પંડિત હરિપ્રસાદ ચૌરસિયા : એક પહેલવાનના પુત્ર વાંસળીની દુનિયાના સમ્રાટ કઈ રીતે બની ગયા?

ઇમેજ સ્રોત, Kirti Rawat
વાંસળીવાદન વિશેની ચર્ચા હોય અને પંડિત હરિપ્રસાદ ચૌરસિયાનું નામ ન આવે, એ અશક્ય છે. ભારતથી લઈને વિશ્વભરમાં પ્રખ્યાત પંડિત હરિપ્રસાદ ચૌરસિયાને વાંસળી માટે આજે પણ એટલો જ જુસ્સો છે, જે તેમના શરૂઆતના દિવસોમાં હતો.
તેમણે હિંદી સિનેમાની ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું. તે સિવાય તેમણે તામિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મમાં પણ સંગીત આપ્યું.
તેમણે જાણીતા સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માની સાથે મળીને સંગીતકાર જોડી 'શિવ–હરિ' બનાવી. બંનેએ સાથે મળીને 'સિલસિલા', 'ચાંદની', 'લમ્હે' અને 'ડર' જેવી ફિલ્મોમાં સુપરહીટ સંગીત આપ્યું.
'27 ડાઉન' તેમની પહેલી હિંદી ફિલ્મ હતી, જેમાં તેમણે સંગીત આપ્યું હતું.
એટલું જ નહીં, તેમણે 'ધ બિટલ્સ' જેવા ઘણા કલાકારોની સાથે અનેક કૉન્સર્ટ કરી છે.
પહેલી જુલાઈએ તેઓ 87 વર્ષના થશે. પદ્મવિભૂષણ પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ બીબીસી હિંદીના ખાસ કાર્યક્રમ 'કહાની જિંદગી કી'માં પોતાના જીવનનાં પાસાં વિશે અમારા સહયોગી ફરહાન સાથે વાત કરી.
બાળપણના દિવસો અને સંગીત

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા સંગીતકાર અને વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાનો જન્મ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ [ત્યારે ઇલાહાબાદ]માં થયો હતો. તેમના પિતા પહેલવાન હતા અને ઇચ્છતા હતા કે તેઓ પણ કુસ્તીમાં પોતાની કારકિર્દી બનાવે, પરંતુ તેમને પહેલાંથી જ સંગીતમાં રસ હતો.
તેઓ યાદ કરે છે "ઇલાહાબાદમાં એક એવી જગ્યા છે, જ્યાં તમને દરેક પ્રકારના ગુણવાન લોકો મળી જશે, જેમ કે, આપણા મદનમોહન માલવીયજી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમના પિતા બાળપણમાં તેમને કુસ્તી બતાવવા માટે લઈ જતા હતા.
તેઓ જણાવે છે, "જ્યારે પણ કોઈ કુસ્તીની હરીફાઈ થતી હતી ત્યારે બહારથી મોટા મોટા પહેલવાન આવતા હતા. તે સમયે હું નાનો હતો એટલે મારા પિતા મને તેડીને કુસ્તી બતાવવા લઈ જતા હતા. હું કુસ્તી તો જોતો હતો પરંતુ મને ક્યારેય સારી નથી લાગી."
"મેં કહ્યું, આ કેવી લડાઈ છે? એકની ગરદન પર એક માણસ બેઠેલો છે અને નીચે તે બૂમો પાડી રહ્યો છે. આ બરાબર નથી"
પોતાની સ્કૂલના દિવસો વિશે વાત કરતાં હરિપ્રસાદ ચૌરસિયા જણાવે છે, "મને સંગીત પ્રત્યે ઘણો લગાવ હતો. સ્કૂલમાં ક્યારેક-ક્યારેક મોટા ઑફિસર આવતા હતા કે કોઈ તહેવાર હોય ત્યારે અમારા સ્કૂલના પ્રિન્સિપાલ કેદારનાથ ગુપ્તા ઇચ્છતા હતા કે હું ત્યાં પરફૉર્મ કરું. મને ગાવાનું કહેવામાં આવતું હતું અને હું ગાતો હતો. જ્યારે હું ગાતો ત્યારે તેઓ ખૂબ ખુશ થતા હતા."
પંડિત હરિપ્રસાદ ચૌરસિયા જણાવે છે કે અભ્યાસમાં તેઓ વધારે સારા નહોતા, પરંતુ સંગીતના કારણે તેમને પાસ કરી દેવામાં આવતા હતા.
તેઓ કહે છે, "ભણવામાં હું ઘણો નબળો હતો. પરંતુ ગાવા–વગાડવાના કારણે મને પાસ કરી દેવાતો. મૅટ્રિક પાસ કર્યા પછી મને નોકરી પણ મળી ગઈ હતી."
નોકરી દરમિયાન પણ તેમનું મન સંગીતમાં જ પરોવાયેલું રહ્યું.
તેમણે કહ્યું, "જ્યારે મને ઑફિસમાં શોધવામાં આવતો, ત્યારે ઘણી વાર હું સ્ટુડિયોમાં વાંસળી વગાડતો હતો. મને લાગ્યું કે નોકરી મારા માર્ગમાં દીવાલ બની રહી છે, તેથી મેં નોકરી છોડી દીધી."
"હું શીખવા માગતો હતો, જાણવા ઇચ્છતો હતો કે દુનિયામાં સંગીત ક્યાં-ક્યાં વસેલું છે. મેં નક્કી કર્યું કે આ ફક્ત મારું કામ નથી, મારો ધર્મ હશે અને એ જ મેં અપનાવી લીધો."
વાંસળીને જ વાદ્ય તરીકે કેમ પસંદ કરી?

ઇમેજ સ્રોત, Getty Images
પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વાંસળીને નવી ઓળખ અપાવી.
તેઓ કહે છે, "હું વાંસળીની પૂજા કરું છું."
પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતાં તેઓ કહે છે, "હું સંગીત માટે ઘણું બધું કરવા માગતો હતો, પરંતુ ભગવાને ગળું સારું નથી આપ્યું. સરોદ કે સિતાર જેવું મોટું વાદ્ય યંત્ર ખરીદવા માટે પૈસા પણ નહોતા; એટલે આ જ એક વાદ્ય હતું. ભગવાન શ્રીકૃષ્ણની પાસે પણ એટલા પૈસા નહોતા, એટલે તેમણે વાંસનો એક ટુકડો લીધો, તેમાં કાણું પાડી તેને વગાડવા લાગ્યા. ના તારની જરૂર, ના મોટો ખર્ચ. મારું મન તેની તરફ ઢળી ગયું."
વાંસળીની સાથે તેમનું જોડાણ માત્ર વ્યાવહારિક નહીં, પરંતુ આત્મિક હતું.
તેઓ કહે છે, "આપણે લોકો વિચારીએ છીએ કે ખૂબ મોટું વાદ્ય વગાડીશું, ઇલેક્ટ્રૉનિક સાજ લઈશું, ત્યારે જ લોકોને સારું લાગશે. પરંતુ વાંસળીને ટ્યૂન કરવાની પણ જરૂર નથી હોતી. એ જ સૌથી સારું છે."
હરિપ્રસાદ ચૌરસિયા માટે વાંસળી માત્ર એક વાદ્ય નથી, પરંતુ એ સંગીત છે જે હૃદયમાંથી નીકળે છે અને આત્માને સ્પર્શી જાય છે.
ફિલ્મોમાં કઈ રીતે તક મળી?

ઇમેજ સ્રોત, Getty Images
પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની કટક ખાતેથી ઑલ ઇન્ડિયા રેડિયોમાંથી મુંબઈમાં ઑલ ઇન્ડિયા રેડિયોમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી.
મુંબઈ આવ્યાનાં એક-બે અઠવાડિયાં પછી જ તેમને અહેસાસ થયો કે મુંબઈમાં જીવવું સરળ નથી. તે સમયે તેમનો પગાર માત્ર 160 રૂપિયા હતો.
તેમણે કહ્યું, "મારા પગારના 160 રૂપિયા તો માત્ર મુંબઈની લોકલ ટ્રેનમાં આવવા-જવામાં જ ખર્ચાઈ જતા હતા. જ્યારે કટકમાં 160 રૂપિયાનો પગાર પૂરતો હતો."
એક દિવસ સંયોગથી મુંબઈ ઑલ ઇન્ડિયા રેડિયોમાં મ્યૂઝિક ડાયરેક્ટર મદનમોહનનું રેકૉર્ડિંગ થતું હતું. ગાયક તલત મહમૂદ ગાઈ રહ્યા હતા, પરંતુ રેકૉર્ડિંગ માટે વાંસળીવાદક નહોતા પહોંચ્યા.
પંડિત હરિપ્રસાદ ચૌરસિયા જણાવે છે, "રેડિયોથી ડ્યૂટી ઑફિસરને ફોન કરવામાં આવ્યો અને પછી મને બોલાવવામાં આવ્યો. મદનસાહેબે પૂછ્યું, 'બૉમ્બેમાં નવા છો? પહેલાં ક્યારેય ફિલ્મોમાં વગાડી છે?' મેં જવાબ આપ્યો, ના, પરંતુ વગાડીશ જરૂર. જેવી મેં વગાડવી શરૂ કરી, રેકૉર્ડિંગની અંદર બધા ઊભા થઈ ગયા."
"પછી તેમણે મને પૂછ્યું કે હું શું કરું છું. જ્યારે મેં જણાવ્યું કે રેડિયોમાં નોકરી કરું છું, તો તેમણે કહ્યું, રેડિયો છોડી દો. તમને જરૂર હોય તો વગાડીને જાઓ અને નથી તો માત્ર પૈસા લઈ જાઓ. એ દિવસે જે ઇજ્જત મળી, એવી મેં આશા પણ નહોતી રાખી. લોકો ઇન્ડસ્ટ્રીમાં આવીને સંઘર્ષ કરે છે, અને હું અહીં એવો જામી ગયો જાણે કોઈનો જમાઈ છું."
ત્યાર પછી પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની કલાના પડઘા બધી દિશામાં ફેલાઈ ગયા.
તેમણે કહ્યું, "ત્યારથી મારો જે સમય શરૂ થયો, તે પછી અટક્યો નહીં. બધા ફિલ્મી કલાકારોના આશીર્વાદ અને પ્રેમ મળ્યા. લોકો કહે છે, જો હરિપ્રસાદ નહીં આવે, તો રેકૉર્ડિંગ નહીં થાય. ભલે ને રોશનસાહેબ હોય, મદનમોહન હોય, શંકર-જયકિશન કે ઓપી નૈય્યર, સૌએ મારી પ્રશંસા કરી."
હરિપ્રસાદ ચૌરસિયાએ એ પણ સ્વીકાર્યું કે તેમને ક્યારેય આશા નહોતી કે ઇલાહાબાદ [હવે પ્રયાગરાજ] જેવું શહેર છોડીને તેઓ મુંબઈ જેવા મહાનગરમાં ટકી શકશે.
તેમણે આગળ કહ્યું, "પરંતુ, મેં જે શાસ્ત્રીય સંગીત શીખ્યું હતું, મારા ઘરાના, મારી સ્કૂલમાંથી, એ જ ફિલ્મી સંગીતમાં પણ એક નવી દિશા આપવા લાગ્યું. લતાજી, મુકેશજી, મોહમ્મદ રફીસાહેબ બધા મને પ્રેમ કરતા હતા. જ્યારે રેકૉર્ડિંગમાં ન હોઉં, તો પૂછતાં હતાં, ક્યાં હતા તમે? કેમ આવ્યા નહીં? આ બધું સાંભળીને સારું લાગતું હતું."
લંડનની પહેલી યાત્રા

ઇમેજ સ્રોત, Getty Images
પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના જીવનમાં પહેલી વિદેશયાત્રા કોઈ સામાન્ય કલાકારની પહેલી ઉડાન નહોતી, તે તેમની સંગીત-સફર માટે એક ઐતિહાસિક વળાંક હતી.
એ સમયે તેમની પાસે વિદેશપ્રવાસ કરવા માટે પાસપૉર્ટ પણ નહોતો.
તેઓ યાદ કરે છે, "હેમંતકુમારસાહેબ, જેઓ માત્ર એક સારા ગાયક અને સંગીતકાર જ નહોતા, પરંતુ એક ઉમદા માણસ પણ હતા, તેમણે મને કહ્યું કે હું તેમની સાથે ટૂર કરું. તે તેમનો પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હતો અને મંચ હતો – રૉયલ આલ્બર્ટ હૉલ, લંડનમાં આયોજિત એક સાંસ્કૃતિક મહોત્સવ."
"તે દિવસે કાર્યક્રમની ફ્રન્ટ સીટ પર બેઠા હતા જૉર્જ હૅરિસન, મશહૂર બિટલ્સ બૅન્ડના સભ્ય, સાથે ટૉમ સ્કોલ્જ અને બિલી પ્રેસ્ટન. એ દિવસે મને લાગ્યું કે મેં લંડનમાં દુનિયા જીતી લીધી."
તેમની આ પહેલી વિદેશયાત્રા માત્ર એક મંજિલ નહોતી, પરંતુ ભારતીય શાસ્ત્રીય સંગીતને વૈશ્વિક ઓળખ અપાવવાની એક શરૂઆત હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































