થાનગઢ દલિત હત્યાકાંડ : પોલીસ ગોળીબારમાં જ્યાં દીકરો મર્યો પિતાએ ત્યાં જ 14 વર્ષ બાદ આપઘાત કર્યો

ઇમેજ સ્રોત, Sachin Pithhva
વર્ષ 2012માં સુરેન્દ્રનગરના થાનગઢમાં પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામેલા 16 વર્ષીય પંકજ સુમરાના પિતા અમરશી સુમરાએ 26 ઑગસ્ટની રાત્રે થાનગઢ-લાખમાંચી વચ્ચે ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી હોવાનું તેમના પરિવારજનો જણાવી રહ્યા છે.
નોંધનીય છે કે થાનગઢમાં સપ્ટેમ્બર 2012માં તરણેતરના મેળા દરમિયાન દલિતો અને અન્ય એક સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયા બાદ પોલીસ ફાયરિંગમાં મેહુલ રાઠોડ, પંકજ સુમરા અને પ્રકાશ પરમાર નામના ત્રણ દલિતોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
આ બનાવ સમગ્ર રાજયની સાથે સાથે દેશમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
ઘટના અંગે મળી રહેલી વિગતો અનુસાર 53 વર્ષીય અમરશી સુમરાએ હાપાથી મુંબઈ જતી દુરંતો એક્સપ્રેસ સામે પડતું મૂકી 'આત્મહત્યા' કરી હતી, બનાવની જાણ થતાં રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
સુરેન્દ્રનગર જીઆરપીના રેલવે પીએસઆઈ સીપી બાવળિયાએ સુરેન્દ્રનગર ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવાને આ મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.
તેમણે જણાવ્યું, "હાલ, રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. અમે રેલવેના ગાર્ડ અને પરિવારજનોનાં નિવેદનો લઈશું અને પછી તેના આધારે આગળની તપાસ હાથ ધરીશું."
બાકી કોઈ માહિતી આપવાનો હાલ તેમણે ઇન્કાર કર્યો છે.
બાદમાં મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલ લઈ જવાયો હતો. હાલ, રેલવે પોલીસ પરિવારજનોના નિવેદન લઈને અમરશીભાઈની આત્મહત્યાનાં કારણોની તપાસ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)
'એકનો એક દીકરો ગુજરી ગયો, હવે આવું જીવન જીવવું નથી'

ઇમેજ સ્રોત, Sachin Pithhva
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમરશીના ભાઈ વિનોદ સુમરાએ બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવા સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમરશીભાઈનો દીકરો પંકજ મૃત્યુ પામ્યો તેને આજકાલ કરતાં 14 વર્ષ વીતી ગયાં, છતાં ન્યાયની કોઈ વાત નથી. પંકજનું મૃત્યુ તરણેતરના મેળામાં થયું હતું, અને હવે થોડા સમય બાદ ફરી એક વખત મેળો આવી રહ્યો છે. તેઓ દર વખતે એવું જ કહેતા કે, 'મારો એકનો એક દીકરો ગુજરી ગયો, ન્યાય ન મળ્યો. બાપ તરીકેની મારી વેદના હું જ જાણું છું.'"
"મારા ભાઈની એક દીકરી પણ છે, દીકરીને તેમણે થોડા દિવસ પહેલાં ફોન કર્યો હતો, અને રક્ષાબંધન પર ઘરે આવવાનો આગ્રહ કર્યો, પરંતુ દીકરીથી કહેવાઈ ગયું કે, 'મારે વહેલું આવીને શું કામ છે? મારો ક્યાં ભાઈ જીવે છે?' આ સાંભળીને અમરશીભાઈને આઘાત લાગ્યો. એના મનમાં 12-13 વર્ષથી જે ચાલતું હતું, એ અમને ઘણી વાર તેમણે કહ્યું હતું કે 'મારે હવે આવું જીવન જીવવું નથી.'"
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા વેબસાઇટના એક અહેવાલ અનુસાર, અમરસિંહ સુમરાએ થોડા દિવસ પહેલાં જ આ ઘટનામાં મૃત્યુ પામેલા 17 વર્ષીય મેહુલ રાઠોડના પિતા વાલજી રાઠોડને પોતાના દુઃખ વિશે વાત કરી હતી, રાઠોડના જણાવ્યા મુજબ, સુમરા ન્યાયની લાંબી રાહ જોવાને લીધે માનસિક આઘાતમાં હતા.
"અમરશી પોતાના પુત્રને ન્યાય ન મળવાથી તણાવમાં હતા અને વ્યથિત હતા. થોડા દિવસ પહેલાં, તેણે મને કહ્યું હતું કે તેમની પુત્રી દર રક્ષાબંધન પર ભારે દુ:ખી થાય છે, કારણ કે તેનો ભાઈ હવે તેની રક્ષા કરવા માટે જીવિત નથી. તેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ પોતાના પુત્રનું રક્ષણ કરી શક્યા નહીં અને તેમને ન્યાય મળી શક્યો નહીં."
રાઠોડે એવું પણ જણાવ્યું હતું કે પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા ત્રણ યુવાનોની યાદમાં બાંધવામાં આવેલા બુદ્ધ સ્મારક પાસે મધ્ય રાત્રિની આસપાસ સુમરા મૃત હાલતમાં મળી આવ્યા હતા.
રાઠોડે એવું પણ કહ્યું કે, "તેમનું મૃત્યુ ત્યાં થયું, જ્યાં 14 વર્ષ પહેલાં પુત્ર મૃત્યુ પામ્યો હતો."
થાનગઢ પોલીસ ફાયરિંગનો મામલો શું હતો?

ઇમેજ સ્રોત, Getty Images
વેબસાઇટ પ્રમાણે 22 સપ્ટેમ્બર 2012માં તરણેતરના મેળા દરમિયાન 'દલિત અને ભરવાડ' સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું.
હિંસા વધતાં ભીડને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયરગૅસના શૅલ્સ છોડ્યા હતા. જોકે, 22-23 સપ્ટેમ્બરની રાત્રે પોલીસે ભીડને કાબૂ લેવાના પ્રયાસ માટે ફાયરિંગ કરી દીધું. જેમાં 16 વર્ષીય પંકજ સુમરા, 17 વર્ષીય મેહુલ રાઠોડ અને 26 વર્ષીય પ્રકાશ પરમારનાં મૃત્યુ થયાં હતાં.
અન્ય એક યુવાનને ઈજા થઈ હતી. મૃતકો-પીડિતોના સ્વજનો અને દલિત સમૂહોએ પોલીસે આ મામલામાં વધુ 'બળપ્રયોગ' કરવાનો આરોપ કરી પોલીસ પર યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી.
જોકે, પોલીસનું કહેવું હતું કે હિંસાને કાબૂમાં લેવા માટે ફાયરિંગની ફરજ પડી હતી અને સ્થિતિને કાબૂ કરવા માટે ફાયરિંગ જરૂરી હતું.
ગુજરાતની તત્કાલીન નરેન્દ્ર મોદીના વડપણવાળી સરકારે તત્કાલીન સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજયપ્રસાદને આ ઘટનાની તપાસ સોંપી હતી. પ્રસાદે પોતાનો રિપોર્ટ 1 મે 2013ના રોજ સબમિટ કરી દીધો હોવા છતાં તેને ક્યારેય જાહેર નહોતો કરાયો.
બાદમાં આ રિપોર્ટ જાહેર કરવા માટે પીડિતોના પરિવારજનોએ ગુજરાત હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં. કોર્ટે આ રિપોર્ટ જાહેર ન કરવાના કારણ અંગે સરકારનો જવાબ માગ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















