાદો જ ન હોય તેવાં ઉત્પાદનો ખરીદી લઈએ છીએ.

આ સમસ્યા નિવારવા માટે હવે નવા પ્રયાસો થઈ રહ્યા છે. જેમ કે, ઇંગ્લૅન્ડે ચરબી, મીઠું અને ખાંડ (HFSS) ઊંચા પ્રમાણમાં હોય તેવા ખાદ્ય પદાર્થોને બિલિંગ કાઉન્ટરની નજીક રાખવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે, જ્યારે યુરોપના ઘણા દેશોએ ખોરાકના ગુણધર્મો વિશે જાણકારી પૂરી પાડતાં લેબલ્સ શરૂ કર્યાં છે.

તેનાથી ગ્રાહકોને આરોગ્ય પ્રત્યે વધુ સભાન નિર્ણયો લેવામાં મદદ મળી શકે છે. જેમ કે, જ્યારે મીઠાઈ જેવી બિનઆરોગ્યપ્રદ ચીજો બિલિંગ કાઉન્ટર પરથી હટાવી દેવામાં આવે, ત્યારે તેને અવિચારીપણે ખરીદવાની લાલચ પણ જતી રહે છે. અન્ય સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જ્યારે બિલિંગ કાઉન્ટર નજીક ફળો ગોઠવવામાં આવ્યાં, ત્યારે ગ્રાહકોને વધુ ફળો ખરીદવાનું પ્રોત્સાહન મળ્યું હતું.

હવે પછી તમે જ્યારે પણ શોપિંગ કરો, ત્યારે ઝટ નજરે ન ચઢતી હોય તેવી શેલ્ફ તરફ જોવું ઉપયોગી નીવડી શકે છે, જેથી ત્યાં તમારા માટે ખાવાના કયા વિકલ્પો છૂપાયેલા છે તે જોઈ શકાય.

ભારે વજન ધરાવતાં વાસણોમાં જમવાથી શું થાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હેલ્થ, સ્વાસ્થ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આપણે જે રીતે ભોજન પીરસીએ અને ખાઈએ છીએ, તે પણ ભોજન પ્રત્યેની આપણી ધારણાને પ્રભાવિત કરી શકે છે

માત્ર આંખ અને કાન જ આપણા ખાવાના અનુભવને પ્રભાવિત નથી કરતાં, બલ્કે ભોજન કેવી રીતે પીરસવામાં આવે છે તે પણ મહત્ત્વનું છે.

જો ગોળાકાર સફેદ રંગની પ્લેટમાં મિષ્ટાન્ન પીરસવામાં આવે, તો તે કાળી ખૂણાવાળી પ્લેટની અંદર પીરસવામાં આવેલા તે જ મિષ્ટાન્નની તુલનામાં વધુ સ્વાદિષ્ટ લાગે છે. પૅકેજિંગના આકારથી પણ આવી જ અસર ઊભી થાય છે – લોકો ખૂણાવાળા પૅકેજિંગ કરતાં ગોળાકાર પૅકેજિંગને વધુ પસંદ કરે છે.

સ્પેન્સ કહે છે, "સ્વાદ હકીકતમાં મોંમાં થતી સામાન્ય સંવેદનાને બદલે મનની બહુ-સંવેદનાત્મક રચના છે."

આપણે જે થાળી કે વાટકામાં ખાઈ રહ્યાં હોઈએ, તે પાત્ર કેટલું ભારે છે તે બાબત પણ આપણે ભોજન પછી કેટલાં ધરાઈ ગયાં છીએ તે ભાવનાને અસર પહોંચાડી શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ગ્રાહકો ભોજન ચાખ્યા પહેલાં જ એવું માનતા હતા કે ભારે પાત્રમાં ખાવાથી તેમને વધુ સંતોષ મળશે – જોકે, સંશોધકોએ એ પરીક્ષણ નહોતું કર્યું કે સહભાગીઓને વાસ્તવમાં કેટલી સંતુષ્ટિ થઈ હતી. અન્ય એક સંશોધન દર્શાવે છે કે, જો આપણે ભોજનને ભારે માનતાં હોઈએ તો આપણને પેટ પણ વધુ ભરેલું લાગે છે.

પિકેરાસ-ફિઝમેન જણાવે છે, "જ્યારે લોકોએ એક જ ચમચી ખાધી, ત્યારે તરત જ તેમણે માની લીધું કે તેમનું પેટ વધુ ભરાઈ જશે." આ ઉપરાંત, ભારે વજનની કટલરી (ચમચી-કાંટા) પણ આપણે ખોરાકનો સ્વાદ કેવો અનુભવીએ છીએ તેના પર સકારાત્મક અસર પાડે છે. કેટલાક લોકોએ કટલરી વજનદાર હોવાથી ભોજનથી વધુ સંતોષ અનુભવ્યો હોવાનું એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું.

તમારી પ્લેટને સુંદર બનાવો

તેમાં કોઈ નવાઈ નથી કે આપણી પ્લેટમાં ભોજનને કેવી રીતે રજૂ કરવામાં આવે છે, તે બાબત પણ આપણે ખોરાકનો કેટલો આસ્વાદ માણીશું તેની આપણી ધારણાને પ્રભાવિત કરે છે અને તે ઓછી કૅલરી ધરાવતા ખોરાકને વધુ આકર્ષક બનાવી શકે છે.

એક અભ્યાસમાં સલાડ કાન્ડિન્સ્કીના પેઇન્ટિંગ જેવું દેખાય તે રીતે ગોઠવવામાં આવ્યું હતું, જેના લીધે સહભાગીઓએ તે જ સામગ્રી ધરાવતા અન્ય ખોરાકની સરખામણીમાં તેને વધુ સ્વાદિષ્ટ ગણાવ્યો હતો અને તેના માટે વધુ કિંમત ચૂકવી હતી.

સ્પેન્સ પ્લેટમાં વધુ રંગબેરંગી પાંદડાં અને શાકભાજીની વિશાળ વિવિધતા ઉમેરવાનું સૂચન કરે છે, જેના કારણે પ્લેટની આકર્ષકતા વધશે અને તે વધુ તાજી હોવાની અનુભૂતિ કરાવશે.

ધીમું સંગીત વગાડવું

અવાજ આપણી ખોરાકની પસંદગીઓને પ્રભાવિત કરે છે, તો ખોરાકની સંરચના સાથે પ્રયોગ કરવાથી પણ આપણા ખોરાકમાં રહેતી કૅલરીનું પ્રમાણ ઘટી શકે છે. આમ કરવાનો એક ઉપાય ખોરાકની માત્રા (જથ્થો) સરખી જ રાખવાનો, પણ ખોરાકની ઊર્જા ઘનતા (ઍનર્જી ડેન્સિટી) ઓછી કરવાનો છે.

સંશોધનો સતત દર્શાવે છે કે, કોઈ ખોરાકમાં કૅલરી ગમે તેટલી હોય તો પણ આપણે સમાન માત્રામાં જ ભોજન ખાતાં હોઈએ છીએ.

પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટી ખાતે ન્યૂટ્રિશનલ સાયન્સિઝનાં પ્રોફેસર બાર્બરા રોલ્સ કહે છે, "જો તમે ખોરાકની માત્રામાં ઊર્જા ઘનતા ઓછી કરશો, તો પણ તમને સંતોષજનક માત્રા જ મળશે અને તમારું કૅલરીનું સેવન પણ ઓછું થઈ જશે."

તેમણે શોધ્યું છે કે, જ્યારે ભોજનમાં ફ્લાવર કે અન્ય શાકભાજીનો પલ્પ ઉમેરીને ભોજનની ઊર્જા ઘનતા 25 ટકા જેટલી ઘટાડી દેવામાં આવી, ત્યારે પણ લોકોને પૂરતા પ્રમાણમાં ધરાઈ ગયાનો અનુભવ થયો હતો. કારણ કે ખોરાકની માત્રા અને સ્વાદ સમાન રહ્યાં હતાં, આથી સહભાગીઓનું ધ્યાન તે ફેરફાર તરફ ગયું નહીં અને ઓછી કૅલરીનું સેવન કર્યું હોવા છતાં તેમનું પેટ ભરાઈ ગયું.

તંદુરસ્ત ભોજનનું પ્રમાણ વધારવું

સ્પેન્સ જણાવે છે કે, એ સમજવું જરૂરી છે કે બાહ્ય સંકેતો નિયમિતપણે આપણે ધરાઈ ગયાં (પેટ ભરાઈ ગયું) હોવાની લાગણીની અવગણના કરે છે.

તેઓ જણાવે છે, "એવું ભાગ્યે જ બને છે કે આપણને બરાબરની ભૂખ લાગી હોવાથી આપણે ખાતા હોઈએ." સામાન્યતઃ આપણે જે જોઈએ, સાંભળીએ અને સૂંઘીએ તેનાથી ઉત્તેજિત થઈને ખાતા હોઈએ છીએ.

તેના માટે "ડેઝર્ટ-સ્ટમક" (મીઠાઈ માટે પેટ) ની અસરનો વિચાર કરો. સંશોધકોએ તાજેતરમાં જ શોધી કાઢ્યું છે કે, ડેઝર્ટ (મીઠાઈ)ને જોવા માત્રથી જ આપણને તે આરોગવાનું મન થાય છે, પછી ભલે આપણે અગાઉથી જ તૃપ્ત થયેલા હોઈએ.

આ બધી બાબતો જોતાં એ સ્પષ્ટ છે કે, આપણે આપણી તમામ જ્ઞાનેન્દ્રિયો પર પૂરતું ધ્યાન આપીને તંદુરસ્ત ખોરાકની પસંદગી કરવામાં આપણી જાતને મદદ કરી શકીએ છીએ.

હવે હું ડિનર બનાવવા જાઉં છું અને જમતી વખતે કોઈ ધીમું, હળવું સંગીત વગાડીશ.

*મેલિસા હોગનબૂમ બીબીસીનાં વરિષ્ઠ આરોગ્ય સંવાદદાતા છે અને બ્રેડવિનર્સ (2025) તથા 'ધ મધરહૂડ કોમ્પ્લેક્સ'નાં લેખિકા છે. ઇન્સ્ટાગ્રામ પર તેમનું હેન્ડલ melissa_hogenboom છે.

'ડેઝર્ટ-સ્ટમક' ઇફેક્ટથી સાવધ રહેવું

સ્પેન્સ જણાવે છે કે, એ સમજવું જરૂરી છે કે, બાહ્ય સંકેતો નિયમિતપણે આપણે ધરાઈ ગયાં (પેટ ભરાઈ ગયું) હોવાની લાગણીની અવગણના કરે છે. તેઓ જણાવે છે, "એવું ભાગ્યે જ બને છે કે, આપણને બરાબરની ભૂખ લાગી હોવાથી આપણે ખાતાં હોઈએ." સામાન્યતઃ આપણે જે જોઈએ, સાંભળીએ અને સૂંઘીએ, તેનાથી ઉત્તેજિત થઈને ખાતાં હોઈએ છીએ.

તેના માટે "ડેઝર્ટ-સ્ટમક"ની અસરનો વિચાર કરો. સંશોધકોએ તાજેતરમાં જ શોધી કાઢ્યું છે કે, ડેઝર્ટ (મીઠાઈ)ને જોવા માત્રથી જ આપણને તે આરોગવાનું મન થાય છે, પછી ભલે આપણે અગાઉથી જ તૃપ્ત થયેલાં હોઈએ.

આ બધી બાબતો જોતાં, એ સ્પષ્ટ છે કે, આપણે આપણી તમામ જ્ઞાનેન્દ્રિયો પર પૂરતું ધ્યાન આપીને તંદુરસ્ત ખોરાકની પસંદગી કરવામાં આપણી જાતને મદદ કરી શકીએ છીએ.

હવે હું ડિનર બનાવવા જાઉં છું અને જમતી વખતે કોઈ ધીમું, હળવું સંગીત વગાડીશ.

* મેલિસા હોગનબૂમ બીબીસીનાં વરિષ્ઠ આરોગ્ય સંવાદદાતા છે અને બ્રેડવિનર્સ (2025) તથા 'ધ મધરહૂડ કોમ્પ્લેક્સ'નાં લેખિકા છે. ઇન્સ્ટાગ્રામ પર તેમનું હેન્ડલ melissa_hogenboom છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન