You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જંગલેશ્વર ડિમોલિશનમાં 'અધિકારીઓ 27 લાખનો નાસ્તો કરી ગયા', બિલમાં કાજુ કતરી અને ખજૂર રોલનો પણ ખર્ચો
રાજકોટમાં થોડા મહિના પહેલાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલું મેગા ડિમોલિશન ફરીથી ચર્ચામાં છે.
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ફૂડ શાખાએ જંગલેશ્વર ડિમોલિશન વખતે અધિકારીઓ દ્વારા કરાયેલા નાસ્તાનું બિલ રૂપિયા 27 લાખ 20 હજાર મૂક્યું છે, સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅને આ બિલ પેન્ડિંગ રાખીને તપાસના આદેશ આપ્યા છે.
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ડિમોલિશનની કામગીરી કરાઈ હતી. જેમાં 1500 જેટલાં કથિત દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં.
ત્રણ દિવસ સુધી ચાલેલા આ ડિમોલિશનમાં અનેક પરિવારો બેઘર થઈ ગયા છે અને રઝળી પડ્યા છે. કેટલાક પરિવારનું જીવન વેરવિખેર થઈ ગયું હતું.
ત્યારે આ કામગીરીને લઈને રાજકોટ મનપાએ રજૂ કરેલા ખર્ચના બિલને લઈને વિપક્ષે ગૃહમાં હોબાળો કર્યો હતો.
ડિમોલેશન કામગીરી દરમિયાન કાજુ કતરી, સમોસાં, ખજૂર રોલ અને ખમણની 150 નંગ પ્લેટનું બિલ 34,650 રૂપિયા મૂકાયું છે.
વધુમાં બિલમાં ઉલ્લેખ છે કે ડિમોલેશન સમયે અધિકારીઓ આરાધના ટી સ્ટૉલની 6,30,946 રૂપિયાની ચા કૉફી અને બિસ્કિટ પણ ખાઈ ગયા અને 21 હજાર કપ ચા અને 4 હજાર બૉટલ લીંબુ શરબત પી ગયા.
વિપક્ષનું કહેવું છે કે એક તરફ જંગલેશ્વરનું ડિમોલેશન ચાલતું હતું તો બીજી તરફ અધિકારીઓ 231 રૂપિયાની એક નંગ કાજુ કતરી ખાઈ રહ્યા હતા તે શરમજનક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો કે કાજુ કતરી મામલે આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીએ કહ્યું કે 25 ફેબ્રુઆરી 2026ના રોજ રાજકોટ મનપા કમિશ્નરના આદેશ મુજબ એક પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાજુ કતરી, ખજૂર રોલ અને સમોસાં, વેફર, ખમણની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ બિલમાં કૌભાંડની થયાની આશંકા હોવાથી રાજકોટ મનપાના સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન પરેશ પીપળિયાએ બિલની દરખાસ્ત પેન્ડિંગ રાખી હતી.
તો 34 હજારની કાજુ કતરી અને ખજૂર રોલ કોણ ખાઈ ગયું?
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન પરેશ પીપળિયા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ નવ દરખાસ્ત હતી, તેમાંથી એક નામંજૂર કરવામાં આવી જ્યારે અન્ય બે પેન્ડિંગ રાખવામાં આવી છે, જેમાં એક ડ્રોન દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અંગેની કામગીરી તેને વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે.
"જ્યારે એક જે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, તેમાં જે ખર્ચ થયો, તેમાં નાસ્તા અને જમવાનો ખર્ચ રજૂ કરતું બિલ હાલ પૂરતું પેન્ડિંગ રાખવામાં આવ્યું છે."
પરેશ પીપળિયાએ જણાવ્યું, "તેમાં કુલ ચાર દિવસનો અંદાજિત ખર્ચ 27 લાખ રૂપિયાથી વધારે છે, આ દરખાસ્ત સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે."
"પેન્ડિંગ રાખવાનું કારણ તે છે કે તેમણે જે કાજુ કતરી અને ખજૂર રોલનો ઉલ્લેખ કર્યો છે."
તેમણે કહ્યું, "આટલા સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને મિઠાઈ ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માંગવા માટે તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે."
"જો કે તેમાં અંદાજિત 3500થી 4 હજાર કર્મચારીઓ હતા જેમાં શ્રમિકો પણ સામેલ છે."
"આ બિલ ટીપી શાખાએ આરોગ્ય શાખાને મોકલ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર પાસેથી આ દરખાસ્ત સ્ટૅન્ડિંગ કમિટી પાસે આવી હતી, પણ આ દારખાસ્ત હાલ પૂરતી અમારા દ્વારા પેન્ડિંગ રાખવામાં આવી છે."
પરેશ પીપળિયાને પત્રકારો દ્વારા આ કોભાંડ લાગે છે કે નહીં તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે "હાલ પૂરતું હું કઈ નહીં કહી શકું, પણ તપાસના આદેશ આપ્યા છે."
તેમણે કહ્યું હતું કે પુરાવા આવ્યા પછી ચોક્કસ મીડિયાને જણાવાશે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે કૉર્પોરેશનની પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બને તે માટે હવેથી કોઈ પણ એજન્સી કોઈપણ કામ કરે તેના બે મહિનાની અંદર અધિકારીઓએ સ્ટૅન્ડિંગ કમિટી સમક્ષ બિલ રજૂ કરી દેવાના છે.
અને ન કરે તો યોગ્ય કારણો અમને જણાવવા સંકલન બાદ તે નક્કી કરવામાં આવશે કે ધ્યાને લેવું કે નહીં.
કૉંગ્રેસે ગૃહમાં હોબાળો કર્યો કહ્યું, "નિર્દોષ રાજકોટની જનતા આ બિલ નહીં ભોગવે"
રાજકોટમાં ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચના મામલે કૉંગ્રેસે તપાસ કમિટીની માંગ કરી હતી અને ગૃહમાં પણ કાજુ કતરી અને કોભાંડના પોસ્ટર લઈને વિરોધ કર્યો હતો.
કૉંગ્રેસના કૉર્પોરેટર દિપ્તીબહેન સોલંકીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "જંગલેશ્વરના ડિમોલિશન વખતે અધિકારીઓ દ્વારા 27 લાખથી વધારેનું બિલ મૂકવામાં આવ્યું હતું, આજે અમે તેને લઈને વિરોધ કર્યો છે."
તેમણે કહ્યું, "આટલી મોંઘી મિઠાઈઓ જેનો બિલમાં ઉલ્લેખ છે તે મિઠાઈઓ અધિકારીઓ ગરીબ લોકોના આંસુને અવગણી જમ્યા છે, આ વાત માનવતાને શર્મસાર કરતી ઘટના છે."
"સમગ્ર રાજકોટમાં 10 રૂપિયાની ચા મળતી હોય ત્યારે બિલમાં 22 રૂપિયાની ચા છે."
"સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅને બિલ પેન્ડિંગ રાખવાની વાત કરી છે ત્યારે હું મારા સાથી કૉર્પોરેટરો વતી આ ઘટનામાં કઈ ભીનું સંકેલવામાં ન આવે અને જે તે ખાઉધરા જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરાવીને એ લોકો પાસેથી બિલ વસૂલવામાં આવે એવી અમારી રજૂઆત છે."
દિપ્તીબહેને કહ્યું, "નિર્દોષ રાજકોટની જનતા આ બિલ નહીં ભોગવે અને મારું માનવું છે કે આ ઘટનામાં ભ્રષ્ટાચાર છે."
વધુમાં તેમણે જણાવ્યું, "કાજુ કતરીના ચોસલાની કિંમત 231 રૂપિયા બતાવવામાં આવી છે. આ લોકો જ્યારે ગરીબો રડતા હતા ત્યારે આવું ખાતા હતા તે ચોકવાનારું છે."
રાજકોટના મેયર અને મનપાના આરોગ્ય અધિકારીએ શું કહ્યું?
રાજકોટ મનપાના મેયર નેહલ શુક્લે મીડિયાને જણાવ્યું હતું કે, "જે નિયમ અનુસાર કાર્યવાહી થતી હશે તે બધી થશે. તે તંત્રના ધ્યાનમાં જ છે."
રાજકોટની આરએમસીની ચૂંટણી પછી આ પ્રથમ જનરલ બોર્ડની બેઠક હતી. કાજુ કતરીનો પ્રશ્ન હજુ જનરલ બોર્ડની મિટિંગમાં નથી આવ્યો.
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણી જેમણે આ બિલ મૂક્યું તેમણે પ્રેસ કૉન્ફરસન્સમાં કહ્યું કે પ્રતિ વ્યક્તિ એક જ ચાની ગણતરી કરવામાં આવી છે.
કાજુ કતરી મામલે આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ કહ્યું કે, ટીપી બ્રાન્ચ દ્વારા આ ઑર્ડર નથી આપવામાં આવેલો એ તો સ્પષ્ટ છે કોઈપણ અધિકારીએ કોઈ પણ જાતની મીઠાઈનું સેવન કર્યું નથી.
તો આરાધના ટી સ્ટૉલના નામનાં બિલ છે તેના જવાબમાં તેમણે કહ્યું તે માત્ર ચાનું બિલ નથી અન્ય ઘણી વસ્તુ તેમાં સામેલ છે.
"તેમાં સવારની ચા, બપોરની ચા, બિસ્કિટ ઉપરાંત જે અધિકારીઓ માટે કંટ્રોલ રૂમ બનવામાં આવેલો ત્યાં પણ અધિકારીઓ માટે ચા અને રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. નાસ્તા અને જમવાની વ્યવસ્થા પણ સામેલ છે."
તેમણે કહ્યું, "અલગ અલગ વિભાગનો મોટા પ્રમાણમાં સ્ટાફ હાજર હતો. 4800 કરતા વધારે સ્ટાફ માટે રિફ્રેશમેન્ટ અને નાસ્તાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી."
"2300 પોલીસ સ્ટાફ, 25 જેટલી મેડિકલ ટીમો, ફાયર, PGVCL, આરોગ્ય, પોલીસ, મેડિકલ સહિતની ટીમો તહેનાત હતી. 100 જેટલા વીડિયોગ્રાફરો સહિત મોટા પ્રમાણમાં મજૂરોનો સ્ટાફ હાજર હતો."
આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ કહ્યું, "કોઈ પણ નાણાકીય ગોલમાલ આમાં કરવામાં આવી નથી. અમે અધિકારીઓની ઝોન દીઠ સંખ્યા લીધી હતી આગળના દિવસે જ તે પ્રમાણે ઑર્ડર આપવામાં આવતો હતો અને જો વધારે ડિશની જરૂરિયાત જણાય તો ઑર્ડર પણ કરતાં હતા."
કાજુ કતરી મામલે કહ્યું તેમણે કહ્યું, 25 ફેબ્રુઆરી 2026 ના રોજ કમિશ્નરના આદેશ મુજબ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
"જેમાં કાજુ કતરી, ખજૂર રોલ અને સમોસા, વેફર, ખમણની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી"
"તેની 34 હજારની કિમત સામે સવાલ પૂછાતા તેમણે કહ્યું રાજકોટ મનપાની પીઆરઓ શાખા દ્વારા 150 પત્રકારોની સૂચના અપાતાં અમે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી હતી તેથી બીલ વર્ક ઓર્ડર પ્રમાણેનું આ બિલ બન્યું છે."
કૉંગ્રેસ શહેર પ્રમુખે કહ્યું "જ્યારે લોકો ત્યાં રડતાં ત્યારે આ પ્રકારની ઉજવણી શરમજનક"
કૉંગ્રેસ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ બીબીસીને જણાવ્યું, "ડિમોલિશન દરમિયાન તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન હાજર હતા, તેથી આ સમગ્ર ઘટનામાં કોની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયો છે, તેની તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે."
"રાજકોટમાં 100 વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી લોકો ત્યાં રહેતા હતા. ત્યાં બાળકો રડતાં હતાં અને ત્યારે તેમને આવાસ ફાળવી સહયોગ આપવાની જગ્યાએ ત્યાં કોઈ ઉજવણી થતી હોય તે રીતે ત્યાં 27 લાખથી વધારેના ખર્ચે 32 જાતનાં ભોજનો, કાજુ કતરી અને ખજૂર રોલ જેવી મિઠાઈઓનાં બિલ મૂકવામાં આવ્યાં."
તેમણે કહ્યું, "મનપાના કર્મચારીઓ માટે પાણી, લીંબુ પાણી અને જમવાની વ્યવસ્થાનું બિલ મૂકવું જોઈએ જે જરૂરી છે, તેનો વિરોધ નથી પણ ડિમોલિશન ચાલતું હોય અને અધિકારીઓ પાર્ટી કરે 32 જાતનું ભોજન થતું હોય તે શરમજનક છે."
"જો ઉપલા અધિકારીઓને આ વાતની જાણ ન હતી તો પણ તે શરમજનક છે."
"ત્યારે કોણે કાજુ કતરી અને ખજૂર રોલ ખરીદવાનો ઑડર આપ્યો હતો તેની તપાસ થવી જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન