નીટ પરીક્ષા : નાગપુરના વિદ્યાર્થીને અબુ ધાબીમાં પરીક્ષા કેન્દ્ર, રાહુલ ગાંધીએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
નીટની પરીક્ષા આપી રહેલા એક વિદ્યાર્થીએ જ્યારે પરીક્ષા માટે પ્રવેશપત્ર ડાઉનલોડ કર્યું તો તેને સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં કેન્દ્ર મળ્યું.
આ મામલે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પર એનટીએ (નૅશનલ ટેસ્ટિંગ એજન્સી)ની કાર્યશૈલી પર ટિપ્પણી કરી છે.
રાહુલ ગાંધીએ લખ્યું, "ન પાસપૉર્ટ, ન પરિવાર પાસે વિદેશ મોકલવાના પૈસા, હવે સમય પણ બચ્યો નથી. એ (વિદ્યાર્થી) આખી રાત રોતો રહ્યો, અને હવે પરીક્ષા આપવાની ના પાડે છે. શું આ તણાવની કલ્પના પણ કરી શકાય છે?"
"આખરે આવું કેવી રીતે થયું? કાલથી કોઈ પણ વિદ્યાર્થીની કેન્દ્ર પર ન પહોંચવાની ફરિયાદ ન આવવી જોઈએ. એનટીએ ખરેખર તો દેશનાં બાળકો અને તેમનાં માતાપિતાની માત્ર ધીરજની તપાસ કરી રહી છે."
રાહુલ ગાંધીએ લખ્યું, "જે સિસ્ટમ એક બાળકને પોતાના જ શહેરમાં એક કેન્દ્ર ન આપી શકે, ઊલટું તેને વિદેશ મોકલી શકે છે, તેને પરીક્ષા લેવાનો કોઈ હક નથી."
"આપણાં બાળકોના ભવિષ્ય સાથે જુગાર રમવાનું બંધ કરો. તેઓ એક સંવેદનશીલ, ઉત્તરદાયી શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાના અધિકારી છે- અને અમને તેમને એ અપાવીશું."
આ મામલે એનટીએએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ફરિયાદ પર કાર્યવાહી કરાઈ છે અને જરૂર તપાસ બાદ આગામી કેટલાક કલાકોમાં ઉમેદવારને નાગપુરમાં એક સેન્ટર ફાળવી દેવાશે."
નીટની પરીક્ષા 3 મે, 2026માં લેવાઈ હતી, પરંતુ પેપરલીકના આરોપ બાદ આ પરીક્ષા રદ કરાઈ હતી અને હવે ફરી આ પરીક્ષા રવિવારે, 21 જૂને લેવાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી એનટીએ પર સતત સવાલો થઈ રહ્યા છે.
ઈરાને કહ્યું, 'અમેરિકાએ તેની ભારે કિંમત ચૂકવવી પડશે'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈરાની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા આયોગના પ્રમુખ ઇબ્રાહિમ અઝીઝીએ કહ્યું છે કે એમઓયુની પ્રથમ શરતનું પાલન ન કરી શકવું એ દર્શાવે છે કે અમેરિકા પાસે ઈરાની લોકોનો વિશ્વાસ જીતવાની ઇચ્છાશક્તિનો અભાવ છે.
તેમણે સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું, "જો પરિસ્થિતિ આવી જ રીતે ચાલુ રહેશે તો તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે, જેની શરૂઆત એમઓયુનાં વચનોના ઉલ્લંઘનનો સ્માર્ટ અને યોગ્ય જવાબ આપવા સાથે થશે."
ઇબ્રાહિમ અઝીઝીએ ચેતવણી આપી, "અમે મક્કમ ઇરાદા ધરાવીએ છીએ."
આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "અમે કોઈ મજબૂરીમાં મળ્યા નહોતા, ઈરાન મળ્યું હતું. તેમની રમત પૂરી થઈ ચૂકી છે. અમે 60 દિવસનો સમય પૂર્ણ થવા દઈશું. તેમને કોઈ પૈસા મળશે નહીં, દસ સૅન્ટ પણ નહીં."
તે જ સમયે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની સ્વિટ્ઝર્લૅન્ડની પૂર્વનિર્ધારિત મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીતના નવા રાઉન્ડને મુલતવી રાખવામાં આવ્યો છે.
વ્હાઇટ હાઉસે ગુરુવારે (સ્થાનિક સમય અનુસાર) મોડી રાત્રે જાહેરાત કરી કે વેન્સ વાતચીત માટે જઈ રહ્યા નથી.
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને આગળ વધારવા માટેના 14 મુદ્દાવાળા મૅમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે.
તે હેઠળ અન્ય બાબતો સાથે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર બનાવશે નહીં, જ્યારે ઈરાનના "પુનર્નિર્માણ અને આર્થિક વિકાસ" માટે 300 અબજ ડૉલરનું ફંડ બનાવવામાં આવશે. જોકે, અમેરિકા માટે તેમાં યોગદાન આપવું ફરજિયાત નહીં હોય.
અમેરિકાની તરફથી ઈરાની બંદરો પર લગાવવામાં આવેલી નૌસેનાની નાકાબંધી હટાવી લેવામાં આવી છે, જેનો ઉલ્લેખ બંને દેશો વચ્ચે થયેલા કરારમાં છે
નીરજ ચોપડા દોહા ડાયમંડ લીગમાં ચોથા નંબરે રહ્યા, કૉમનવેલ્થ ગેમ્સમાં રમશે કે નહીં?

ઇમેજ સ્રોત, Mohammed Dabbous/Anadolu via Getty Images
ભારતના ભાલાફેંકના ખેલાડી નીરજ ચોપડા કતારમાં થયેલી દોહા ડાયમંડ લીગ 2026માં ચોથા નંબરે રહ્યા હતા. આ સિઝનમાં તેમની આ પહેલી પ્રતિયોગિતા છે.
જોકે, નીરજ ચોપડાએ આ વર્ષે થનારી કૉમનવેલ્થ ગેમ્સ માટે ક્વૉલિફાઈ કરી લીધું છે.
નીરજની શરૂઆત બહુ સારી નહોતી રહી. તેનો પહેલો થ્રો ફાઉલ થઈ ગયો હતો. પરંતુ તેઓ તેમના બીજા પ્રયાસમાં 82.77 મીટર થ્રો કરવામાં સફળ રહ્યા અને કૉમનવેલ્થ ગેમ્સ માટે ક્વૉલિફાઈ થઈ ગયા.
આ સ્પર્ધામાં તમામ છ રાઉન્ડ પૂર્ણ થયા બાદ શ્રીલંકાના રુમેશ પથિરાગે સૌથી ઉપરના ક્રમે રહ્યા. નીરજ ચોપડાએ પીઠની ઈજામાંથી વાપસી કરી છે. તે પહેલાં તેઓ સપ્ટેમ્બર 2025માં વર્લ્ડ ચૅમ્પિયનશીપમાં સામેલ થયા હતા.
ભારતનું વિદેશ મંત્રાલય આ બાબતને તેની મોટી જીત કેમ ગણાવે છે?

ઇમેજ સ્રોત, PIB
ભારતને પહેલી વખત મની લૉન્ડ્રિંગ અને આતંકવાદને મળનારી આર્થિક સહાયતા પર નજર રાખનારી વૈશ્વિક સંસ્થા ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના ઉપાધ્યક્ષનું પદ મળ્યું છે.
ભારત સરકારના વરિષ્ઠ અધિકારી વિવેક અગ્રવાલને આ પદ માટે પસંદ કર્યા છે. વિદેશ મંત્રાલય આ નિયુક્તિને ભારત માટે મોટી જીત ગણાવે છે.
વિવેક અગ્રવાલ હાલ સંસ્કૃતિ મંત્રાલયના સચિવ છે. તેઓ જુલાઈ 2026થી જૂન 2027 સુધી એફએટીએફના ઉપાધ્યક્ષનું પદ સંભાળશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું છે કે, "એફએટેફમાં ભારતની મોટી જીત. ભારત સરકારના સચિવ વિવેક અગ્રવાલને ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના ઉપાધ્યક્ષ પસંદ કરાયા છે."
"આતંકવાદની સામે ઝીરો-ટૉલરન્સ નીતિ પર આગળ વધતા ભારતનું આ નવા નેતૃત્વની ભૂમિકા વૈશ્વિક આતંકવાદી ફંડિંગ નેટવર્કથી લડવા અને અવૈધ નાણાકીય તંત્રને સમાપ્ત કરવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે."
"ભારતના એફએટીએફ પ્રતિનિધિમંડળના પૂર્વ પ્રમુખ અને એફઆઈયુ-આઈએનડીના પૂર્વ નિદેશક તરીકે તેમનો અનુભવ એફએટીએફના નાણાકીય તંત્રની વૈશ્વક અખંડતાને સુનિશ્ચિત કરવા માટેના મિશનમાં મદદ કરશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























