દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ વધતા ગ્રૅપ-1 લાગુ, કોને થશે અસર?- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sanchit Khanna/Hindustan Times via Getty Images
દિલ્હી અને એનસીઆરમાં વાયુ પ્રદૂષણ વધ્યા બાદ બુધવારે ગ્રૅપ-1 લાગુ કરવામાં આવ્યો છે.
વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગના જારી આદેશ મુજબ, 20 ઑક્ટોબરે દિલ્હીનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) 179 હતો, જે 'મૉડરેટ' શ્રેણીમાં આવે છે. પરંતુ માત્ર એક દિવસ બાદ તે વધીને 244 પર પહોંચી ગયો, જેના કારણે હવાની ગુણવત્તા 'પુઅર' શ્રેણીમાં નોંધાઈ છે.
ગ્રૅપનું પ્રથમ ચરણ એક્યુઆઈ 201 થી 300, એટલે કે 'ખરાબ' સ્તર પર પહોંચે ત્યારે લાગુ કરવામાં આવે છે.
જણાવી દઈએ કે ગ્રૅપનું સંપૂર્ણ નામ 'ગ્રૅડેડ રિસ્પોન્સ ઍક્શન પ્લાન' છે. દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે આ તબક્કાવાર આપાતકાલીન પગલાંઓની યોજના છે, જે પ્રદૂષણના સ્તર (એક્યુઆઈ) અનુસાર અમલમાં મૂકવામાં આવે છે. તેને સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ દ્વારા લાગુ કરવામાં આવે છે.
આયોગે એ પણ જણાવ્યું છે કે, 'ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)'ના અંદાજ મુજબ આવનારા દિવસોમાં પણ દિલ્હી-એનસીઆરની વાયુ ગુણવત્તા 'પુઅર' શ્રેણીમાં જ રહી શકે છે.
નોંધનીય છે કે 20 ઑક્ટોબરે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અનેક વિસ્તારોમાં રાવણનાં પૂતળાં દહન કરવામાં આવ્યાં હતાં અને આતશબાજી પણ કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિશેષ દૂત આજે રશિયન રાષ્ટ્રપતિને મળશે, એજન્ડા શું છે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ બુધવારે સૅન્ટ પીટર્સબર્ગમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરશે.
બંને રશિયા-યુક્રેન વચ્ચે ઘણાં વર્ષોથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટેના પ્રસ્તાવો અંગે ચર્ચા કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વાતચીત તે મુલાકાતના એક દિવસ બાદ થઈ રહી છે, જેમાં વિટકૉફે નૉર્વેની રાજધાની ઑસ્લોમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. એક અમેરિકી અધિકારીએ આ બેઠકને "સકારાત્મક અને રચનાત્મક" ગણાવી હતી.
યુક્રેન અગાઉ અમેરિકા પર ગુપ્તચર માહિતી શૅર કરવામાં સહકાર ન આપવાનો આરોપ મૂકી ચૂક્યું છે. અમેરિકાએ આ આરોપને "આશ્ચર્યજનક" ગણાવ્યો હતો.
મંગળવારે ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, રશિયન મિસાઇલ હુમલાઓ સંબંધિત ગુપ્તચર માહિતી અંગે અમેરિકા સાથેનો સહકાર હવે ફરી શરૂ થઈ ગયો છે.
ઝેલેન્સ્કી અને તેમના યુરોપિયન સહયોગીઓનું કહેવું છે કે, હવે તેઓ ઑસ્લોમાં નક્કી કરાયેલા પ્રસ્તાવો પર રશિયાના જવાબની રાહ જોઈ રહ્યા છે.
ફિનલૅન્ડના રાષ્ટ્રપતિ ઍલેક્ઝાન્ડર સ્ટબ, જે મંગળવારે ઑસ્લોમાં થયેલી ચર્ચામાં હાજર હતા, તેમણે કહ્યું કે, શાંતિ સ્થાપિત કરવા માટેના પ્રસ્તાવો અંગે "વાસ્તવિક પ્રગતિ" થઈ છે. જોકે, તેમણે તેના વિશે વધુ માહિતી આપી નહોતી. તેમણે એ પણ કહ્યું કે, આ પ્રક્રિયામાં ધીરજ રાખવાની જરૂર પડશે.
નોંધપાત્ર વાત એ છે કે, વિટકોફ ચર્ચા બાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં હાજર રહ્યા નહોતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જૅરેડ કુશ્નર વીડિયો લિંક મારફતે બેઠકમાં જોડાયા હતા.
પછી એક અમેરિકી અધિકારીએ આ ચર્ચાને "ખૂબ ઉપયોગી અને રચનાત્મક" ગણાવી હતી. તેમણે કહ્યું કે, "આગળનાં પગલાં" અંગે અમેરિકા, યુક્રેન અને યુરોપિયન દેશો વચ્ચે નોંધપાત્ર વ્યવહારૂ સહમતી બની છે.
ભારત સાથેની ટ્રેડ ડીલ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને અમેરિકા વેપાર કરારને અંતિમ રૂપ આપવાની ઘણા નજીક છે.
ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસના ઓવલ ઑફિસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
ભારત-અમેરિકા વેપાર કરાર વિશે પુછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું, "ભારત કરાર કરવા માગે છે. અમે પણ કરાર કરીશું. અમે તેની ખૂબ નજીક છીએ."
અમેરિકન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે બંને દેશો વચ્ચે થનારો આ કરાર અગાઉ થયેલા વેપાર કરારો કરતાં સંપૂર્ણપણે અલગ પ્રકારનો હશે.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો ભારતની મુલાકાતે હતા.
આ મહિનાની શરૂઆતમાં ભારતના વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીયર સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરારનાં વિવિધ પાસાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકાએ ફેબ્રુઆરીમાં દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા માટેની રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપવાની જાહેરાત કરી હતી. જોકે, ત્યાર બાદ અમેરિકાની ટેરિફ નીતિઓમાં કેટલાક ફેરફારો જોવા મળ્યા છે.
ભારતમાં પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રે સવાલ ઉઠાવ્યા

ઇમેજ સ્રોત, Ritesh Shukla/Getty Images
ભારતમાં તાજેતરમાં થયેલાં વિરોધપ્રદર્શનો સામે પોલીસની સખત કાર્યવાહી પર સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલય પ્રમાણે ભારતીય અધિકારીઓને શાંતિપૂર્વક પ્રદર્શન કરવાના અધિકારનું સન્માન કરવા, તેમનું રક્ષણ કરવા અને માનવાધિકાર ભંગના મામલામાં ન્યાય કરવાની અપીલ કરવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ આરોપ લગાવ્યો છે કે ભારતીય અધિકારીઓને શાંતિપૂર્ણ સભા પર અયોગ્ય પ્રતિબંધ લગાવવા, વધારે પડતા બળનો ઉપયોગ કરવા, ફાવે તેમ અટકાયત કરવી અને વિદ્યાર્થીઓને નિશાન બનાવવા જેવા મામલે પહેલાં પણ ચેતવવામાં આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે અહેવાલો મુજબ "રેલીમાં સાદા કપડામાં આવેલા પોલીસ કર્મચારીઓએ નવી દિલ્હીમાં સ્ટુડન્ટ્સ રાઇટ્સ અને મજૂરોના અધિકારો માટે કામ કરતા 10 કાર્યકરોની અટકાયત કરી હતી. તેમને 24 કલાક કરતા વધુ સમય સુધી કોઇનો સંપર્ક કરવા દેવાયો ન હતો. તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો, ધમકાવાયા, દબાણ કરવામાં આવ્યું અને બળજબરીથી નિવેદનો લેવાયાં તેવા આરોપ છે. ત્યાર પછી અદાલતે તેમને મુક્ત કરી દીધા હતા."
એશિયન પૅરા સ્પૉર્ટ્સ 2026માં ભારતે નવ ગોલ્ડ મેડલ જીત્યા

ઇમેજ સ્રોત, TheKhelIndia
જાપાનના આઇચી-નાગોયામાં આયોજિત 2026 એશિયન પૅરા ગેમ્સના બીજા દિવસના અંત સુધીમાં ભારતે કુલ 35 મેડલ જીત્યા છે.
તેમાં 9 ગોલ્ડ, 11 સિલ્વર અને 15 બ્રૉન્ઝ મૅડલ સામેલ છે.
ભારતે પુરુષોના ડિસ્કસ થ્રો (F43/F44/F62/F64 શ્રેણીઓ)માં ક્લીન સ્વિપ કર્યું છે. દેવેન્દ્રકુમારે ગોલ્ડ, રાકેશે સિલ્વર અને પ્રદીપકુમારે બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.
પૅરા ઍથ્લેટિક્સમાં સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટી12 શ્રેણીમાં 24.80 સેકન્ડના રેકૉર્ડ સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે.
તેમની સાથે જ પ્રીતિ પૉલ, મનીષ નરવાલ અને પૅરા પાવરલિફ્ટર અશોકકુમાર મલિકે પણ સિલ્વર મેડલ જીત્યા છે.
હોકાટો હોટોજે, પ્રવીણ શર્મા, આયુષ વર્મા અને નિરંજન મુકુંદને બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. ભારતીય ઍથ્લીટ્સે પેરા ટેબલ ટેનિસ અને શૂટિંગમાં પણ પદક મેળવ્યા છે.
મેડલ ટેબલમાં ભારત છઠ્ઠા સ્થાને છે, જ્યારે ચીન 149 મેડલ સાથે ટોચ પર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























