સુરત: પત્નીની કથિત હત્યા બાદ 'ઘરમાં સિમેન્ટ નીચે મૃતદેહ છુપાવીને પછી પત્ર લખ્યો', આરોપી પતિ કેવી રીતે પકડાયો?

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
ચેતવણીઃ આ અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે.
સુરતમાં એક પતિ દ્વારા પોતાની 39 વર્ષીય પત્નીની કથિત રીતે હત્યા કરીને મૃતદેહને એક લાકડાના બૉક્સમાં માટી અને સિમેન્ટથી ઢાંકીને છુપાવી દેવાની ઘટના બહાર આવી છે.
સુરત પોલીસનો દાવો છે કે પતિએ થોડા દિવસો સુધી પોતાની પત્ની ગુમ થઈ હોવાનો દેખાડો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી પોતે જ એક પત્ર લખીને ગુનાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે નાસતા ફરતા પતિને રવિવારે પકડી લીધો હતો. સોમવારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સુરતમાં પત્નીની કથિત હત્યાની આખી ઘટના શું હતી?

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
આ કેસમાં શિલ્પા નામની યુવતીના પિતા પ્રદીપ કોસ્ટાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેઓ મૂળ છત્તીસગઢના બસ્તર જિલ્લાના રહેવાસી છે.
પોલીસ ફરિયાદ મુજબ તેમનાં 39 વર્ષીય પુત્રી શિલ્પા સુરતની સ્મીમેર હૉસ્પિટલમાં ડાયેટિશિયન તરીકે કામ કરતાં હતાં અને કેટલાક સમયથી પોતાનું ક્લિનિક ચલાવતાં હતાં.
શિલ્પાનાં લગ્ન વિશાલ સાલવી સાથે થયાં હતાં જેઓ એક સમયે હીરા ઘસવાનું કામ કરતા હતા, પરંતુ છેલ્લા આઠેક વર્ષથી બેરોજગાર હતા.
ગયા અઠવાડિયે વિશાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે શિલ્પા ગુમ થઈ ગયાં છે.
પરંતુ હકીકતમાં આરોપ છે કે વિશાલે શિલ્પાની હત્યા કરી હતી અને તેનો મૃતદેહ પોતાના જૂના ઘરમાં એક લાકડાના બૉક્સમાં છુપાવીને તેના પર માટી અને સિમેન્ટ નાખી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
મૃતક મહિલાના પિતા પ્રદીપ કોસ્ટાએ ફરિયાદમાં કહ્યું છે કે દંપતીને 13 અને 8 વર્ષનાં બે બાળકો છે. વિશાલ કેટલાક સમયથી બેરોજગાર હોવાથી તેને શિલ્પા સાથે ઝઘડા થતા હતા. હું તેમને સમજાવવા માટે ઘણી વખત સુરત આવતો હતો.
ફરિયાદ અનુસાર 'તાજેતરમાં 21મી એપ્રિલે મારી દીકરીનો ફોન સ્વિચ ઑફ આવતો હતો તેથી મેં જમાઈ વિશાલને પૂછ્યું તો તેણે કહ્યું કે તેમણે 20 એપ્રિલે શિલ્પાને સ્મીમેર હૉસ્પિટલના દરવાજે ઉતારી હતી અને પછી તે ઘરે આવી નથી. ત્યાર પછી અમે પરિવાર સાથે સુરત આવ્યા અને તપાસ શરૂ કરી હતી.'

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
યુવતીનો મૃતદેહ કેવી રીતે મળ્યો?

ઇમેજ સ્રોત, Surat Police
પોલીસના કહેવા પ્રમાણે ચાર-પાંચ દિવસ સુધી વિશાલે એવું દેખાડવાનો પ્રયાસ કર્યો કે શિલ્પા ક્યાંક જતાં રહ્યાં છે.
તેણે પોલીસમાં પત્ની ગુમ થયાં અંગે ફરિયાદ પણ લખાવી હતી.
પરંતુ પોલીસ ફરિયાદમાં પ્રદીપ કોસ્ટાએ જણાવ્યા પ્રમાણે 25મી એપ્રિલે વિશાલ અને શિલ્પાના એક પુત્રે તેમના એક સ્વજનને વૉટ્સઍપ મારફત એક પત્રનો ફોટો મોકલ્યો હતો. આ પત્ર વિશાલે લખ્યો હતો જેમાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી અને પોતે શિલ્પાની હત્યા કરી છે તેમ જણાવ્યું હતું.
પોલીસ અનુસાર પત્રમાં જે લખ્યું હતું તેનો ભાવાર્થ એવો થાય છે કે પતિ-પત્નીનાં લગ્ન ત્રણ વર્ષ સુધી બરાબર ચાલ્યાં હતાં, પરંતુ પછી ઝઘડા થવા લાગ્યા હતા. વિશાલના કહેવા પ્રમાણે તે લગ્નસંબંધના વિવાદોથી કંટાળી ગયો હતો. તેથી 20મી એપ્રિલે તે શિલ્પાને પોતાના જૂના રહેઠાણે લઈ ગયો જ્યાં તેની હત્યા કરી હતી.
શિલ્પાના પિતાએ આ પત્ર વિશે સુરતમાં ગોડાદરા પોલીસ સ્ટેશને જાણ કરી હતી. પોલીસે વિશાલે જણાવેલી જગ્યાએ જઈને તપાસ કરી તો ત્યાં લાકડાના બૉક્સમાંથી શિલ્પાનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
હત્યા કર્યા પછી પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
પોલીસના કહેવા પ્રમાણે વિશાલ અને શિલ્પાનાં લગ્નને લગભગ 15 વર્ષ થયાં હતાં.
સુરતનાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) ઝોન-2, કાનન દેસાઈએ મીડિયાને જણાવ્યું કે, "બે દિવસ અગાઉ લગભગ 40 વર્ષના વિશાલે પોતાનાં પત્ની ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે તેઓ ચારેક દિવસ અગાઉ પોતાના ટુ વ્હીલર પર નીકળ્યા હતા અને લાલ દરવાજા વિસ્તારમાં ડ્રૉપ કર્યા હતા, ત્યારથી શિલ્પા ગુમ છે."
ત્યાર પછી તેમના પુત્ર પાસેથી એક પત્ર મળ્યો જેમાં વિશાલે લખ્યું હતું કે તેમણે જ પત્નીની હત્યા કરી છે.
તેમણે કહ્યું કે શિલ્પાનો મૃતદેહ મળી આવ્યો છે જેના પર ઈજાના નિશાન છે. આ અંગે એફએસએલની તપાસ કરવામાં આવી છે અને રિપોર્ટના આધારે ખબર પડશે કે હત્યા કેવી રીતે કરવામાં આવી છે.
પતિ-પત્ની વચ્ચે કેમ ઝઘડો ચાલતો હતો

ઇમેજ સ્રોત, Surat Police
સોમવારે સુરત પોલીસના એસીપી ચિરાગ વડોદરિયાએ આ વિશે મીડિયાને જણાવ્યું કે, "પતિ વિશાલ સાલવીએ પોતાનાં પત્ની શિલ્પાને કહ્યું હતું કે તેમના પૂર્વજોનો કેટલોક સામાન જૂના મકાનમાં એક જગ્યાએ રાખેલો છે જે લેવાનો છે."
"તેઓ બંને ત્યાં ગયા અને આ દરમિયાન આરોપીએ દુપટ્ટાથી પોતાની પત્નીનું ગળું ઘોંટીને તેની હત્યા કરી હતી."
"ત્યાર પછી કોઈને ખબર ન પડે તે માટે આરોપી વિશાલે પત્નીના મૃતદેહને એક લાકડાની પેટીમાં રાખ્યો અને તેમાં માટી અને સિમેન્ટ ભરી દીધું હતું."
તેમણે કહ્યું કે, "મૃતદેહની દુર્ગંઘ લોકો સુધી ન પહોંચે તે માટે તેણે ત્યાં ઍર ફ્રેશનર પણ રાખ્યું હતું. આ ઉપરાંત પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેણે 24મીએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ હોવાનો રિપોર્ટ લખાવ્યો હતો."
તેમણે દાવો કર્યો કે, "જેમાં તેણે કહ્યું હતું કે 20મી એપ્રિલથી તેમનાં પત્ની ગાયબ હતાં. 25 એપ્રિલે તે પોતાના પુત્રને એક પત્ર સોંપીને ગયો જે વિશાલે જાતે લખ્યો હતો."
"આ પત્રમાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરીને કહ્યું હતું કે હત્યા માટે તે પોતે જવાબદાર છે."

ઇમેજ સ્રોત, Surat Police
તેમના કહેવા મુજબ "પત્રમાં એવું પણ લખ્યું હતું કે પત્ની શિલ્પાનો મૃતદેહ સહારા દરવાજા, કાગઝીની ચાલ પાસે પોતાના પિતૃક ઘરમાં રાખવામાં આવ્યો છે."
"પોલીસે ત્યાં જઈને તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો. ત્યાર પછી આરોપીને કામરેજમાં એક મંદિર પાસેથી પકડવામાં આવ્યો હતો."
એસીપી વડોદરિયાએ જણાવ્યું કે "પતિ અને પત્ની વચ્ચે કેટલાક સમયથી ઝઘડો ચાલતો હતો જે આ ગુનાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. વિશાલને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























