ઑએસએમ સિસ્ટમ : વિવાદોમાં ઘેરાયેલી સીબીએસઇની નવી સિસ્ટમ વિદ્યાર્થીઓ માટે કેમ માથાનો દુ:ખાવો બની છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સીબીએસઇ,

ઇમેજ સ્રોત, Santosh Verma/Bloomberg via Getty Images

ઇમેજ કૅપ્શન, વિદ્યાર્થીઓ માને છે કે, તેમનાં પરિણામો (જે આ વર્ષે પ્રભાવિત થયાં છે) અને સીબીએસઇની પુનઃ મૂલ્યાંકનની પ્રક્રિયા તેમના મેરિટ અને યુનિવર્સિટી ઍડમિશન પર અવળી અસર ઉપજાવી શકે છે (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, મૃદુલિકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની નવી ઑન સ્ક્રીન માર્કિંગ (ઑએસએમ) સિસ્ટમ સામે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ વિરોધ પક્ષો સવાલ ઊઠાવી રહ્યા છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સિસ્ટમ પરીક્ષાની પ્રક્રિયાને ચોકસાઈપૂર્ણ અને ઝડપી બનાવવા માટે રજૂ કરવામાં આવી છે, પણ હવે તેને સવાલો ઘેરી વળ્યા છે.

12મા ધોરણના ઘણા વિદ્યાર્થીઓ ઝાંખી આન્સર શીટ, પૉર્ટલ ક્રૅશ થવાની અને આન્સર શીટ બદલાઈ જવાની ફરિયાદો કરી રહ્યા છે.

આ મુદ્દો એટલો આગળ વધી ચૂક્યો છે કે, 12મા ધોરણની સીબીએસઇની બોર્ડની પરીક્ષા આપનારા લગભગ દર ચારમાંથી એક વિદ્યાર્થીએ તેમની તપાસવામાં આવેલી આન્સર શીટની સ્કૅન કરેલી કૉપી માગી છે.

26મી મે, 2026 સુધીના સીબીએસઇના ડેટા અનુસાર, પરીક્ષા આપનારા 17,68,968 વિદ્યાર્થીઓમાંથી 4,04,319 વિદ્યાર્થીઓએ સ્કૅન કરેલી કૉપી માગી છે, જે પ્રમાણ કુલ વિદ્યાર્થીઓના 23 ટકા જેટલું થાય છે.

બીબીસીએ વિદ્યાર્થીઓ કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો.

સીબીએસઇ સાથે સંકળાયેલા એક શિક્ષક, વિદ્યાર્થી અને વકીલ વાતચીતમાં એવા પાંચ પ્રશ્નો સામે આવ્યા હતા, જેનો જવાબ લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માગી રહ્યા છે.

શું છે આખો મામલો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સીબીએસઇ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિરોધ પક્ષે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની ઑએસએમ સિસ્ટમ પર સવાલ કર્યો છે

સીબીએસઇના 12મા ધોરણનાં પરિણામો 13મી મેએ જાહેર થયાં હતાં. ગયા વર્ષ કરતાં આ વર્ષે અંદાજે 3 ટકા ઓછાવિદ્યાર્થીઓ પાસ થયા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરિણામ જાહેર થતાંની સાથે જ મૂલ્યાંકનકારોએ જે ડિજિટલ પદ્ધતિથી આન્સર શીટ તપાસી હતી, તે ઑએસએમ (ઑન સ્ક્રીન માર્કિંગ)ની નવી મૂલ્યાંકન પદ્ધતિ સામે પ્રશ્નો થયા હતા.

જૂની પદ્ધતિ અનુસાર, પરીક્ષા પૂરી થયે વિદ્યાર્થીઓની આન્સર શીટ્સનાં બંડલ બનાવીને શિક્ષકો પાસે મોકલવામાં આવતાં હતાં. શિક્ષકો આન્સર શીટને એક પછી એક હાથમાં લઈને લાલ પેનથી ચકાસીને માર્ક મૂકતા હતા અને સહી કરતા હતા.

હવે, સીબીએસઇએ નવી પદ્ધતિ અપનાવી છે. પહેલાં, તમામ આન્સર શીટ્સને સ્કૅન કરવામાં આવે છે કે ડિજિટલ ફોટોગ્રાફ લેવામાં આવે છે. પછી તે ફોટા ઑનલાઇન સિસ્ટમમાં અપલોડ કરવામાં આવે છે.

અસલ કૉપીને બદલે, શિક્ષકો હવે કોમ્પ્યુટર કે લૅપટૉપ સ્ક્રીન પર કૉપી જોઈને માર્ક આપે છે, જે રીતે આપણે ફોન પર પીડીએફ કે ડૉક્યુમેન્ટ જોઈએ છીએ, એ રીતે.

સીબીએસઇએ એમ પણ કહ્યું કે, તેણે આ સિસ્ટમ માટે વ્યાપક સ્તરે તૈયારી કરી હતી અને જરૂર હોય, ત્યાં કૉપીનું સ્કૅનિંગ અને મૅન્યુઅલ ચેકિંગ પણ કરાવવામાં આવ્યું હતું.

સીબીએસઇએ કહ્યું હતું કે, તેણે 100 શિક્ષકો પાસે કૉપીઓ તપાસાવીને ડ્રાય રન (પ્રાયોગિક ચકાસણી) પણ કરાવ્યું હતું.

બોર્ડના જણાવ્યા અનુસાર, તેણે તમામ ક્ષતિઓ સુધારી લીધા પછી જ ઓએસએમ સિસ્ટમ થકી કૉપી તપાસાવી હતી.

પણ તે પછીના ઘટનાક્રમથી વિવાદને ઇજન મળવાનું ચાલુ રહ્યું. આ દરમિયાન, વેદાંત શ્રીવાસ્તવ નામના એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા ઉપર એવો દાવો કર્યો હતો કે, બોર્ડે તેમને એક વિષય માટેની ખોટી આન્સર શીટ મોકલી હતી.

વેદાંત બીજા દેશના હોવાનો દાવો કરીને તેમને ટ્રોલ કરવામાં આવતાં મામલો વધુ તંગ થયો. વેદાંતના કિસ્સામાં સીબીએસઇએ તકનીકી સમસ્યા ઉકેલી નાખી, પણ નવી ઑએસએમ સિસ્ટમને લઈને સવાલો ચાલુ રહ્યા.

આ અંગે, 24મી મેના રોજ સીબીએસઇએ તકનીકી ખામીઓ સ્વીકારી અને કહ્યું કે કોઈપણ સંભવિત સમસ્યાની નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવશે.

હવે અત્યારે સ્થિતિ એ છે કે, પરીક્ષા આપનારા અંદાજે 18 લાખ વિદ્યાર્થીઓમાંથી ચાર લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓએ આન્સર શીટ્સની સ્કૅન કરેલી કૉપી માગી છે. ઉલ્લેખનીય છે કે, જૂની સિસ્ટમ હેઠળ આન્સર શીટ મૅન્યુઅલી તપાસવામાં આવતી હતી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સીબીએસઇ,

શું નવી સિસ્ટમમાં કૉપી તપાસવા માટે પૂરતી તાલીમ અપાઈ હતી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સીબીએસઇ,

ઇમેજ સ્રોત, Mayank Makhija/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, વેદાંતના મામલામાં રાહુલ ગાંધીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે, મોદી-પ્રધાનની જોડીએ વધુ એક સંસ્થાને 'ભ્રષ્ટાચારનું પ્રતીક' બનાવી દીધી છે

સીબીએસઇએ દાવો કર્યો હતો કે, ઑએસએમ સિસ્ટમ આન્સર શીટ્સ તપાસવાની પ્રક્રિયાને ઝડપી અને વધુ ચોકસાઈપૂર્ણ બનાવશે અને સાથે જ તેના કારણે માનવીય ભૂલો થવાનું પ્રમાણ પણ ઘટશે, પણ હવે આ દાવો જ સવાલોથી ઘેરાઈ ગયો છે.

ઑએસએમ સિસ્ટમ વડે કૉપી તપાસનારા પરીક્ષકોની તાલીમને લઈને શંકા વ્યક્ત કરાઈ રહી છે.

સીબીએસઇ સાથે સંલગ્ન શાળાનાં એક શિક્ષિકાએ નામ ન જણાવવાની શરતે બીબીસી હિંદીને કહ્યું હતું, "અગાઉ, શિક્ષકો ઑફલાઇન પણ ભૂલો કરતા હતા. અમુક વખત ટોટલિંગમાં માર્ક્સ રહી જતા હતા અને અમુક વખત સાચા જવાબોને ખોટા માર્ક અપાતા હતા. આ બધું ન થાય, એટલા માટે ઑન-સ્ક્રીન કૉન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો હતો."

તેઓ કહે છે, "પરીક્ષાઓ ઑફલાઇન લેવાઈ રહી છે અને પેપર ચેકિંગ ઑનલાઇન થઈ રહ્યું છે. પરીક્ષકોને આ પ્રક્રિયા માટે સઘન તાલીમ મળવી જોઈએ, પણ બોર્ડે ધારી લીધું કે, શિક્ષકો પહેલેથી જ આ ટૅક્નૉલૉજીથી વાકેફ છે. ઉપરછલ્લી તાલીમ પછી સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો હતો."

એનડીટીવી સાથે વાત કરતાં શિક્ષણવિદ ડૉક્ટર એસકે દત્તાએ કહ્યું હતું કે, કેટલાક શિક્ષકો ઑનલાઇન ટૅક્નૉલૉજીથી સુપેરે અવગત છે, જ્યારે કેટલાકને હજુ વધુ તાલીમની જરૂર છે અને એ હકીકત છે.

સીબીએસઇને સૂચનો આપતી વખતે તેમણે કહ્યું કે, હવે ઑનલાઇન અને ઑફલાઇન, બંને વિકલ્પોને એકાદ વર્ષ સુધી સાથે ચલાવવા જોઈએ અને વિદ્યાર્થીઓને પસંદગી કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ.

તેમના મતાનુસાર, જ્યાં સુધી શિક્ષકો આ ટૅક્નૉલૉજી વિશે પૂર્ણતઃ પરિપક્વ નહીં થાય, ત્યાં સુધી સંપૂર્ણપણે ઑનલાઇન સિસ્ટમ તરફ ન જવું જોઈએ.

જે રીતે એક ટીમ મોટી મૅચ પહેલાં પ્રૅક્ટિસ મૅચ રમે છે, એવી જ રીતે મોક ઇવેલ્યુએશનમાં પરીક્ષકો મૂળ કૉપી તપાસે, તે પહેલાં તેમને નકલી કે જૂની આન્સર શીટ્સ આપવામાં આવે છે.

આ પાછળનો હેતુ પરીક્ષકોને નવી સિસ્ટમ સમજાવા માટે સક્ષમ બનાવવાનો અને વાસ્તવિક પરિણામોમાં ભૂલો થતી અટકાવવાનો હતો.

સીબીએસઇ કહે છે કે, ફેબ્રુઆરીમાં તેણે આવું કર્યું હતું, જેથી શિક્ષકો ઑન સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ (ઑએસએમ) પર તેમનો હાથ અજમાવી શકે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સીબીએસઇ,

શું ઑએસએમનો અમલ કરતાં પહેલાં તેની સ્વતંત્ર તકનીકી તપાસ થઈ હતી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સીબીએસઇ,

ઇમેજ સ્રોત, Dibyangshu SARKAR / AFP via Getty Images

12માની બોર્ડની કૉપી તપાસવા માટેની ઑએસએમ સિસ્ટમનો કૉન્ટ્રેક્ટ હૈદરાબાદની કંપની 'કૉએમ્પ્ટ એજ્યુટૅક'ને અપાયો હતો.

પણ તેના માટે થયેલા ઑડિટ અને ટેસ્ટિંગ જેવી બાબતો અંગે જાહેર ક્ષેત્રમાં ઘણી ઓછી માહિતી પ્રવર્તે છે.

આ મામલે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી એવો આક્ષેપ કરી રહ્યા છે કે, આ કંપની અગાઉ જુદાં નામ હેઠળ તેલંગાણામાં કામ કરતી હતી.

તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ નામ 2019 અને 2023માં લેવાયેલી બોર્ડની પરીક્ષાઓને લઈને થયેલા વિવાદોમાં આ કંપનીનું નામ સપાટી પર આવી ચૂક્યું છે.

એનડીટીવી સાથે વાત કરતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું હતું, "આવો આરોપ લગાવનારા રાહુલ ગાંધીની કર્ણાટક અને તેલંગાણાની સરકારોએ આ જ કંપનીને કામ સોંપ્યું હતું. તો શું રાહુલ ગાંધી દિલ્હી માટે અને કર્ણાટક-તેલંગાણા માટે જુદા-જુદા માપદંડો ધરાવે છે?"

"વધુમાં, તેની પસંદગી પ્રક્રિયાને લઈને પણ કેટલાક સવાલો ઊઠાવાયા છે. ભારત સરકારની નીતિઓ અને નિયમો હેઠળ સેન્ટ્રલાઇઝ્ડ પ્રોક્યોરમેન્ટ પૉર્ટલ થકી તેને રાખવામાં આવી હતી. કંપનીની ક્ષમતા સામે પણ સવાલો થઈ રહ્યા છે, તેથી અમે તેની ટૅક્નૉલૉજી અને પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવા માટે એક સમિતિ બનાવી છે."

તેમણે આગળ કહ્યું હતું, "પ્રક્રિયાનો ભંગ કરવાનો કોઈને અધિકાર નથી અને જે કોઈપણ દોષિત હશે, તેણે ઉત્તરદાયિત્વ સ્વીકારવું પડશે."

મામલાએ વેગ પકડતાં સીબીએસઇએ સત્તાવાર નિવેદન જારી કર્યું હતું કે, એજન્સીને કૉન્ટ્રેક્ટ ફાળવતી વખતે તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. નિવેદનની સાથે બોર્ડે ટૅન્ડર પ્રક્રિયાનો ડેટા પણ જાહેર કર્યો હતો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સીબીએસઇ,

શું વિદ્યાર્થીઓ હવે પરિણામને સ્થાને વેરિફિકેશન પર વિશ્વાસ કરે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સીબીએસઇ,

ઇમેજ સ્રોત, Biplov Bhuyan/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, બોર્ડ પાસેથી ચાર લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ પોતાની સ્કૅન આન્સર કૉપી માગી છે, જેને નવી સિસ્ટમ સાથે જોડવામાં આવી રહી છે (પ્રતીકાત્મક તસવીર)

શું નીટ સહિતની જુદી-જુદી પરીક્ષાઓમાં પેપર લીક થવાના અને અન્ય અનિયમિતતાઓના આરોપો વિદ્યાર્થીઓ અને વાલીઓના વિશ્વાસને નબળો પાડી રહ્યા છે?

બીબીસી ન્યૂઝ હિંદીએ આન્સર શીટની ગરબડનો મુદ્દો ઊઠાવ્યા પછી વાઇરલ થયેલા વેદાંત શ્રીવાસ્તવના મોટાભાઈ સિદ્ધાંત શ્રીવાસ્તવનો સંપર્ક સાધ્યો હતો.

સિદ્ધાંતે કહે છે, "જ્યારે માર્ક્સ ઓછા હતા, ત્યારે અમે મારા ભાઈની કૉપીની સ્કૅન કરેલી કોપી માગી હતી, જે ઝાંખી દેખાતી હતી. નજીકથી ધ્યાનપૂર્વક જોયા પછી અમને ખબર પડી કે, એ અક્ષર વેદાંતના નહોતા."

"ત્યાર પછી અમે સોશ્યલ મીડિયાની મદદ લીધી. ત્યાં સુધીમાં અમને એવા ઘણા વિદ્યાર્થીઓના ઇ-મેઇલ મળવા માંડ્યા હતા, જેમને તેમના માર્ક્સ ઓછા આવ્યા હોવાની કે પેપર બદલાઈ ગયું હોવાની શંકા હતી."

સિદ્ધાંત કહે છે, "આ અગત્યનો સમય છે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ કૉલેજનાં એડમિશન કે બીજી પરીક્ષાઓ માટે તૈયારીઓ કરી રહ્યા છે. તેમને ચિંતા સતાવી રહી છે કે, તેમના માર્ક્સ સાચા છે કે કેમ. તેઓ સતત સ્કૅન કરેલી કૉપી અને રિ-ઇવેલ્યુએશનની માગણી કરી રહ્યાં છે."

ચાર લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓએ બોર્ડ પાસેથી સ્કૅન કરેલી આન્સર કૉપીની માગણી કરી છે.

દિલ્હીમાં રહેતાં 12મા ધોરણનાં વિદ્યાર્થિની ધૃતિ અગરવાલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "11મા ધોરણમાં હું અર્થશાસ્ત્રમાં આખી સ્કૂલમાં પ્રથમ આવી હતી. બોર્ડ પૂર્વેની પરીક્ષાઓમાં પણ મારો સ્કોર ઘણો ઊંચો હતો, પણ બોર્ડની પરીક્ષામાં મને ઓછા માર્ક મળ્યા હતા."

તેમણે આગળ કહ્યું, "જ્યારે મેં મારી સ્કૅન કરેલી કૉપી આપવા વિનંતી કરી, ત્યારે મને માલૂમ પડ્યું કે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન સિવાય દરેક સાચા જવાબનો અડધો-અડધો માર્ક કાપવામાં આવ્યો છે. તેના કારણે ઘણો ફર્ક પડ્યો છે. કટ-ઓફમાં તે ઘણું મહત્ત્વ ધરાવે છે."

તેઓ જણાવે છે કે, જો મારે તે નંબર જોઈતો હોય, તો મારે દરેક પ્રશ્ન માટે 25 રૂપિયા સુપરત કરવા પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીએસસીએ દરેક સવાલના જવાબના પુનઃ મૂલ્યાંકન માટે વસૂલાતી ફી 100 રૂપિયાથી ઘટાડીને 25 રૂપિયા કરી નાખી છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સીબીએસઇ,

શું હજુ વધુ પેપર મૅન્યુઅલ ચેક કરાવવી જોઈતી હતી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સીબીએસઇ,

ઇમેજ સ્રોત, @VEDANTSHRIV17

ઇમેજ કૅપ્શન, વેદાંતે આરોપ કર્યો હતો કે રિઇવૅલ્યૂએશન પ્રોસેસ અંતર્ગત જે સ્કૅન કૉપી ડાઉનલોડ કરી એ તેમની નહોતી, પરંતુ અન્ય વ્યક્તિની હતી

સીબીએસસીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પરિણામ જાહેર કરતાં પહેલાં તેણે 13 હજાર જેટલી કૉપીનું મૅન્યુઅલ ચેકિંગ કરાવ્યું હતું, કારણ કે, સ્કૅનિંગ અને રિ-સ્કૅનિંગ દરમિયાન કૉપી ઝાંખી જણાઈ હતી અને તેમને માત્ર ડિજીટલ રીતે ચેક કરવી એ પૂરતું નહોતું.

સીબીએસસી પાસેથી સ્કૅન કરેલી આન્સર કૉપી મેળવી રહેલા અરજકર્તા વિદ્યાર્થીઓ પણ સ્કૅનિંગ કે ઝાંખી કોપીની સમસ્યા મોટાપાયે જોવા મળી રહી છે.

આવી સ્થિતિમાં શું વધુ કૉપીઓનું મૅન્યુઅલ ચેકિંગ નહોતું કરવું જોઈતું?

બીબીસી સાથે વાત કરનારા વિદ્યાર્થીઓએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે, તેમની સ્કૅન કરેલી આન્સર શીટનાં ઘણાં પાનાં ઝાંખાં દેખાતાં હતાં. આથી, તેઓ તેમના જવાબોની પુનઃ તપાસ માટે કેવી રીતે અરજી કરી શકે?

વળી, ઘણા વિદ્યાર્થીઓએ એ બાબતને લઈને પણ ચિંતિત છે કે, તેમની કૉપીનું રિ-ચેકિંગ પણ ઓએસએમ મારફત જ થશે, આથી ક્યાંક ફરી પાછી એ જ સમસ્યાનો સામનો ન કરવો પડે.

આ વિદ્યાર્થીઓ કહે છે કે, નવી સિસ્ટમને લીધે 12મા પછી સારી યુનિવર્સિટીમાં ઍડમિશન મેળવવા માગતા વિદ્યાર્થીઓ એક કે બે માર્ક માટે કટ-ઑફ ચૂકી શકે છે.

તેનો અર્થ એ કે, મામૂલી ફર્ક પણ તેમના ભવિષ્યને પ્રભાવિત કરી શકે છે. જો હજુયે મૅન્યુઅલ ટેસ્ટિંગ પર જ વિશ્વાસ હોય, તો પછી નવું એસેસમેન્ટ શા માટે લાગુ કરવામાં આવ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સીબીએસઇ,

વિવાદ અંગે બોલવામાં શું શિક્ષણ મંત્રાલય મોડું પડ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સીબીએસઇ,

ઇમેજ સ્રોત, Photo by Sneha Srivastava/Mint via Getty Images

ઇમેજ કૅપ્શન, શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 28 મેના રોજ ઑએસએમ સાથે સંકળાયેલી ગરબડોની જવાબદારી લીધી છે (ફાઇલ તસવીર)

સીબીએસઇ પર દેખરેખ રાખતા શિક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રીએ 13મી મેના રોજ પરિણામો જાહેર થઈ ગયાં, એ પછી ઑએસએમ અંગે થયેલા વિવાદ પર લાંબા સમય સુધી ચૂપકિદી સેવી હતી.

આ વિવાદ શરૂ થયો, એ પહેલાં જ મંત્રાલય નીટની પરીક્ષા લીક થવાના દાવાથી ઘેરાયેલું હતું. જોકે, 28મી મેના રોજ સીબીએસઇ સાથેની મહત્ત્વની બેઠક પછી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તે અંગે નિવેદન આપીને ઓએસએમમાં થયેલી ગરબડની જવાબદારી પોતાના શિરે લીધી હતી.

તેમણે કહ્યું હતું, "સીબીએસઇએ પ્રથમ વખત ઑએસએમનો ઉપયોગ કર્યો હતો. તે વિદ્યાર્થી-કેન્દ્રિત અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત વ્યવસ્થા છે."

સાથે જ તેમણે કહ્યું હતું, "પરિણામોમાં કેટલીક ભૂલો જોવા મળી છે, હું તે માટેની જવાબદારી લઉં છું અને તમને ખાતરી આપું છું કે, તેનો ઉકેલ આવી જશે. અમે તેના પર કામ કરી રહ્યાં છીએ. અમે એક પણ વિદ્યાર્થીના પ્રશ્નની અવગણના નહીં કરીએ."

અગાઉ, વિદ્યાર્થીઓએ રિ-ઇવેલ્યુએશન માટે સીબીએસઇ રિક્વેસ્ટ પૉર્ટલ પર લૉગિન ફેઇલ્યોર તથા પેમેન્ટ ગેટવેમાં ગરબડની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

તે પછી શિક્ષણ મંત્રાલયે એ મુજબનું નિવેદન જારી કર્યું હતું કે, ખામીઓ સુધારવા માટે આઇઆઇટી કાનપુર અને મદ્રાસની નિષ્ણાત ટીમને સીબીએસઇની મદદ માટે મોકલવામાં આવી છે.

જોકે, તે પછી પણ શિક્ષણ મંત્રાલયે વાલીઓ તથા વિદ્યાર્થીઓને સંબોધતું કોઈ નિવેદન જારી કર્યું ન હતું.

આખરે, 27મી મેના રોજ રાહુલ ગાંધીએ ઑએસએમને લગતી અનિયમિતતાઓનો મુદ્દો ઊઠાવ્યો, તે પછી 28મી મેના રોજ શિક્ષણ મંત્રીએ તેમના દાવા પર પ્રતિક્રિયા આપી હતી.

સાથે જ તેમણે કહ્યું હતું કે, સીબીએસઇએ ઑએસએમ અંગે પોતાનો પક્ષ રજૂ કરી દીધો છે.

આની અસર દૂરોગામી શા માટે હોઈ શકે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સીબીએસઇ,
ઇમેજ કૅપ્શન, દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદલ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને કાયદાકીય મદદ આપી રહ્યા છે

વાસ્તવમાં, તકનીકી ગરબડના છેડા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધા જોડાયેલા છે.

સ્કૅન કરેલી કૉપી મેળવ્યા પછી રિ-ઇવેલ્યુએશન કરવામાં આવશે અને તે પછી જ સાચી સ્થિતિનો તાગ મેળવી શકાશે. આ પાછળ સમય લાગી શકે છે, બીજી તરફ ઘણી કૉલેજોમાં કાઉન્સેલિંગ શરૂ થવામાં છે. માર્ક્સમાં રહેલા તફાવતની અસર કોલેજની પસંદગી પર પણ પડશે.

આ અંગે વાત કરતાં 12મા ધોરણનાં વિદ્યાર્થિની સ્તુતિ રાવ કહે છે, "મેં 22મી મેના રોજ એક વિષયની સ્કૅન કરેલી કૉપી મેળવવા અરજી કરી હતી. પરંતુ શરૂઆતમાં વેબસાઇટ ખૂલી જ નહોતી રહી."

"મોડી રાતે જ્યારે વેબસાઇટ ખૂલી, ત્યારે મેં કૉપી માટે અરજી કરી, પણ મને હજી સુધી કૉપી મળી નથી." તમને જણાવી દઈએ કે, સ્તુતિએ 27મી મેના રોજ બીબીસી સાથે આ વિશે વાત કરી હતી.

સ્તુતિ કહે છે, "રાહ જોવામાં સમય મર્યાદા વીતી રહી છે. કૉલેજ પસંદ કરવાથી માંડીને ઍડમિશન સુધીની તમામ ચીજો પર તેની અસર પડી શકે છે."

ઑએસએમ પ્રક્રિયા વિવાદોમાં છે. ઘણાં વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર અનિયમિતતાના આરોપો લગાવી રહ્યા છે અને કાનૂની મદદ પણ લઈ રહ્યા છે.

બીબીસીએ વિદ્યાર્થીઓને કાનૂની સહાય પૂરી પાડી રહેલા દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિન્દાલ સાથે વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, બાળકોની પાંચ ફરિયાદો છેઃ

  • કેટલાક વિદ્યાર્થીઓ કહે છે કે, સ્કૅન કૉપીમાં દેખાતી આન્સર શીટ તેમની નથી. વેદાંતના કિસ્સામાં આવું જ બન્યું હતું.
  • અમુક વિદ્યાર્થીઓ જણાવે છે કે, તેમની સપ્લિમેન્ટરી શીટ ગૂમ છે, માત્ર મેઇન શીટ જ દેખાય છે.
  • બાળકો એવો આક્ષેપ કરી રહ્યાં છે કે, તેમના જવાબો પર કોઈ માર્ક અપાયા નહોતા, ન તો સાચા જવાબ માટે કે ન તો ખોટા જવાબ માટે.
  • ચોથી સમસ્યા એ હતી કે, જવાબો લખ્યા હોય, તો પણ બ્લૅન્ક કહીને છોડી દેવાયા હતા.
  • સ્ટેપ માર્કિંગની સિસ્ટમની ઉપેક્ષા કરવામાં આવી હતી. અર્થાત્, કોઈ વિદ્યાર્થીએ સવાલનો સંપૂર્ણ જવાબ ન લખ્યો હોય, પણ અમુક સ્ટેપ્સ બરાબર પૂરાં કર્યાં હોય, તો પણ તેને માર્ક મળ્યા નહોતા.

વિનીત જિન્દાલના જણાવ્યા અનુસાર, તેમણે બાળકોની સાચી આન્સર શીટ્સ શોધી કાઢવા માટે અને તેને વહેલી તકે બાળકોને પૂરી પાડવા માટે સીબીએસઇને નોટિસ પાઠવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન