ગુજરાતમાં નોરતાંમાં વરસાદ પડવાની શક્યતા ખરી? ઠંડીની શરૂઆત ક્યારે થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ઑક્ટોબર મહિનાની શરૂઆતથી વહેલી સવારે અને રાત્રે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સાથોસાથ બપોરે ક્યારેક અંગ દઝાડતી ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે.
હવે નવરાત્રિ આડે થોડા દિવસ બાકી છે, ત્યારે દર વર્ષની માફક હાલ પણ એક વાતની ચર્ચા વારંવાર થઈ રહી છે, નવરાત્રિ દરમિયાન હવામાન કેવું રહેશે, તેમજ વરસાદનું વિઘ્ન નવરાત્રિમાં ખેલૈયાઓને નિરાશ કરશે કે કેમ?
નોંધનીય છે કે, ગુજરાતમાં આ સિઝનમાં અપેક્ષા પ્રમાણે સરેરાશ કરતાં ઓછો વરસાદ પડતાં, ઘણા જિલ્લામાં વરસાદની 'ઘટ'ની ફરિયાદ ઊઠી છે.
આ ફરિયાદો વચ્ચે હવે, હવામાન વિભાગે રાજ્યમાં આગામી થોડા દિવસ અને નવરાત્રિ દરમિયાન વરસાદની સ્થિતિ અને હવામાનની સામાન્ય સ્થિતિ અંગેનો વરતારો જાહેર કર્યો છે.
ગુજરાતમાં નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વરસાદની શક્યતા ખરી?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગે 8 ઑક્ટોબરની સાંજે જાહેર કરેલી આગાહીની વિગતોમાં 9 ઑક્ટોબરથી 15 ઑક્ટોબરની સવાર સુધીની રાજ્યના હવામાનની સ્થિતિ અંગે વરતારો જાહેર કર્યો છે.
જે પ્રમાણે 9થી 15 ઑક્ટોબરની સવાર સુધીના દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની કોઈ શક્યતા નથી. આ દિવસો દરમિયાન આ પ્રદેશોમાં મોટા ભાગે શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
નોંધનીય છે કે, નવરાત્રિ પર્વની શરૂઆત 11 ઑક્ટોબરથી થવાની છે.
ગુજરાતમાં હાલ ઉનાળા જેવી ગરમી અનુભવાઈ રહી છે, અમદાવાદ, રાજકોટ સહિતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસને આંબી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘણા વિસ્તારોમાં સવારે ઠંડી તો બપોરે બફારાવાળી અને સૂકી ગરમી પડતાં મિશ્ર ઋતુ જેવો અનુભવ થઈ રહ્યો છે.
આગામી દિવસોમાં ગરમી હજુ વધવાની પૂરી સંભાવના છે, 14-15 ઑક્ટોબરની આસપાસથી ગરમીમાં હજુ વધારો થઈ શકે. અમદાવાદની આસપાસ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ દરમિયાન 38 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ તાપમાન નોંધાય તેવી શક્યતા ખરી.
હાલ, ગુજરાતની આસપાસ 'ઍન્ટ સાયક્લૉન' રચાયેલું હોવાને કારણે ગરમ હવા જમીન તરફ નીચે આવી જતાં ગુજરાતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ અનુભવાઈ રહ્યું છે.
સામાન્ય રીતે ગુજરાતમાં ઑક્ટોબર મહિનાના ત્રીજા અઠવાડિયાથી શરૂ કરીને નવેમ્બર માસના પ્રથમ અથવા બીજા અઠવાડિયાથી ગરમી ઘટવાની શરૂઆત થાય છે.
સામાન્ય રીતે ઉત્તર ભારતમાં શિયાળાના ઠંડા પવનોની શરૂઆત 10 નવેમ્બરની આસપાસથી થતી હોય છે. તેથી ગુજરાતમાં પણ 10 નવેમ્બર બાદથી જ આ ઠંડા પવનોની અસર દેખાવાનું શરૂ થઈ શકે છે.
જોકે, આનો અર્થ એ નથી કે આ તારીખથી 'પુષ્કળ ઠંડી' પડવાની શરૂઆત થઈ જાય, પરંતુ હાલ પડી રહેલી ઉનાળા જેવી ગરમીથી રાહત આપતી ઠંડીની શરૂઆત આ તારીખની આસપાસ થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























