વિયેતનામ : આ ટચૂકડા દેશમાં ભારતીય પ્રવાસીઓનો ધસારો કેમ વધી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
વિયેતનામસ્થિત ભારતીય દૂતાવાસે જાહેરાત કરી છે કે, વિયેતનામમાં એક બોટ દુર્ઘટનામાં 15 ભારતીય નાગરિકોનાં કરૂણ મોત નીપજ્યાં છે.
સરકારે મૃતકોના કુટુંબીજનો અને સંબંધીઓને જાણ કરી છે કે, જાન ગુમાવનારા પૈકીના ત્રણ વ્યક્તિ આંધ્ર પ્રદેશની હતી. જ્યારે બાકીના લોકો તામિલનાડુ સહિતનાં જુદાં-જુદાં રાજ્યોનાં હતાં.
અકસ્માતનો ભોગ બનનારા પ્રવાસીઓને અન્ય લોકો સાથે લાવા મોબાઇલ કંપની દ્વારા બિઝનેસ ટ્રિપના ભાગરૂપે વિયેતનામ લઈ જવામાં આવ્યા હતા.
લાવા મોબાઇલ કંપનીએ જાહેરાત કરી હતી કે, તેમાંથી 86 લોકો ભારત પરત ફરી ચૂક્યા છે.
આંકડા દર્શાવે છે કે, વિયેતનામનો પ્રવાસ ખેડનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ધરખમ વધારો થયો છે.
ટુર ઓપરેટરોનુ કહેવું છે કે, કદની દૃષ્ટિએ ભારતના રાજસ્થાન કરતાંયે નાના એવા આ દેશમાં ભારતીય પ્રવાસીઓનો ધસારો વધવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે.
હૈદરાબાદસ્થિત ઈમાદ ટ્રાવેલ્સના ડિરેક્ટર હામિદ અલીએ બીબીસીને કહ્યું હતું, "ભારતીયોને વિયેતનામ અત્યારે ઘણું પરવડે એવું સ્થળ બની ગયું છે."
ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ચારગણો વધારો

ઇમેજ સ્રોત, Getty Images
ટુર ઓપરેટરો કહે છે કે, ભૂતકાળમાં પ્રવાસીઓ સિંગાપોર, થાઇલૅન્ડ, મલેશિયા અને દુબઈ જેવાં પ્રવાસન સ્થળોએ જવાનું પસંદ કરતા હતા, પણ હવે તેઓ નવી જગ્યાઓ તરફ નજર દોડાવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેના ભાગરૂપે, વિયેતનામ ઓછા ખર્ચના પ્રવાસ માટેનું એકદમ આદર્શ સ્થળ બની ગયું છે.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ ગયા વર્ષે ઑગસ્ટ માસમાં પ્રસિદ્ધ કરેલા ડેટા પ્રમાણે, 2024 સુધીમાં વિયેતનામની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં 2019ની સરખામણીમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
પીઆઇબીના અહેવાલ અનુસાર, કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્ર શેખાવતે રાજ્ય સભામાં ઉપરોક્ત વિગતો રજૂ કરી હતી.
તે મુજબ, 2019ની તુલનામાં 2024માં વિયેતનામનો પ્રવાસ કરનારા ભારતીય નાગરિકોની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો હતો.
એક તરફ જ્યાં બીજા દેશોમાં પ્રવાસ કરનારા ભારતીય નાગરિકોની સંખ્યામાં નજીવો કે થોડો જ ફેરફાર નોંધાયો છે, ત્યાં બીજી તરફ, વિયેતનામ જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા જબરદસ્ત વધી ગઈ છે.
પીઆઇબીએ જણાવ્યું હતું કે, 2019માં 93,921 ભારતીય નાગરિકોએ વિયેતનામની મુલાકાત લીધી હતી અને 2024 સુધીમાં આ આંકડો વધીને 3,98,673 પર પહોંચી ગયો હતો.
તેની સામે, યુએઇ, સાઉદી અરેબિયા, અમેરિકા, થાઇલૅન્ડ અને સિંગાપોર જેવા દેશોનો પ્રવાસ ખેડનારા ભારતીય નાગરિકોની સંખ્યામાં ઘણો મર્યાદિત વધારો નોંધાયો છે.
વળી, આ અહેવાલમાં જણાવ્યા મુજબ, મલેશિયા, બ્રિટન, ઓમાન, કુવૈત અને ચીન જેવા દેશોની મુલાકાત લેનારા ભારતીય નાગરિકોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે.
કોવિડ-19 પછી વિયેતનામમાં આવેલું પરિવર્તન

ઇમેજ સ્રોત, Getty Images
ઈમાદ ટ્રાવેલ્સના ડિરેક્ટર હામિદ અલીએ સમજાવ્યું હતું કે, કોવિડ-19 પહેલાં ભારતીયો મોટા ભાગે દુબઈ, થાઇલૅન્ડ, સિંગાપોર અને મલેશિયા જેવા દેશોનો પ્રવાસ ખેડતા હતા પણ પછીથી ટુરિસ્ટ્સની માનસિકતામાં બદલાવ આવ્યો હતો.
"ભારતીય પ્રવાસીઓ 1990ના દાયકાથી વધુ પ્રવાસ કરી રહ્યા છે. તેઓ સિંગાપોર, મલેશિયા, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયાના બાલી જેવાં સ્થળોની એક કે એથી વધુ વખત મુલાકાત લઈ ચૂક્યા છે."
આથી જ, લોકો હવે વિયેતનામ જેવા દેશો તરફ વળી રહ્યા છે.
હામિદ અલીએ કહ્યું હતું, "મેં કોવિડ પહેલાં વિયેતનામની મુલાકાત લીધી હતી. ત્યાં તે સમયે ખાસ સુવિધાઓ નહોતી. પણ કોવિડ પછી ત્યાંની સરકારે પ્રવાસીઓ માટેની સુવિધાઓમાં ધરખમ વધારો કર્યો છે. પ્રવાસનને વધુ પ્રાથમિકતા અપાઈ રહી છે."
તેમણે આગળ કહ્યું હતું, "વિયેતનામ બાના હિલ્સ, હનોઇ અને ફુ કોક જેવાં પર્યટન સ્થળો ધરાવે છે. ભારતીય ચલણમાં 60થી 80 હજાર રૂપિયાની અંદર ત્યાંનાં પૅકેજ ઉપલબ્ધ છે. જો યોગ્ય રીતે પ્લાનિંગ કરવામાં આવે, તો બાલી અને સિંગાપોર કરતાં ઓછી કિંમતે ટ્રિપ પૂરી થઈ શકે છે."
વિયેનામના દૂતાવાસ દ્વારા પ્રવાસનને વેગ આપવા 2024માં યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાતના નાયબ પ્રવાસન મંત્રી રાજેન્દ્ર કુમારે વિયેતનામના ગતિશીલ વિકાસ અને તેની વિશાળ પ્રવાસન ક્ષમતાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે 'વિયેતજેટ ઍર દ્વારા અમદાવાદ અને દા નાંગ વચ્ચે સીધી ઉડાન સેવા શરૂ થતાં ગુજરાત રાજ્યમાંથી વિયેતનામની મુલાકાત લેતા પ્રવાસીઓ અને વ્યાપારીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે.' તેમણે ઉમેર્યું કે 'ગુજરાતમાંથી વિયેતનામ જનાર મુલાકાતીઓની સંખ્યા 2023માં નોંધાયેલા 1,00,000થી વધુ પ્રવાસીઓના આંકડાને પણ વટાવી જશે.'
સરળ વિઝા... ઓછો ખર્ચ

ઇમેજ સ્રોત, Getty Images
વિયેટ થાન ટ્રાવેલ્સ કહે છે કે, પ્રવાસીઓ વિયેતનામનો પ્રવાસ ખેડી રહ્યા હોય, ત્યારે તેમનો રોજનો ખર્ચ દક્ષિણપૂર્વ એશિયાના અન્ય દેશો કરતાં 40થી 60 ટકા જેટલો નીચો રહે છે.
કંપનીએ વધુમાં કહ્યું હતું કે, વિયેતનામ જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 2026માં ઓર વધારો થયો હતો અને 2026ના પહેલા બે મહિનાની અંદર જ 1.58 લાખ લોકોએ વિયેતનામની મુલાકાત લીધી હતી.
વિયેટ થાન ટ્રાવેલ્સના જણાવ્યા મુજબ, "વિયેટનામે તેની ઇ-વિઝા પોલિસી સાવ સરળ કરી નાખી છે. પહેલાં મલ્ટિ-એન્ટ્રી વિઝા ઇશ્યૂ થતાં સાતથી 10 વર્કિંગ ડેઝ લાગતા હતા, તેની સામે હવે ભારતીયોને 24થી 28 કલાકની અંદર જ વિઝા મળી જાય છે. આ ઉપરાંત વિયેતનામ ધનિક અને વારંવારના પ્રવાસીઓ માટે લાંબા ગાળાના વિઝા ઇશ્યૂ કરવાની સંભવિતતા પણ ચકાસી રહ્યું છે."
વિયેતનામ જનારા ભારતીય પ્રવાસીઓ વિયેટનામિઝ દૂતાવાસ મારફત વિઝા સ્ટિકર કે ઇ-વિઝા અથવા તો વિઝા ઓન અરાઇવલ મેળવી શકે છે.
વિયેતનામની સરકારે આ માટે સિંગલ એન્ટ્રીની ફી 25 અમેરિકન ડૉલર (આશરે 2,390 રૂપિયા) અને એક કરતાં વધુ એન્ટ્રી માટેની ફી 50 અમેરિકન ડૉલર (આશરે 4,784 રૂપિયા) રાખી છે.
આ ઉપરાંત, વિયેતનામ સરકાર દ્વારા 90 દિવસની માન્ય અવધિ સાથે ઇ-વિઝા સુવિધા પણ ઇશ્યૂ કરવામાં આવે છે.
હામિદ અલીએ કહ્યું હતું, "ભારતમાં દરિયાકાંઠાની વાત આવે, ત્યારે ગોવા પ્રવાસીઓનું માનીતું સ્થળ હતું. વિદેશમાં તેઓ થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પસંદ કરતા હતા. હવે ભારતીયો વિયેતનામ પર પસંદગી ઉતારી રહ્યા છે."
વળી, વિયેતનામના ચલણ (વિયેટનામિઝ) ડોંગનું મૂલ્ય પણ ભારતીય રૂપિયા કરતાં ઓછું છે.
પ્રવાસીઓ કહે છે કે, એક હવાઈ ભાડાંને બાદ કરતાં વિયેતનામનો રોજિંદો ખર્ચ નીચો છે.
હૈદરાબાદના એમ. રમેશે જણાવ્યું હતું, "અમે ગયા વર્ષે વિયેતનામ ગયા હતા. ત્યાં ભારતીય ચલણમાં 2,000 રૂપિયા કરતાંયે ઓછી કિંમતમાં સારી હોટેલો મળી રહે છે. એટલું જ નહીં, ભોજન અને પ્રવાસનો ખર્ચ પણ નીચો છે. જો તમે અગાઉથી ફ્લાઇટની ટિકિટો બુક કરાવી રાખો, તો તમે સાવ ઓછા બજેટમાં વિયેતનામનો પ્રવાસ ખેડી શકો છો."
અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટ

ઇમેજ સ્રોત, Getty Images
વિયેતનામ પહોંચવા માટે ભારતનાં અગ્રણી શહેરોથી સીધી ફ્લાઇટ્સ મળી રહે છે.
ભારતના જુદા-જુદા ભાગોએથી વિયેતનામ પહોંચતાં લગભગ ત્રણથી પાંચ કલાકનો સમય લાગે છે. તેનો આધાર ભારતનાં સંબંધિત શહેરોના પ્રવાસ સમય પર રહે છે. જોકે, હૈદરાબાદથી તમે સાડા ચાર કલાકમાં વિયેતનામ પહોંચી શકો છો.
દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગલોર સહિતનાં વિવિધ શહેરોથી વિયેતનામના હનોઇ અને હો ચી મિન્હ શહેર સુધીની દર અઠવાડિયે 90 ડાયરેક્ટ ફ્લાઇટ ઉપડે છે.
વિયેતનામ ભારતીયોને ઇ-વિઝા સુવિધા પૂરી પાડી રહ્યું છે અને ટુર ઓપરેટરોના મતે, તે પ્રક્રિયા પણ ઝડપથી આટોપાઈ જાય છે.
હામિદ અલીએ કહ્યું હતું, "સિંગાપોર વિઝાની દૃષ્ટિએ થોડી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. દુબઈ જેવા દેશો વિઝા-ફ્રેન્ડલી હોવા છતાં ત્યાં જૂનથી ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઘણી ગરમી હોય છે. વિયેતનામ હવે દરિયાકાંઠાના પ્રદેશોમાં આરામ કરવા ઈચ્છતા લોકો માટે બેંગકોક સિવાયનું નવું સ્થળ બન્યું છે."
ટચૂકડો દેશ... દરિયાકાંઠા તેનું મુખ્ય આકર્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
વિયેતનામ દક્ષિણપૂર્વ એશિયામાં આવેલો દેશ છે. તેની એક બાજુએ સમુદ્રકાંઠો અને બીજી તરફ ગીચ જંગલો આવેલાં છે. તે આશરે 3,31,699 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે અને તેની વસ્તી લગભગ 10 કરોડ છે.
વિસ્તારની દૃષ્ટિએ વિયેતનામ ભારતના રાજસ્થાન (3.42 લાખ ચોરસ કિલોમીટર) કરતાંયે નાનો છે.
નયનરમ્ય સાગરકાંઠા આ દેશનું મુખ્ય આકર્ષણ છે. જ્યાં સુધી નજર જાય, ત્યાં સુધી તમને હરિયાળી જ હરિયાળી જોવા મળે છે.
વિયેતનામમાં ઘણાં પ્રવાસન સ્થળો આવેલાં છે, પણ પ્રવાસીઓ માટેનાં મુખ્ય પર્યટન સ્થળો હનોઈ, હો ચી મિન્હ અને દા નાંગ છે.
વિયેટનામે 1972થી ભારત સાથેના તેના સંપૂર્ણ રાજદ્વારી સંબંધો જાળવ્યા છે.
વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસ કહે છે કે, ખાસ કરીને છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.
દૂતાવાસે પ્રગટ કરેલા આંકડા પ્રમાણે, 2025-26માં બંને દેશો વચ્ચેનો વેપાર 16 અબજ ડૉલરની આસપાસ નોંધાયો હોવાનો અંદાજ છે.
તેમાંથી ભારતની વિયેતનામમાં નિકાસો 6.11 અબજ ડોલરના સ્તરે રહી હતી, જ્યારે વિયેતનામથી ભારતમાં થયેલી નિકાસો 10.35 અબજ ડોલર થઈ હતી.
દૂતાવાસ કહે છે કે, વિયેતનામમાં આશરે 8,000 ભારતીયો વસવાટ કરે છે અને આઇટી, હોટલ, માઇનિંગ, યોગા ઇન્સ્ટિટ્યૂટ, નાગરિક હવાઇ ઉડ્ડયન સાહસો તથા શૈક્ષણિક સંસ્થાઓ જેવાં ક્ષેત્રોમાં કાર્યરત્ છે.
ભારત વેપાર, સંસ્કૃતિ, શિક્ષણ, સંરક્ષણ અને પ્રવાસન જેવાં ક્ષેત્રોમાં વિયેતનામ સાથે સંબંધો ધરાવે છે.
બંને દેશોના વડાઓ 1954-55ના ગાળાથી સત્તાવાર મુલાકાતો લઈ રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























