ગુજરાત : ભાજપના પૂર્વ મંત્રી રાઘવજી પટેલે જામનગરમાં દુષ્કાળ જાહેર કરવાની કેમ માગ કરી?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કૅબિનેટ મંત્રી રાઘવજી પટેલે પણ 'જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત' જાહેર કરવાની 'માંગ' ઉચ્ચારી છે.
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાંથી ચોમાસું આધિકારિકપણે વિદાય લઈ ચૂક્યું છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં અગાઉની અપેક્ષા પ્રમાણે સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

ડિરેક્ટોરેટ ઑફ રિલીફ દ્વારા જાહેર કરાતા વરસાદ અંગેના લેટેસ્ટ ડેટા મુજબ, સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સરેરાશના 89.19 ટકા વરસાદ નોંધાયો છે. જોકે, વરસાદની આ 'ઘટ' કેટલાક જિલ્લામાં વધુ તીવ્રપણે અનુભવાઈ રહી હોવાની ફરિયાદ છે.

કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા એવા જિલ્લાઓમાં સામેલ છે, જ્યાં આ વર્ષે સરેરાશ કરતાં 'ઘણો ઓછો' વરસાદ પડ્યો હોવાની વાત છે, આ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો પહેલાંથી જ બંને જિલ્લામાં 'દુષ્કાળ' જાહેર કરવાની માગ ઉચ્ચારી ચૂક્યા છે.

જોકે, ન્યૂઝઓનઍરના અહેવાલ અનુસાર ગુજરાત સરકારે સપ્ટેમ્બર માસમાં વિધાનસભા ગૃહમાં સ્પષ્ટ કરેલું કે, "માત્ર વરસાદની અછતને આધારે રાજ્યના કોઈ પણ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારના દુષ્કાળ વ્યવસ્થાપન મેન્યુઅલ મુજબ, પાકની સ્થિતિનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને જમીની ચકાસણી કર્યા બાદ જ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે."

સામેની બાજુએ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અગાઉ દ્વારકા-કચ્છ ખાતે રાજ્ય સરકાર દુષ્કાળ જાહેર કરે તેવી માગ કરી ચૂક્યા છે.

હવે, 'દુષ્કાળ જાહેર કરવાનો અવાજ' ભાજપની અંદરથી પણ ઊઠવા લાગ્યો છે. જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કૅબિનેટ મંત્રી રાઘવજી પટેલે પણ 'જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત' જાહેર કરવાની 'માંગ' ઉચ્ચારી છે.

ગુજરાતના સ્થાનિક મીડિયામાં પ્રકટ થયેલા સમાચારો પ્રમાણે, 'જામનગર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને સહાયનું પૅકેજ જાહેર કરવાનો અનુરોધ કર્યો છે.'

બીબીસી ગુજરાતીએ આ અંગે રાઘવજી પટેલ સાથે વાત કરી હતી.

રાઘવજી પટેલે શું કહ્યું?

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ગઈ કાલે જિલ્લામાં આવ્યા હતા, અને તેમણે વર્તમાન પરિસ્થિતિની ચર્ચા માટે અધિકારીઓ અને પદાધિકારીઓની એક ઇમર્જન્સી મિટિંગ બોલાવી હતી."

"હું એ મિટિંગમાં સામેલ થયો હતો, અને મેં કહ્યું હતું કે, 'જામનગર જિલ્લામાં ચોમાસામાં વરસાદ નથી પડ્યો, અને જ્યાં થોડો-ઘણો વરસાદ પડ્યો ત્યાં વાવણી બાદ બિલકુલ વરસાદ નથી પડ્યો. નદી-તળાવો અને ડૅમો ખાલી છે, કારણ કે પાણી આવ્યાં જ નથી.'"

"જ્યાં જઈએ ત્યાં ખેડૂતો અમારી સામે દુષ્કાળ જાહેર કરવાની અને ખેડૂતોને પાકનુકસાનીની સહાય આપવાની માગણી કરે છે. મેં અર્જુનભાઈને કહ્યું કે, 'હવે અમે જવાબ નથી આપી શકતા, એટલે સરકાર વહેલી તકે દુષ્કાળ જાહેર કરાવે એવી વ્યવસ્થા કરાવો, વધુમાં ખેડૂતોને યોગ્ય સહાય આપો, તો ખેડૂતો ટકી શકે.'"

તેઓ આગળ કહે છે, "મેં એવું પણ કહ્યું કે, 'જિલ્લામાં જ્યાં જ્યાં પીવાના પાણીની તકલીફ ઊભી થાય, ત્યાં આ પરિસ્થિતિ માટે અત્યારથી જ આગોતરું આયોજન કરી, તકલીફ ન પડે એ માટેની કાર્યવાહી કરવામાં આવે. આ સિવાય પશુપાલકો અને ખેડૂતોને ઘાસચારાની તકલીફ પડે, તો તેવી સ્થિતિમાં રાહત દરે ઘાસનું પૂરતું વિતરણ કરાવવામાં આવે.'"

મિટિંગમાં રાઘવજીએ કરેલી રજૂઆત અંગે જિલ્લા પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયે આપેલા જવાબ અંગે જણાવતાં તેમણે કહ્યું, "તેમણે કહ્યું કે, 'દુષ્કાળ જાહેર કરવાની બાબત તો સરકારનો નિર્ણય છે. હું મુખ્ય મંત્રીશ્રીના ધ્યાને આ વાત મૂકીશ.' આ ઉપરાંત તેમણે જિલ્લા કક્ષાના બાકીના પ્રશ્નો મામલે અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી."

રાઘવજી પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આગળ કહ્યું કે, "મુખ્ય મંત્રી ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે, મને તેમની પાસેથી અને કૃષિમંત્રી જિતુભાઈ વાઘાણી પાસેથી આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે, તેવી અપેક્ષા છે."

સરકાર દુષ્કાળ જાહેર કરવા અંગે શું કહી ચૂકી છે?

બીબીસી ગુજરાતી

નોંધનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં માત્ર દક્ષિણ ગુજરાતના પ્રદેશોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

કચ્છ જિલ્લામાં સરેરાશ કરતાં 57.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા, મધ્યપૂર્વ ગુજરાતમાં 89.67 ટકા અને સૌરાષ્ટ્રમાં 71.43 ટકા સુધી વરસાદ નોંધાયો છે.

જામનગર જિલ્લામાં સરેરાશના 43.26 ટકા, દેવભૂમિ દ્વારકામાં સરેરાશના 16.45 ટકા અને કચ્છમાં સરેરાશના 57.60 ટકા વરસાદ પડ્યો છે.

રાજ્ય સરકારે અગાઉ જણાવ્યું હતું કે, "કેન્દ્ર સરકારના દુષ્કાળ વ્યવસ્થાપન મેન્યુઅલ મુજબ, પાકની સ્થિતિનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને જમીની ચકાસણી કર્યા બાદ જ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે."

ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા ઓછા વરસાદવાળા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવા અંગે નિયમ 116 હેઠળ નોટિસ આપવામાં આવી હતી.

જેની સામે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે, "સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ અસમાન રહ્યું છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં 6.41 ટકા, પોરબંદરમાં 18.12 ટકા, જામનગરમાં 28.88 ટકા અને કચ્છમાં માત્ર 29.29 ટકા વરસાદ પડ્યો છે."

"31 ઑગસ્ટ સુધીમાં રાજ્યમાં 85.30 લાખ હેક્ટર સામે 80.39 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે."

"મગફળી, કઠોળ, સોયાબીન અને ડાંગરનું વાવેતર 100 ટકાથી વધુ થયું છે. ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે 21 જિલ્લાઓના 132 તાલુકા-જૂથોમાં કૃષિ વીજળી આઠ કલાકથી વધારીને દસ કલાક કરવામાં આવી છે."

"જળ વ્યવસ્થાપન હેઠળ સરદાર સરોવરમાં 88.60 ટકા અને અન્ય 206 ડૅમોમાં 66.07 ટકા જળસંગ્રહ છે, જેનાથી નર્મદા કમાન્ડ વિસ્તારમાં 17.38 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે."

મંત્રી ઋષિકેશ પટેલે આગળ કહ્યું હતું કે, "હાલ રાજ્ય પાસે 402.54 લાખ કિલો ઘાસચારો ઉપલબ્ધ છે. જરૂરિયાતવાળા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાના 572 ગામોમાં 51,802 પશુપાલકોને તેમના 1,31,505 પશુઓ માટે 31 લાખ કિલો સબસિડીવાળા ઘાસચારાનું વિતરણ કરી દેવામાં આવ્યું છે."

ન્યૂઝઓનઍરના અહેવાલ અનુસાર સરકારે કેન્દ્રના દુષ્કાળ વ્યવસ્થાપન મેન્યુઅલ-2016 નો હવાલો આપતાં સ્પષ્ટ કર્યું કે, વાવેતર, જમીનનો ભેજ અને 31 ઑક્ટોબર સુધીમાં દસ ટકા ભૌતિક ચકાસણી જેવા ગ્રાઉન્ડ રિપોર્ટ્સ બાદ જ પાક નુકસાનીનો અંદાજ લગાવી શકાશે. જોકે, મુખ્ય સચિવની અધ્યક્ષતાવાળી સમિતિ દરરોજ વરસાદ, પાણી, વીજળી અને ઘાસચારાની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને પરિસ્થિતિ મુજબ ખેડૂતો અને લોકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

આ સિવાય અગાઉ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "સરકાર ચોમાસું પૂરું થાય ત્યાર બાદ વરસાદની ઘટની સમીક્ષા કરશે અને યોગ્ય નિર્ણય લેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન