16 વર્ષની રાધિકા 'માંડ એક શબ્દ વાંચી શકી', કોરોનામાં શાળાઓ બંધ રહી અને બાળકો વાંચવાનું ભૂલી ગયાં, શિક્ષણની કેવી સ્થિતિ થઈ?

- લેેખક, દિવ્યા આર્ય, સંવાદદાતા, ઝારખંડથી પાછા ફરીને
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
રાધિકા કુમારી પોતાની જૂની પ્રાથમિક શાળાની સામે ઊભી રહીને દીવાલ પર લખેલો સરકારી સંદેશ વાંચવાનો પ્રયત્ન કરે છે. તેમાં લખ્યું છે -ગંદકી જીવલેણ છે, સ્વચ્છતા એ જ સેવા છે.
પરંતુ 16 વર્ષની રાધિકા માંડ પહેલો શબ્દ જ વાંચી શકે છે.
બાકીના શબ્દો વાંચવાને બદલે તે આસપાસ પડેલા કચરા તરફ આંગળી ચીંધે છે.
રાધિકાને અમે પાંચ વર્ષ પહેલાં મળ્યા હતા. ત્યારે કોવિડ મહામારી દરમિયાન શિક્ષણનાં માપદંડોમાં પાછળ રહી ગયેલા અને દેશનાં સૌથી ગરીબ રાજ્યોમાંના એક એવા ઝારખંડના લાતેહાર જિલ્લામાં અમે ગયા હતા. રાધિકા ત્યાંના ડુંબી નામના એક નાના ગામમાં રહે છે.
પાંચ વર્ષ પછી અમે ફરી તેને મળવા ગયા ત્યારે લાગ્યું કે તે ઊપલા ધોરણમાં તો પહોંચી ગઈ છે, પરંતુ અભ્યાસમાં પાછળ રહી ગઈ છે.
રાધિકાના માધ્યમથી અમે જાણવા માગતા હતા કે કોવિડ મહામારી દરમિયાન બંધ થયેલી શાળાઓની, પછાત વિસ્તારોમાં મર્યાદિત સંસાધનો વચ્ચે રહેતી બાળકીઓના અભ્યાસ પર કેવી અસર પડી છે.
વર્ષ 2024માં શાળાકીય શિક્ષણ અંગે કરવામાં આવેલા દેશવ્યાપી સર્વેમાં જાણવા મળ્યું કે સરેરાશ બાળકોના શીખવાના સ્તરમાં સુધારો થયો છે, પરંતુ તમામ બાળકોનો અનુભવ આવો નથી.
મહામારી દરમિયાન લાંબા સમય સુધી બંધ રહેલી શાળાઓની બાળકોના અભ્યાસ પર થયેલી અસર સમજવા માટે ઝારખંડનાં ગામેગામ ફરેલા અર્થશાસ્ત્રી જૉં દ્રેઝના જણાવ્યા મુજબ, "આંકડાઓની સરેરાશમાં મોટી અસમાનતાઓ છુપાયેલી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2021માં અમે રાધિકાને મળ્યા હતા, ત્યારે કોવિડ મહામારીને રોકવા માટે લાદવામાં આવેલા લૉકડાઉન દરમિયાન રાધિકાની શાળા સહિત દેશની તમામ શાળાઓ લગભગ દોઢ વર્ષ સુધી બંધ રહી હતી. રાધિકાની શાળા એ પછી બે વર્ષ બાદ ફરી ખૂલી હતી.
ખાનગી શાળાઓ અને શહેરી વિસ્તારોની શાળાઓમાં ઑનલાઇન વર્ગો દ્વારા અભ્યાસ ચાલુ રહ્યો હતો, પરંતુ દૂરના વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓમાં અભ્યાસ અટકી ગયો હતો.
એ સમયે રાધિકાના ગામમાં ઇન્ટરનેટની સુવિધા નહોતી અને તેના પરિવાર પાસે સ્માર્ટફોન પણ નહોતો.
શાળાકીય શિક્ષણ સંપૂર્ણપણે અટકી જવાને કારણે રાધિકાની વાંચવા-લખવાની ક્ષમતા એટલી ઘટી ગઈ હતી કે તે હિન્દીના અક્ષરો ઓળખવાનું પણ ભૂલી ગઈ હતી.
દલિત-આદિવાસી વસતી ધરાવતા ગામમાં ઊછરતી રાધિકા કોવિડ દરમિયાન અભ્યાસમાં પાછળ રહી ગઈ હતી. ત્યાર પછીનાં વર્ષોમાં પણ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો, જેને કારણે તેના માટે અભ્યાસમાં આગળ વધવું મુશ્કેલ બન્યું.

મહામારી દરમિયાન લાંબા સમય સુધી શાળાઓ બંધ રાખવાથી બાળકોના અભ્યાસ પર કેવી અસર પડી, તે સમજવા માટે અનેક સર્વે કરવામાં આવ્યા હતા.
દેશની શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સૌથી મોટી બિનસરકારી સંસ્થાઓમાંની એક, પ્રથમ દ્વારા શિક્ષણ અંગે દર વર્ષે પ્રકાશિત કરવામાં આવતા અહેવાલ 'અસર 2022'માં જણાવવામાં આવ્યું હતું કે, "સરકારી અને ખાનગી, બંને પ્રકારની શાળાઓમાં બાળકોની વાંચવાની ક્ષમતાને ભારે નુકસાન થયું છે." અહેવાલમાં તેને "મોટો ફટકો" ગણાવવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ, "વર્ષ 2014માં પાંચમા ધોરણનાં બાળકોમાંથી 48 ટકા બાળકો બીજા ધોરણના સ્તરનું વાંચી શકતાં હતાં. વર્ષ 2018માં આ પ્રમાણ વધીને 50.4 ટકા થયું હતું, પરંતુ વર્ષ 2022માં ઘટીને 42.8 ટકા થઈ ગયું."
"રાષ્ટ્રીય સ્તરે સાત ટકાનો આ ઘટાડો ઘણો મોટો છે, કારણ કે આ આંકડો ખૂબ ધીમે ધીમે બદલાય છે."
"આ ઘટાડો મહામારી દરમિયાન અભ્યાસને થયેલા નુકસાન અંગેની આશંકાઓની પુષ્ટિ પણ કરે છે."

આટલું હોવા છતાં, શાળાઓ ફરી ખૂલી ત્યારે રાધિકાને આગળના ધોરણમાં ચઢાવી દેવામાં આવી હતી.
ભારતમાં શિક્ષણના અધિકાર કાયદા હેઠળ બાળકો પર અભ્યાસનું વધુ પડતું ભારણ ન પડે એ માટે પાંચમા અને આઠમા ધોરણમાં તેમને પાસ કરવા અનિવાર્ય હતા. પરંતુ કાયદાની આ જોગવાઈની એવી ટીકા થઈ હતી કે તેનાથી અભ્યાસ પર ખરાબ અસર પડી રહી છે. વર્ષ 2024માં આ જોગવાઈ દૂર કરવામાં આવી.
પરંતુ ત્યાં સુધીમાં રાધિકા નવમા ધોરણ સુધી પહોંચી ગઈ હતી.
અર્થશાસ્ત્રી જૉં દ્રેઝ કહે છે કે રાધિકા જેવાં બાળકો માટે ઝારખંડની શાળાઓમાં શિક્ષકોની અછત પણ એક મોટો પડકાર છે.
તેઓ કહે છે, "કોવિડના લૉકડાઉન દરમિયાન શાળાઓ બંધ રહેવાની એક અસર એ થઈ કે ઓછી સુવિધાઓ ધરાવતી સરકારી શાળાઓમાં, જ્યાં એક જ શિક્ષક હતો અને બાળકોને પહેલેથી જ ઓછું શિક્ષણ મળતું હતું, તે પણ તેમનાથી છીનવાઈ ગયું."

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં સરકારી શાળાઓ હંમેશાં ઓછી સુવિધાઓની સમસ્યાનો સામનો કરતી આવી છે. ત્યાં શિક્ષણનું સ્તર નીચું હોવા બદલ તેમની ટીકા પણ થતી રહી છે.
પરંતુ ઝારખંડમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે, કારણ કે શિક્ષણનાં ધોરણોની દૃષ્ટિએ તે દેશનાં સૌથી પછાત રાજ્યોમાંનું એક છે.
શાળાકીય શિક્ષણ અંગેના શિક્ષણ મંત્રાલયના કેન્દ્રીય ડેટાબેઝ, યુડાઇઝ પ્લસ (UDISE+), અનુસાર ઝારખંડની 40 ટકા સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે.
દેશભરમાં એક જ શિક્ષક ધરાવતી આવી શાળાઓની સંખ્યા ઘટીને વર્ષ 2025-26માં એક લાખ થઈ ગઈ છે. પરંતુ ઝારખંડમાં તેમની સંખ્યા વધી રહી છે.
વર્ષ 2021માં અમે રાધિકાને મળ્યા હતા, ત્યારે તે હિન્દી વર્ણમાળાના ઘણા અક્ષરોને બરાબર ઓળખી શકતી નહોતી કે લખી શકતી નહોતી.
પાંચ વર્ષ પછી તે અમને પોતાનું દસમા ધોરણનું પ્રમાણપત્ર બતાવે છે. જોકે, રાધિકાને હિન્દી અને અંગ્રેજી વાંચવામાં, સાદું ગણિત કરવામાં અને તે કયા કયા વિષયો ભણી રહી છે તે યાદ કરવામાં મુશ્કેલી પડે છે.
રાધિકા હવે મનિકા બ્લૉકનાં 75 ગામો માટેની એક માત્ર ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણે છે. આ શાળામાં 2,000 બાળકોને ભણાવવા માટે 20 શિક્ષકો છે. એટલે કે દર 100 બાળકોએ એક શિક્ષક છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં દેશભરની સરેરાશ -દર 23 બાળકોએ એક શિક્ષક -કરતાં આ પ્રમાણ ઘણું ખરાબ છે.
શાળાના આચાર્ય મૃગેન્દ્ર નારાયણ સિંહ સ્વીકારે છે કે ધોરણો ઊંચાં હોવાને કારણે પાછળ રહી જતા વિદ્યાર્થીઓ પર શિક્ષકો માટે અલગથી ધ્યાન આપવું મુશ્કેલ બને છે.

તેઓ કહે છે, "અમે આવા વિદ્યાર્થીઓને ઓળખવાનો પૂરો પ્રયાસ કરીએ છીએ. તેમને વર્ગમાં આગળ બેસાડીએ છીએ, જેથી જરૂર પડે ત્યારે તેમને મદદ કરી શકાય."
પરંતુ રાધિકા માટે આટલું પૂરતું સાબિત થયું નથી. અમે તેને પૂછ્યું કે તે પોતાની શાળામાં કયો ફેરફાર ઇચ્છે છે, ત્યારે તેણે કહ્યું, "મારે વધુ શિક્ષકો જોઈએ છે."
સરકારી તાજા આંકડા દર્શાવે છે કે ઝારખંડમાં શિક્ષકોની એક લાખ જગ્યાઓ ખાલી છે.
રાજ્યમાં વર્ષ 2016થી નવા શિક્ષકોની ભરતી થઈ નહોતી. ત્યાર પછી વર્ષ 2025માં જૉં દ્રેઝે શિક્ષકોની અછત અંગે જાહેર હિતની અરજી દાખલ કરી. તેના પગલે ઝારખંડ હાઇકોર્ટે રાજ્ય સરકારને 26,000 શિક્ષકોની ભરતી કરવાનો આદેશ આપ્યો.
લાંબા સમયથી અટકેલી ભરતી અંગે ઝારખંડ સરકારે જણાવ્યું કે લાયકાતને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદને કારણે ભરતી અટકી હતી. સરકારે "નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર" ભરતી કરવાની ખાતરી આપી.
ઓછાં સંસાધનો ધરાવતા અને પછાત સમુદાયોનાં બાળકો માટે શિક્ષકોની ઉપલબ્ધતા ખૂબ મહત્ત્વ ધરાવે છે.

રાધિકાનો નાનો ભાઈ વિષ્ણુ ટ્યુશનમાં ભણવા જાય છે અને અભ્યાસ, વાંચન-લેખન તથા સમજણની બાબતમાં રાધિકા કરતાં ઘણો આગળ છે.
ગામનાં મોટા ભાગનાં બાળકોની જેમ વિષ્ણુ અને તેની પાંચ બહેનો પણ પોતાના પરિવારમાં શાળાએ જતી પહેલી પેઢીનાં બાળકો છે. તેમનાં માતા-પિતા ભણેલાં નથી. તેથી શાળા પછી ટ્યુશનથી જ તેમને અભ્યાસમાં મદદ મળી શકે છે.
પરંતુ અનેક ભારતીય પરિવારોમાં જોવા મળે છે તેમ, સંસાધનોની અછતને કારણે દીકરાના શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરવામાં આવે છે. આથી ટ્યુશનની મદદ માત્ર વિષ્ણુને જ મળે છે.
કોવિડના લૉકડાઉન દરમિયાન પણ અમે વિષ્ણુને મળ્યા હતા, ત્યારે તે ટ્યુશનમાં ભણતો હતો. આ કારણે શાળાઓ બંધ રહેવાની તેના અભ્યાસ પર પ્રમાણમાં ઓછી નકારાત્મક અસર જોવા મળી.

'અસર 2022'ના અહેવાલ મુજબ, લૉકડાઉન દરમિયાન દેશભરમાં ટ્યુશન લેતાં બાળકોનું સરેરાશ પ્રમાણ વર્ષ 2018ના 25 ટકાથી વધીને વર્ષ 2022માં 30 ટકા થયું હતું. ઝારખંડ જેવાં રાજ્યોમાં આ પ્રમાણ હજી વધારે, એટલે કે 45 ટકા હતું.
તે સમયે શિક્ષક તરીકે કામ કરતા આચાર્ય સિંહ યાદ કરે છે, "પૂરેપૂરા પ્રયત્નો કરવા છતાં અમે માત્ર 10 ટકા બાળકો સુધી પહોંચી શક્યા અને તેની કેટલીક નબળાં બાળકો પર ખરાબ અસર પડી."
તેઓ કહે છે, "સરકારી શાળાના શિક્ષકોને મહામારી સંબંધિત કામમાં પણ લગાવવામાં આવ્યા હતા. બહારથી આવતા લોકોની માહિતી એકઠી કરવા માટે મારે પણ ત્રણ મહિના સુધી એક ઝાડ નીચે બેસીને કામ કરવું પડ્યું હતું."
'અસર 2024'ના અહેવાલ મુજબ, સમય જતાં બાળકોના અભ્યાસનું સ્તર ફરી સુધર્યું છે. અહેવાલ મુજબ, આનું એક કારણ કેન્દ્ર સરકારની વર્ષ 2020ની નવી શિક્ષણ નીતિ છે.
શિક્ષણ મંત્રાલયની આ નીતિ મુજબ, "વર્ષ 2025 સુધીમાં પ્રાથમિક શાળામાં 'સાર્વત્રિક પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન' (યુનિવર્સલ ફાઉન્ડેશનલ લિટરસી ઍન્ડ ન્યુમરસી -FLN) હાંસલ કરવું એ અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે."
ડિસેમ્બર 2024માં શિક્ષણ મંત્રાલયે દેશભરમાં ત્રીજા, છઠ્ઠા અને નવમા ધોરણનાં બાળકોના અભ્યાસના સ્તરનું નિર્ધારિત માપદંડોના આધારે મૂલ્યાંકન કર્યું.
આ સર્વેમાં રાજ્યોનાં પરિણામોમાં ઘણો તફાવત જોવા મળ્યો. પાયાના સ્તરે ઝારખંડ સૌથી નીચા સ્થાને હતું અને આગળનાં ધોરણોમાં પણ તે નીચલા જૂથમાં જ રહ્યું.
અહેવાલ મુજબ, "જે રાજ્યો શરૂઆતનાં ધોરણોમાં સારું પ્રદર્શન કરે છે, તેઓ પછીનાં વર્ષોમાં પણ પોતાની આ સરસાઈ જાળવી રાખે છે. જ્યારે જે રાજ્યોમાં શરૂઆત નબળી હોય છે, ત્યાં આગળ જતાં પણ વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે."

હવે રાધિકા સામે બીજા પડકારો પણ છે. તેના ગામથી ચાલીને ઉચ્ચતર માધ્યમિક શાળાએ પહોંચતાં એક કલાક લાગે છે. કોઈ સહેલી સાથે ન હોય તો તે આ રસ્તે એકલી જતી નથી. એટલે કે એવા દિવસે તે શાળાએ જતી નથી.
રાધિકાનાં માતા કુંતી દેવી બાળકોને શાળાએ લઈ જતાં ટેમ્પોનું ભાડું ચૂકવવા માગતાં નથી.
તેઓ કહે છે, "મારી પાસે આ બધી વસ્તુઓ માટે પૈસા નથી. રાધિકાને ખરેખર શાળાએ જવું હોય તો તે ચાલીને જઈ શકે છે."
આટલી બધી મુશ્કેલીઓ છતાં ઝારખંડમાં ઉચ્ચતર માધ્યમિક ધોરણોમાં વિદ્યાર્થીઓની નોંધણી વધી છે. રાજ્યનો કુલ નોંધણી ગુણોત્તર (ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) વર્ષ 2014-15માં 37.5 હતો, જે 20 ટકા-પૉઇન્ટ વધીને વર્ષ 2025-26માં 55 થયો છે. દેશભરમાં પણ નોંધણીમાં આવો જ પ્રવાહ જોવા મળે છે.
પરંતુ બાળકો શાળા સુધી પહોંચે એટલું જ પૂરતું નથી.
જૉં દ્રેઝ કહે છે, "ઓછું શિક્ષણ મળવાનું પરિણામ એ આવે છે કે આ બાળકો બહુ શીખી શકતાં નથી અને મોટાં થઈને બીજા રાજ્યોમાં સ્થળાંતર કરે છે. તેમની પાસે કૌશલ્યો તો હોય છે, પરંતુ આધુનિક અર્થતંત્રમાં રોજગાર મેળવવા માટે જરૂરી હોય એવાં કૌશલ્યો હોતાં નથી."
રાધિકાને પૂછવામાં આવે છે કે તે જીવનમાં શું બનવા માગે છે, ત્યારે તે સ્મિત સાથે માથું નીચું કરીને કહે છે, "હું નોકરી કરીને પૈસા કમાવા અને મારા પરિવારને મદદ કરવા માગું છું."
જોકે, તે એમ પણ કહે છે કે અત્યારે તેને ખબર નથી કે આ શક્ય કેવી રીતે બનશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























