કોડીનાર: સિંહણે યુવાનનો ભોગ લીધો તે ગામમાં સિંહો દરરોજ આંટાફેરા કરે છે, ગામલોકો કઈ રીતે જીવે છે?

ઇમેજ સ્રોત, BBC/Getty
22 ઑક્ટોબર, ગુરુવારની સવારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામમાં ગોબરભાઈ ગોહિલના મકાનના ડેલા બહાર બજારમાં એક મરેલો વાછરડો પડ્યો હતો.
વાછરડાની ડોકમાં ઊંડા ઘા હતા અને તેમાં લોહી જામી ગયેલું દેખાતું હતું.
શું બની ગયું હતું તેનું વર્ણન ગોબરભાઈનાં પત્ની લાખુબહેને ડરેલા અવાજમાં કહ્યું, "હું અહીંયા વાસણ ધોતી હતી અને અવાજ આવ્યો. એટલે હું દરવાજો ખોલીને બહાર નીકળી."
"મેં જોયું તો સિંહણે એક વાછડાને પકડી લીધો હતો. મેં અવાજ કર્યો, હુડ... હુડ... એટલે પછી સિંહણ મૂકીને અહીંથી જતી રહી."
"મને થોડોક ડર લાગ્યો કારણ કે મહેશભાઈને વીખી નાખ્યો અને તેને ખાઈ ગયા... સાવજ રોજ ગામમાં આવે છે અને પછી આવી ઘટના બને તો ડર તો લાગે જ ને!"
વ્યવસાયે ખેડૂત તેવા ગોબરભાઈ કહે છે કે 21 તારીખે રાત્રે 11 વાગ્યે એક સિંહણ અને તેનાં બે બચ્ચાં તેમના ઘર નજીક આવી ચડ્યા અને રેઢિયાળ વાછરડાનું ગળું પકડી લીધું.
તેઓ ઉમેરે છે કે, "સમી સાંજમાં જ આમથી ધડબડાટી બોલતી આવી અને અહીં જ વાછડાને પાડી દીધો."
"અમારા ઘરેથી બાઈ પાણી નાખવા નીકળ્યા એટલે એ જોઈ ગયા અને બૂમો નાખી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એટલે હું પણ દોડીને બહાર નીકળ્યો. સિંહણ વાછડાને ઢસડતી હતી. અમે બૂમો નાખી એટલે વાછડાને મૂકી દીધો અને સિંહણ જતી રહી. પરંતુ વાછડો તો મરી ગયો."
વલાદરમાં 10 દિવસ અગાઉ, 12 ઑક્ટોબરની રાત્રે, પણ આવી જ રીતે એક સિંહણ આવી ચડી હતી અને મહેશ રાઠોડ નામના 30 વર્ષના યુવાન પર હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું.
પાંચ સંતાનોના પિતા તેવા મહેશ રાઠોડ અને તેમનો પરિવાર રોજગારીની શોધમાં બે મહિના અગાઉ વલાદર છોડીને પોરબંદરમાં માછલીનું પ્રોસેસિંગ કરતા એક કારખાનામાં કામ કરવા જતા રહ્યા હતા.
પરંતુ તેમના કુટુંબના ભુવાનું અવસાન થતા મહેશ રાઠોડ 12 તારીખે એકલા વલાદર આવ્યા હતા તેમ તેમના નાના ભાઈ મુકેશ રાઠોડ જણાવે છે.
વન વિભાગના અધિકારીઓ કહે છે કે ગામના પછવાડે ઝાડી, ઝાંખરાંથી ઘેરાયેલ તેમના ઘરની બહાર મહેશ રાઠોડ સૂતા હતા ત્યારે એક સિંહણે તેના પર હુમલો કર્યો અને તેને મારીને બાજુની એક વાડીમાં ઢસડી ગઈ.
મહેશ રાઠોડના શરીરના અવશેષો 14 ઑક્ટોબરની વહેલી સવારે મળી આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
એ હુમલો કર્યાની જેની પર શંકા હતી તેવી કિશોરાવસ્થામાં રહેલી તે સિંહણને વન વિભાગે ત્યાર બાદ પકડીને પાંજરામાં પૂરી દીધી છે. પરંતુ વલાદરવાસીઓ કહે છે કે તે ઘટના બાદ પણ સિંહો તેમના ગામની શેરીઓમાં દરરોજ રાત્રે આવી ચડવાનો સિલસિલો યથાવત રહ્યો છે.
ગોબરભાઈના ઘર નજીક વાછડાનો શિકાર કરનાર સિંહણ અને તેનાં બે બચ્ચાં 21 ઑક્ટોબરની રાત્રે વલાદર ગામના ચોકમાં નવરાત્રીની ગરબી માટેના મંડપ આજુબાજુ પણ જોવા મળ્યા હતા તેમ ગામલોકોએ બીબીસીને જણાવ્યું.
ખેડૂત સિંહોની વાત કરતા ત્યારે જ સિંહણે ત્રાડ પાડી પછી શું બન્યું?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
સિંહના હુમલામાં મહેશ રાઠોડનું મોત થતાં વલાદર ગામમાં શું પરિસ્થિતિ છે તેનું રિપોર્ટિંગ કરવા માટે હું અને બીબીસી સહયોગી બિપિન ટંકારિયા 21 ઑક્ટોબરના રોજ વલાદર ગયા અને 22 ઑક્ટોબરની મોડી સાંજ સુધી ત્યાં રોકાયા.
22 ઑક્ટોબરની સાંજે પોણા આઠ વાગ્યે અમે વલાદરના ચોકમાં પરેશભાઈ કાનજીભાઈ કયાડા ઉર્ફે મામલતદાર નામના એક ખેડૂતનું ઇન્ટરવ્યૂ કરી રહ્યા હતા.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
પરેશભાઈએ ઇન્ટરવ્યૂમાં દરમિયાન કહ્યું, "અત્યારે અમારે અહીંયા સાવજની પોઝિશન બહુ ખરાબ છે, અમારા ગામ માટે. અત્યારે રાતના સાવજ આવે, દિવસના આવે. "
"મારું ગામ અહીં બાગાયાતનું. અમારા ગામમાં 80 ટકા બાગાયત, 20 ટકા કોઈ શેરડી એવું વાવેતર ... હવે અમારે પાણી વાળવા જાવું, કોઈ પણ સિમ-શેઢે અમારે જવું હોય, અમારે સીઝન છે પણ સાવજની હિસાબે અમે કઈ રીતે અમારા ખેતરની અંદર જઈ શકીએ?"
"કાયમ માટે ગામમાં સાવજ આવ્યા જ કરે છે, ચાર-પાંચ ચાર-પાંચ દિવસે મારણ કરે છે અહીંયા." તો અમારે અમારો બચાવ કઈ રીતે કરવો? અમારા ગામથી જંગલની બૉર્ડર ત્રણ કિલોમીટર છેટી, તો અમારે કઈ રીતે અમારો બચાવ રાખવો?"
"સુરક્ષા કઈ રીતે અમારી રાખવી?... સિંહ ગામની અંદર આવે તો સિંહ તો હર કોઈ જોવાના જ છે."
"તો એ લોકો કહે છે કે કાંકરીચાળો કરે છે. કાંકરીચાળો કરતા હોય તો એ લોકોએ રેકૉર્ડિંગ કરી લેવું જોઈએ ને?"
"જંગલખાતાએ રેકૉર્ડિંગ કરી લેવું જોઈએ. (જમણા હાથથી ઈશારે કરતા) હુંકે છે ને? જો સાવજ હુંકે છે ને? અત્યારે એમાં આજુબાજુ બગીચામાં જ સાવજ હશે."

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
પરેશભાઈના આ ઇન્ટરવ્યૂનું અમે વીડિઓ રેકૉર્ડિંગ કરી રહ્યા હતા ત્યારે જ ચોકથી ઉત્તર દિશા તરફથી એક સિંહણની ત્રાડો સંભળાઈ અને પરેશભાઈ અટકી ગયા અને અમને તે ત્રાડો સાંભળવાનું સૂચન કર્યું.
ત્યાર બાદ ઇન્ટરવ્યૂમાં આગળ બોલતા તેમણે કહ્યું, "કાલે (રાત્રે) 11 વાગ્યે સાવજ અહીંયા ગરબી મંડળમાં ગરબી રમવા આવ્યા હતા માતાજીની."
"તમે અહીંયા ગામ લોકોને ગમે તેને પૂછી જુઓ. અને સાડા અગિયારે અમારે અહીંયા મારણ થયું. અને પાંચ-સાત દિવસ પહેલાં એક દેવીપૂજકને સાવજ ખાઈ ગયા."
"હવે અમારે કઈ રીતે રહેવું? બીક પૂરી લાગે. ખેતરમાં જઈએ તો ત્યાં દિવસના સાવજ અને દીપડાની બીક. એવું નથી કે રાતની જ બીક છે."
પરેશભાઈ અને ચોકમાં હાજર અન્ય લોકોએ અમને જણાવ્યું કે તે રાત્રે થોડાક સમય બાદ સિંહ ગામની શેરીઓમાં આવી જશે તેવી તેમને ખાતરી છે.
અમે રાત્રે સાડા નવ વાગ્યે વલાદરમાંથી વિદાય લીધી. જો કે 23 ઑક્ટોબરે ગામલોકોએ અમને જણાવ્યું કે તે 22મી અને 23 ઑક્ટોબર વચ્ચેની રાતે સિંહો ગામની શેરીઓમાં દેખાયા ન હતા.
ઘેટાં-બકરાંની રાહ જોઈ સાવજ પાદરમાં બેસે છે, માલધારીઓ શું કરે છે?

ઇમેજ સ્રોત, UGC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આશરે બે હજારની વસ્તી ધરાવતું વલાદર એક નાનું ગામ છે. પરંતુ આ ગામની પૂર્વ બાજુએ શિંગોડા નદી વહે છે અને પશ્ચિમે સોમાત નદી વહે છે.
ગામમાં ખેતીની મોટા ભાગની જમીનમાં આંબાવાડીઓ છે. બાકીની જમીનમાં શેરડીનું વાવેતર મોટા પાયે થાય છે.
સંશોધકો કહે છે કે ગીરના જંગલની ફરતે આવેલી જમીનમાં આ પ્રકારના પાકો સિંહો અને અન્ય વન્યજીવોના સંવર્ધનમાં મદદરૂપ થઈ શકે છે.
વળી, વલાદર ગામમાં મોટું ગૌચર છે જેમાં ખાખરા, અભાગાં વગેરેની ઝાડી સિંહો માટે સારું રહેઠાણ સાબિત થાય છે તેમ વન વિભાગના અધિકારીઓ કહે છે. આ ઉપરાંત વલાદરમાં એક અનામત જંગલ પણ આવેલ છે.
વલાદરમાં ખેડૂતો ઉપરાંત માલધારીઓ પણ રહે છે અને ઘેટાં-બકરાં ચારી તેમની આજીવિકા રળે છે.
બીબીસ સાથે વાત કરતા વિપુલ વંશ નામના 26 વર્ષના માલધારી કહે છે, "હું આઠ-નવ વર્ષથી માલ ચારું છું. હું માલ ચારું છું ત્યારથી તો જાનવર જોઉં છું, જ્યાં જઈએ ત્યાં."
"દર વર્ષે પાંચ સાત બકરાં તો મારા નામનાં લખાય. ખવરાવના દિલથી. ક્યાંય આડું ઊભવાનું નહીં. અને ઊભીએ તોય ખાઈ જાય!"
"તમે સાત આડા ઊભા રહો તોય પાંચ-સાત બકરાં તો દર વર્ષે ઓછાં થાય... ઘરેથી દીપડા ઉપાડી જાય છે અને બહાર સિંહણો અને સાવજ હુમલા કરે છે."
"ઘરેથી પાંચ વાગ્યામાં કે સાત વાગ્યામાં બકરાંને ચારવા લઈ જઈએ એટલે જાનવર સામે જ હોય. ભેંસ જેવો મોટો માલ હોય તો સાવજને કાઢી મૂકે. પણ બકરાંને તો સાવજ દોડીને પકડી લે."
વિપુલ વંશના ઘરની દીવાલ બારેક ફૂંટ ઊંચી છે. પરંતુ બાજુની એક વંડીના સહારે તે દીવાલ ઓળંગીને દીપડા તેમની ઘરની અંદર વારંવાર કૂદી બકરાનો શિકાર કરતાં આ માલધારીએ એક વર્ષ અગાઉ માછીમારીની જૂની જાળ ખરીદી અને દીવાલ પર લાકડીઓના સહારે બાંધી દીવાલની ઊંચાઈ ચારેક ફૂટ વધારી. પરંતુ વિપુલ વંશ કહે છે કે તે જાળને પણ ઓળંગીને દીપડાએ એકાદ અઠવાડિયા પહેલાં જ એક બકરીનો શિકાર કર્યો હતો.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
બાલુભાઈ રાઠોડ નામના અન્ય એક માલધારી રાત્રે તેમની બકરીઓને એક ફરજામાં પૂરી દે છે અને પછી તેનું બારણું બંધ કરી દે છે.
તેઓ કહે છે કે, "જીવ કરતા જીવાઈ વાલી હોય. મારી એક બકરીની કિંમત દસથી પંદર હાજર રૂપિયા છે પણ સિંહ કે દીપડો જો તેને મારી નાખે તો વન વિભાગ માત્ર પાંચ હાજર રૂપિયા વળતર આપે છે. પાંચ હજારમાં બકરી આવે? પણ કંઈ એક બકરીને તો ચારવાની નથી. એક હોય તો તેને પકડીને ચારીએ. પણ ઘણા બકરાં છે એટલે છૂટાં છૂટાં ચરતાં હોય. સાવજ આવે અને મારીને જતા રહે, આપણે રીંગણીમાંથી રીંગણું કેમ તોડીએ એમ તોડીને જતા રહે છે."
વિપુલ વંશ કહે છે કે સીમમાં સિંહના ડરને ઓછો કરવા માટે વલાદરના માલધારીઓએ તેમનાં ઘેટાં-બકરાંને ચારવાના સમયને ખેડૂતોની દિનચર્યા સાથે જોડી દીધો છે.
તેઓ કહે છે, "અમે દસ વાગ્યે અહીંથી નીકળીએ કારણ કે આ બકરાની જાત છે અને સાવજ તરત ઉપાડી લે. અમે 10 વાગ્યા પછી હાંકીએ."
"ત્યાં સુધીમાં ગામ બધું જાગી ગયું હોય છે અને ખેડૂતો વાડી વિસ્તારમાં પહોંચી ગયા હોય છે. જો સાવજ હોય તો તે અમને કહી દે કે ભાઈ ધ્યાન રાખજે."
"પછી સાંજે પાંચ વાગ્યે મારે બકરીઓને ઘરે પહોંચાડી દેવી પડે."
"ત્યાર બાદ ખેડૂત ગામમાં પાછા આવે અને તેમની પાછળ પાછલ સવાજ આવે."
"ખેડૂતો હોય ત્યાં શેઢા ઉપર આપણે બકરાં ચારવાનાં અને ખેડૂતો ગામમાં આવે તે પહેલાં આપણે આપણાં બકરાં ઘરમાં પૂરી દેવાનાં..."
સિંહ-દીપડાની સતત હાજરીથી મહિલાઓને શું તકલીફ પડે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ગીતાબહેન મકવાણા નામનાં ખેડૂત કહે છે કે મહિલાઓ પર જોખમ બેવડું છે.
તેઓ ક્રોધ પૂર્વક જણાવે છે કે, "સિંહ-દીપડાની બીકે એક તો પુરુષ વગર મહિલાઓ વાડીએ કામ કરવા આવી શકતી નથી."
મહેશ રાઠોડ અને તેમના પત્ની કંચનબહેનને ત્રણ દીકરીઓ અને બે દીકરા છે અને તેમાં સૌથી મોટી દીકરીની ઉમર દસેક વર્ષ છે.
ગીતાબહેન અને તેમના પતિ ભરતભાઈ મકવાણા પાંચ વીઘામાં જમીનમાં શેરડીની ખેતી કરે છે અને સાથે સાથે પશુપાલન પણ કરે છે. જયારે આ દંપતી વાડીએ હાજર ન હોય ત્યારે તેઓ તેમના ગયો-ભેંસોને તેમની વાડીમાં બનાવેલાં શેડ એટલે કે ફરજાની અંદર પૂરી દે છે જેથી કરીને તેમને સિંહો કે દીપડાના હુમલાથી બચાવી શકાય.
ગીતાબહેન કહે છે, "વહેલી સવારે વાડીએ આવી શકાતું નથી પરંતુ ડેરીમાં દૂધ પહોંચાડવા ગાય-ભેંસ વહેલાં જ દોવાં પડે."
"આવા સંજોગોમાં વાડીએ આવીને અમે પહેલાં વાડીમાં ક્યાંય સિંહ કે દીપડાના સગડ છે કે નહીં તે જોઈએ છીએ અને ત્યાર બાદ જ ગાય-ભેંસને ફરજામાંથી બહાર કાઢીએ છીએ."

ઇમેજ સ્રોત, UGC
બે દિવસના રોકાણ દરમિયાન અમે ડબ્બામાં પાણી ભરીને કુદરતી હાજતે જવા માટે ગામની બહાર જઈ રહેલા કેટલાક લોકોને જોયા.
મોટા ભાગે આવાં દૃશ્યો સવારના અને સાંજના સમયે જોવા મળ્યા.
"ગામના પાદરમાં રોજ સિંહ હુકતાં સંભળાય છે અને બજારમાં ગાયો અને વાછડાં પાછળ દોડતા દેખાય છે."
"આ તો સારું છે કે લોકો 100-200 કમાતા થયા અને સરકારે 12,000 સહાય પેટે આપતા મોટા ભાગના લોકોએ તેમના ઘરે ટૉઇલેટ બનાવી લીધાં છે."
"બાકી તમે વિચાર કરો શું દશા થાત?"
63 વર્ષના કાદરબક્ષ મકરાણી ઉર્ફે કાદુભાઈ જણાવે છે અને ઉમેરે છે, "આ ગામમાં જ રંજાડ છે તેવું નથી. સાંઢણીધારમાંય પહોંચી જાય છે, કંટાળામાંય જતા રહે છે, લીમધ્રામાં જાય છે, ચાર-પાંચ દીવસ પહેલાં પાણીકોઠામાંય હતા."
"સિંહનો ત્રાસ તો છે પણ આપણે તો શું કહીએ સરકારને અને સરકાર કહ્યું કરે પણ ખરી? "
ક્યારથી આવી પરિસ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
વલાદર ગામના અગ્રણી જીતુભાઈ સોલંકી જણાવે છે કે તેમના વિસ્તારમાં સિંહો તો દાયકાઓથી દેખાય છે પરંતુ છેલ્લાં પાંચ-સાત વર્ષથી તે ગામની શેરીઓમાં વધારે ને વધારે સંખ્યામાં ફરતા થયા છે.
તેઓ કહે છે, "આજે તમે જોયું ને મારણ? અમારા વલાદરની આ પોઝિશન છે. રોજને માટે ગણો તો ચાલે. 2024ના વર્ષમાં 45 પશુનાં મારણ થયાં હતાં."
"માલઢોર અને માણસો પર જોખમ છે. ડર જ રાખવાનો આપણે રાત્રે બાથરૂમ જવું હોય તો પણ એક જણાને સાથે રાખવો પડે."
"ખેડૂતો રાત્રે તેમની વાડીએ જઈ શકતા નથી તેથી ભૂંડ અને રોજને જે ખાવું હોય તે ખાય."
બીબીસી સાથે વાત કરતા ગીર પશ્ચિમ વન વિભાગના નાયબ વનસંરક્ષક પ્રશાંત તોમરે જણવ્યું કે, "મહેશ રાઠોડના વારસદારોને રાજ્ય સરકારે દસ લાખ રૂપિયા વળતર આપ્યું છે અને તેના પર હુમલો કરનાર સિંહણને પણ પાંજરમાં પૂરી દેવાઈ છે."
"જો કે અન્ય એક અધિકારીએ જણાવ્યું કે વલાદરમાં સિંહો અને દીપડા રહી શકે તેવા ઘણા વિસ્તારો છે."
"વળી, આ ગામ ગીરના જંગલની બૉર્ડર પર આવેલા હોવાથી ત્યાં સિંહો અને દીપડાની અવરજવર સતત નોંધાય છે. પરંતુ અને સિંહ વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે અમારો સ્ટાફ સતત પ્રયત્નો કર્યા કરે છે."
બીબીસી ન્યૂઝ માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























