You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એવું શું થયું કે દુનિયાભરના ધનિકોને ઈટાલી આકર્ષવા લાગ્યું?
- લેેખક, જોન લોરેન્સન
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
ફ્રેન્ચ શ્રીમંતો અને અન્ય આંતરરાષ્ટ્રીય નિવાસીઓને આકર્ષવા માટે કર પ્રોત્સાહનો આપવા બદલ ફ્રેન્ચ સરકાર પહેલાંથી જ ઈટાલીની ટીકા કરી રહી છે, પરંતુ મધ્ય પૂર્વમાં યુદ્ધથી અખાતી દેશોને નુકસાન થયું હોવાથી ઈટાલી ધનિકો માટે વધારે આકર્ષક સ્થળ બની ગયું છે.
ચાર્લ્સ ડી ગોલ ઍરપૉર્ટ પર કૅફે ક્રીમ પીતાં રૉબર્ટ ભારપૂર્વક જણાવે છે કે ફ્રાન્સ છોડવાનું મુખ્ય કારણ ટેક્સ ન હતા. તેનું કારણ હતું ઈટાલીની સુંદરતા, 'બેલા વીટા' (સુંદર, સારું જીવન), ત્યાંની કળા અને સંગીત. ફ્રાન્સના રૉબર્ટ માટે રોમમાં ઘર ખરીદવાનું અને ઈટાલીમાં ટેક્સ ચૂકવતા નાગરિક બનવાનું, એ પૅકેજનો બહુ સારો હિસ્સો હતું, જે ઈટાલીએ તેમને આપ્યું હતું.
એ પૅકેજ હેઠળ અત્યંત શ્રીમંત લોકો તેમની વિદેશી કમાણી ભલે ગમે તેટલી હોય, પણ દરેક વર્ષે એક નિશ્ચિત કર ચૂકવી શકે છે અને તેની સાથે બીજા પ્રકારની કરમુક્તિનો લાભ પણ લઈ શકે છે.
રૉબર્ટ ખુદને "ઠીકઠીક શ્રીમંત" ગણાવે છે. તેઓ આઠ વર્ષ પહેલાં ઈટાલી ચાલ્યા ગયા હતા. કમ્પ્યુટર ક્ષેત્રે કારકિર્દી બનાવ્યા બાદ તેમણે તેમની કંપની વેચી નાખી અને એ પછી ઈટાલી વસી ગયા. રૉબર્ટ તેમનું અસલી નામ નથી. તેમનો સમાવેશ ફ્રાન્સના એવા અબજોપતિઓમાં થાય છે, જેઓ ફ્રાન્સના કર અધિકારીઓથી બચવા માટે ઈટાલી ભાગી ગયા છે. અલબત્ત, તેમને મળતા લાભ એકદમ સ્પષ્ટ છે.
તેઓ ફ્રાન્સમાં ઘર ખરીદે તો, ફ્રાન્સના લોકો જેને 'ફ્રે ડે નોટેયર' (વકીલની ફી) કહે છે તે રકમ ચૂકવવી પડે છે. એ રકમનો મોટા ભાગનો હિસ્સો સરકારના ખાતામાં જાય છે. (યુનાઈટેડ કિંગ્ડમમાં સ્ટેમ્પ ડ્યુટી અથવા અમેરિકામાં રિઅલ એસ્ટેટ ટ્રાન્સફર ટેક્સના પૈસા સરકારના ખાતામાં જમા થાય છે એવી જ રીતે) ઈટાલીમાં 'પ્રાઈમ કાસા' એટલે કે વ્યક્તિએ ખરીદેલા પહેલા ઘર પર ટેક્સ મુક્તિ મળે છે.
ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોંએ ફ્રાન્સના 'ઇમ્પોર્ટ સૂર લા ફોર્ચ્યુન' (સંપત્તિ કર)ને બદલીને 'ઈમ્પોર્ટ સુર લા ફોર્ચ્યુન ઈમોબિલિએર' (રિઅલ એસ્ટેટ પ્રોપર્ટી કર) કરી નાખ્યો છે. તેનો અર્થ એ છે કે શૅર બજારમાં કરવામાં આવેલા રોકાણ પર હવે કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી, પરંતુ રૉબર્ટ કહે છે કે ઈટાલી એક ટેક્સ હેવન છે.
ઈટાલી એક ટેક્સ હેવન
ફ્રાન્સમાં તમારે પ્રોપર્ટી ટેક્સ (લૅન્ડ ટેક્સ) પણ ચૂકવવો પડે છે. રૉબર્ટ કહે છે કે "અહીં અમારા માટે પ્રાઈમ કાસા માટે એવો કોઈ ટેક્સ નથી." સાથે તેઓ એમ પણ જણાવે છે કે "અહીં કચરો લઈ જવા માટે બહુ વધારે ચાર્જ ચૂકવવો પડે છે."
રૉબર્ટના સંદર્ભમાં સૌથી સારી વાત એ છે કે ઈટાલીમાં પોતાની 11 લાખ ડૉલર સુધીની પ્રોપર્ટી પર કોઈએ ઈનહેરિટન્સ ટેક્સ ચૂકવવો પડતો નથી અને પ્રોપર્ટીનું મૂલ્ય તેનાથી વધારે હોય તો તે કરનો દર માત્ર ચાર ટકા હોય છે. ફ્રાન્સમાં ટેક્સ-ફ્રીની મર્યાદા પણ બહુ ઓછી - 1.10 લાખ ડૉલર છે. તેનાથી વધારે હોય તો તે સ્લાઈડિંગ સ્કેલ પર વધે છે અને તેનો સર્વોચ્ચ દર 45 ટકા સુધીનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, જે લોકો ખરેખર બહુ શ્રીમંત છે તેમના માટે ઈટાલી એક કર સંબંધી સ્વર્ગ (ટેક્સ હેવન) જેવું લાગે છે. રૉબર્ટ મને કહે છે કે "મારા કેટલાક દોસ્તો છે, જેઓ કરને કારણે અહીં આવીને વસી ગયા છે. બીજા કેટલાક એવા પણ છે, જેઓ આ વિશે વિચારી રહ્યા છે. જે લોકો વાસ્તવમાં બહુ વધારે કર ચૂકવે છે તેમના માટે ઈટાલી બહુ આકર્ષક છે, કારણ કે અહીં ફ્લેટ ટેક્સની વ્યવસ્થા છે."
ઈટાલીમાં ટેક્સ અધિકારીઓ આવક પરના કરની એક ઉપરી મર્યાદા નક્કી કરી નાખે છે. તમે ભલે ગમે તેટલી કમાણી કરો, તમારે એ મર્યાદાથી વધારે ટેક્સ ક્યારેય ચૂકવવો પડતો નથી. તે ઉપરી મર્યાદા હવે 3,53,000 ડૉલરની છે. કેટલાક સમય પહેલાં તે મર્યાદા એક લાખ યુરોની હતી. બાદમાં તેને વધારીને બે લાખ યુરો કરવામાં આવી હતી. તમે ફ્રાન્સમાં દર વર્ષે કર સ્વરૂપે 10 લાખ યુરો ચૂકવતા હો તો ઈટાલી તમારા માટે એક બહુ જ લોભામણો વિકલ્પ સાબિત થઈ શકે છે. અમેરિકન નાગરિકોના સંદર્ભમાં વાત કરીએ તો તેમણે તેમની દુનિયાભરની આવક માટે ટેક્સ ચૂકવવો પડે છે. તેથી ઈટાલીમાં જઈને વસવાટ કરવાથી તેમની કર ચૂકવણીમાં કોઈ ફરક નહીં પડે.
રૉબર્ટ મને જણાવે છે કે તેમના બે શ્રીમંત ફ્રેન્ચ દોસ્તો છે, જે છેલ્લા કેટલાક મહિનામાં ઈટાલી ચાલ્યા ગયા છે, પરંતુ તેઓ યુનાઈટેડ કિંગ્ડમથી આવ્યા હતા. એ બંને લંડનમાં ફાઈનાન્સ ક્ષેત્રે કામ કરતા હતા અને કોઈ એવી જગ્યાએ જવા ઈચ્છતા હતા, જ્યાંની ટેક્સ સિસ્ટમ, બ્રિટનની કર વ્યવસ્થા જેટલી જ મદદગાર હોય, કારણ કે આ અગાઉ બ્રિટને શ્રીમંત વિદેશી નિવાસીઓ માટેના નિયમો બદલ્યા હતા.
વેલ્થ માઈગ્રેશન સ્પેશિયાલિસ્ટ કંપની હેનલી ઍન્ડ પાર્ટનર્સમાં ટેક્સ સર્વિસીસના ડિરેક્ટર પીટર ફેરિગ્નો કહે છે કે "ત્રણ લાખ યુરો હોવા છતાં, ઈટાલીનો ફ્લેટ ટેક્સ, યુરોપમાંના કોઈ અન્ય દેશની સરખામણીએ એ લોકો માટે હજુ પણ ઓછો છે, જેઓ દર વર્ષે 10 લાખ યુરોથી વધારે કમાય છે. તેનો અર્થ એ છે કે બહુ દૂર જવાને બદલે તમને યુરોપની વચ્ચોવચ્ચ ટેક્સ સંબંધે સુનિશ્ચિતતા અને સ્પષ્ટતા મળે છે."
પેરિસમાં રહેતા ટેક્સ વકીલ જેરોમ બેરે કહે છે કે "ફ્રાન્સ છોડવા ઈચ્છતા લોકો સાથે દર સપ્તાહ અમારી મીટિંગો થાય છે. તેઓ ટેક્સની હાલની સ્થિતિથી ખુશ નથી અને ભવિષ્યમાં તે વધારે આકરા થવાની ચિંતા તેમને છે. લોકોને ત્યાંની રાજકીય પરિસ્થિતિ પર ભરોસો નથી. ટેક્સમાં વધારે પડતા, લગભગ દર વર્ષે ફેરફાર થઈ રહ્યા છે. લોકોને ડર છે કે 2027માં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી પછી પરિસ્થિતિ હાલની સરખામણીએ વધારે મુશ્કેલ થઈ શકે છે."
જેરોમ બેર કહે છે કે "જોકે, આ તબક્કે, બીજા દેશમાં સ્થાયી થવાનું વિચારતા ઉદ્યોગસાહસિકો અને શ્રીમંતોને બદલે વાસ્તવમાં અહીંથી જઈ રહેલા લોકોની બાબતમાં આવું વધારે જોવા મળી રહ્યું છે. રીલોકેશન માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા અને સાવધાનીપૂર્વકનું આયોજન જરૂરી હોય છે. બિઝનેસ માલિકોએ તેમની કંપનીનું હેડક્વાર્ટર બદલવું પડે છે અને ફ્રાન્સમાં તેમની પાસેથી ઍક્ઝિટ ટેક્સ વસૂલવામાં આવે છે."
આરામદાયક અને શાનદાર જીવનશૈલી
ફ્રાન્સના ઘણા શ્રીમંત લોકો "અન્યત્ર સ્થાયી થવાનું વિચારી રહ્યા હોય" તો સંયુક્ત આરબ અમીરાતમાં આ મુદ્દો વધારે ગંભીરતાપૂર્વક અનુભવાઈ રહ્યો છે. અલબત્ત, દુબઈની ઝીરો ટેક્સ સિસ્ટમ છોડવાનું અનેક લોકો માટે બહુ મુશ્કેલ હશે.
જેરોમ બેર કહે છે કે "કોઈ ટેક્સ ચૂકવવો ન પડે એવા દેશમાં તમે હો ત્યારે બહુ વધારે ટેક્સ ચૂકવવો પડે એવા દેશમાં પાછા આવવાનું બહુ મુશ્કેલ હોય છે. ખાસ કરીને એવા લોકો માટે, જેમને વધારે પૈસા ખર્ચવાની આદત ન હોય. જે લોકોને ઝીરો ટેક્સવાળી જિંદગીની આદત પડી ગઈ છે તેમને હવે ટેક્સ રિટર્ન, ડોક્યુમેન્ટ્સ જેવી વહીવટી ઔપચારિકતાઓની આદત રહી નથી. એટલે તે આસાન નથી."
હેનલી ઍન્ડ પાર્ટનર્સના પીટર ફેરિગ્નો કહે છે કે "ઘણા બધા લોકો સંયુક્ત આરબ અમીરાત બાબતે બે વાર વિચારશે તે નક્કી છે, પરંતુ મને લાગે છે કે લોકો માટે કામ, પરિવાર વગેરે સહિતની તેમની જિંદગીને સંપૂર્ણપણે ઉખેડી ફેંકવાનું અત્યારે બહુ ઉતાવળિયું હશે. સંયુક્ત આરબ અમીરાતમાં મોટા ભાગના સામાન્ય લોકો છે, જેઓ સામાન્ય નોકરી કરે છે. મોટા ભાગના કરોડપતિઓ પણ, તેઓ સારા પગારવાળી નોકરી કરે છે એટલા માટે કરોડપતિ છે, તેમની પાસે ઘણી બધી પ્રોપર્ટી હોવાને કારણે નહીં. યુદ્ધ થોડા વધુ સમય સુધી ચાલશે તો તેઓ અહીં જ રહેશે. લાંબુ ચાલશે તો તેઓ અન્યત્ર નજર કરશે, તેમના પરિવારને ક્યાંક મોકલી આપશે અને પરિસ્થિતિ સલામત નહીં થાય ત્યાં સુધી ઘરેથી જ કામ કરશે. તમે કામ માટે સંયુક્ત આરબ અમીરાતમાં હો તો ઈટાલીમાં તમને એટલી સારી તક ભાગ્યે જ મળશે."
અલબત્ત, મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે યુરોપના જે અનેક શ્રીમંત લોકો ત્યાં સ્થાયી થવાનું વિચારી રહ્યા હતા તેઓ હવે સંયુક્ત આરબ અમીરાતમાં વસવાટ કરવાનો ઈરાદો છોડી દેશે એવી શક્યતા છે.
હેનલી ઍન્ડ પાર્ટનર્સના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે દુબઈ, અન્ય દેશોમાંથી આવીને વસતા કરોડપતિઓ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ હતું. 2026માં આ સંખ્યા નિશ્ચિત રીતે ઘટશે અને તેનો ફાયદો ઈટાલીને મળી શકે છે, ખાસ કરીને ઈટાલી અત્યંત શ્રીમંત લોકોને આકર્ષક ઓફર કરે છે એટલા માટે અને 'લા ડોલ્સે વીટા' (આરામદાયક અને શાનદાર જીવનશૈલી) માટે તેની એક આગવી ઓળખ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન