નાસિક ટીસીએસ : ધર્મ પરિવર્તન અને જાતીય સતામણીના આરોપો તથા તેની તપાસ પર કેમ સવાલો ઉઠી રહ્યા છે

નાસિક ટીસીએસ કેસ, ધર્મ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય રેકેટ, નાસિક નાસિક ટીસીએસ : ધર્મ પરિવર્તન અને જાતીય સતામણીના આરોપો તથા તેની તપાસ પર કેમ સવાલો ઉઠી રહ્યા છે
ઇમેજ કૅપ્શન, 24મી એપ્રિલના રોજ જ્યારે અભિયુક્તોને કોર્ટમાં પેશ કરવામાં આવ્યા ત્યારની તસવીર
    • લેેખક, આશય યેડગે
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 8 મિનિટ

"શું મારા પતિએ બૉમ્બ વિસ્ફોટ કર્યો છે? એક જ રાતમાં આઠ ફરિયાદો નોંધીને તરત જ તેમની ધરપકડ શા માટે કરવામાં આવી?"

નાસિકના ટીસીએસ કેસના આરોપીઓ પૈકીના એકનાં પત્નીએ આ સવાલો કર્યા છે.

આ કેસની સુનાવણી નાસિક જિલ્લા કોર્ટમાં ચાલી રહી હતી ત્યારે અટકાયત હેઠળના પોતાના પતિને મળવા આવેલાં એ મહિલા ત્યાંની પરિસ્થિતિ જોઈને મૂંઝાઈ ગયાં હતાં.

સુનાવણી ચાલુ હતી ત્યારે આરોપીઓ પૈકીના એકના પિતા સંબંધીઓ સાથે ભીડમાં ઊભા હતા. અમે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

સંબંધિત આરોપીના પિતા સરકારી સેવામાંથી નિવૃત્ત થયા છે. તેમણે કહ્યું હતું કે "મારા દીકરાએ આવું કંઈ કર્યું હોય એવું મને લાગતું નથી, પરંતુ તે નિર્દોષ નહીં છૂટે ત્યાં સુધી મારા દીકરા માટે મારું અહીં આવવું યોગ્ય છે. એ દોષી હશે તો કોર્ટ કાર્યવાહી કરશે, પરંતુ મીડિયામાં જે કંઈ ચાલી રહ્યું છે તેના પર હું ધ્યાન આપતો નથી."

એ દિવસે સુનાવણી લગભગ ત્રણ કલાક ચાલી હતી. આરોપીઓના સંબંધીઓ અને સુરક્ષા માટે ત્યાં તૈનાત પોલીસ કર્મચારીઓ લગભગ ત્રણ કલાક સુધી એક જ સ્થળે ઊભા રહ્યા હતા.

નાસિક કેસમાં અત્યાર સુધીમાં જે માહિતી બહાર આવી છે તેના કારણે નાસિકની આ કંપની વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.

પહેલી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ઇન્ફોર્મેશન ટૅક્નૉલૉજી (આઈટી) કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)નું નામ તેમાં સંડોવાયું છે. તે આઈટી ક્ષેત્રની એક અગ્રણી કંપની છે. તેમાં દેશભરમાં હજારો કર્મચારીઓ કામ કરે છે.

બીજી બાબત એ છે કે આ કેસમાં ધર્મ પરિવર્તનના કથિત પ્રયાસોથી માંડીને 'આંતરરાષ્ટ્રીય રૅકેટ' સુધીના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ કેસના સમાચાર અને ચર્ચાઓમાં પણ 'આંતરરાષ્ટ્રીય રૅકેટ' જેવા શબ્દોનો વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે.

કેટલાક તેનો સંબંધ દેશની બહારના લોકો સાથે જોડી રહ્યા છે, જેના વિશે પોલીસ પણ કહે છે કે તેઓ અજાણ છે, પરંતુ આ બધી થિયરી અને આરોપો પાછળનું સત્ય શું છે? પોલીસ તપાસમાં અને કોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?

પહેલી એફઆઈઆર દાખલ થયાના એક મહિના પછી કેટલાંક સામાજિક સંગઠનો, આરોપીઓના સંબંધીઓ અને વકીલોએ કેટલાક સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે.

નાસિક ટીસીએસ કેસનો અત્યાર સુધીનો ઘટનાક્રમ

નાસિક ટીસીએસ કેસ, ધર્મ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય રેકેટ, નાસિક
ઇમેજ કૅપ્શન, 26 માર્ચે પહેલી એફઆઈઆર દાખલ થયા પછી, 2થી 3 એપ્રિલની વચ્ચે આઠ વધુ એફઆઈઆર નોંધાઈ.

આ કેસ 26 માર્ચે શરૂ થયો હતો. નાસિકના ઇન્દિરાનગર વિસ્તારમાં અશોકા બિઝનેસ ઍન્કલેવસ્થિત ટીસીએસની ઑફિસમાં કામ કરી રહેલાં 23 વર્ષીય મહિલાએ ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

એ ફરિયાદના આધારે લગ્નનું વચન આપીને છેતરપિંડી, છેડતી અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

નાસિકના પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે બીબીસી મરાઠીને કહ્યું હતું કે "આ કેસમાં પહેલી ફરિયાદ નોંધાવવા આવેલાં પીડિતા ખૂબ ડરેલાં હતાં અને ફરિયાદ નોંધાવવાના મૂડમાં ન હતાં. પોલીસે મહિલાને ખાતરી આપી હતી, હિંમત આપી હતી અને પછી તેણે ફરિયાદ નોંધાવી હતી."

26 માર્ચે પહેલી એફઆઈઆર દાખલ થયા પછી બીજી અને ત્રીજી એપ્રિલ દરમિયાન વધુ આઠ એફઆઈઆર નોંધવામાં આવી હતી. નાસિકના મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં આ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટનાઓ 2022થી 2026 દરમિયાન ટીસીએસ કંપનીની ઑફિસમાં બની હતી.

હાલમાં નાસિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આ નવ કેસની સુનાવણી અલગ અલગ દિવસે ચાલી રહી છે.

આ પ્રકરણમાં ધર્મ પરિવર્તન થયું હતું?

પ્રસ્તુત કેસમાં સૌથી વધારે સંવેદનશીલ અને ગંભીર મુદ્દો ધર્માંતરણનો છે.

પોલીસનું કહેવું છે કે આરોપીનો ઇરાદો સામૂહિક પ્રયાસ દ્વારા ધર્માંતરણ કરાવવાનો હતો. આ આરોપોના આધારે જ કેટલાંક મીડિયા આઉટલેટ્સે બાદમાં વિવિધ શબ્દોના ઉપયોગ દ્વારા ઘટનાનું રિપોર્ટિંગ કર્યું હતું.

કેટલાંક મીડિયા આઉટલેટ્સે આ કેસને 'સંગઠિત ધર્માંતરણ' સાથે સાંકળ્યો હતો, જ્યારે કેટલાંકે એવું સૂચન કર્યું હતું કે તે 'આંતરરાષ્ટ્રીય રૅકેટ' હોઈ શકે છે.

પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે કહ્યું હતું કે "અમે જે નવ ગંભીર કેસ નોંધ્યા છે, તેમાં ધર્માંતરણના પ્રયાસ, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી અને કામના સ્થળે જાતીય સતામણીનો સમાવેશ થાય છે."

જોકે, હવે ખાસ કરીને આરોપીઓના વકીલો દ્વારા એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે આ જ બાબત હોય તો એફઆઈઆરમાં કથિત ધર્માંતરણનો ઉલ્લેખ કેમ નથી?

નાસિક ટીસીએસ કેસ, ધર્મ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય રેકેટ, નાસિક
ઇમેજ કૅપ્શન, આરોપીના વકીલ બાબા સૈયદ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આરોપીના વકીલ રાહુલ કાસલીવાલે કહ્યું હતું કે "આ કેસની એકેય એફઆઈઆર ધર્માંતરણ વિશેની નથી. કેટલીક જગ્યાએ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાની એક કલમ લગાવવામાં આવી છે, પરંતુ ધર્માંતરણનો કોઈ ઉલ્લેખ નથી."

આરોપીઓના અન્ય એક વકીલ બાબા સૈયદના મતાનુસાર, "પોલીસ રિમાન્ડ માટેના રિપોર્ટમાં પણ બળજબરીથી ધર્માંતરણ કે વાસ્તવિક ધર્માંતરણનો કોઈ ઉલ્લેખ નથી ત્યારે આ મુદ્દો ક્યા આધારે ઉઠાવવામાં આવી રહ્યો છે?"

બીબીસી મરાઠીએ પ્રસ્તુત કેસની એફઆઈઆરનો અભ્યાસ કર્યો હતો અને તેમાં ધર્માંતરણનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ મળ્યો નથી.

હવે કેટલીક સંસ્થાઓ પણ આવા જ સવાલો ઉઠાવી રહી છે.

ઍસોસિએશન ફૉર પ્રોટેક્શન ઑફ સિવિલ રાઇટ્સ (એપીસીઆર) દ્વારા શુક્રવારે મુંબઈમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ સંગઠનના પાંચ સભ્યોની એક ટીમ નાસિક ગઈ હતી અને સત્યશોધક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તે અહેવાલમાં પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે "અહીં ધર્માંતરણના પ્રયાસના કોઈ પુરાવા નથી."

એપીસીઆરના રાષ્ટ્રીય સચિવ નદીમ ખાને કહ્યું હતું કે "જો આ ધર્માંતરણનું પ્રકરણ હોય તો ઓછામાં ઓછી એક વ્યક્તિએ છેલ્લાં ચાર વર્ષમાં ધર્માંતરણ કર્યું હોવું જોઈએ, પરંતુ બળજબરીથી ધર્માંતરણનો એકેય કેસ મળ્યો નથી. આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ટીસીએસ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં આ બધું થઈ રહ્યું હતું. આટલી મોટી ટીસીએસ કંપનીનો એક પણ કર્મચારી છેલ્લાં ચાર વર્ષમાં આગળ આવ્યો નથી તે થોડું આશ્ચર્યજનક લાગે છે."

ફરિયાદ પોલીસ સુધી કેવી રીતે પહોંચી?

નાસિક ટીસીએસ કેસ, ધર્મ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય રેકેટ, નાસિક
ઇમેજ કૅપ્શન, નાસિક પોલીસ કમિશનર સંદીપ કર્ણિક

આ વિશે અલગ અલગ માહિતી મળે છે. પોલીસના જણાવ્યા મુજબ, એક પોલીસ ટીમ થોડા સમય પહેલાં ટીસીએસની ઑફિસે ગઈ હતી અને ફરિયાદીઓ સાથે વાત કરીને તેમને આગળ લાવી હતી.

જોકે, આ ઘટના બની તે પહેલાં પણ, ફરિયાદી સાથે સંબંધ ન હોય તેવી એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

નાસિકના પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે જણાવ્યું હતું કે પહેલી ફરિયાદ મળ્યા પછી એક મહિલા પોલીસ અધિકારી સિવિલ ડ્રેસમાં ટીસીએસની ઑફિસે ગયાં હતાં, કેટલીક મહિલાઓ સાથે વાત કરી હતી અને તેમને આશ્વાસન આપ્યું હતું. એ પછી તેમની પાસે વધુ ફરિયાદો આવી હતી. ત્યાર બાદ 26 માર્ચે પહેલી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

પ્રસ્તુત કેસમાં ટીસીએસ કંપનીએ બહાર પાડેલા એકમાત્ર નિવેદનમાં જણાવ્યું છે કે જે પ્રકારના આરોપ કરવામાં આવી રહ્યા છે તે સંબંધી કોઈ ફરિયાદ કંપનીની આંતરિક સમિતિને મળી નથી.

ટીસીએસ કંપનીએ તેના 17 એપ્રિલના નિવેદનમાં જણાવ્યું હતું કે "નાસિક ઑફિસ સંબંધી સિસ્ટમ્સ અને રેકૉર્ડ્સ જોતાં અમારી પ્રાથમિક તપાસ દર્શાવે છે કે અમારી ઍથિક્સ કે 'પૉશ' સમિતિને આ સંબંધી કોઈ ફરિયાદ મળી નથી."

પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે કહ્યું હતું કે "આરોપીઓ ટીમનું નેતૃત્વ કે પીડિતો કરતાં ઉચ્ચ પદ પર કામ કરી રહ્યા હોવાથી પીડિતોએ આટલાં વર્ષો સુધી સહન કર્યું હોય, એવી શક્યતાને નકારી શકાય નહીં."

આવું જ હોય તો એક જ રાતમાં આટલી બધી એફઆઈઆર કેવી રીતે નોંધવામાં આવી હતી, એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે.

આરોપીના વકીલ બાબા સૈયદે કહ્યું હતું કે "બીજી અને ત્રીજી એપ્રિલ દરમિયાન થોડા કલાકોમાં જ કુલ આઠ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આરોપીઓની એ જ દિવસે તત્કાળ ધરપકડ કરવામાં આવી હતી. આટલી ઉતાવળ શા માટે? ચાર વર્ષ સુધી 'પૉશ'માં કોઈ ફરિયાદ કેમ થઈ નહોતી અને અચાનક એક જ દિવસે બધા ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને આવ્યા? તેથી શંકા પડે છે."

અમે નાસિક પોલીસને પણ આ પ્રશ્ન પૂછ્યો હતો. તપાસમાં સામેલ એક અધિકારીએ તેમનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ગુનાનું સ્વરૂપ ગંભીર હોવાથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

નાસિકસ્થિત વરિષ્ઠ પત્રકાર નિરંજન ટકલેએ કહ્યું હતું કે "રમઝાન મહિનામાં રોજા રાખતી એક હિંદુ મહિલાને પોતે ઓળખતા હોવાની ફરિયાદ એક રાજકીય પક્ષના કાર્યકરે પોલીસને કરી હોવાની માહિતી અમને મળી છે."

"પોલીસે તે ફરિયાદ નોંધી અને પછી તપાસ શરૂ કરી. કોઈ વ્યક્તિ, ક્યા કાયદા હેઠળ આવી ફરિયાદ નોંધાવી શકે? આવો કોઈ કાયદો નથી," એમ તેમણે ઉમેર્યું હતું.

નિદા ખાન સામે શું આરોપ છે?

નાસિક ટીસીએસ કેસમાં નિદા ખાનનું નામ ચર્ચામાં આવ્યું છે. (ટીસીએસએ જણાવ્યું છે કે નિદા ખાન એક પ્રોસેસ ઍસોસિએટ છે અને ભરતી પ્રક્રિયા સાથે તેને કોઈ સંબંધ નથી) કેટલાક અહેવાલોમાં નિદા ખાન સમગ્ર પ્રકરણની સૂત્રધાર કે માસ્ટરમાઇન્ડ હોવાનું જણાવવામાં આવ્યું છે. આગોતરા જામીન માટેની નિદા ખાનની અરજી કોર્ટમાં વિચારાધીન છે અને પોલીસ હાલ તેને શોધી રહી છે.

અલબત્ત, પોલીસમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ એક અલગ જ ચિત્ર સામે આવે છે. કુલ નવ પૈકીની ફક્ત એક જ એફઆઈઆરમાં નિદા ખાનનો ઉલ્લેખ આરોપી તરીકે કરવામાં આવ્યો છે.

26 માર્ચે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં નિદા ખાન પર પીડિત મહિલાની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

નાસિક ટીસીએસ કેસ, ધર્મ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય રેકેટ, નાસિક
ઇમેજ કૅપ્શન, કોર્ટમાં મહિલા HRનું પ્રતિનિધિત્વ કરનારા વકીલો રાહુલ કાસલીવાલ અને બાબા સૈયદ

નિદા ખાનના વકીલ બાબા સૈયદે કહ્યું હતું કે "નિદા ખાન ફક્ત એક જ કેસમાં આરોપી છે. અન્ય આઠ એફઆઈઆરમાં તેનો ક્યાંય ઉલ્લેખ નથી. એ અન્ય ગુનાઓમાં સહ-આરોપી પણ નથી. તેમ છતાં, તેને ક્યા આધારે મુખ્ય આરોપી બનાવવામાં આવી છે, તે સ્પષ્ટ નથી."

નાસિકના પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે બીબીસી મરાઠીને કહ્યું હતું કે "આ કેસમાં કુલ નવ આરોપીઓ છે અને તેમાં બે મહિલા છે. નિદા ખાન તે બે મહિલા પૈકીનાં એક છે. તેમના પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે."

નાસિક ટીસીએસ કેસ, ધર્મ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય રેકેટ, નાસિક

ઇમેજ સ્રોત, tcs

ઇમેજ કૅપ્શન, કંપનીનું નિવેદન

દરમિયાન, ટીસીએસએ આ મહિલાની ભૂમિકા સ્પષ્ટ કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "સમાચારોમાં નિદા ખાનનો ઉલ્લેખ એચઆર મૅનેજર તરીકે કરવામાં આવ્યો છે, પરંતુ તે ખરેખર પ્રોસેસ ઍસોસિએટ તરીકે કામ કરતાં હતાં અને તેની પાસે નેતૃત્વની કોઈ જવાબદારી નહોતી. આ સમગ્ર પ્રકરણની પશ્ચાદભૂમિકામાં ટીસીએસએ સંબંધિત મહિલાને સસ્પેન્ડ કરી છે."

'આ અત્યંત બેજવાબદાર રિપોર્ટિંગ'

નાસિક ટીસીએસ કેસ, ધર્મ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય રેકેટ, નાસિક
ઇમેજ કૅપ્શન, શુક્રવારે, ઍસોસિએશન ફૉર પ્રોટેક્શન ઑફ સિવિલ રાઇટ્સ (APCR) એ મુંબઈમાં એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી.

કેટલાંક મીડિયા આઉટલેટ્સે આ ઘટના વિશે જે રીતે અહેવાલો પ્રકાશિત કર્યા છે તેના વિશે ગંભીર ચર્ચા થઈ રહી છે. કેટલાક એવા સમાચાર પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેનો પોલીસ કે કોર્ટ કાર્યવાહીમાં ઉલ્લેખ સુદ્ધાં નથી.

સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડે મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં પ્રસ્તુત કેસના રિપોર્ટિંગ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.

તિસ્તા સેતલવાડે કહ્યું હતું કે "આ પ્રકારની જાતીય સતામણીને કોઈ ધર્મ કે લિંગ સાથે જોડી શકાય નહીં. આવી સતામણી સત્તાના દુરુપયોગને કારણે થાય છે. મારો સવાલ એ છે કે આને ધાર્મિક રંગ શા માટે આપવામાં આવ્યો? આ સવાલ પોલીસ, સરકાર અને સૌથી વધુ તો મીડિયા માટે છે, કારણ કે લવ જેહાદ, કૉર્પોરેટ જેહાદ જેવા શબ્દોનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે."

તેમણે ઉમેર્યું હતું કે "મીડિયામાં આ પ્રકારનું રિપોર્ટિંગ વધી રહ્યું છે, જે બહુ જ બેજવાબદાર અને ગેરબંધારણીય છે."

મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

આ પ્રકરણ બાબતે થોડા દિવસ પહેલાં મીડિયાએ સવાલ કર્યા ત્યારે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે " અત્યારે તો હું એવું માનું છું કે નાસિક ટીસીએસમાં બનેલી ઘટના અત્યંત ગંભીર છે. ટીસીએસ કંપનીએ આ મામલાને બહુ ગંભીર ગણ્યો એ માટે હું તેમને અભિનંદન આપીશ. તેના વડાએ પણ આ ઘટનાની ઝાટકણી કાઢી છે. તેઓ પોલીસને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે અને અમે આ પ્રકરણનાં મૂળ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છીએ."

દેવેન્દ્ર ફડણવીસે ઉમેર્યું હતું કે "આ છૂટીછવાઈ ઘટના છે કે આવું બીજાં સ્થળો પર પણ બની રહ્યું છે તેની તપાસ અમે કરી રહ્યા છીએ. આ કોઈ મોટા પ્લાનનો ભાગ છે કે કેમ અને તેમાં કોણ-કોણ સામેલ છે એ બધાની તપાસ ચાલી રહી છે. તપાસનો વ્યાપ વધી રહ્યો છે. તેથી આ કૉર્પોરેટ જેહાદ હશે તો અમે નિશ્ચિત રીતે તેનાં મૂળ સુધી પહોંચીશું."

નાસિકના આ સમગ્ર પ્રકરણમાં અસલી સચ્ચાઈ બહાર આવવાની હજુ બાકી છે અને એ પહેલાં કોઈ તારણ કાઢવું મુશ્કેલ છે.

(ઍડિશનલ રિપોર્ટિંગઃ પ્રવીણ ઠાકરે, બીબીસી મરાઠી સહયોગી)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત