ભારત VS પાકિસ્તાન : એ ત્રણ મહિલા ખેલાડીઓ જેમણે પાકિસ્તાનને હરાવી દીધું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જીગર ભટ્ટ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભારતે ટી20 મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ગ્રૂપ સ્ટેજની પહેલી મૅચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
ભારતે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાન 106 રન બનાવીને ઑલઆઉટ થયું હતું. ભારતનો 64 રને વિજય થયો હતો.
પાકિસ્તાન સામેની મૅચમાં ભારતની શરૂઆત સારી રહી ન હતી. ભારતે ઇનિંગ્સના પાંચમા જ બૉલે શફાલી વર્માની વિકેટ ગુમાવી હતી. આ પછી ચોથી ઓવરના પાંચમા બૉલે જૅમિમા રૉડ્રિગ્ઝ માત્ર એક રન બનાવીને આઉટ થયાં હતાં. ભારતે 10 ઓવર પૂર્ણ થાય ત્યાં સુધીમાં 72 રન બનાવીને 3 વિકેટ ગુમાવી હતી. આ પછી ભારતીય ટીમે બાકીની દસ ઓવરમાં 98 રન બનાવ્યા હતા.
બૉલિંગની વાત કરીએ તો ભારતને પાકિસ્તાનની વિકેટ લેતા પાંચમી ઓવર સુધી રાહ જોવી પડી હતી. ત્યાં સુધીમાં પાકિસ્તાને 38 રન બનાવી દીધા હતા. બીજી વિકેટ પણ 53 રને ભારત લઈ શક્યું હતું.
ભારત જ્યારે બેટિંગ અને બૉલિંગમાં સંઘર્ષ કરી રહ્યું હતું ત્યારે આ ત્રણ ખેલાડીએ ભારતની જીતમાં મોટું યોગદાન આપ્યું હતું.
સ્મૃતિ મંધાનાની 68 રનની ઇનિંગ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની શરૂઆત સારી રહી ન હતી. ભારતે બે વિકેટ ખૂબ ઝડપી ગુમાવી દીધી હતી ત્યારે સ્મૃતિ મંધાનાએ શરૂઆતમાં ધીમી બેટિંગ કરી ટીમને સ્ટેન્ડ આપ્યું અને બાદમાં ઝડપી બેટિંગ કરીને 44 બૉલમાં 68 રન બનાવ્યાં હતાં. સ્મૃતિ મંધાનાએ 9 બાઉન્ડ્રી અને બે સિક્સની મદદથી 154.54ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.
સ્મૃતિ મંધાના બેટિંગ કરી રહ્યાં હતાં ત્યારે પાકિસ્તાનનાં ખેલાડીઓએ તેમના બે કૅચ છોડ્યા હતા. સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતકોર વચ્ચે 91 રનની ભાગીદારી બની હતી. આ ભાગીદારીએ ભારતની ઇનિંગને મજબૂત બનાવી હતી.
હરમનપ્રીતકોરે 35 બૉલમાં 36 રન બનાવ્યા હતા. ભારતના શફાલી વર્મા 6 રન, જૅમિમા રૉડ્રિગ્ઝ 1 રન અને ભારતી ફુલમાલી એક રન બનાવીને આઉટ થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિચા ઘોષે 200ના સ્ટ્રાઇક રેટથી મૅચ પલટી નાખી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્મૃતિ મંધાનાની વિકેટ પડ્યા પછી ભારતીય ઇનિંગ્સ ધીમી પડી ગઈ હતી. સ્મૃતિ મંધાનાની વિકેટ 14મી ઓવરના પાંચમા બૉલે પડી હતી ત્યારે ભારત 109 રન પર હતું.
હરમનપ્રીતકોર 17મી ઓવરના બીજા બૉલે આઉટ થયાં ત્યારે ભારત 123 રને હતું. ભારતે 18 ઓવર પૂર્ણ થઈ ત્યાં સુધીમાં માત્ર 132 રન જ બનાવ્યા હતા. ભારતને પોતાની જીત મજબૂત કરવી હતી તો આ મેદાન પર 160 રનથી વધુનો સ્કોર કરવો જરૂરી હતો.
ભારતનાં રિચા ઘોષે 17 બૉલમાં 200ના સ્ટ્રાઇક રેટથી 34 રન બનાવ્યા હતા. રિચા ઘોષે પાંચ બાઉન્ડ્રી અને એક સિક્સ ફટકારી હતી. રિચા ઘોષ 20મી ઓવરના પાંચમા બૉલે આઉટ થયાં ત્યારે 168 રન પર ભારત પહોંચી ગયું હતું. ભારતે 19મી ઓવરમાં 23 રન અને 20મી ઓવરમાં 15 રન બનાવ્યા હતા.
રિચા ઘોષની સ્ફોટક ઇનિંગના કારણે ભારતને મજબૂત સ્કોર ઊભો કરવામાં મદદ મળી હતી. દીપ્તિ શર્માએ 9 બૉલમાં 12 રન બનાવ્યાં હતાં.
ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. પાકિસ્તાને જીત માટે 171 રન બનાવવાના હતા.
ભારતનાં રિચા ઘોષે વિસ્ફોટક બેટિંગ કરી હતી પરંતુ પાકિસ્તાને કરેલી એક ભૂલનો પણ તેમને ફાયદો થયો હતો. સ્લો ઓવર રેટને કારણે પાકિસ્તાનને એક વધારાની ખેલાડીને 19 અને 20મી ઓવરમાં યાર્ડની અંદર ઊભી રાખવી પડી હતી.
દીપ્તિ શર્માની પાંચ વિકેટ અને એક રન આઉટ

ઇમેજ સ્રોત, Darrian Traynor/Getty Images
ભારત જ્યારે ICC ટુર્નામૅન્ટ રમતું હોય છે ત્યારે દીપ્તિ શર્મા કંઈક અલગ જ ફૉર્મમાં જોવા મળે છે. મહિલા વન-ડે ક્રિકેટ વર્લ્ડકપમાં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ રહેલાં દીપ્તિ શર્માએ ટી20 મહિલા વર્લ્ડકપની પાકિસ્તાન સામેની મૅચમાં 4 ઓવરમાં 10 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.
પાકિસ્તાનના ઓપનિંગ બેટર મુનીબા અલીએ ઇનિંગ્સના પહેલા બૉલે બાઉન્ડ્રી ફટકારીને પોતે આક્રમક અંદાજમાં રમશે તે જણાવી દીધું હતું. પાકિસ્તાનનાં ઓપનર મુનીબા અલી અને ગુલ ફેરોઝાએ 4 ઓવરમાં 37 રન બનાવી દીધા હતા. આ ચાર ઓવર ત્રણ ખેલાડીઓએ નાખી હતી. જોકે વિકેટ ન મળતાં કૅપ્ટન હરમનપ્રીતકોર પોતાના સૌથી અનુભવી ખેલાડી દીપ્તિ શર્મા પાસે ગયાં હતાં.
દીપ્તિ શર્માએ પોતાની પહેલી જ ઓવરમાં ગુલ ફેરોઝાને આઉટ કર્યાં હતાં. દીપ્તિ શર્માએ આ ઓવરમાં બે રન આપીને એક વિકેટ લીધી હતી. ગુલ ફેરોઝાના આઉટ થયાં પછી આવેલાં આયેશા ઝફરે અરુંધતી રેડ્ડીની ઓવરમાં બે બૉલમાં બે બાઉન્ડ્રી ફટકારી હતી.
આ પછી દીપ્તિ શર્મા બૉલિંગમાં આવ્યાં અને તેમણે પોતાની બીજી ઓવરમાં આયેશા ઝફરની વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માએ પોતાની બે ઓવરમાં પાંચ રન આપીને બે વિકેટ લીધી હતી.
દીપ્તિ શર્મા પછી શ્રી ચરણીએ પોતાની પહેલી જ ઓવરમાં સાઇરા જાબીનને આઉટ કર્યાં હતાં.
પાકિસ્તાનની વિકેટ પડી રહી પરંતુ એક છેડેથી ઓપનર મુનીબા અલી પોતે મજબૂતીથી રમી રહ્યાં હતાં. શ્રેયંકા પાટીલની ઓવરમાં નતાલિયા પરવાઇઝનો શૉટ બેકવર્ડ પૉઇન્ટ પર ઊભેલાં દીપ્તિ શર્મા પાસે જાય છે અને દીપ્તિ શર્મા થ્રો કરે છે. દીપ્તિ શર્માનો ડિરેક્ટ થ્રો સ્ટમ્પ પર હિટ કરે છે અને મુનીબા અલી આઉટ થાય છે. પાકિસ્તાનના એક માત્ર ખેલાડી મુનીબા અલીએ સૌથી વધારે 41 રન બનાવ્યાં હતાં.
આ પછી પાકિસ્તાનનાં કૅપ્ટન ફાતિમા સના શફાલી વર્માની ઓવરમાં શૂન્ય રન પર આઉટ થાય છે.
દીપ્તિ શર્મા પોતાની છેલ્લી ઓવરમાં 2 રન આપીને 3 વિકેટ લઈને પાકિસ્તાનને ઑલઆઉટ કરી દે છે. દીપ્તિ શર્માએ આ મૅચમાં 4 ઓવરમાં 10 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.
દીપ્તિ શર્માને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું, 'આ પીચ પર બૉલ ટર્ન થતો હતો, જેથી હું દરેક બૉલે અને ઓવરમાં મારી ગતિ બદલતી હતી. મેં વિચાર્યું હતું કે મારે ધીમી બૉલિંગ કરવી જોઈએ, તેનાથી મને મદદ મળી હતી.'
દીપ્તિ શર્મા સિવાય શ્રી ચરણીએ ત્રણ વિકેટ અને શફાલી વર્માએ એક વિકેટ લીધી હતી.
પાકિસ્તાન સામેની જીતના કારણે ભારતને બે પૉઇન્ટ મળ્યા છે અને પોતાના ગ્રૂપમાં બીજા ક્રમે પહોંચ્યું છે. ભારતના ગ્રૂપમાં પહેલાં ક્રમે બે પૉઇન્ટ સાથે ઑસ્ટ્રેલિયા છે જેનો નેટ રનરેટ 3.25 છે, જ્યારે ભારતનો નેટ રનરેટ 3.20 છે. બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમ 2 પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન






















