રાજકોટના ઑબ્ઝર્વેશન હોમમાંથી બાળકો 'ફિલ્મી ઢબે' ભાગી ગયાં, બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષા સામે સવાલ

ઇમેજ સ્રોત, Bipin Tankaria
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
રાજકોટના ઑબ્ઝર્વેશન હોમ (બાળ સુધાર ગૃહ)માંથી રવિવારે સવારે 11 બાળકો ફરાર થઈ જવાની ઘટના નોંધાઈ છે. આ ઑબ્ઝર્વેશન હોમ ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંચાલિત હતું. જોકે, આ 11 પૈકી 7 બાળકો મળી આવ્યાં છે. ચાર બાળકોની શોધખોળ ચાલી રહી છે.
જે બાળકો મળી આવ્યાં છે તે પૈકી એક બાળક તો બાળ સુધાર ગૃહમાં પરત ફર્યું છે. આ બાળક મૂળ પાકિસ્તાની હોવાની પુષ્ટિ રાજકોટના કલેક્ટરે કરી છે.
રાજકોટના કલેક્ટર ઓમ પ્રકાશના જણાવ્યા અનુસાર, અહીંથી બાળકોના ફરાર થવાનો પ્લાન 'ફિલ્મી' હતો. તેમના દાવા પ્રમાણે એક સુનિયોજિત ધોરણે આ બાળકો બાળ સુધાર ગૃહમાંથી ફરાર થયાં હતાં.
ઉલ્લેખનીય છે કે, અહીં બાળ સુધાર ગૃહમાં રાખવામાં આવતાં બાળકો એવાં હોય છે, જેમને સાત વર્ષથી વધુની સજા હોય તેવા 'અપરાધ' આચરેલા હોય.
બીજી તરફ પોલીસનો દાવો છે કે ભાગી ગયેલાં 11 પૈકી કુલ સાત બાળકોની ભાળ મેળવવામાં તે સફળ થઈ છે. બાકીનાં ચારને શોધવા માટે પોલીસે અલગ-અલગ ટીમ બનાવી છે.
હવે, અહીંથી ફરાર થયેલાં બાળકોએ આ ભાગી જવાની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો, શું હતો તેમનો પ્લાન? જાણો આ અહેવાલમાં.
કેવી રીતે આ બાળ સુધાર ગૃહમાંથી બાળકો થયાં ફરાર?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોરો પ્લાનિંગ સાથે ફરાર થઈ જતાં તંત્રમાં હડકંપ મચી ગયો હતો.
આ એ ઝોનલ બાળ સુધાર ગૃહ છે, જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો-કિશોરોને રાખવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં રહેતાં 11 બાળકોએ રવિવારે સવારે નવ વાગ્યાની આસપાસ સુરક્ષા વ્યવસ્થાને થાપ આપીને નાસી છૂટવાનો પ્લાન પાર પાડ્યો હતો.
ઘટનાની ગંભીરતાને જોતાં કલેક્ટર તેમજ ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
રાજકોટના જિલ્લા કલેકટર ઓમ પ્રકાશે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કહ્યું કે, આ સમગ્ર ઘટના પૂર્વઆયોજિત કાવતરું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
કલેકટર ઓમ પ્રકાશે કહ્યું, કિશોરોએ ભાગવા માટે એક ચોક્કસ પ્રકારની વ્યૂહરચના અપનાવી હતી.
તેમણે કહ્યું, "જેમાં સૌથી પહેલાં ત્રણ રૂમની ઉપર લગાવેલો સીસીટીવી કૅમેરો તોડી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ, એક બાળકે પોતે ઈજાગ્રસ્ત થયો હોવાનું નાટક કરી બૉર્ડનને પાટાપિંડી કરવા વ્યસ્ત રાખ્યો હતો. આ તકનો લાભ ઉઠાવીને અન્ય કિશોરો રૂમની મજબૂત લોખંડની જાળી તોડીને ત્યાંથી છટકી ગયા હતા."
"હાલ આ સંરક્ષણ ગૃહમાં કુલ 54 જેટલા કિશોરો આશ્રય લઈ રહ્યા છે," એમ કલેક્ટરે જણાવ્યું હતું.
કલેકટરનો દાવો છે કે, આ ઘટના એકદમ 'ફિલ્મી ઢબે કે ખૂબ જ પ્લાનિંગપૂર્વક રચાઇ' છે એવું લાગે છે.
બાળકોને શોધવા પોલીસ શું કરી રહી છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
કલેક્ટરના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા ટીમો બનાવવામાં આવી છે. તેમજ ટૅક્નૉલૉજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ બાળકોને શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ગઈકાલની ઘટનાને લઇને આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના વડા જગદીશ બાંગરવા સાથે બીબીસી સહયોગી બિપિન ટંકારીયાએ વાતચીત કરી હતી.
તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, કુલ સાત બાળકો-કિશોરો પકડાઈ ગયાં છે, જેમાં મધ્ય પ્રદેશ, ઓડિશા, બિહારના બાળકો-કિશોરો સામેલ છે.
તેમણે વધુમાં જણાવ્યું, "ગઇકાલે એક પરત આવેલાં પાકિસ્તાની બાળક સહિત આજે સાત બાળકો-કિશોરોની ભાળ મળી ગઈ છે."
"જેમાંથી બે અમદાવાદથી, સુરેન્દ્રનગરથી બે અને નળ સરોવરથી બે તથા એક બોટાદ ખાતેથી મળી આવ્યાં છે."
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના વડા જગદીશ બાંગરવાએ પણ આજે બાળકો-કિશોરો સીસીટીવી કૅમેરા તોડી અને સળીયો વાંકો કરીને ભાગ્યાં હતાં તે વાતની પૃષ્ટિ કરી છે.
ત્યારે બાકી બાળકો-કિશોરો વિશે તેમણે જણાવ્યું હતું કે "ફરાર થયેલાં ચાર બાળકોની શોધખોળ ચાલુ છે."
બાળ સુરક્ષા ગૃહની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ

ઇમેજ સ્રોત, Bipin Tankaria
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેટલાક નિષ્ણાત બાળકો-કિશોરો ભાગી જવાની આ ઘટનાની સામે સવાલ ઉઠાવી રહ્યા છે. તેઓ માને છે કે જે પ્રકારે બાળકો નાસી ગયાં તે જોતાં બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષા સામે પણ મોટો પ્રશ્ન ઊભો થાય છે.
તેઓ સવાલ કરે છે કે બાળકો-કિશોરોએ આટલી મોટી ઘટનાને આયોજન સાથે અંજામ આપ્યો છતાં કોઈ સુરક્ષાકર્મીને જાણ ન થઈ?
સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજકોટ કલેકટર ઓમ પ્રકાશે બચાવમાં જણાવ્યું કે "અહીં બાળ સુધાર ગૃહમાં ત્રણ પાલીસ ગાર્ડ હોય છે. દરેક પાળીમાં બે-બે ગાર્ડ હોય છે. પણ બાળકો તેમને ઈજા પહોંચી છે તેવું કહીં અન્ય બાબતમાં બેધ્યાન કરીને ભાગી ગયાં હતાં."
"આ બાળકો વયસ્ક નથી, તેથી જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ મુજબ આપણને ઘણી બધી મર્યાદાઓ નડી જતી હોય છે."
તેઓ કહે છે, "આ ગૃહમાંમાં ગણવેશધારી પોલીસ કર્મચારીઓ નથી હોતા. ગાર્ડ્સ પણ સિવિલ યુનિફૉર્મમાં હોય છે. તેનો મૂળ ઉદ્દેશ આ પ્રકારનાં બાળકો-કિશોરોને સમાજની મુખ્યધારામાં ફરીથી લાવવાનો છે. પોલીસ અને આ બાળ સુધાર ગૃહ મિત્ર બનીને આ કામ કરે છે."
હવે તે બાળકો પકડાયા પછી તેમનું શું થશે તે બાબતે કલેકટર ઓમ પ્રકાશે જણાવ્યું કે "બાળકો પકડાય પછી તેમને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે."

ઇમેજ સ્રોત, Raju solanki
ત્યારે બાળ સુધાર ગૃહોમાં આવતાં બાળકો-કિશોરોની સમસ્યા વિશે બાળ સંરક્ષણ ગૃહનાં બાળકોના અધિકાર મામલે કામ કરતાં ઍક્ટિવિસ્ટ રાજુ સોલંકી જણાવે છે, "બાળ સુધાર ગૃહોમાં આવતાં બાળકોની બે કૅટગરી છે. પ્રથમ, ચાઇલ્ડ ઇન નીડ ઑફ કૅર ઍન્ડ પ્રોટેક્શન (સીએનસીપી) અને સંભાળ અને સુરક્ષાની જરૂર છે એવા બાળકો બીજી કૅટેગરીમાં આવે છે. કાયદા સાથે સંઘર્ષમાં આવેલાં બાળકો જેને (ચાઇલ્ડ ઇન કૉન્ફલિક્ટ વિથ લૉ) કહે છે. તેમને 'ગુનેગાર' નથી કહેવામાં આવતા પણ કાયદા સાથે સંઘર્ષમાં આવેલાં બાળકો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે."
તેઓ જણાવે છે, "જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ પ્રમાણે, જે સંભાળ સુરક્ષાની જરૂર છે, તેવાં બાળકો અને કાયદા સાથે સંઘર્ષમાં આવેલાં બાળકો માટે અલગ-અલગ ગૃહો હોવાં જોઈએ. પરંતુ આ ઘણી વખતે આ વચ્ચેની પાતળી ભેદરેખા ભુસાઈ જાય છે."
"બંને કૅટેગરીને ઘણી વખત એક સાથે રાખવામાં આવતી હોય છે. તેના કારણે સંભાળ સુરક્ષામાં આવેલાં બાળકો પર પણ ઘણી વખત માનસિક અસર થતી હોય છે. તેનું ધ્યાન રાખવું જોઈએ," એમ રાજુ સોલંકી જણાવે છે.
રાજુ સોલંકી વધુમાં કહે છે, "રાજકોટના બાળ સુધાર ગૃહની મુલાકાત મેં લીધી છે તે થોડું આઇસોલેટેડ છે, શહેરથી થોડું દૂર અને આસપાસ મોટી દીવાલ છે. બીજું બાળ સુધાર ગૃહ બાળકોને જેલખાના જેવા લાગવાનું કારણ તે હોય શકે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છભરમાંથી બાળકોને અહીં લાવવામાં આવતાં હોય છે. તે તેમનાં ઘરોથી દૂર લાગે છે. બાળકોના માનસપટલ પર તેની શું અસર થતી હોય છે તેનો પણ તંત્રએ વિચાર કરવો જોઈએ."
જોકે, કલેક્ટરે આ ઘટનાને કારણે ઉઠેલા સવાલોનો જવાબ આપતા કહ્યું કે ,"ફરાર થયેલાં બાળકો મળી આવશે પછી જ અમે બીજી બધી જાણકારી આપીશું અને તેના માટે પ્રેસ કૉન્ફરન્સ કરીશું."
(મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અમે કોઈ બાળકોની ઓળખ જાહેર કરી નથી.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















