પ્રિન્સિપાલની હત્યા પહેલાં ફોન પર બોલાયેલો એક શબ્દ, જેના લીધે હત્યાનો આરોપી ઝડપાયો

નાલગોંડા: હત્યા પહેલા પ્રિન્સિપાલના ફોન પર 'બાબુ' કહેવાના આધારે પોલીસ આરોપીઓને કેવી રીતે પકડવામાં સફળ રહી?

ઇમેજ સ્રોત, ugc

    • લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

(ચેતવણી: આ અહેવાલમાં કેટલીક વિગતો વિચલિત કરી શકે છે)

'બાબૂ' - આ એક જ શબ્દે એક ક્રૂર હત્યાના આરોપીઓને પકડાવ્યા અને તપાસને વેગ આપ્યો, તેવું પોલીસનું કહેવું છે.

નાલગોંડા પોલીસે નાલગોંડા જિલ્લાના કોંડામલ્લેપલ્લીમાં એક સ્કૂલનાં પ્રિન્સિપલ કલ્લુ રૂપા રેડ્ડીની હત્યા કેસમાં બે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હોવાની જાહેરાત કરી છે.

એસપી શરત ચંદ્ર પવારે જણાવ્યું, "મોજ-શોખ અને જલસાની ટેવને કારણે પૈસા મેળવવા માટે તેમણે પ્રિન્સિપાલની નિર્મમતાથી હત્યા કરી દીધી."

"ચોરી કરવા ગયેલા આ વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે ઓળખી લીધા, એટલે તેમણે તેમની હત્યા કરી નાખી."

વાસ્તવમાં શું બન્યું હતું?

રૂપા રેડ્ડી તેમના પતિ રાજેન્દ્ર રેડ્ડી સાથે નાલગોંડા જિલ્લાના મંડલ મુખ્યાલય કોંડામલ્લેપલ્લીમાં જેબી કૉલોનીમાં રહે છે.

રૂપા રેડ્ડી તેમનાં સહયોગી રાની રેડ્ડી સાથે મળીને નાગાર્જુન ગ્રામર કૉન્સેપ્ટ સ્કૂલ ચલાવે છે. રૂપા રેડ્ડી આ સ્કૂલનાં પ્રિન્સિપાલ હતાં.

11 ઑગસ્ટના રોજ સાંજે શાળાએથી ઘરે પરત ફર્યા બાદ તેમની હત્યામ કરવામાં આવી હતી. પોલીસને તેમના શરીર પર છરીના અનેક ઘા મળ્યા હોવાનું શોધી કાઢ્યું હતું.

આ હત્યા સંદર્ભે 12 ઑગસ્ટના રોજ કોંડામલ્લેપલ્લીમાં પોલીસ સ્ટેશનમાં કેસ નં. 150/26 નોંધવામાં આવ્યો હતો.

હત્યા થઈ તે સમયે રૂપા રેડ્ડી ઘરે એકલાં જ હતાં, કારણ કે તેમના પતિ રાજેન્દર રેડ્ડી કોઈ કામસર હૈદરાબાદ ગયા હતા.

પ્રિન્સિપાલની હત્યાની અલગ-અલગ દૃષ્ટિકોણથી તપાસ

નાલગોંડા: હત્યા પહેલા પ્રિન્સિપાલના ફોન પર 'બાબુ' કહેવાના આધારે પોલીસ આરોપીઓને કેવી રીતે પકડવામાં સફળ રહી?

ઇમેજ સ્રોત, ugc

ઇમેજ કૅપ્શન, રૂપા રેડ્ડીના ઘરની બહાર એકઠા થયેલા લોકો

રૂપા રેડ્ડી હત્યાકાંડ કેસની તપાસ શરૂ કરનારી પોલીસને શરૂઆતમાં પૂરતા પુરાવા મળ્યા ન હતા.

સીસીટીવી કૅમેરામાં હત્યાના સ્થળે લાલ રંગનો શર્ટ (હૂડી) પહેરેલો એક યુવક શંકાસ્પદ રીતે ફરતો દેખાયો, ત્યારબાદ પોલીસે પાંચ સ્પેશિયલ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી.

એસપી શરત ચંદ્ર પવારે કહ્યું, "અમે લગભગ 80 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી અને 70 જેટલા સીસીટીવી કૅમેરાના ફૂટેજ તપાસ્યા."

તેમણે ઉમેર્યું કે મિલકત વિવાદ, કૌટુંબિક ઝઘડા અને આંતરરાજ્ય ગૅંગ દ્વારા લૂંટ જેવા તમામ અલગ-અલગ પાસાં પર તપાસ કરવામાં આવી હતી.

એ એક શબ્દ તપાસમાં નિર્ણાયક બન્યો

નાલગોંડા: હત્યા પહેલા પ્રિન્સિપાલના ફોન પર 'બાબુ' કહેવાના આધારે પોલીસ આરોપીઓને કેવી રીતે પકડવામાં સફળ રહી?

ઇમેજ સ્રોત, ugc

પોલીસને જાણવા મળ્યું કે હત્યા પહેલાં રૂપા રેડ્ડી ફોન પર તેમનાં કાકી (માસી) સાથે વાત કરી રહ્યાં હતાં.

વાતચીત દરમિયાન અચાનક સામે કોઈને જોઈને તેમણે 'બાબૂ' કહ્યું અને તે પછી તરત જ તેમનો ફોન સ્વિચ ઑફ થઈ ગયો હોવાનું કાકીએ પોલીસને જણાવ્યું.

પોલીસે જણાવ્યું કે રૂપા રેડ્ડીએ સામે કોઈને જોઈને 'બાબૂ' કહીને બોલાવ્યા, તે જ વાતથી તપાસને સાચો રસ્તો મળ્યો.

પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે રૂપા રેડ્ડી સામાન્ય રીતે સ્કૂલના વિદ્યાર્થીઓને જ પ્રેમથી 'બાબૂ' કહીને બોલાવતાં હતાં.

આ માહિતીના આધારે પોલીસે આ હત્યામાં વિદ્યાર્થીઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી.

આ કેસ કેવી રીતે ઉકેલાયો

નાલગોંડા: હત્યા પહેલા પ્રિન્સિપાલના ફોન પર 'બાબુ' કહેવાના આધારે પોલીસ આરોપીઓને કેવી રીતે પકડવામાં સફળ રહી?

રૂપા રેડ્ડીના અવસાનના શોકમાં શાળામાં ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

એસપી શરત ચંદ્ર પવારે વિગત આપતાં કહ્યું, "સ્કૂલ ખૂલ્યા પછી 13 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તેમાંથી ધોરણ 10માં ભણતા 5 વિદ્યાર્થીઓ પર શંકા જતાં પૂછપરછ કરવામાં આવી."

"તેમની પૃષ્ઠભૂમિની તપાસ ચાલતી હતી ત્યારે જાણવા મળ્યું કે રૂપા રેડ્ડીના મૃત્યુ પછી બે વિદ્યાર્થીઓએ ખૂબ પૈસા ખર્ચીને પાર્ટીઓ આપી હતી."

"તેમની અટકાયત કરીને પૂછપરછ કરાતાં પહેલાં તેમણે માતાપિતાએ પૈસા આપ્યા હોવાનું કહ્યું, પરંતુ બાદમાં રૂપા રેડ્ડીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી."

તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્ય આરોપી વિદ્યાર્થી પાસેથી 1,54,000 રોકડા અને એક આઇફોન જપ્ત કરવામાં આવ્યો છે, જે આઇફોન તેણે 60,000 રૂપિયામાં ખરીદ્યો હતો.

વિદ્યાર્થીઓ સગીર હોવાને કારણે પોલીસે તેમની ઓળખ, ગામ કે પરિવારની વિગતો જાહેર કરી નથી. આથી બીબીસી તેમના પરિવારજનોનો સંપર્ક કરી શક્યું નથી.

માટીના ઢગલામાંથી ઘરમાં પ્રવેશવું

નાલગોંડા: હત્યા પહેલા પ્રિન્સિપાલના ફોન પર 'બાબુ' કહેવાના આધારે પોલીસ આરોપીઓને કેવી રીતે પકડવામાં સફળ રહી?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસે જણાવ્યું કે બે વિદ્યાર્થીઓમાંથી એક રૂપા રેડ્ડીના ઘરમાં ઘૂસી ગયો હતો, જ્યારે બીજો ઘરની બહાર ઊભો રહીને ચોકીદારી કરતો હતો.

કોંડામલ્લેપલ્લીના જેબી કૉલોનીમાં રૂપા રેડ્ડીના ઘરે જતાં માલૂમ પડ્યું કે ઘરની બે બાજુ ખુલ્લા પ્લૉટ છે, એક બાજુ રોડ અને બીજી બાજુ અન્ય મકાન છે.

ઘરની પાછળના ભાગે માટીના ઢગલા અને પથ્થરો પડેલા છે, જેના પરથી મુખ્ય આરોપી વિદ્યાર્થી અંદર ગયો હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે. તે રસોડાના દરવાજામાંથી અંદર પ્રવેશ્યો અને આ ગુનો આચર્યો.

ઘરમાં સીસીટીવી કૅમેરા લાગેલા હતા. જોકે, હાલ સ્કૂલનું સંચાલન સંભાળી રહેલા જ્યૉર્જ રેડ્ડીએ જણાવ્યું કે વિદ્યાર્થી જે બાજુથી અંદર ઘૂસ્યો હતો તે તરફનો સીસીટીવી કૅમેરો કેટલાક દિવસો પહેલાં બીજી તરફ ફેરવી દેવાયો હતો. બાંધકામની સામગ્રી પર નજર રાખવા માટે કૅમેરો ફેરવાયો હોવાથી રસોડાના દરવાજા તરફનાં દૃશ્યો રેકૉર્ડ થઈ શક્યા નહોતા.

પરંતુ આરોપી વિદ્યાર્થીનાં દૃશ્યો આસપાસનાં અન્ય ઘરોના સીસીટીવી કૅમેરામાં રેકૉર્ડ થઈ ગયાં હતાં.

બીબીસી ટીમ પહોંચી ત્યારે રૂપા રેડ્ડીના ઘરે કોઈ હાજર નહોતું. શાળાના શિક્ષકોએ જણાવ્યું કે પરિવારજનો તેમની અંતિમક્રિયા અને પછીની વિધિઓમાં વ્યસ્ત હતા.

"જપ્ત કરાયેલી નોટો પર લોહીના ડાઘ"

નાલગોંડા: હત્યા પહેલા પ્રિન્સિપાલના ફોન પર 'બાબુ' કહેવાના આધારે પોલીસ આરોપીઓને કેવી રીતે પકડવામાં સફળ રહી?

ઇમેજ સ્રોત, ugc

એસપીએ મીડિયાને જણાવ્યું કે વિદ્યાર્થી પાસેથી જપ્ત કરાયેલી ત્રણ ચલણી નોટો પર લોહીના ડાઘ હતા. તેને લૅબમાં મોકલવામાં આવતાં તે માનવ લોહી હોવાની પુષ્ટિ થઈ છે.

રૂપા રેડ્ડીની હત્યાના લગભગ 15-20 દિવસ પહેલાં બનેલી એક ઘટના પણ આ હત્યા પાછળનું કારણ હોવાનું પોલીસ માને છે.

એસપીએ કહ્યું, "શાળાની હૉસ્ટેલમાં રહેતા આરોપી વિદ્યાર્થીઓમાંથી એકના બૅગમાંથી મોબાઇલ અને પૈસા મળી આવતાં તેને હૉસ્ટેલમાંથી કાઢીને ડે-સ્કૉલર બનાવી દેવાયો હતો."

"તપાસમાં સામે આવ્યું કે તેને દારૂ વગેરે વ્યસનોની ટેવ પડી ગઈ હતી અને જલસા માટે ગમે તેમ કરીને પૈસા કમાવવા માંગતો હતો."

"ડે-સ્કૉલર બનાવી દેવાનો ગુસ્સો મનમાં રાખીને તેણે પ્રિન્સિપલના ઘરમાં ચોરી કરવાનો પ્લાન બીજા વિદ્યાર્થી સાથે મળીને બનાવ્યો હતો."

"ચાર-પાંચ દિવસ રેકી કરી"

નાલગોંડા: હત્યા પહેલા પ્રિન્સિપાલના ફોન પર 'બાબુ' કહેવાના આધારે પોલીસ આરોપીઓને કેવી રીતે પકડવામાં સફળ રહી?

ઇમેજ સ્રોત, ugc

હત્યા પહેલાં આરોપીઓએ ચાર-પાંચ દિવસ સુધી રેકી કરી હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે.

એસપીએ વિગતો આપતાં કહ્યું, "11 ઑગસ્ટ સુધીમાં સ્કૂલની ફી જમા થઈ ગઈ હશે તેવું ધારીને તેમણે ચોરીનો પ્લાન બનાવ્યો."

"હત્યા પહેલાં તેમણે છરી, ગ્લોવ્ઝ અને માસ્ક ખરીદ્યા અને કોંડામલ્લેપલ્લીના સીમાડે ભેગા થયા."

"સ્કૂલ પૂરી થયા પછી સાંજે રૂપા રેડ્ડીને ઘરે આવતા જોઈને તેઓ પાછળના ભાગેથી ઘરમાં ઘૂસ્યા. એક વિદ્યાર્થી બહાર ઊભો રહ્યો અને બીજો અંદર ગયો."

"ઘરમાંથી પૈસા લઈને ભાગતી વખતે રૂપા રેડ્ડીએ તેને ઓળખી લીધો અને બૂમો પાડવા લાગ્યાં, જેથી તેણે પોતાની પાસે રહેલી છરીથી તેમના પર હુમલો કરી દીધો.

"આ દરમિયાન તેમનો ફોન નીચે પડી ગયો હતો. તેઓ જીવંત હોવાથી ફોન કરીને કોઈને જાણ ન કરી દે તે હેતુથી તે વિદ્યાર્થી તેમનો ફોન પણ સાથે લઈને ભાગી ગયો."

એસપીએ જણાવ્યું હતું કે ચોરી કરવા ગયા હોવા છતાં ઓળખાઈ જવાના ડરથી વિદ્યાર્થીએ ગભરાટમાં હત્યા કરી નાખી.

ઝડપથી પૈસા કેવી રીતે કમાવવા તે અંગે બંને વિદ્યાર્થીઓએ યુટ્યુબ પર સર્ચ કર્યું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

એક મહિના પહેલાં તેઓ ગોવા ટ્રિપ પર પણ ગયા હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂપા રેડ્ડીનો ફોન પણ કબજે કર્યો છે.

1999થી સ્કૂલ ચલાવતાં હતાં રૂપા રેડ્ડી

નાલગોંડા: હત્યા પહેલા પ્રિન્સિપાલના ફોન પર 'બાબુ' કહેવાના આધારે પોલીસ આરોપીઓને કેવી રીતે પકડવામાં સફળ રહી?

રૂપા રેડ્ડી અને રાણી રેડ્ડીએ મળીને 1999માં કોંડામલ્લેપલ્લીમાં નાગાર્જુન ગ્રામર કન્સેપ્ટ સ્કૂલ શરૂ કરી હતી. આ પહેલાં બંને એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતાં હતાં.

રાણી રેડ્ડીએ કહ્યું, "જ્યારે અમને સ્કૂલ શરૂ કરવાનો વિચાર આવ્યો ત્યારે રૂપા રેડ્ડી પણ આગળ આવ્યાં. ત્યારથી અમે કોઈ પણ સમસ્યા વગર સ્કૂલ ચલાવી રહ્યાં છીએ."

બીબીસીએ રાણી રેડ્ડીના પતિ અને નિવૃત્ત સરકારી શિક્ષક જ્યૉર્જ રેડ્ડી સાથે વાત કરી.

તેમણે કહ્યું, "અમે નાનપણથી રૂપા રેડ્ડીને ઓળખતા હતા. એટલે જ્યારે સ્કૂલ શરૂ કરવાનો વિચાર આવ્યો ત્યારે મારી પત્ની રાણી રેડ્ડીએ તેમની સાથે મળીને શાળા શરૂ કરી."

"પહેલાં અમે હૉસ્ટેલ પણ ચલાવતા હતા, પરંતુ કોરોના પછી હૉસ્ટેલ બંધ કરી દીધી હતી. બે વર્ષ પહેલાં ફરીથી હૉસ્ટેલ શરૂ કરીને તેની જવાબદારી બે શિક્ષકોને સોંપી હતી."

જ્યૉર્જ રેડ્ડીએ ઉમેર્યું કે રૂપા રેડ્ડી સાથે તેમની છેલ્લી વાતચીત 6-7 ઑગસ્ટે થઈ હતી, તે પછી તેમના ભાઈનું અવસાન થતાં તેઓ તે કામમાં વ્યસ્ત થઈ ગયાં હતાં.

"આટલી ભયાનક ઘટના બનશે એવી કલ્પના પણ નહોતી કરી."

"ઘટનાના બીજા દિવસે સવારે રૂપા રેડ્ડીના પતિ રાજેન્દર રેડ્ડીએ ફોન કરીને જાણ કરી ત્યારે અમને ભારે આઘાત લાગ્યો."

"વિદ્યાર્થીઓએ જ આ કૃત્ય કર્યું છે તે જાણીને ખૂબ જ દુઃખ થાય છે. રૂપા રેડ્ડી વિદ્યાર્થીઓને હંમેશાં ખૂબ જ પ્રેમથી રાખતાં હતાં."

જ્યૉર્જ રેડ્ડીએ રૂપા રેડ્ડીને યાદ કરતાં દુઃખ વ્યક્ત કર્યું.

"બાળકોના વર્તન પર હંમેશાં નજર રાખવી જોઈએ"

નાલગોંડા: હત્યા પહેલા પ્રિન્સિપાલના ફોન પર 'બાબુ' કહેવાના આધારે પોલીસ આરોપીઓને કેવી રીતે પકડવામાં સફળ રહી?

ઇમેજ સ્રોત, ugc

હૈદરાબાદ સ્થિતકાઉન્સિલિંગ સાયકોલૉજિસ્ટ અનિતા આરેએ બીબીસીને જણાવ્યું હતું કે, આચરણ વિકાર નાની ઉંમરે બાળકોમાં સનકી પ્રવૃત્તિઓના વિકાસ તરફ દોરી શકે છે.

અનિતા આરેએ કહ્યું, "નાનપણથી જ બાળક જે માંગે તે આપી દેવું યોગ્ય નથી. તેનાથી ભવિષ્યમાં કોઈ વસ્તુ ન મળે ત્યારે તેમનામાં આવું વર્તન આવવાનું જોખમ રહે છે."

"બાળકોને નાનપણથી જ સારું અને ખરાબ શું છે તે સમજાવવું જોઈએ. કોઈ પણ વસ્તુ મહેનત કરવાથી જ મળે છે, સરળતાથી કશું મળતું નથી તે બાબત તેમને સ્પષ્ટ કરવી જોઈએ."

તેમણે ઉમેર્યું કે બાળકોમાં શિસ્ત જાળવવાની જવાબદારી માતાપિતાથી લઈને શિક્ષકો સુધી તમામની છે અને દરેકે તેમના વર્તન પર સતત નજર રાખવી જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન