ખરેખર ભૂતો હોય છે કે આપણું મગજ ખેલ રમે છે? પેરાનૉર્મલ અનુભવો પાછળનું કારણ શું છે

ઇમેજ સ્રોત, Getty
- લેેખક, દાલ્સી સ્ટિફન્સ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
"પ્રાચીન મેસોપોટેમિયાથી ભૂતકથાઓ કહેવાની પરંપરા ચાલી આવે છે. ત્યાં એવી કથાઓ પણ હતી, જેમાં મૃત્યુ પામેલા લોકોનાં ભૂતોની સંભાળ તેમનાં જીવિત સગાંસંબંધીઓએ રાખવી પડતી હતી."
ભૂતોની વાર્તા પ્રત્યેનું લોકોનું આકર્ષણ કોઈ નવી વાત નથી.
અમેરિકાની યુનિવર્સિટી ઑફ વેસ્ટ જ્યોર્જિયાના મનોવિજ્ઞાની પ્રોફેસર ક્રિસ્ટીન સિમન્ડ્સ-મૂર કહે છે કે લોકો એવા અનુભવોમાંથી ચોક્કસ પસાર થાય છે, જેને તેઓ પેરાનૉર્મલ એટલે કે અતિન્દ્રીય માને છે.
આ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે એવા બનાવો માટે થાય છે, જેને વિજ્ઞાન અત્યારે સમજાવી શકતું નથી.
તેઓ કહે છે, "લોકો માટે આ અનુભવો વ્યક્તિલક્ષી રીતે વાસ્તવિક હોય છે... અને તેમની પર તેની બહુ મોટી અસર થઈ શકે છે."
પરંતુ એનો અર્થ એવો નથી કે આ અનુભવો પાછળ કોઈ અલૌકિક કારણ હોય છે.
સિમન્ડ્સ-મૂરના જણાવ્યા અનુસાર, પેરાનૉર્મલ અનુભવ થાય ત્યારે મગજમાં અનેક પ્રકારની પ્રક્રિયાઓ ચાલતી હોઈ શકે છે.
તેની એક સંભવિત સમજૂતી 'હિપ્નાગોજિક અવસ્થા' સાથે સંકળાયેલી છે. આ ઊંઘ અને જાગૃતિની વચ્ચેનો સમયગાળો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સિમન્ડ્સ-મૂર કહે છે, "આવા ઘણા અનુભવો ત્યારે થાય છે, જ્યારે વ્યક્તિની ચેતના સામાન્ય કરતાં થોડી બદલાયેલી અવસ્થામાં હોય છે."
આ સમય દરમિયાન મનમાં ચાલતી કલ્પનાઓ અને બહારની દુનિયાની અનુભૂતિ વચ્ચેની ભેદરેખા ઝાંખી થઈ શકે છે. તેથી બંને વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ બને છે.
આ જ સમય દરમિયાન સ્લીપ પેરાલિસિસ એટલે કે ઊંઘમાં લકવાગ્રસ્ત થઈ જવાની સ્થિતિ પણ આવી શકે છે.
2011માં પ્રકાશિત થયેલી એક સમીક્ષામાં અંદાજ મૂકવામાં આવ્યો હતો કે સામાન્ય લોકોના 7.6 ટકા લોકો આ સ્થિતિનો અનુભવ કરી ચૂક્યા છે.
'સ્લીપ મેડિસિન રિવ્યૂઝ'માં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોને આવરી લેવામાં આવ્યા હતા. જોકે, તેમાં વિદ્યાર્થીઓ અને માનસિક બીમારીઓ ધરાવતા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.
લંડનની ગોલ્ડસ્મિથ્સ યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ ફ્રેન્ચના જણાવ્યા અનુસાર, આ એવી સ્થિતિ છે, જેમાં "તમારું શરીર જાગી જાય છે, પણ મગજ જાગતું નથી."
તેમણે આ યુનિવર્સિટીમાં 'એનોમેલિસ્ટિક સાઇકોલૉજી રિસર્ચ યુનિટ'ની સ્થાપના કરી હતી. આ એકમ દેખીતી રીતે પેરાનૉર્મલ લાગતા અનુભવો પાછળનાં વૈજ્ઞાનિક કારણોનો અભ્યાસ કરે છે.
સ્લીપ પેરાલિસિસ સાથે અનેક લક્ષણો સંકળાયેલાં છે. તેમાં તમારી સાથે જ રૂમમાં કોઈ બીજી વ્યક્તિની હાજરી હોવાની તીવ્ર અનુભૂતિનો પણ સમાવેશ થાય છે.
ફ્રેન્ચ કહે છે, "રૂમમાં તમને બીજું કંઈ દેખાતું કે સંભળાતું ન હોય, છતાં ત્યાં કંઈક છે એવું તમને લાગે છે."
સ્લીપ પેરાલિસિસ દરમિયાન લોકોને સંપૂર્ણ ભ્રમ પણ થઈ શકે છે. તેમાં શારીરિક સંવેદનાઓનો પણ સમાવેશ થાય છે.
ફ્રેન્ચ કહે છે, "આ અનુભવ અત્યંત ભયાનક હોઈ શકે છે. પરંતુ એ માત્ર ભ્રમનો અનુભવ છે. એ વાસ્તવિક નથી."
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પેરિડોલિયા એટલે કે અવ્યવસ્થિત કે આડેધડ દેખાતી વસ્તુઓમાં પણ ચોક્કસ આકાર કે ભાત જોવાની વૃત્તિને કારણે પણ લોકોને પેરાનૉર્મલ અનુભવો થઈ શકે છે.
કૅનેડાના ઍડમન્ટનની મેકઈવાન યુનિવર્સિટીનાં પ્રોફેસર રૉડની શ્માલ્ઝ કહે છે, "આપણી દૃષ્ટિપ્રણાલી જે રીતે કામ કરે છે તેને કારણે આંખના ખૂણેથી કંઈક દેખાય અને આપણે તેને ભૂલથી ચહેરા જેવો આકાર માની લઈએ એવું સહેલાઈથી બની શકે છે, જ્યારે હકીકતમાં ત્યાં એવું કંઈ હોતું નથી."
સિમન્ડ્સ-મૂરના જણાવ્યા અનુસાર, આપણે તણાવમાં હોઈએ ત્યારે આવા આકારો જોવાની વૃત્તિ વધુ પ્રબળ બને છે.
કેટલાક મનોવિજ્ઞાનીઓનું માનવું છે કે એકલા હોઈએ ત્યારે પણ કોઈની હાજરીનો અહેસાસ થવા પાછળ 'ડિસોસિયેશન' નામની સ્થિતિ જવાબદાર હોઈ શકે છે.
સિમન્ડ્સ-મૂરના જણાવ્યા અનુસાર, વ્યક્તિના પોતાના વ્યક્તિત્વના જુદાં જુદાં પાસાં અલગ-અલગ હોવાનો અનુભવ થાય તેને ડિસોસિયેશન કહે છે.
તેઓ કહે છે કે અતિશય તણાવની સ્થિતિમાં આવો અનુભવ થઈ શકે છે. દાખલા તરીકે, કોઈ અકસ્માત વખતે વ્યક્તિને એવું લાગી શકે છે કે તે પોતાનાથી જ અલગ થઈ ગઈ છે.
જોકે, રોજિંદા જીવનમાં પણ આવું બની શકે છે. જેમ કે, ઘરેથી પરિચિત રસ્તે ગાડી ચલાવતી વખતે વ્યક્તિ જાણે આપોઆપ જ ગાડી ચલાવી રહી હોય, એમ બને છે.
સિમન્ડ્સ-મૂર કહે છે કે કોઈની હાજરીનો અહેસાસ થવાના કિસ્સામાં વ્યક્તિને પોતાના જ કોઈ પાસાનો અનુભવ થતો હોય, પરંતુ તે જાણે કોઈ બીજી વ્યક્તિ હોય એવું લાગે છે.
તેઓ ઉમેરે છે કે તણાવ અથવા ઊંઘના અભાવના સમયગાળા દરમિયાન આવી ડિસોસિયેટિવ અવસ્થાઓ થવાની શક્યતા વધુ હોય છે.

ઇમેજ સ્રોત, EvgeniyShkolenko via Getty Images
કેટલાંક સંશોધનોમાં પેરાનૉર્મલ અનુભવોના અહેવાલો અને 'ટ્રાન્સલિમિનાલિટી' નામના મનોવૈજ્ઞાનિક ગુણધર્મ વચ્ચે સંબંધ જોવા મળ્યો છે.
સિમન્ડ્સ-મૂરના જણાવ્યા અનુસાર, આ ગુણધર્મનું મૂલ્યાંકન પ્રશ્નાવલી દ્વારા કરવું સૌથી યોગ્ય છે. તેમાં વધુ ગુણ મેળવનારા લોકો સામાન્ય રીતે "અત્યંત સર્જનાત્મક હોય છે અને કલ્પના તથા ફૅન્ટસીમાં સારા હોય છે." તેઓ "કલા કે સંગીતથી ઊંડે સુધી પ્રભાવિત થવાની" સાથે "પોતાનાં સપનાં યાદ રાખવાની અને તેમાંથી અર્થ તારવવાની" વૃત્તિ પણ ધરાવતા હોય છે.
તેઓ કહે છે કે તેમને પોતાની સાથે કોઈ અદૃશ્ય હાજરી હોવાનો અહેસાસ થવાની શક્યતા પણ વધુ હોય છે.
આવા લોકોને સિનેસ્થેસિયા પણ હોઈ શકે છે. આ એવી સ્થિતિ છે, જેમાં એક ઇન્દ્રિયના માર્ગે મળતી માહિતી બીજી ઇન્દ્રિયને ઉત્તેજિત કરે છે.
સિમન્ડ્સ-મૂર કહે છે કે દાખલા તરીકે, સિનેસ્થેસિયા ધરાવતી કોઈ વ્યક્તિ ગુલાબી રંગ જુએ તો તેના મનમાં અજાગ્રતપણે ગુલાબી રંગ અને ગુલાબ વચ્ચે સંબંધ બંધાઈ શકે છે. પરિણામે તેને ગુલાબની સુગંધ આવતી હોવાનો અહેસાસ થઈ શકે છે.
તેમના મતે, કેટલાક લોકોમાં ઇન્દ્રિયોના આવા પરસ્પર સંમિશ્રિત અનુભવને કારણે પેરાનૉર્મલ અનુભવો થતા હોઈ શકે છે.
જોકે, મનોવૈજ્ઞાનિક ઘટનાઓ જ આ અનુભવોની એકમાત્ર સંભવિત સમજૂતી નથી.
ઊંચી છત હોય તે જગ્યાએ શું વધુ ડર લાગે છે?
ફ્રેન્ચ કહે છે કે કેટલાંક સ્થળો સ્વાભાવિક રીતે જ બીજાં સ્થળો કરતાં વધુ ભયાવહ લાગે છે.
તેઓ કહે છે, "તમે વધુ પ્રકાશવાળા વિસ્તારમાંથી ઓછા પ્રકાશવાળા વિસ્તારમાં જાઓ, તો તેની પણ અસર થાય છે."
"ઊંચી છતવાળી જગ્યાઓ પણ આવું જ એક પરિબળ છે. આવી જગ્યાઓમાં પ્રવેશતાં લોકોને થોડો વધુ તણાવ અને અસ્વસ્થતા અનુભવાય છે."
જોકે, પર્યાવરણનાં કેટલાંક બીજાં પરિબળો થોડાં વધુ જટિલ છે. તેનું એક ઉદાહરણ છે ઇન્ફ્રાસાઉન્ડની હાજરી.
20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિ ધરાવતા ધ્વનિને ઇન્ફ્રાસાઉન્ડ કહે છે. મશીનરી, વાહનોની અવરજવર અને ઘરની પાણીની પાઇપલાઇન તથા હીટિંગ સિસ્ટમ જેવી અનેક વસ્તુઓમાંથી આવા ધ્વનિ ઉત્પન્ન થાય છે. ખાસ કરીને જૂની ઇમારતોમાં આવું જોવા મળે છે.
શ્માલ્ઝના જણાવ્યા અનુસાર, આપણે ઇન્ફ્રાસાઉન્ડને સભાનપણે સાંભળી શકતા નથી, પરંતુ તેનો આપણા પર કોઈ પ્રભાવ પડતો જ નથી એવું નથી.
તેમણે એક અભ્યાસ કર્યો હતો. તેમાં જાણવા મળ્યું કે ઇન્ફ્રાસાઉન્ડની હાજરીને કારણે અભ્યાસમાં સામેલ લોકોની લાળમાં કોર્ટિસોલનું પ્રમાણ થોડું વધ્યું હતું.
કોર્ટિસોલ તણાવ સાથે સંકળાયેલું હૉર્મોન છે. ઇન્ફ્રાસાઉન્ડની હાજરી અને લોકોમાં વધતી ચીડિયાપણાની વૃત્તિ વચ્ચે પણ સંબંધ જોવા મળ્યો હતો.
ઇન્ફ્રાસાઉન્ડ અને પેરાનૉર્મલ અનુભવો વચ્ચેના સંબંધ અંગે મતભેદ છે. ખુદ ફ્રેન્ચે કરેલા એક અભ્યાસમાં આ બંને વચ્ચે કોઈ સંબંધ હોવાના પુરાવા મળ્યા નહોતા.
શ્માલ્ઝ પણ સ્વીકારે છે કે માત્ર ઇન્ફ્રાસાઉન્ડની હાજરીથી પેરાનૉર્મલ અનુભવ થતો નથી. પરંતુ તેમના મતે, ખાસ કરીને પેરિડોલિયા જેવી મનોવૈજ્ઞાનિક ઘટનાઓ ચિંતાને કારણે વધુ તીવ્ર બનતી હોવાથી, ઇન્ફ્રાસાઉન્ડ આ સમગ્ર કોયડાનો "એક નાનકડો હિસ્સો" હોઈ શકે છે.
ચિંતા અનુભવવી કે કોઈકની હાજરીનો અહેસાસ થવો એ એક વાત છે, પરંતુ આવું કંઈક બને ત્યારે આપણે તેને અલૌકિક ઘટના શા માટે સમજીએ છીએ?
માણસનું મગજ સત્ય જાણવા કરતાં અસ્તિત્વ ટકાવી રાખવા પર વધુ ધ્યાન કેમ આપે છે?
કેટલાક લોકો માને છે કે આ સવાલનો જવાબ આપણા ઉત્ક્રાંતિના ઇતિહાસમાં હોઈ શકે છે.
અલૌકિક બાબતોમાં લોકો શા માટે માને છે તેનો અભ્યાસ કરતાં લોકસંસ્કૃતિનાં સંશોધક ડેબોરા હાઇડ કહે છે, "આપણી રચના સત્ય જાણવા માટે નહીં, પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવાની દૃષ્ટિએ થઈ છે."
તેઓ કહે છે, "આપણી ઘણી બધી બૌદ્ધિક અને સંવેદનાત્મક પ્રણાલીઓ કોઈ પરિસ્થિતિનું સંપૂર્ણ સત્ય જાણવાને બદલે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા પર વધુ કેન્દ્રિત છે."
ભૂતકાળમાં કોઈ પણ બાબતનું સૌથી ખરાબ અર્થઘટન કરી લેવાની વૃત્તિએ આપણને ઉત્ક્રાંતિની દૃષ્ટિએ ફાયદો કરાવ્યો હોઈ શકે છે. દાખલા તરીકે, પડછાયાને કોઈ શિકારી પ્રાણી સમજી લેવો અથવા અજાણ્યા અવાજને સંભવિત જોખમ માની લેવો.
હાઇડના જણાવ્યા અનુસાર, આ ઉપરાંત માણસોમાં 'એજન્સી ડિટેક્શન' નામનો એક બૌદ્ધિક પૂર્વગ્રહ પણ હોય છે.
ફ્રેન્ચ કહે છે કે, એનો અર્થ એ છે કે જ્યારે આપણને કોઈ વિચિત્ર અનુભવ થાય છે, ત્યારે "આપણે સામાન્ય રીતે એવું માની લઈએ છીએ કે કોઈ વ્યક્તિ કે સત્તાએ ચોક્કસ હેતુથી આપણી સાથે આવું કર્યું છે."
તેઓ કહે છે, "આવી વિચારસરણીમાંથી એમ માનવા સુધી પહોંચવું અઘરું નથી કે આપણી આસપાસ ક્યાંક જોખમો છુપાયેલાં હોઈ શકે છે. અને આ જોખમો ક્યારેક જુદા જુદા પ્રકારનાં અદૃશ્ય જીવો પણ હોઈ શકે છે."
'કન્ફર્મેશન બાયસ' એટલે કે પોતાની માન્યતાને ટેકો આપતી બાબતો પર જ વધુ ધ્યાન આપવાની વૃત્તિને કારણે પણ લોકો પોતાના અસામાન્ય અનુભવોને અલૌકિક કારણો સાથે જોડી શકે છે.
હાઇડ કહે છે કે જુદી જુદી સંસ્કૃતિઓમાં ચોક્કસ માન્યતાઓ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ ધર્મ અને અંધશ્રદ્ધા જાણે "આપણી સ્વાભાવિક વૃત્તિમાં જ વણાયેલાં છે."
ફ્રેન્ચ કહે છે, "તમે પહેલેથી જ માનતા હો કે ભૂતોનું ખરેખર અસ્તિત્વ છે, તો પછી 'સારું, આ ઘટનાની સમજૂતી તો ભૂતો જ હોઈ શકે' એવું માનવું તમને અતાર્કિક નહીં લાગે."
આની સાથે એ હકીકત પણ જોડાયેલી હોઈ શકે છે કે માણસો ભૂતોના અસ્તિત્વમાં માનવા માગતા હોય છે.
ફ્રેન્ચ કહે છે, "કોઈ બાબત સાચી છે એમ આપણે પહેલેથી માનતા હોઈએ અથવા તે સાચી હોય એવું ઇચ્છતા હોઈએ, ત્યારે તેને સમર્થન આપતા પુરાવા પર આપણું ધ્યાન વધુ જાય છે."
તેઓ કહે છે, "(ભૂતો) મૃત્યુ પછી પણ જીવન હોવાના એક પ્રકારના પુરાવા છે. તેથી આપણે મૃત્યુ પછીના જીવનની કલ્પનામાં માનવા માગતા હોઈએ, તો ભૂતો ખરેખર અસ્તિત્વ ધરાવતા હોઈ શકે છે એ વિચારને પણ આપણે વધુ સહેલાઈથી સ્વીકારી લઈએ છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























