18 મહિના સુધી 300 ફૂટ ઊંચા સેલ ટાવર પર કેમ રહ્યા પૂર્વ સૈનિક, ખોરાક અને અન્ય જરૂરિયાતો કેવી રીતે પૂરી થતી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પંજાબ, 43 વર્ષીય ગુરજિતસિંહ 12 ઑક્ટોબર, 2024થી સમાના સિટીની વચ્ચોવચ લગાવાયેલા મોબાઇલ ફોન ટાવર પર ચઢી બેઠા હતા, જોકે, હવે તેઓ નીચે ઊતર્યા છે
ઇમેજ કૅપ્શન, 43 વર્ષીય ગુરજીતસિંહ 12 ઑક્ટોબર, 2024થી સમાના સિટીની વચ્ચોવચ લગાવાયેલા મોબાઇલ ફોન ટાવર પર ચઢી બેઠા હતા, જોકે, હવે તેઓ નીચે ઊતર્યા છે
    • લેેખક, સરબજિતસિંહ ધાલીવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 6 મિનિટ

(ચેતવણીઃ આ સમાચારમાં વર્ણિત કેટલી ઘટનાઓની વિગત વિચલિત કરનારી છે)

"હું 18 મહિના અને 12 દિવસ પછી પૃથ્વી પર સલામત રીતે પાછો ફર્યો છું."

આ શબ્દો પંજાબના પટિયાલા જિલ્લાના સમાના ખેરી નાંગિયા ગામના ગુરજીતસિંહના છે.

43 વર્ષના ગુરજીતસિંહ સમાના શહેરની મધ્યમાં સ્થિત એક મોબાઇલ ટાવર પર 2024ની 12 ઑક્ટોબરે ચડીને બેસી ગયા હતા. તેમને આજે, 24 એપ્રિલની સવારે લગભગ પોણા આઠ વાગ્યે ટાવર પરથી નીચે ઉતારવામાં આવ્યા હતા. તેઓ 'અપવિત્રતાની ઘટના'ઓ સામે આકરી કાર્યવાહી માટે કડક કાયદાની માંગ કરી રહ્યા હતા.

તેમણે ગઈકાલે કહ્યું હતું કે "12 ઑક્ટોબર, 2024થી 23 એપ્રિલ, 2026 સુધી મેં ભીષણ ગરમી, વરસાદ, હવા અને આકરી ઠંડી તેમજ અન્ય મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ આજે મને ખુશી છે કે મારી માંગ સ્વીકારવામાં આવી છે."

પંજાબ વિધાનસભામાં 'જગત જ્યોતિ શ્રી ગુરુગ્રંથ સાહિબ સત્કાર (સુધારા) અધિનિયમ – 2026' ખરડો 13 એપ્રિલ, 2026ની રોજ પસાર કરવામાં આવ્યો હતો. રાજ્યપાલે 17 એપ્રિલે તેના પર સહી કરી પછી તે કાયદો બન્યો છે.

જોકે, આ કાયદાને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે નવો કાયદો ધર્મનિરપેક્ષતા અને કલમ 14નું ઉલ્લંઘન કરે છે.

ગુરજીતસિંહને ટાવર પરથી ઉતારવાનું કામ પટિયાલા વહીવટીતંત્ર, નાગરિક સુરક્ષા અને ભારતીય સૈન્યએ સાથે મળીને કર્યું હતું.

સમાનાના ડીએસપી ફતેહ સિંહ બરાડે બીબીસી પંજાબીને જણાવ્યું હતું કે ગુરજીતસિંહની 24, એપ્રિલે સવારે જ ધરપકડ કરવામાં આવી છે.

તેમને ટાવર પરથી નીચે ઉતારનારી ટીમના એક સભ્ય અને ફાયર બ્રિગેડના કર્મચારી કૃષ્ણકુમારે કહ્યું હતું કે "મેં તેમને પકડ્યા હતા, દોરડા છોડ્યાં હતાં અને પાંજરામાં પૂર્યા હતા. અમે ઘણા દિવસથી આ કામની પ્રેક્ટિસ કરી રહ્યા હતા."

ગુરજીતસિંહને ટાવર પરથી નીચે ઉતાર્યા બાદ તબીબી તપાસ માટે હૉસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.

કોણ છે ગુરજીતસિંહ? તેઓ ટાવર પર આટલા મહિને કઈ રીતે રહ્યા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પંજાબ,
ઇમેજ કૅપ્શન, ટાવરથી નીચે ઉતારાઈ રહેલા ગુરજીતસિંહની તસવીર

પટિયાલા જિલ્લાના સમાના શહેરની મધ્યમાં સ્થિત ચિલ્ડ્રન પાર્ક પાસેનો ટાવર છેલ્લા 18 મહિનાથી વધુ સમયથી ચર્ચામાં હતો. અગાઉ અહીં લોકો એકઠા થતા હતા, પરંતુ 24 ફેબ્રુઆરીથી ધર્મયુદ્ધ મોરચાના નેતૃત્વમાં સમાનાના બાબા બંદા સિંહ બહાદુર ચોકમાં ધરણા શરૂ કરવામાં આવ્યાં હતાં. ટાવર અને મોરચા વચ્ચે લગભગ એક કિલોમીટરનું અંતર છે.

સમાનામાં બાબા બંદા સિંહ બહાદુર ચોક સંગરૂર અને પટિયાલા જિલ્લાને હરિયાણા સાથે જોડતો એક મહત્વપૂર્ણ હાઈવે છે.

બીબીસી પંજાબીની ટીમે ગુરુવારે બપોરે લગભગ બે વાગ્યે ગુરજીતસિંહનો ફોન મારફત સંપર્ક કર્યો હતો. તેઓ સમાના કોર્ટની પાસેના ચિલ્ડ્રન પાર્કની અડોઅડ આવેલા એક ટાવર પર બેઠા હતા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પંજાબ,
ઇમેજ કૅપ્શન, ગુરજીતસિંહ 18 મહિના ટાવરની ટોચ પર ચઢેલા રહ્યા

ગુરજીતસિંહે કહ્યું હતું કે "મેં ભૂતકાળમાં અનેક મુશ્કેલીનો સામનો કર્યો છે, પરંતુ ગુરબાનીની મદદથી મારી આખરે જીત થઈ છે."

ગુરજીતસિંહ ભૂતપૂર્વ સૈનિક અને ખેડૂત છે. તેમણે જણાવ્યું હતું કે 2024ની 12 ઑક્ટોબરે તેમણે ટાવર પર ચડવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં તેમણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને કબૂતરો અને અન્ય પક્ષીઓએ તેમને બહુ હેરાન કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે "100 ફીટ સુધી ચડ્યા બાદ મેં થોડી વાર આરામ કર્યો હતો. પછી હું 200 ફીટની ઊંચાઈએ પહોંચ્યો હતો અને અંતે લગભગ 400 ફીટની ઊંચાઈ પર પહોંચ્યો હતો, કારણ કે એ જગ્યા મને સલામત લાગી રહી હતી."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પંજાબ,
ઇમેજ કૅપ્શન, સમાના ખાતે બાબા બંદાસિંહ બહાદુર ચોક ખાતેથી 24 ફેબ્રુઆરીના રોજ ધરમયુદ્ધ મોરચાના નેજા હેઠળ પ્રદર્શન શરૂ થયાં હતાં

ગુરજીતસિંહે જણાવ્યું હતું કે તેઓ પહેલાં ટાવર સાઇટ પર જ રહેતા હતા. પછી ધીમે ધીમે નીચેથી સામાન ઉપર લાવ્યા હતા. હાલમાં ટાવર પર કપડાનો એક તંબુ ગોઠવાયેલો છે.

તેમણે કહ્યું હતું કે "ભૂતપૂર્વ સૈનિક હોવાને કારણે હું પાણીની નાની બોટલો, કેટલોક નાસ્તો અને અન્ય નાની વસ્તુઓ લાવ્યો હતો, પરંતુ એ બધું ટૂંક સમયમાં ખતમ થઈ ગયું હતું. પાંચ દિવસ પછી વહીવટીતંત્રે ફરીથી થોડો સામાન મોકલ્યો હતો. તે મારા માટે પૂરતો હતો."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પંજાબ,
ઇમેજ કૅપ્શન, ટાવરથી ઊતર્યા બાદ ગુરજીતસિંહે મીડિયા સાથે વાત કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુરજીતસિંહે જણાવ્યું હતું કે તેઓ આખી રાત જાગતા હતા અને સવારે સૂર્યોદય પછી ઊંઘતા હતા.

આમ કરવાનું કારણ જણાવતાં ગુરજીતસિંહે કહ્યું હતું કે "રાતે હું સલામતીનું જોખમ અનુભવતો હતો. તેથી તકેદારી માટે આખી રાત જાગતો હતો અને સવારે લગભગ નવ વાગ્યા સુધી ઊંઘી જતો હતો."

તેમના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્રે તેમને નીચે ઉતારવાના ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ ઊંચાઈને કારણે તેઓ તેમના સુધી પહોંચી શક્યા ન હતા. ગુરજીતસિંહ તેમની માંગ પર અડગ રહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે "મારા એક પરિચિત મને રોજ નાસ્તો, દવાઓ અને પાણી પહોંચાડતા હતા. તેનાથી મને ધીમે ધીમે સમય પસાર કરવામાં મદદ મળતી હતી."

ગુરજીતસિંહે કહ્યું હતું કે "સૌથી મુશ્કેલ સમય જોરદાર હવા ફૂંકાતી હોય ત્યારે અને અંધારું હોય ત્યારનો હતો, કારણ કે એ સમયે ટાવર હલતો હતો. તેથી ખૂબ મુશ્કેલી થતી હતી. એ સિવાય શિયાળામાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી બહુ ઓછી થઈ જતી હતી અને ઠંડી પણ બહુ મુશ્કેલી સર્જતી હતી."

તેમના કહેવા મુજબ, તેઓ દિવસમાં એક રોટલી એક જ વખત ખાતા હતા અને મોટાભાગે પ્રવાહી પર જીવતા હતા. દૈનિક કામકાજ કરવામાં તેમણે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

તેમણે જણાવ્યું હતું કે તેમના પગ સોજી ગયા છે અને તેમને અનેક બીમારી થઈ ગઈ છે. તેમ છતાં અપવિત્રતા વિરુદ્ધનો કાયદો બન્યો એટલે તેઓ ખુશ છે.

ગુરજીતસિંહના પરિવારમાં તેમનાં પત્ની તથા એક પુત્રનો સમાવેશ થાય છે. પોતાના માતાને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમના દિલની સૌથી નજીક હતાં અને તેઓ તેમની સાથે સતત વાત કરતા હતા.

દૈનિક જરૂરિયાતનો સામાન ટાવર પર કેવી રીતે પહોંચતો હતો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પંજાબ,
ઇમેજ કૅપ્શન, ગુરજીતસિંહે ટાવર પર 400 ફૂટની ઊંચાઈએ તંબુ બાંધ્યો હતો

ગુરજીતસિંહ લગભગ 400 મીટર ઊંચા ટાવર પર હતા અને સૌથી મોટો પડકાર તેમને રોજ ભોજન તથા અન્ય જરૂરી સામગ્રી પહોંચાડવાનો હતો.

તેમને રોજ સામાન પહોંચાડવાની જવાબદારી ગુરજંત સિંહ નામના એક યુવકે લીધી હતી. ગુરજંત સિંહ એક ખાનગી કંપનીમાં ટાવર નિર્માણનું કામ કરતા હોવાથી ટાવરની ઊંચાઈ અને બીજી માહિતીથી સારી રીતે વાકેફ છે.

તેથી તેઓ રોજ બપોરે એક વાગ્યે ટાવર પર ચડતા હતા અને સાથે ભોજન, કપડા, દવાઓ અને બેટરી સહિતની જરૂરી ચીજો લઈ જતા હતા.

ગુરજંત સિંહે કહ્યું હતું કે "ટાવર પર ગુરજીતસિંહ સુધી પહોંચતા મને રોજ લગભગ 40 મિનિટ થતી હતી. દરેક 100 મીટરની ઊંચાઈ પછી હું બેસી જતો હતો, આરામ કરતો હતો અને ફરી ઉપર ચડવાનું શરૂ કરતો હતો."

"ગુરજીતસિંહ પાસે પહોંચ્યા પછી હું થોડી વાર આરામ કરતો હતો. પછી અમે વાતો કરતા હતા અને લગભગ ચાર કલાક પછી હું નીચે આવતો હતો."

ગુરજંત સિંહે જણાવ્યું હતું કે ટાવરની પાઇપ મોસમ અનુસાર ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમ થતી હતી. તેથી તેમના હાથની ચામડી છોલાઈ ગઈ છે.

વરસાદ અને ધુમ્મસવાળા દિવસોમાં ટાવર પર ચડવાનું બહુ મુશ્કેલ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગુરજીતસિંહ ટાવર પર બેસીને પોતાની માંગ રજૂ કરી રહ્યા હતા ત્યારે નીચે કેટલાક લોકો એકઠા થઈ ગયા હતા અને તેમણે સરકારને આ વિશે જણાવ્યું હતું. એ લોકોમાં કેટલાક ટીવી પત્રકારો, ફિલ્મ જગતના લોકો, મનોવિજ્ઞાની અને ખેડૂત નેતાઓ સામેલ હતા.

ગુરદાસપુર જિલ્લાના બટાલા તાલુકામાં રહેતા 53 વર્ષીય ટીવી પત્રકાર ગુરપ્રીત સિંહ આ વિરોધ પ્રદર્શનને કો-ઓર્ડિનેટ કરી રહ્યા હતા.

બીબીસી પંજાબી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે "24 ફેબ્રુઆરીએ સંગત વિરોધ પ્રદર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠી થઈ હતી. શરૂઆતમાં પંજાબ સરકારે અમને દબાવવાના શક્ય હોય તેટલા તમામ પ્રયાસ કર્યા હતા, પરંતુ અમે હાર માની ન હતી અને બાબા બંદા સિંહ બહાદુર ચોક પર સફળતાપૂર્વક વિરોધ પ્રદર્શન કર્યું હતું."

અહીં ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભામાં 13 એપ્રિલે ખરડો પસાર થયા બાદ વિધાનસભાના અધ્યક્ષ કુલતાર સિંહ સંઘવાન 14 એપ્રિલે ધર્મ યુદ્ધ મોરચાના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે ત્યાં ઉપસ્થિત આયોજકોને જગત જ્યોતિ શ્રી ગુરુગ્રંથ સાહિબ સત્કાર (સુધારા) અધિનિયમ – 2026ની એક કોપી સોંપી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન