'કામ ન કરીએ તો પેટ કેમ ભરાય', આકરા ઉનાળામાં ભરબપોરે કામ કરવા મજબૂર મહિલા ખેતમજૂરોની કહાણી

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
"દસેક દિવસ પહેલાં નીંદામણનું કામ ચાલું હતું ત્યારે ભારે તાપને કારણે ચક્કર આવી ગયા હતા અને પડી ગઈ હતી. તાવ પણ ચઢી ગયો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે ગરમીનો તાવ આવી ગયો છે," આ શબ્દો બનાસકાંઠાના રસાણા ગામમાં રહેતાં જશીબહેન માળીના છે.
જશીબહેન માળી ખેતરે કામ કરવા જાય છે ત્યારે ગરમીને લીધે ખૂબ હાંફી જાય છે. સરેરાશ 42-43 ડીગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે તેઓ ખેતીકામ કરે છે. કામની વચ્ચે પોરો ખાવા વારંવાર રોકાય છે અને સતત પાણી પીવે છે.
ગ્લોબલ વૉર્મિંગ એટલે કે આબોહવા પરિવર્તનને પગલે ઉનાળો ઉત્તરોત્તર આકરો થઈ રહ્યો છે. જેની સીધી અસર ખેતરોમાં કામ કરતી મહિલાઓને પડી રહી છે. ભારે ગરમીને લીધે તેમના ખેતીકામના કલાકો ઘટી રહ્યા છે.
ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગનાઇઝેશન ઑફ ધ યુનાઇટેડ નૅશન્સ તેમજ વર્લ્ડ મિટિયૉરૉલૉજીકલ ઑર્ગનાઇઝેશનનો 2026નો રીપોર્ટ જણાવે છે કે અતિશય ગરમી ખેતીની પેદાશો તેમજ ખેતીકામ કરતા લોકોના આરોગ્યને પણ જોખમમાં મૂકી રહી છે.
ગરમી વધી રહી છે, ખેતીના કામના કલાકો પણ ઘટી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
જશીબહેન કહે છે કે, "એટલો આકરો તાપ પડે છે કે સવારે સાડા અગિયાર કે બાર પછી કામ થઈ જ શકતું નથી. સાંજે પણ પાંચ વાગ્યા પછી જ ખેતરે પગ મૂકી શકાય છે. ભારે ગરમીને કારણે ખેતીનાં કામોમાં રોજના ચારેક કલાકનો કાપ મૂકાય છે. અત્યારે બાજરીની સિઝન ચાલે છે તેથી અઠવાડિયામાં બે ત્રણ દિવસ તો બપોરે દોઢ -બે વાગ્યા સુધી કામ તો કરવું જ પડે છે."
મહિલાઓ ખેતરનું કામ કરે છે એ ઉપરાંત ઘરનું કામ પણ કરે છે. ઉનાળામાં તેમના શરીરનો સોથ વળી જાય છે.
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑગ્રનાઇઝેશનના રીપોર્ટ ધ અનજસ્ટ ક્લાયમેટમાં જણાવાયું છે કે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ગરમીને કારણે મહિલા સંચાલિત પરિવારોને વાર્ષિક 8 ટકાથી વધુ નુકસાન વેઠવું પડે છે.
વિટંબણા એ છે કે આપણો સમાજ પુરુષપ્રધાન હોવાથી મોટાં ભાગનાં ક્ષેત્રોમાં મહિલાઓ કેવો સંઘર્ષ કરી રહી છે તેની નોંધ નથી લેવાતી. ખેતી પણ એવું જ ક્ષેત્ર છે કે જ્યાં ખેડૂત તરીકે મહિલાની પૂરતી નોંધ લેવાઈ નથી અને પરિણામે તેમની જે સમસ્યા છે તેની પણ ચર્ચા થતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કામ ન ચાલુ રાખીએ તો પેટ કેમ ભરાય?"

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જશીબહેન માળીને તો પોતાનું ખેતર છે તેથી તેઓ એવી છૂટછાટ લઇ શકે છે કે બપોરે સૂરજ માથે ચઢે એટલે ઘેર આવી જાય, પણ જે મહિલાઓ ભૂમિહીન ખેતમજૂર છે તેમને તો કાળે તડકેય કામ કરવું પડે છે.
બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો છે. કેટલીય રાજસ્થાની મહિલાઓ ખેતમજૂર તરીકે બનાસકાંઠા – પલનપુરમાં ખેતમજૂર તરીકે કામ કરવા આવે છે.
બપોરે દોઢ વાગ્યો છે. ડીસાના જ એક ગામડામાં રાજસ્થાનથી આવેલાં પાલીબહેન ડાંગરના પાકની કાપણી કરી રહ્યાં છે. તેમની સાથે કેટલીક અન્ય મહિલાઓ અને પુરુષો પણ છે, જેઓ ખેતમજૂર તરીકે રાજસ્થાનથી આવ્યાં છે.
ગરમી એટલી છે કે પાલીબહેનનાં કપડાંય પરસેવાથી પલળી ગયાં છે. પાલીબહેન ડાંગરનો પૂળો મૂકતાં મૂકતાં કહે છે કે, "ગરમીને લીધે શરીરમાં બળતરા થાય અને તાવ પણ આવી જાય, પરંતુ કામ તો ચાલું રાખવું પડે. કામ ન ચાલું રાખીએ તો પેટ કેમ ભરાય?"
'ધ અનજસ્ટ ક્લાયમેટ'માં જ જણાવાયું છે કે જો વૈશ્વિક સરેરાશ તાપમાનમાં સરેરાશ માત્ર 1 ડીગ્રી સેલ્સિયસનો પણ વધારો થાય તો પુરુષોની સરખામણીમાં મહિલાઓની આવકમાં 34 ટકા જેટલો મોટો ઘટાડો થઈ શકે છે.
પાલીબહેનના નાકમાં મોટી નથણી છે. બંન્ને હાથમાં કાંડાથી ખભા સુધી હાથીદાંતનાં ભારેખમ ઘરેણાં છે. પરંપરાના નામે પહેરાવાયેલાં ઘરેણાં શોભામાં અભિવૃદ્ધિ કરતા હશે કે કેમ? તે મોટો પ્રશ્ન છે પણ શરીરની ગરમીમાં તો અભિવૃદ્ધિ કરે જ છે.
ગરમીમાં કામ કરવાથી બહેનોને અનેક બીમારીનો ભોગ બનવું પડે છે

ઇમેજ સ્રોત, AFP
જાહેર સ્થળે કામ કરતી મહિલાઓ માટે મૂતરડીઓની વ્યવસ્થાનો અભાવ એ જાહેર જીવનની તેમજ સરકારની નિષ્ફળતા છે. જેને કારણે ખેતીથી લઇને કઈ પણ સ્થળે કામ મજૂરી કરતી મહિલાઓ પેશાબ જવાનું ટાળતી હોય છે. પેશાબ ટાળવા માટે ક્યારેક જાણી જોઈને પાણી ઓછું પીતી હોય છે.
ડીસામાં હૉસ્પિટલ ચલાવતા ડૉ. જિજ્ઞેશકુમાર હરિયાણી કહે છે કે, ખેતરમાં આકરા તાપમાં કામ કરતી મહિલાઓમાં પાણી ઓછું પીવાને પેશાબમાં બળતરાની સમસ્યા થતી હોય તેના દરદી મારી પાસે આવે છે. તે સમસ્યાને ગામડામાં લોકો 'ઉનવા' કહે છે
ઉનાળામાં પુષ્કળ પાણી પીવું જોઈએ એની સમજણનો ઘણા કિસ્સામાં અભાવ જોવા મળે છે.
ડૉ. હરીયાણી કહે છે કે, "હું જે વિસ્તારમાં છું તેમાં આસપાસનાં 40 જેટલાં ગામડાંના દરદી મારી પાસે આવતા હોય છે. તાપમાં બમણું કે ત્રણ ગણું પાણી પીવું જોઈએ પણ એ સમજણના અભાવે તેઓ રાબેતા મુજબ જ પાણી પીતા હોય છે. તેથી ડિહાઇડ્રેશનને લીધે ચક્કર આવી જવા કે અચાનક બેભાન થેઈ ગયા હોય તેવા દરદી મારી પાસે આવે છે. આને લીધે ક્યારેક બ્લડપ્રેશરની સમસ્યા ઊભી થઈ હોય તેવી મહિલા દરદી પણ આવે છે."
ગાંધીનગરમાં આવેલી ભારતીય જાહેર આરોગ્ય નિયામક સંસ્થાના પૂર્વ નિયામક ડૉ. દિલીપ માવળંકરે કહ્યું હતું કે, "ભારે ગરમી કે લૂને લીધે થાક લાગે છે અને તેની સીધી અસર કાર્યક્ષમતા પર પડે છે. એને લીધે ડાયાબિટીસ કે બ્લડપ્રેશરની સમસ્યા હોય તો એ વધે છે."
"જે લોકો ગરમીથી ટેવાયેલા હોય છે એ લોકો બહુ જ ગરમીમાં પણ કામ કરી શકે છે, પણ અમુક લિમિટ પછી શરીરની સહનક્ષમતા કે પ્રતિકારકક્ષમતા ખલાસ થઈ જાય છે. પરસેવો થવાનું બંધ થઈ જાય છે અને પછી લૂ લાગવાથી મૃત્યુ પણ થઈ શકે છે."
જશીબહેન અને પાલીબહેન બંનેને અળાઇની સમસ્યા હતી. ખેતરમાં કામ કરતી મહિલાઓને ઉનાળામાં અળાઇ ઉપરાંત ધાધર અને સોરાયસિસ જેવી સમસ્યા પણ જોવા મળે છે એવું ડૉ. હરીયાણી જણાવે છે.
'શિયાળામાં દિવસભર કામ થઈ શકે છે, ઉનાળામાં નથી થતું'

ઇમેજ સ્રોત, Getty Images
બનાસકાંઠાના ભાખરમાં રહેતાં પારૂબહેન ટાંકની વાડી છે.
સાંજે પાંચ વાગ્યા પછી તેઓ વાડીએ જાય છે. વાડીમાં શાકભાજી અને ફળની ખેતી છે.
છોડ પરથી ગુવાર લેતાં લેતાં બીબીસી ગુજરાતીને તેઓ જણાવે છે કે, "હું તો સવારે વહેલી ઊઠીને કામે વળગું છું અને અગિયાર વાગ્યે ઘેર આવી જાઉં છું. એ પછી છેક સાંજે પાંચ વાગ્યે જઈને સાડા છ વાગ્યા સુધી વાડીએ કામ કરું છું. શિયાળાના દિવસોમાં અમે આખી બપોર વાડીએ કામ કરીએ છીએ તે ઉનાળામાં નથી થઈ શકતું."
એમએસ સ્વામીનાથન રસર્ચ ફાઉન્ડેશન દ્વારા તૈયાર થયેલા સર્વે રીપોર્ટ ધ ઇમ્પેક્ટ ઑફ હીટ ઑન ધ હેલ્થ ઑફ વિમૅન ઇન ઇન્ડિયા – 2025માં જણાવાયું છે કે વધતી ગરમી મહિલાઓ માટે ગંભીર શારીરિક બીમારીઓનું કારણ બની રહી છે, જે ગ્રામીણ સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે મોટો પડકાર છે. 70 ટકા મહિલાઓ થાક, ચક્કર આવવા, ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરે છે.
વૈશ્વિક સંશોધનો અને ગ્રાઉન્ડ રિયાલિટી બંને એક જ તરફ ઇશારો કરે છે કે આબોહવા પરિવર્તનના આ સંકટમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ ભોગ બની રહી છે.
પ્રકૃતિનો આ બદલાતો મિજાજ ગ્રામીણ અર્થતંત્રના પાયાસમાન આ મહિલાઓ માટે અસ્તિત્વની લડાઈ બની ગયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















