રક્ષાબંધન : ભરૂચમાં જ્યારે બહેને રાખડી ભાઈના કાંડે નહીં, પણ હૃદય પર બાંધી

રક્ષાબંધન : ભરૂચમાં જ્યારે બહેને રાખડી ભાઈના કાંડે નહીં, પણ હૃદય પર બાંધી

ઇમેજ સ્રોત, DONATE LIFE

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

આ રક્ષાબંધન પર , 25 વર્ષીય નિધિ પટેલ ભરૂચ જિલ્લાના હાંસોટ નજીકના આસરમા ગામમાં રવિરાજ મહિડાના કાંડા પર રાખડી બાંધવા પહોંચ્યા હતાં, જેમણે ત્રણ વર્ષ પહેલાં તેમના ભાઈ શૈશવ પટેલનું હૃદય મેળવ્યું હતું.

18 માર્ચ 2023ના રોજ, 24 વર્ષીય મિકેનિકલ ઍન્જિનિયર શૈશવ પટેલને અકસ્માત બાદ સુરતની એઇમ્સ હૉસ્પિટલમાં ડૉકટરોએ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા.

ત્યારબાદ પરિવારે શૈશવનાં હૃદય, ફેફસાં, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરવાનું નક્કી કર્યું હતું.

શૈશવનું હૃદય ભરૂચના હાંસોટ તાલુકાના આસરમા જૂના ગામના 22 વર્ષીય યુવાન રવિરાજ મહિડામાં સુરતની મહાવીર હૉસ્પિટલમાં માર્ચ 2023માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

ત્યારે રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનના પર્વની અનોખી અને આવી ભાવુક ઉજવણીએ બંને પરિવારોને એક બીજાની વધુ નજીક લાવી દીધા છે.

ત્યારે રક્ષાબંધનના પર્વ પર બંને પરિવારો વચ્ચે ભાવુક ક્ષણો ઉદ્ભવી હતી. જ્યારે પોતાના અંગો દાન કરનાર શૈશવનાં બહેન તેમના ભાઈનું હૃદય જેમને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે તે રવિરાજ મહિડાના ઘરે પહોંચીને તેમને રાખડી બાંધી હતી.

જ્યારે બહેન તેના ભાઈના હૃદયને રાખડી બાંધવા પહોંચી

રક્ષાબંધન : ભરૂચમાં જ્યારે બહેને રાખડી ભાઈના કાંડે નહીં, પણ હૃદય પર બાંધી

ઇમેજ સ્રોત, DONATE LIFE

રક્ષાબંધનના દિવસે શૈશવની બહેન નિધિ પોતાના ગામ હાજતથી તેમનાં માતા મનીષાબહેન સાથે રવિરાજના ગામે પહોંચ્યા હતાં.

હાથમાં રાખડી અને હૃદયમાં ભાઈની યાદ લઈને નિધિએ રવિરાજને રાખડી બાંધી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ દરમિયાન ભાવુક થઈને રવિરાજે કહ્યું, " શૈશવનું હૃદય મારામાં ધબકી રહ્યું છે. નિધિએ બાંધેલી આ રાખડી ફક્ત મારા હાથ પર નહીં, બે પરિવારોના હૃદય પર બંધાઈ છે."

"શૈશવે મને માત્ર નવું જીવન નથી આપ્યું, નિધિના રૂપમાં બહેન પણ આપી છે. છેલ્લાં ત્રણ વર્ષથી નિધિ મને રાખડી બાંધવા અહીં આવે છે."

નિધિબહેને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "મારો ભાઈ પ્રત્યક્ષ રીતે અમારી વચ્ચે નથી, પણ પરોક્ષ રીતે અમારી વચ્ચે જ છે."

"તેનું હૃદય રવિરાજમાં ધબકે છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મારો ભાઈ ખૂબ ખુશ રહે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે."

આ ટ્રાન્સપ્લાન્ટમાં સક્રિય ભૂમિકા ભજવનાર ડોનેટ લાઇફના સંસ્થાપક નીલેશ માંડલેવાલા પ્રેસ નોટ જાહેર કરીને જણાવ્યું, "આ માત્ર રક્ષાબંધન નથી, માનવતાના અતૂટ સંબંધની ઉજવણી છે. શૈશવના હૃદયે બે અજાણ્યા પરિવારોને પ્રેમના એવા પવિત્ર બંધનમાં બાંધી દીધા છે જે લોહીના સંબંધથી પણ વધુ ગાઢ છે. અંગદાન માત્ર જીવન નથી બચાવતું, તે સંબંધોને નવી ઓળખ આપે છે."

રવિરાજ મહિડાએ જણાવ્યું હતું કે, 2022માં મારે હાર્ટ ઍટેકની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

"ત્યાર પછી સુરત ખાતે મારી દવા ચાલતી હતી પણ મારુ પમ્પિંગ વધતું ન હતું. પણ મારા હૃદયની પરિસ્થિતિ પ્રમાણે મારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જ પડે તેવું હતું તેથી મેં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, અને ત્યારે મણે શૈશવનું હૃદય મળ્યું હતું. અને નવું જીવન મળ્યું હતું."

બહેને રક્ષાબંધનના પર્વે ભાવુક થઈને સંદેશ આપતા શું કહ્યું?

રક્ષાબંધન : ભરૂચમાં જ્યારે બહેને રાખડી ભાઈના કાંડે નહીં, પણ હૃદય પર બાંધી

ઇમેજ સ્રોત, DONATE LIFE

નિધિબહેને બીબીસીને જણાવ્યું હતું કે, "મારા ભાઈનો માર્ગ અકસ્માત થયો હતો. ત્યારે સુરત તેમની સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. ત્યારે ડૉક્ટરે તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા."

"ત્યારે પરિવારને જાણ થઈ કે ભાઈના મૃતદેહને લઈ જવાને બદલે તેમના અંગદાન કરવામાં આવે તો ભાઈ થકી કોઈ બીજા વ્યક્તિને નવું જીવનદાન મળી શકે અને બ્રેઇન ડેડ હોય તેમનું અંગદાન પણ થઈ શકતું હોય છે તેથી આ નિર્ણય અમારા પરિવારે લીધો હતો."

'હાલના સમયમાં અંગના અભાવે ઘણા લોકો પીડાતા હોય છે."

નિધિ પટેલે રક્ષાબંધનના આ પર્વ પર સંદેશ આપતાં જણાવ્યું કે, ભલે મારો ભાઈ નથી પણ તેનું હૃદય છે તે મારા માટે બધું જ છે. હું અન્ય બહેનોને પણ સંદેશ આપવા માંગુ છું કે આવા કિસ્સાઓમાં ભાઈ નથી ભાઈની યાદો આપણી સાથે જ રહે છે. તો આવું માનવતાના કામ અંગે પણ વિચાર કરવો જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન