You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈ: મુહર્રમના જુલૂસમાં લોકોને 'ઉંદર મારવાના ઝેરની કૅપ્સ્યૂલ વહેંચી રહ્યો હતો', પોલીસને મળી હજ્જારો કૅપ્સ્યૂલ્સ, શું છે સમગ્ર મામલો?
- લેેખક, અલ્પેશ કરકરે
- પદ, બીબીસી મરાઠી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
મુંબઈમાં મુહર્રમ જુલૂસ દરમિયાન ઉંદર મારવાના ઝેરની કૅપ્સ્યૂલ વહેંચવા બદલ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
ભાયખલા પોલીસે ભીડમાં આ કૅપ્સ્યૂલનું વિતરણ કરનાર વ્યક્તિની ગતિવિધિઓ શંકાસ્પદ જણાતાં તેની ધરપકડ કરી હતી.
પોલીસનો દાવો છે કે તેમને તેની પાસેથી આશરે 15 હજાર ઝેરી કૅપ્સ્યૂલ મળી આવી હતી.
જોકે શંકાસ્પદ વ્યક્તિ દાવો કરે છે કે ગોળીઓ પેન કિલર છે. પરંતુ કથિત રીતે એક વ્યક્તિને તે લીધા પછી ઊબકા અને ઊલટીનો અનુભવ થયો હોવાના અહેવાલ છે.
એઆઈએમઆઈએમ સહિત અનેક વિપક્ષી પક્ષોએ આને ગંભીર મામલો ગણાવ્યો છે અને સંપૂર્ણ તપાસની માંગ કરી છે.
મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે આરોપીએ કબૂલાત કરી છે કે તેનો હેતુ મુહર્રમમાં ભાગ લેનારા લોકોને નિશાન બનાવવાનો હતો.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ 50 કિલોગ્રામ ઝિંક ફૉસ્ફાઇડ અને 30 હજાર ખાલી કૅપ્સ્યૂલ ખરીદી હતી. તેની પાસેથી કુલ 14,900 કૅપ્સ્યૂલ મળી આવી હતી.
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના નેતા હુસૈન દલવીએ આ મામલાની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "આ ખૂબ જ ગંભીર મામલો છે. તેની પાછળના સત્ય સુધી પહોંચવું અને જવાબદારોને ઓળખવા મહત્ત્વપૂર્ણ છે."
"જ્યારે તહેવાર દરમિયાન આવી ઘટનાઓ બને છે ત્યારે તે દર્શાવે છે કે સમાજમાં કેટલી નફરત વધી ગઈ છે."
જોકે, પોલીસ તપાસ હજુ પણ ચાલુ છે અને આરોપી આવું કેમ કરવા માંગતો હતો અને તેનો હેતુ શું હતો તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
શું છે આખો મામલો?
આરોપીની ઓળખ પ્રમાણે તેનું નામ ફયાઝ નિસાર પ્રેમજી છે, તે 39 વર્ષીય અને પુણેના વિમાન નગરના રહેવાસી છે.
તેમની સામે બીએનએસની કલમ 109, 110 અને 123 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈ ઝોન-1ના ડીસીપી જયંત મીણાના જણાવ્યા અનુસાર, "ગઈકાલે (27 જૂન)ના જુલૂસ દરમિયાન ભાયખલા પોલીસે ગોળીઓનું વિતરણ કરી રહેલી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી."
"તે વ્યક્તિએ દાવો કર્યો હતો કે ગોળીઓ પેન કિલર હતી. જોકે, એક વ્યક્તિએ ગોળીઓ ખાધા પછી ઊલટી અને બેચેની અનુભવી હોવાનું કહેવાય છે."
તેમણે એમ પણ કહ્યું કે પોલીસની તત્પરતાને કારણે આ ગોળીઓનું વિતરણ બંધ કરવામાં આવ્યું હતું.
સંબંધિત વ્યક્તિ હાલમાં ખતરાથી બહાર છે. તેની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતા 2023ની કલમ 123 હેઠળ ભાયખલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
આરોપી પાસેથી હજારો કૅપ્સૂલ જબ્ત કરાઈ
પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં તેની પાસેથી 14,900 કૅપ્સ્યૂલ મળી આવી છે.
ડીસીપી જયંત મીણાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, "સવારે લગભગ 4 વાગ્યે સલમાન નામની એક વ્યક્તિએ કૅપ્સ્યૂલ ખાધા પછી ઊલટી અને પેટમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી."
"ઘટનાની તપાસ કર્યા પછી પોલીસે શંકાસ્પદ વ્યક્તિની શોધ શરૂ કરી અને તેની ધરપકડ કરી."
મીણાએ કહ્યું, "તેણે કબૂલાત કરી છે કે તે સરઘસને નિશાન બનાવવા અને મોટા પાયે નુકસાન પહોંચાડવાનું કાવતરું હતું."
"તેણે 50 કિલો ઝિંક ફૉસ્ફાઇડ અને 30,000 ખાલી કૅપ્સ્યૂલ મેળવી હતી. તેણે મુંબઈમાં તેના રોકાણ દરમિયાન છેલ્લા 15 દિવસમાં આ કૅપ્સ્યૂલ ભરી હતી. તે તેને પેન કિલર તરીકે વહેંચવાની યોજના બનાવી રહ્યો હતો."
તેમણે કહ્યું, "મુંબઈ પોલીસની સતર્કતાને કારણે, એક મોટો અકસ્માત અને સંભવિત જાનહાનિ ટળી ગઈ છે. અત્યાર સુધીમાં 14,900 કૅપ્સ્યૂલ મળી આવી છે. બાકીની કૅપ્સ્યૂલ અને રસાયણો અંગે તપાસ ચાલુ છે."
તેમણે વધુમાં કહ્યું, "રંગનો વેપાર કરતા આરોપીએ પોતાના વ્યવસાય દ્વારા રસાયણો મેળવ્યાં હતાં અને કૅપ્સ્યૂલ ઑનલાઇન ઑર્ડર કરી હતી."
"તેના વિદેશ પ્રવાસના સંબંધો અને મુંબઈમાં સંભવિત સહયોગીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે."
આ ઘટના પર ટિપ્પણી કરતા એઆઈએમઆઈએમના નેતા વારિસ પઠાણે કહ્યું, "હું પણ તે સરઘસનો ભાગ હતો. મારી સાથે પણ કંઈક આવું જ બન્યું હશે."
"કોઈ મારી પાસે આવી જ રીતે આવ્યું હશે. પરંતુ હું અલ્લાહનો આભારી છું કે કોઈએ મને આવી કોઈ ગોળીઓ કે કૅપ્સ્યૂલ આપી નથી અને મેં કંઈ લીધું નથી."
તેમણે આગળ કહ્યું, "પરંતુ આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને હું તેની નિષ્પક્ષ તપાસ ઇચ્છું છું. એવી આશંકા છે કે અમારી સામે પણ કંઈક આવું કરવાની યોજના બનાવી ગઈ હોય, હું ત્યાં હાજર હતો, તમે મારો વીડિયો જોયો જ હશે."
"અમારા સંયુક્ત પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) ત્યાં હાજર હતા. "
"સમગ્ર પોલીસ દળ હાજર હતું અને ઘણા સામાજિક કાર્યકરો, રાજકારણીઓ અને અન્ય લોકો પણ ત્યાં હાજર હતા."
મુહર્રમના જુલૂસમાં કૅપ્સ્યૂલ વહેંચવા પર શિયા પર્સનલ લૉ બોર્ડે શું કહ્યું
ઑલ ઇન્ડિયા શિયા પર્સનલ લૉ બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના યાસુબ અબ્બાસે જણાવ્યું હતું કે, "સરઘસ દરમિયાન, ફૈયાઝ પ્રેમજી નામની એક વ્યક્તિએ ભીડમાં ઝેર ભરેલી કૅપ્સ્યૂલનું વિતરણ કર્યું હતું."
"આનું સેવન કર્યા પછી, ઘણા લોકો અસ્વસ્થતા અનુભવવા લાગ્યા. જેમણે આ કૅપ્સ્યૂલનું સેવન કર્યું તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા."
"જોકે તાત્કાલિક કોઈ ભાગદોડ થઈ ન હતી, પોલીસે હાઈ ઍલર્ટ પર જઈને ફૈયાઝ પ્રેમજીની ધરપકડ કરી. અમે કહીએ છીએ કે પ્રેમજી ફક્ત એક પ્યાદુ છે."
"તેની પાછળ રહેલા લોકોની પણ ધરપકડ થવી જોઈએ, કારણ કે આવી ઘટનાઓ પડોશી દેશોમાં બને છે. ભારત સરકાર આ પરિસ્થિતિને અવગણી રહી છે."
તેમણે વધુમાં કહ્યું, "આ આતંકવાદના નવા સ્વરૂપની તૈયારી છે."
"સદીઓ પહેલા કરબલામાં આતંકવાદ સામે અવાજ ઉઠાવનારા અને પોતાના સમગ્ર પરિવારનું બલિદાન આપનારા ઇમામ હુસૈનની યાદમાં કાઢવામાં આવેલા જુલુસ દરમિયાન આ બધું કરવામાં આવી રહ્યું હતું."
"મહારાષ્ટ્ર સરકાર અને ભારત સરકારે આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ."
ઝિંક ફૉસ્ફાઇડ શું છે?
ઝિંક ફૉસ્ફાઇડ એક અત્યંત ઝેરી રસાયણ છે જેનો ઉપયોગ મુખ્યત્વે ઉંદરો અને અન્ય પ્રાણીઓને મારવા માટે થાય છે. તેનો ઉપયોગ ખેતી અને અનાજ સંગ્રહમાં પણ થાય છે.
ઝિંક ફૉસ્ફાઇડ ઝિંક અને ફૉસ્ફોરસથી બનેલું છે. તેનું રાસાયણિક સૂત્ર Zn₃P₂ છે અને તે ઘેરા રાખોડી કે કાળા પાવડર અથવા બને રૂપમાં જોવા મળે છે.
નિષ્ણાતોના મતે, ઝિંક ફૉસ્ફાઇડ પેટના એસિડ સાથે પ્રતિક્રિયા કરીને ફૉસ્ફાઇન નામનો અત્યંત ઝેરી ગૅસ બનાવે છે.
આ ગૅસ શરીરના કોષોને ઊર્જા ઉત્પન્ન કરતા અટકાવે છે. તે હૃદય, ફેફસાં અને યકૃત પર ગંભીર અસરો કરી શકે છે.
આ હેતુઓ માટે મુખ્યત્વે ઝિંક ફૉસ્ફાઇડનો ઉપયોગ થાય છે.
• ખેતીમાં પાકને નુકસાન કરતા ઉંદરોને નિયંત્રિત કરવા.
• અનાજ સંગ્રહ કેન્દ્રો, ખેતરો, બગીચાઓ અને રસ્તાઓ સાથે ખુલ્લા વિસ્તારોમાં.
• મોટાભાગના કિસ્સાઓમાં આ પદાર્થનો ઉપયોગ અનાજ કે ચારા સાથે ભેળવીને કરવામાં આવે છે.
જો ઝિંક ફૉસ્ફાઇડ આકસ્મિક રીતે ગળી જાય અથવા ફૉસ્ફાઇન ગેસ શ્વાસમાં લેવામાં આવે તો તે જીવલેણ બની શકે છે.
આ જ કારણ છે કે ઘણા દેશોમાં આ રસાયણના ઉપયોગ પર કડક નિયમો અને નિયંત્રણો છે અને તે સામાન્ય લોકો માટે સરળતાથી ઉપલબ્ધ નથી.
અગાઉ મુંબઈના પાયધુની વિસ્તારમાં એક પરિવારના ચાર સભ્યોના મોત થયાં હતાં. તે સમયે ફૉરેન્સિક રિપોર્ટમાં ઝિંક ફૉસ્ફાઇડનો ઉલ્લેખ હતો.
ડૉક્ટર શું કહે છે?
મુંબઈના ડૉ. ભૂષણ રોકડેએ બીબીસી મરાઠીને જણાવ્યું, "ઝિંક ફૉસ્ફાઇડ એક અત્યંત ઝેરી રસાયણ છે. તેનો ઉપયોગ ઉંદરોને મારવા માટે 'ઉંદરના ઝેર' તરીકે થાય છે."
"તે સામાન્ય રીતે કાળા અથવા રાખોડી રંગના પાવડર તરીકે જોવા મળે છે. જો કે, તે તેના ઉપયોગ અને સ્વરૂપના આધારે બજારમાં વિવિધ સ્વરૂપોમાં પણ ઉપલબ્ધ છે."
ભૂષણ રોકડેએ જણાવ્યું હતું કે "તેનો ઉપયોગ ઉંદરોને મારવા અને ગોડાઉન, અનાજ સંગ્રહ કેન્દ્રો અને ખેતરોમાં ઉંદરોથી થતા નુકસાનને ઘટાડવા માટે થાય છે."
"તે માનવ શરીર અને પાલતુ પ્રાણીઓ બંને માટે અત્યંત હાનિકારક છે."
ડૉ. રોકડેએ કહ્યું, "આ રસાયણ પેટ દ્વારા શરીરમાં પ્રવેશ્યા પછી અથવા ભેજના સંપર્કમાં આવ્યા પછી, 'ફૉસ્ફિન ગૅસ' ઉત્પન્ન કરે છે, જે અત્યંત ઝેરી છે."
"આ ગૅસ શરીરના કોષોને ઑક્સિજનનો ઉપયોગ કરતા અટકાવે છે અને ઘણા અવયવોને ગંભીર અસર કરે છે."
"તે ઊલટી, લસણ જેવી ગંધ, છાતીમાં જકડાઈ જવું, શ્વાસ લેવામાં તકલીફ અને આઘાતનું કારણ બની શકે છે. થોડી માત્રામાં પણ તે જીવલેણ બની શકે છે."
"તેનો કોઈ ચોક્કસ એન્ટિડોટ ઉપલબ્ધ નથી. તેથી દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ફક્ત જરૂરી સહાયક સારવાર આપવામાં આવે છે."
"આ રસાયણને બાળકો અને ખાદ્ય પદાર્થોથી દૂર રાખવું જોઈએ."
ડૉ. રોકડેએ કહ્યું, "જો તે આકસ્મિક રીતે ગળી ગયું હોય અથવા ઝેરની શંકા હોય, તો વ્યક્તિએ ઊલટી કરાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ."
"આવી સ્થિતિમાં, દર્દીને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવો જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન