સુરત : ટી સ્ટૉલના માલિકને બેરહેમીથી મારવાનો પોલીસ પર આરોપ, મામલો હાઇકોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?

Gujarat, Surat, ગુજરાત સુરત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Manoj Saroj

ઇમેજ કૅપ્શન, ફરિયાદી મનોજ સરોજે પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

સુરતમાં એક ટી સ્ટૉલના સંચાલકે સ્થાનિક પોલીસ પર 'મફતમાં પાણી અને નાસ્તા' મામલે તેને બેરહેમીથી માર મારવાનો અને દુકાનમાંથી રૂપિયા ચોરી જવાનો આરોપ લગાવ્યો છે.

મૂળ ઘટના એક મહિના કરતા વધુ સમય અગાઉ બની હતી, પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન થવાથી મામલો હવે હાઇકોર્ટમાં પહોંચ્યો છે.

પોલીસના કથિત અત્યાચારનો ભોગ બનનાર વ્યક્તિ મનોજ સરોજ મૂળ ઉત્તર પ્રદેશના છે અને લિંબાયત વિસ્તારમાં એક ટી સ્ટૉલ ધરાવે છે.

તેમનો આરોપ છે કે ગઈ 13 જુલાઈએ પોલીસના ડી-સ્ટાફના માણસો તેની પાસે મફતમાં પાણીની બૉટલો લેવા આવ્યા હતા, જેની સામે તેણે વાંધો ઉઠાવતા તેને બળજબરીથી પોલીસ સ્ટેશને ઉઠાવી જવાયો હતો અને ત્યાં દંડાથી માર મારવામાં આવ્યો હતો.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. પોલીસ પર અત્યાચાર કરવાનો આરોપ લગાવતા મનોજ સરોજનું કહેવું છે કે આ મામલે તેમણે પોલીસ કમિશનરની કચેરીએ પુરાવા અને વીડિયો રેકૉર્ડિંગ સાથે અરજી કરી હતી છતાં એક મહિના કરતા વધુ સમયથી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી.

તેના કારણે હવે તેમણે હાઇકોર્ટમાં સુરતના પોલીસ કમિશનર, ઝોન-2ના ડીસીપી, લિંબાયતના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓને પાર્ટી બનાવીને વિરુદ્ધ પિટિશન દાખલ કરી છે.

તેમનું કહેવું છે કે પોલીસના મારમાં તેમને સખત ઈજાઓ પહોંચી છે અને પોલીસના ડરથી હાલમાં તેઓ સુરત છોડીને મુંબઈ જતા રહ્યા છે, પરંતુ પોલીસ કર્મચારીઓ હવે તેમના ભાઈને હેરાન કરે છે જેઓ હાલમાં મનોજનો ટી સ્ટૉલ ચલાવે છે.

ટી સ્ટૉલના માલિકનું શું કહેવું છે?

બીબીસી ગુજરાતી સુરત પોલીસ સ્ટેશન લિંબાયત આરોપી અત્યાચાર કમિશનર ઇન્સ્પેક્ટર

ઇમેજ સ્રોત, Manoj Saroj

ઇમેજ કૅપ્શન, ટી સ્ટૉલ ચલાવતા મનોજનો આરોપ છે કે પોલીસે તેને પોલીસ સ્ટેશને લઈ જઈને પુષ્કળ માર માર્યો હતો.

બીબીસીએ આ ઘટના વિશે મનોજ સરોજ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે પોલીસના ત્રાસથી કંટાળીને તેઓ હાલમાં મુંબઈ જતા રહ્યા છે અને તેમના પગમાં સખત ઈજા હોવાના કારણે તેની સારવાર કરાવી રહ્યા છે.

તેમના કહેવા પ્રમાણે લિંબાયત પોલીસના ડી-સ્ટાફના માણસો તેની પાસેથી દરરોજ 700થી 800 રૂપિયાની ચીજવસ્તુઓ મફતમાં લઈ જતા હતા. પરંતુ 13 જુલાઈએ તેમણે આ સામે વાંધો ઉઠાવ્યો ત્યારે પોલીસ અદાવત રાખીને તેને ઉઠાવી ગઈ અને તેને માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ તેમણે આપ્યા છે જેમાં પોલીસ કર્મચારીઓ મનોજ સરોજના વાળ પકડીને તેમને દંડાથી ફટકારતા હોય અને બળજબરીથી ઢસડી જતા હોય તેવું જોવા મળે છે.

તેમનો આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં તેમને ઊંધા સુવડાવીને 250 દંડા ફટકારવામાં આવ્યા હતા તથા જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા. આ મામલે તેમણે પોલીસ કમિશનરની કચેરીમાં રજૂઆત કરી હતી છતાં પોલીસ કર્મચારીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. અંતે કંટાળીને તેમણે પોલીસ અધિકારીઓ અને ડી-સ્ટાફના માણસો વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી છે.

બીબીસી ગુજરાતી સુરત પોલીસ સ્ટેશન લિંબાયત આરોપી અત્યાચાર કમિશનર ઇન્સ્પેક્ટર

ઇમેજ સ્રોત, Ajit Gadhvi

ઇમેજ કૅપ્શન, સુરતના લિંબાયત વિસ્તારમાં મનોજ સરોજનો ટી સ્ટૉલ છે. તેના આરોપ પ્રમાણે પોલીસ અહીંથી ચીજ વસ્તુઓ લઈ જતી, પરંતુ રૂપિયા આપતી ન હતી. પોલીસે આરોપ નકારી કાઢ્યો છે.

મનોજે બીબીસીને જણાવ્યું કે "પોલીસવાળા રિક્શા લઈને આવ્યા અને 18 બૉટલો માંગી. મેં પૂછ્યું કે આટલી બધી બૉટલો કોણે મગાવી છે, તો જવાબ આપવાના બદલે પોલીસ સ્ટેશને જતા રહ્યા અને ત્યાંથી પીએસઆઈ જાડેજા અને બીજા પાંચ-છ લોકો આવ્યા."

"તેમણે મને વાળ પકડીને ઘસડીને માર્યો જે બધું સીસીટીવી કેમેરામાં રેકૉર્ડ થયું છે. ત્યાર પછી પોલીસ સ્ટેશનમાં પણ ઢોર માર મારવામાં આવ્યો હતો."

તેમના કહેવા મુજબ લગભગ છ વર્ષથી તેમની દુકાનેથી માલ લઈ જવાતો હતો. અગાઉ પણ વાંધો ઉઠાવ્યો ત્યારે ગાળો આપતા, ઉઠાવી જતા અને મારતા હતા, પરંતુ આટલું બધું ટૉર્ચર કરવામાં આવ્યું ન હતું.

તેમણે કહ્યું કે, "હાલમાં મારા પગમાં જામી ગયું છે જેની મુંબઈમાં સારવાર કરાવું છું અને ઇન્જેક્શનથી કઢાવવામાં આવી રહ્યું છે. "

પોલીસ પર વીડિયો ડિલીટ કરવાનો આરોપ

બીબીસી ગુજરાતી સુરત પોલીસ સ્ટેશન લિંબાયત આરોપી અત્યાચાર કમિશનર ઇન્સ્પેક્ટર

ઇમેજ સ્રોત, CCTV

ઇમેજ કૅપ્શન, 13 જુલાઈના વીડિયોમાં સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ મનોજ પર બળપ્રયોગ કરતા જોવા મળે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મનોજ સરોજના ઍડવોકેટ દીપક કોકસે જણાવ્યું કે, "પોલીસ સ્ટેશનમાં મારવાના કારણે મનોજની હાલત ખરાબ થતા પોલીસે જ ઍમ્બ્યુલન્સ જ બોલાવી અને તેને સ્મીમેર હૉસ્પિટલે લઈ ગયા જ્યાં મનોજને સારવાર અપાઈ હતી."

"ત્યાર પછી બીજા દિવસે મનોજે પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરી. આ તપાસ ઝોન-2ના ડીસીપી કાનન દેસાઈને સોંપવામાં આવી."

"અમે તેમને વીડિયો અને બીજા પુરાવા શૅર કર્યા હતા. પરંતુ એક મહિનાથી વધુ સમય સુધી કોઈ કાર્યવાહી ન થઈ."

"આ દરમિયાન કમિશનરને કરેલી અરજી પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. ચૌહાણ પાસે ગઈ. તેમણે કોઈ ગુનો દાખલ ન કર્યો."

ત્યાર પછી પોલીસે ઊલટાનું ધમકાવવાનું શરૂ કર્યું. અંતે કંટાળીને અમે હાઇકોર્ટમાં અરજી કરી જેમાં પોલીસ કમિશનર, ડીસીપી અને પીઆઈને પાર્ટી બનાવી છે અને જવાબદાર લોકો સામે પગલાં લેવા માંગણી કરી છે."

તેમણે કહ્યું કે, "અમે મેડિકલ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજ સબિત બધા પુરાવા આપ્યા હોવા છતાં ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે 13 જુલાઈની ઘટના પછી પોલીસવાળાએ આવીને ટી સ્ટૉલના સીસીટીવી ફૂટેજ ભૂંસી નાખવા માટે ડીવીઆર (ડિજિટલ વીડિયો રેકૉર્ડર ) લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં વીડિયો ડિલીટ કરી નાખ્યા હતા, જેને અમે રિટ્રિવ કરીને પાછા મેળવ્યા છે."

પોલીસ સ્ટેશનનો ડી- સ્ટાફ એ સર્વેલન્સ અથવા ગુનાશોધક સ્ટાફ હોય છે, જેઓ સિવિલ ડ્રેસમાં બધા વિસ્તારોમાં ફરીને કામ કરતો હોય છે.

દીપક કોકસે જણાવ્યું કે મનોજ સરોજની અરજી પર હાઇકોર્ટમાં 21 ઑગસ્ટે સુનાવણી થઈ હતી, જેમાં પોલીસ કમિશનર, ડીસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટરને આગામી તારીખે સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે.

'પોલીસ અમને હજુ પરેશાન કરે છે'

બીબીસી ગુજરાતી સુરત પોલીસ સ્ટેશન લિંબાયત આરોપી અત્યાચાર કમિશનર ઇન્સ્પેક્ટર

ઇમેજ સ્રોત, Ajit Gadhvi

ઇમેજ કૅપ્શન, મનોજની ગેરહાજરીમાં ટી સ્ટૉલ ચલાવતા તેમના ભાઈ પ્રમોદ સરોજ

પોલીસથી પરેશાન મનોજ સુરત છોડીને બહાર જતા રહ્યા છે ત્યારે હાલમાં તેમના ભાઈ પ્રમોદ ટી સ્ટૉલ ચલાવે છે.

પ્રમોદ સરોજે પણ બીબીસીને જણાવ્યું કે હજુ પણ દરરોજ પોલીસ આવે છે અને તેમને ધમકાવે છે તથા સુરત છોડીને જતા રહેવા કહે છે.

તેમણે કહ્યું કે, "થોડા દિવસો પહેલાં ડી સ્ટાફના કર્મચારીઓએ મારા ભાઈને બહુ માર્યો હતો."

"હાલમાં તે મુંબઈ છે જ્યાં સારવાર કરાવી રહ્યા છે. લિંબાયત પોલીસ સ્ટેશનના લોકો અમને હજુ ધમકાવે છે."

"પોલીસે અમારી પાસેથી ભાડા કરાર અને અમારા માણસોના ડૉક્યુમેન્ટ્સ માંગે છે જે અમારી પાસે નથી કારણ કે બધા કારીગરો અમારા ઓળખિતા છે.

પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. ચૌહાણ મને ઉઠાવી ગયા ત્યારે થપ્પડો મારી હતી તેવો આરોપ તેમણે લગાવ્યો હતો.

દુકાનદારના આરોપો પર પોલીસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી સુરત પોલીસ સ્ટેશન લિંબાયત આરોપી અત્યાચાર કમિશનર ઇન્સ્પેક્ટર

ઇમેજ સ્રોત, Ajit Gadhvi

ઇમેજ કૅપ્શન, લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. ચૌહાણ

બીબીસીએ કથિત પોલીસ અત્યાચાર વિશે લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. ચૌહાણ અને ઝોન-2ના ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) ડૉ. કનન દેસાઈ સાથે વાત કરી હતી.

લિંબાયતના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી ચૌહાણે કહ્યું કે, "13 જુલાઈની રાતે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કેટલાક લોકો રોડ પર સ્ટુલ લગાવીને બેઠા હતા. પોલીસ ત્યાં પહોંચી ત્યારે લોકો ભાગ્યા જેમાંથી પોલીસે એકને પકડ્યો હતો."

"તે દરમિયાન ટી સ્ટોરના માલિક મનોજ સરોજે પોલીસ સાથે બોલાચાલી કરી અને પોલીસે પકડેલી વ્યક્તિને છોડી દેવા બરાડા પાડ્યા."

પીઆઈ ચૌહાણનું કહેવું છે કે ત્યાર પછી પોલીસે મનોજને પકડ્યો. "અમે તેને પૂછપરછ કરવા લઈ જવા માંગતા હતા, પરંતુ તે આવવા તૈયાર ન હતો અને લોખંડની ગ્રીલ પકડી રાખી હતી તેથી પોલીસે તેના પર બળપ્રયોગ કર્યો હતો."

"પોલીસ સ્ટેશને પહોંચ્યા પછી મનોજે છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી તેથી અમે તેને હૉસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેણે એવું નથી લખાવ્યું કે પોલીસે તેને માર માર્યો છે."

તેમના કહેવા પ્રમાણે "મનોજને બે કલાકમાં હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. ત્યાર બાદ અમે તેની પાસેથી ભાડા કરાર માંગ્યા જે તેની પાસે ન હતા. તેણે જેની જગ્યા પર દુકાન બનાવી છે તે મૂળમાલિક સામે પણ નાણાં ધીરવાને લગતા ગુના દાખલ છે. તેથી અમે મનોજ સામે જાહેરનામાના ભંગની કલમ 223 હેઠળ ફરિયાદ દાખલ કરી છે."

તેમણે એમ પણ કહ્યું કે "લિંબાયત એ ક્રાઇમની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર છે તેથી વિશેષ ધ્યાન રાખવું પડે છે અને ગંભીર ગુનાઓ અટકાવવા માટે 11 વાગ્યા સુધીમાં રસ્તા પરની દુકાનો બંધ કરાવવામાં આવે છે."

બીબીસી ગુજરાતી સુરત પોલીસ સ્ટેશન લિંબાયત આરોપી અત્યાચાર કમિશનર ઇન્સ્પેક્ટર

ઇમેજ સ્રોત, Dr Kanan Desai/Twitter

ઇમેજ કૅપ્શન, સુરતના ઝોન-2ના ડીસીપી ડૉ. કાનન દેસાઈ

લિંબાયત પોલીસના માણસો ટી સ્ટૉલ પરથી મફતમાં પાણીની બૉટલો અને ઠંડા પીણાં લઈ જતા હતા તેવા આરોપોને ડી ડી ચૌહાણે નકારી કાઢ્યા હતા.

તેમણે કહ્યું કે "સીસીટીવી ફૂટેજમાં અમે પાણીની બૉટલો લઈ જઈએ છીએ એવું ક્યાંય નથી. મનોજના ગલ્લામાંથી રૂપિયા કાઢી લીધા એ વાતના પણ પુરાવા નથી."

મનોજે પોલીસ પર તેમને બેરહેમીથી મારવાનો આરોપ મૂક્યો છે તેને પણ પીઆઈએ નકારી કાઢ્યા અને કહ્યું કે મનોજ સરોજના મેડિકલ રિપોર્ટમાં પણ આવું કંઈ નથી.

જ્યારે સુરતના ઝો-2ના ડીસીપી ડૉ. કાનન દેસાઈએ બીબીસીને આ વિશે જણાવ્યું હતું કે ફરિયાદીઓ આ મામલે તેમની પાસે આવ્યા હતા અને તેમણે ઇન્કવાયરીની સૂચના આપી દીધી હતી. આ ઘટના વિશે લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને સામેના પક્ષને બોલાવવામાં આવ્યા હતા અને આ મામલે લીગલ ઍક્શન માટે કાર્યવાહી થઈ ચૂકી છે.

બીજા કોઈ સવાલો વિશે તેમણે સત્તાવાર ટિપ્પણી કરી ન હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન