પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કા માટે 'વિક્રમસર્જક મતદાન' પાછળ 'SIRનો ગભરાટ' અને 'આંકડાનો ખેલ' કેટલી હદે પ્રેરક પરિબળો છે?

ઇમેજ સ્રોત, ANI
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારીએ રાજ્યના ઇતિહાસમાંના અગાઉના તમામ રેકૉર્ડ આ વખતે તોડી નાખ્યા છે.
કેટલાંક સ્થળોએ અથડામણની છૂટાછવાયા બનાવો બન્યા હોવા છતાં નાગરિકો મતદાન કરી શક્યા એ હકીકતની પુષ્ટિ ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત પ્રસ્તુત આંકડાઓ કરે છે.
આ ચૂંટણીમાં એકેય પક્ષે મતદાનમાં ગોટાળા કે બૂથ કૅપ્ચરિંગ વિશે કોઈ ગંભીર આરોપો કર્યા નથી.
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં આ અગાઉ સૌથી વધુ મતદાનનો રેકૉર્ડ 2011માં સર્જાયો હતો. એ વર્ષે 84.72 ટકા મતદાન થયું હતું. એ ચૂંટણી રાજ્ય માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ હતી.
એ ચૂંટણી પછી મમતા બેનરજી ડાબેરી મોરચા ગઠબંધનનાં 34 વર્ષના શાસનનો અંત લાવ્યાં હતાં અને મુખ્ય મંત્રી તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી.
નિષ્ણાતો માને છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની 2026ની ચૂંટણીમાં સમાજના તમામ વર્ગના લોકોએ જે રીતે ભાગ લીધો હતો તે ખરેખર અભૂતપૂર્વ છે.
એપેલેટ ટ્રિબ્યુનલ સંબંધી કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે નોંધ્યું હતું કે "દેશના નાગરિકો મતદાન કરવા માટે આગળ આવે છે ત્યારે લોકશાહી મજબૂત બને છે."
લોકોની સ્વયંભૂ ભાગીદારી

ઇમેજ સ્રોત, ANI
દિલ્હી, મુંબઈ, બૅંગ્લુરુ અને હૈદરાબાદ જેવાં શહેરોમાં કામ કરવા માટે પશ્ચિમ બંગાળની બહાર રહેતા રાજ્યના ઘણા લોકો ચૂંટણી પહેલાં ઘરે પાછા ફર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચૂંટણી પહેલાં ઘરે પાછા ફરવાનો ટ્રૅન્ડ પશ્ચિમ બંગાળમાં નવો નથી. જોકે, આ વેળાએ ઉચ્ચ સ્તરીય વ્યાવસાયિકોથી માંડીને સ્થળાંતરિત શ્રમિકો સુધીના તમામ લોકોમાં ઘરે પાછા ફરવાની ઉતાવળ નોંધપાત્ર રીતે સ્પષ્ટ હતી.
ચૂંટણી પહેલાંના દસ દિવસોમાં ટ્રેન, બસ કે ફ્લાઇટની ટિકિટ મેળવવાનું લગભગ અશક્ય હતું. હાવડા, સિયાલદાહ, ન્યુ જલપાઇગુડી, માલદા ટાઉન અને બર્ધમાન જંક્શન જેવાં રેલવે સ્ટેશનો લોકોની ભીડથી ઉભરાઈ ગયાં હતાં.
તૃણમૂલ કૉંગ્રેસે તો ચૂંટણી પંચમાં ફરિયાદ પણ નોંધાવી છે, જેમાં આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ સ્થળાંતરિત શ્રમિકોને ઘરે પાછા લાવવા માટે ઘણી ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરી હોવાનો દાવો તૃણમૂલ કૉંગ્રેસે કર્યો છે.
ચૂંટણીના પહેલા તબક્કા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા પર નજર રાખી રહેલા નિરીક્ષકોના અહેવાલ મુજબ, મતદારોની સંખ્યામાં સવારથી જ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક વિશ્વજીત ભટ્ટાચાર્ય લગભગ ત્રણ દાયકાથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પર નજર રાખતા રહ્યા છે.
મતદાનના પ્રથમ તબક્કાના દિવસે બીબીસી બાંગ્લા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે "હું ઘણાં વર્ષોથી ચૂંટણીનું નિરીક્ષણ કરતો રહ્યો છું અને મેં કાયમ જોયું છે કે ગરમીને કારણે મતદારોની કતારો સવારે વહેલી અથવા બપોરે મોડેથી લાંબી થઈ જાય છે. સામાન્ય રીતે એવું અઢી કે ત્રણ વાગ્યાથી શરૂ થાય છે. જોકે, આ વખતે મેં સવારથી જ મતદારોની સંખ્યામાં સતત અને એકધારો વધારો નિહાળ્યો હતો."
ગુરુવાર 23 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી વધી ગયું હતું.
પ્રથમ તબક્કાના મતદાનના દિવસે બીબીસી ન્યૂઝ, બાંગ્લાને નંદીગ્રામ વિસ્તારમાં સામાન્ય, શાંતિપૂર્ણ મતદાનનું દૃશ્ય જોવા મળ્યું હતું.
ભૂતકાળમાં રાજકીય હિંસા અને અથડામણોને કારણે આ મતવિસ્તાર અનેક વખત અખબારોના મથાળાઓમાં ચમક્યો છે. જોકે, આ વખતે આવા કોઈ અહેવાલ આવ્યા નથી. તેનાથી વિપરીત મતદારો મતદાન કરવા માટે ખૂબ ઉત્સાહ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.
ક્યાં અને કેટલું મતદાન થયું?
ચૂંટણી પંચે જાહેર કરેલા તાજા આંકડા મુજબ, પશ્ચિમ બંગાળમાં કુલ 92.88 ટકા મતદાન નોંધાયું છે.
મુસ્લિમ બાહુલ્યવાળા મતવિસ્તારોમાં મતદાનનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. દાખલા તરીકે સીતલકુચીમાં 97.53 ટકા, મોથાબારીમાં 95.05 ટકા, ભાગબંગોલામાં 96.95 ટકા, જાંગીપુરમાં 95.72 ટકા, ચોપરામાં 96.02 ટકા અને હેમતાબાદમાં 96.40 ટકા મતદાન થયું હતું.
મતદાનના દિવસે જે મતવિસ્તારોમાંથી ગરબડના અહેવાલ આવી રહ્યા હતા ત્યાં પણ મતદાનનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઊંચુ રહ્યું હતું. તેના ઉદાહરણ જોઈએ તો દોમકલમાં 96.43 ટકા, રેજીનગરમાં 92.17 ટકા અને કુમારગંજમાં 95.87 ટકા મતદાન થયું હતું.
મુસ્લિમો લઘુમતીમાં હોય અને હિંદુઓ બહુમતીમાં હોય તેવા મતવિસ્તારોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં ઊંચું મતદાન થયું હતું.
પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, જલપાઈગુડી અને પુરુલિયા જિલ્લાઓના મોટાભાગના વિસ્તારોમાં 90 ટકાથી વધુ મતદાન થયું હતું.
SIRના ભયની અસર કેટલી નોંધપાત્ર છે?

ઇમેજ સ્રોત, ANI
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યનો રાજકીય માહોલ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને લગભગ 91 લાખ નામોને બાકાત રાખવાના વિવાદથી ઘેરાયેલો હતો. ઘણા સામાન્ય મતદારોએ મીડિયાને જણાવ્યું હતું કે તેમને ડર હતો કે તેઓ આ વખતે મતદાન નહીં કરે તો તેઓ ભવિષ્યની મતદાર યાદીમાં નામ સામેલ કરાવી શકશે નહીં, તે એક એવી પરિસ્થિતિ છે જે બાદમાં તેમના નાગરિકત્વ બાબતે શંકા પેદા કરી શકે છે.
અન્ય રાજ્યોમાં કામ કરતા ઘણા શ્રમિકો આ શંકાના નિવારણ માટે તેમના કાર્યસ્થળેથી પશ્ચિમ બંગાળ આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં હિંદુ અને મુસ્લિમ બંને ધર્મના લોકોમાં આ ભય પ્રવર્તે છે. જોકે, અધિકારીઓએ આ સંદર્ભે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
ચૂંટણી પંચનો ડેટા દર્શાવે છે કે જે મતવિસ્તારોમાં મતદારોનાં નામ કાઢી નાખવાનો દર ખાસ કરીને ઊંચો હતો ત્યાં પણ મતદાનનું પ્રમાણ ઊંચુ રહ્યું છે.
મુર્શિદાબાદ જિલ્લાનાં ફરક્કા, દોમકલ, બેલડાંગા, ભાગબંગોલા અને જાંગીપુર, માલદા જિલ્લાનાં હબીબપુર, બીરભૂમના હસના અને ઉત્તર દિનાજપુરના ચોપરા જેવા મતવિસ્તારોમાં મતદાનની ટકાવારી ગત વર્ષ કરતાં વધી છે. આ પ્રદેશના ઘણા રહેવાસીઓ સ્થળાંતરિત શ્રમિક તરીકે કામ કરવા અન્ય રાજ્યોમાં જાય છે. આ વખતે લોકો ખાસ કરીને મતદાન કરવા માટે નોંધપાત્ર પ્રમાણમાં પાછા આવ્યા હતા.
પ્રવાસી શ્રમિક ઐક્ય મંચના રાજ્ય મહાસચિવ આસિફ ફારુકે કહ્યું હતું કે "SIR પ્રક્રિયા પછી જેમનાં નામ મતદાર યાદીમાં હતાં તેઓ આ વખતે મતદાન કરવા કટિબદ્ધ હતા. માલદા અને મુર્શિદાબાદના સ્થળાંતરિક શ્રમિક સમુદાયોમાં ઓળખના પુરાવાને સાચવવાની તકેદારી જોવા મળી હતી. અગાઉ અમે મતદારોને તેમની વોટર્સ સ્લિપની ફોટોકૉપી કરાવતા જોયા નથી. આ વખતે તેમણે એવું કર્યું હતું, જેથી ભવિષ્યમાં તેઓ પુરાવો આપી શકે કે તેમના નામ SIR પછીની મતદાર યાદીમાં હતાં અને તેમણે તેમના મતાધિકારનો ઉપયોગ સફળતાપૂર્વક કર્યો હતો."
કોલકાતા સ્થિત સામાજિક સંશોધન સંસ્થા સબર ઇન્સ્ટિટ્યૂટના સંશોધક સબીર અહમદે બીબીસી બાંગ્લાને કહ્યું હતું કે "મુર્શિદાબાદ જિલ્લાના મુસ્લિમ બાહુલ્યવાળા મતવિસ્તારોમાં મોટા પાયે મતદાન થયું હોય એવું લાગે છે. રાજ્યના મુસ્લિમ સમુદાયમાં છેલ્લાં 15 વર્ષથી તૃણમૂલ સરકાર સામે રોષનો ભંડાર એકઠો થઈ રહ્યો છે ત્યારે એવું લાગે છે કે આ વખતે તેમણે એ ફરિયાદોને બાજુ પર રાખી છે અને ખાસ કરીને SIR પ્રક્રિયા સાથે સંકળાયેલી સતામણી સામે મતદાન કરવા તેઓ એકઠા થયા છે."
સબીર અહમદે ઉમેર્યું હતું કે "મતદાતાઓની ભાગીદારીના દરને જોતાં એવું લાગે છે કે પોતે આ વખતે મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવા લોકો કૃતનિશ્ચય હતા."
આંકડા શું કહે છે?
દેશના ભૂતપૂર્વ વડા ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશીએ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલી રેકૉર્ડબ્રેક મતદાનના આંકડાને "અત્યંત વધુ પડતો" ગણાવ્યો હતો.
બીબીસી બાંગ્લા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે "પશ્ચિમ બંગાળ ઐતિહાસિક રીતે વધારે મતદાન થતું હોય તેવા રાજ્ય તરીકે ઓળખાતું રહ્યું છે, પરંતુ મતદાર યાદીમાંથી 91 લાખ નામ હટાવી દેવામાં આવે અને નવી યાદીને આધારે ગણતરી કરીએ તો તેના પરિણામે જે ટકાવારી મળશે તે સ્વાભાવિક રીતે વધારે જ હશે."
કુરેશી માને છે કે "ઘણા લોકો ડરને લીધે મતદાન કરવા માટે પોતપોતાના ઘરેથી નીકળ્યા હતા એ વાતને નકારી શકાય નહીં, પરંતુ ચૂંટણી જૂની મતદાર યાદીને આધારે કરાવવામાં આવી હોત તો મતદાનમાં વૃદ્ધિની ટકાવારી બે ટકાથી વધારે ન હોત."
ભારતીય ચૂંટણી ઈતિહાસ દર્શાવે છે કે સત્તાધારી પક્ષ સામે લોકોની નારાજગી હોય ત્યારે રાજ્યોમાં મતદાનની ટકાવારી વધી જતી હોય છે, પરંતુ કુરેશી મતદાનની ટકાવારીમાં વૃદ્ધિનું મુખ્ય કારણ સત્તાવિરોધી લહેર હોવાનું માનતા નથી.
SIR પ્રક્રિયા દરમિયાન પુરુલિયા, કાલિમપોંગ અને ઝારગ્રામ જિલ્લાઓમાં સૌથી ઓછાં નામો મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યાં હતાં. ચૂંટણી પંચે આપેલી માહિતી દર્શાવે છે કે મતદાનના પ્રથમ તબક્કામાં રાજ્યભરમાં નોંધાયેલા કુલ મતદાન કરતાં આ જિલ્લાઓમાં મતદાન ઓછું થયું છે. કાલિમપોંગ જિલ્લામાં સૌથી ઓછું, 83 ટકાથી થોડું વધારે, મતદાન થયું હતું.
ટીએમસી અને બીજેપી બન્ને મતદાન દર બાબતે આશાવાદી

ઇમેજ સ્રોત, Getty Images
પ્રથમ તબક્કાના મતદાન પછી શાસક તૃણમૂલ કૉંગ્રેસ અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી બંનેએ આશા વ્યક્ત કરી છે કે આ રેકૉર્ડબ્રેક મતદાન આખરે તેમની તરફેણમાં પરિણમશે. જોકે, એકેય પક્ષ તેને બહુ મહત્ત્વ આપતો નથી. તૃણમૂલ અને બીજેપી બંનેનાં આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રેકૉર્ડબ્રેક મતદાન સંબંધે બંને પક્ષો હાલ બેઠકવાર વિશ્લેષણ કરી રહ્યા છે.
મતદાનના પ્રથમ તબક્કા પછી રાજ્યનાં મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસના ટોચનાં નેતા મમતા બેનરજીએ કોલકાતાના ચોરંગી વિસ્તારમાં એક સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે "લોકો આ ચૂંટણીને તેમના અધિકારોની રક્ષા માટેનું યુદ્ધ માને છે. તેઓ સીમાંકન, એનઆરસી અને એવી બાબતોથી ભયભીત હતા."
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવાર 24 એપ્રિલે કોલકાતામાં એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે ટિપ્પણી કરી હતી કે "તૃણમૂલના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા ઘણા લોકો અમારા ઉમેદવારોની યાદીમાં છે. એ ઉપરાંત તૃણમૂલથી ભયભીત ઘણા લોકો અમારા ઉમેદવારોને ટેકો આપવા આગળ આવી રહ્યા છે."
વિક્રમસર્જક મતદાનની વાત કરતાં તેમણે કહ્યું હતું કે "બોગસ મતદારો તથા ઘૂસણખોરોનાં નામોની બાદબાકી, વહીવટીતંત્રનાં સક્રીય વલણ અને ચૂંટણી પંચે લીધેલાં પગલાંને કારણે આ વખતે લોકો ભય વિના ઘરની બહાર નીકળીને મતદાન કરી શક્યા." આ મતો આખરે ભાજપની તરફેણમાં જ પડશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















