You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનનો દાવો, 'અમેરિકાનાં સૈન્ય ઠેકાણાંને ફરી નિશાન બનાવ્યાં', સમજૂતીના દસ દિવસ બાદ જ અમેરિકા-ઈરાન આમને-સામને
- લેેખક, બર્ન્ડ ડિબશમૅન
- પદ, વ્હાઇટ હાઉસ સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધી ગયો છે. ઈરાની રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી)એ ઍલાન કર્યું છે કે ઈરાની તટો પર અમેરિકાના હુમલાના જવાબમાં તેમના નૌકાદળે ક્ષેત્રમાં અમેરિકાનાં સૈન્ય ઠેકાણાં પર હુમલો કર્યો છે.
આઈઆરજીસીએ નિવેદનમાં કહ્યું કે અમેરિકાએ ઈરાનના તટ પર હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા.
આઈઆરસીજીએ આ હુમલાને યુદ્ધવિરામ અને અમેરિકાની પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન ગણાવ્યું, સાથે દાવો કર્યો કે તેના જવાબમાં, "ક્ષેત્રમાં અમેરિકાની સૈન્ય તહેનાતીનાં કેન્દ્રો"ને નિશાન બનાવવામાં આવ્યાં છે. જોકે, કયાં સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યાં છે તેનું વિવરણ આપ્યું નથી.
આઈઆરજીસીએ ચેતવણી આપી કે જો અમેરિકા ફરી હુમલો કરે છે, તો ઈરાન તેના પર જોરદાર કાર્યવાહી કરશે.
હાલના ઘટનાક્રમમાં અમેરિકા સેનાએ શુક્રવારે ઈરાનનાં મિસાઇલ ઠેકાણાં-ડ્રૉન ઠેકાણાં તથા કોસ્ટલ રડાર પોઝિશન પર હુમલો કર્યો હતો.
આ કાર્યવાહી તે ડ્રૉન હુમલા બાદ થઈ, જેમાં હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થઈ રહેલા એક માલવાહક જહાજ (કાર્ગો શિપ)ને નિશાન બનાવવામાં આવ્યું હતું.
અમેરિકાના સેન્ટકૉમે તેને ઈરાનનું 'યુદ્ધવિરામ ઉલ્લંઘન' જણાવીને ઈરાન પર હુમલો કરી દીધો.
બીજી તરફ ઈરાનની આઈઆરજીસીએ ચેતવણી આપી છે કે જો હુમલો બીજી વખત થયો તો તેનો જવાબ પણ મજબૂત હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કાર્યવાહી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદન બાદ થઈ જેમાં તેમણે ઈરાન પર યુદ્ધવિરામના 'મુર્ખતાપૂર્વક ઉલ્લંઘન' કરવાનો આરોપ લગાવ્યો હતો.
હુમલા પહેલાં ટ્રમ્પે ઈરાનને કઈ ચેતવણી આપી હતી?
ગુરુવારે હોર્મુઝ સામુદ્રધુનીમાં એક જહાજ પર એક ડ્રૉનથી એક તરફી ઍટેક કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ. ત્યાં ફસાયેલા હજારો નાગરિકોને બહાર કાઢવાની યોજના બનાવવામાં આવી.
ત્યાર પછી વ્હાઇટ હાઉસમાં શુક્રવારે બપોરે ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે તેઓ નહીં જણાવે કે અમેરિકા ડ્રૉન હુમલાનો જવાબ કેવી રીતે આપશે કે યુદ્ધવિરામ સમજૂતીને તેઓ માને છે કે નહીં?
તેમણે કહ્યું, "તમને ખબર પડી જશે, મને એ યોગ્ય નહોતું લાગ્યું કે કાલે તેમણે હુમલો કર્યો. તેમણે આમ નહોતું કરવું જોઈતું હતું."
જ્યારે તેમને એમ પૂછવામાં આવ્યું કે ઈરાન આવું શા માટે કરે?
ટ્રમ્પે તેનો જવાબ આપ્યો, "તેઓ થોડા અલગ છે."
શુક્રવારે જ અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ જણાવ્યું કે તેણે ઈરાનના મિસાઇલ-ડ્રૉનનાં ઠેકાણાં પર તથા કોસ્ટલ રડાર પોઝિશન પર હુમલો કરી દીધો છે.
ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી)એ આ હુમલા માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યાં.
અમેરિકાની સેનાના સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ ઈરાન પર કરવામાં આવેલા હુમલા મામલે વધારે જાણકારી આપી છે.
સેન્ટકૉમે કહ્યું કે અમેરિકાનાં વિમાનોએ ઈરાનનાં મિસાઇલ અને ડ્રૉન ભંડારોની સાથે તટીય રડાર ઠેકાણાંને પણ નિશાન બનાવ્યાં.
નિવેદન પ્રમાણે, સિંગાપુરના ઝંડાવાળા જહાજ 'ઑર લવલી' 25 જૂને હોર્મુઝ સ્ટ્રેટથી નીકળતી વખતે ઓમાનના તટની પાસે એક આત્મઘાતી ડ્રૉન હુમલાનો શિકાર બન્યું.
સેન્ટકૉમે આ હુમલાને ઈરાનની કાર્યવાહી અને યુદ્ધવિરામનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું. તેણે કહ્યું કે આ પ્રકારની કાર્યવાહી દુનિયાના સૌથી મહત્ત્વના વ્યાપારિક માર્ગની સ્વતંત્રતાને જોખમમાં મૂકે છે.
અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે એ પણ ઘોષણા કરી, તેમની સેના વ્યાપારિક જહાજોની સુરક્ષિત અવરજવર માટે સહયોગ અને સમર્થન યથાવત્ રાખશે. સાથે જ, ઈરાન સાથે થયેલી સમજૂતીને પૂર્ણ પ્રકારે લાગુ કરવા આ ક્ષેત્રમાં ઉપસ્થિત અને તૈયાર રહેશે.
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે સેન્ટકૉમનું નિવેદન શૅર કરતા કહ્યું કે હિંસાનો જવાબ હિંસાથી આપવામાં આવશે.
વેન્સે ઍક્સ પર લખ્યું, "ઈરાને યુદ્ધવિરામ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. અમે તેનું પાલન કર્યું છે. જો તેમને આ એમઓયુને લાગુ કરવામાં વાંધો હોય, તો ફોન કરીને કહી શકે છે. પરંતુ હિંસાનો જવાબ હિંસાથી અપાશે."
ઈરાને અમેરિકાને કઈ ચેતવણી આપી?
ઈરાનની આઈઆરજીસીએ શુક્રવારે થયેલા હુમલા બાદ અમેરિકા અને ઇઝરાયલ પર 'યુદ્ધવિરામના ઉલ્લંઘન'નો આરોપ લગાવ્યો.
આઈઆરજીસીએ કહ્યું, "સમજૂતી તોડનારું અમેરિકાનું શાસન હંમેશાંની માફક પોતાના વાયદા તોડે છે. અલગ-અલગ બહાનાં હેઠળ ઈરાનના તટ પર હવાઈ હુમલાઓની કાર્યવાહી કરે છે."
આઈઆરજીસીએ ચેતવણી આપતા આગળ કહ્યું, "જો બીજી વખત હુમલો થશે તો અમારો જવાબ મજબૂત હશે."
આઈઆરજીસીએ ઇઝરાયલ પર પણ લેબનોનમાં 'યુદ્ધવિરામના ઉલ્લંઘન'નો આરોપ લગાવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન