ઇઝરાયલે હિઝ્બુલ્લાહના વરિષ્ઠ કમાન્ડરને માર્યાનો દાવો કર્યો – ન્યૂઝ અપડેટ

ઇઝરાયલે હિઝ્બુલ્લાહના વરિષ્ઠ કમાન્ડરને માર્યાનો દાવો કર્યો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલી સેનાની પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેણે હિઝ્બુલ્લાહની 'બદ્ર યુનિટ'ના વરિષ્ઠ કમાન્ડર અબુ હસન અલા ને મારી નાખ્યો છે.

ઇઝરાયલી સેનાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું કે હિઝ્બુલ્લાહ તરફથી ઇઝરાયલી સૈનિકો વિરુદ્ધ કરવામાં આવી રહેલી પ્રવૃત્તિઓના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી.

સેનાના નિવેદન મુજબ, હસન અલા ઇઝરાયલી સૈનિકો વિરુદ્ધ અનેક હુમલાઓની યોજના બનાવવા અને તેમને અંજામ આપવામાં સામેલ હતો. તેની સામે દક્ષિણી લેબનોનમાં ઇઝરાયલી સૈનિકોની તરફ વિસ્ફોટકોથી ભરેલાં ડ્રૉન મોકલવાનો પણ આરોપ ઇઝરાયલે કર્યો છે.

આરબ લીગે ઇઝરાયલી હુમલાઓની નિંદા કરી

આરબ લીગે લેબનોન પર ઇઝરાયલી હુમલાઓની નિંદા કરી છે. આરબ લીગે કહ્યું કે ગઈકાલે થયેલા હુમલાઓમાં 11 લોકોનાં મોત થયાં અને આવી સ્થિતિમાં તણાવ ખતરનાક રીતે વધી રહ્યો છે.

આરબ લીગના મુજબ, આ પ્રકારના હુમલાઓથી સંઘર્ષ સમાપ્ત કરવા અને તેનો ઉકેલ કાઢવાના પ્રયાસોને નુકસાન પહોંચી શકે છે.

આરબ લીગના પ્રવક્તાએ કહ્યું કે ઇઝરાયલની નીતિઓ અને કાર્યવાહી સ્પષ્ટ રીતે દર્શાવે છે કે "કબજાની નીતિ અપનાવનારા લોકો સંઘર્ષને લાંબા સમય સુધી ચાલુ રાખવા, વાતચીતમાં અવરોધ ઊભો કરવા અને જમીન પર નવી સ્થિતિ થોપવા માંગે છે."

પ્રવક્તાએ કહ્યું કે આવા પ્રયાસો સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને નિંદનીય છે.

કૅગનો રિપોર્ટ : રેલવે સ્ટેશનોનાં વૉટર કૂલરોમાં મળ્યો ખતરનાક બૅક્ટેરિયા – ન્યૂઝ અપડેટ

કૅગનો રિપોર્ટ : રેલવે સ્ટેશનોનાં વૉટર કૂલરોમાં મળ્યો ખતરનાક બૅક્ટેરિયા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૅગે ઘણાં રેલવે સ્ટેશનોનાં વૉટર કૂલરોનાં સૅમ્પલ લીધાં હતાં. (પ્રતીકાત્મક તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૅગ (નિયંત્રક અને મહાલેખા પરીક્ષક) દ્વારા અનેક રેલવે સ્ટેશનોનાં વૉટર કૂલરમાંથી લેવાયેલા પાણીના નમૂનાઓમાં ઈ-કોલાઈ બૅક્ટેરિયા મળી આવ્યાનું સામે આવ્યું છે.

રિપોર્ટ અનુસાર, રેલવે સ્ટેશનો પર લગાવવામાં આવેલાં વૉટર કૂલરના પાણીના નમૂનાઓ તપાસ દરમિયાન દૂષિત હોવાનું જણાયું હતું.

કૅગે રેલવે સ્ટેશનોનાં વૉશરૂમોમાં પણ અસ્વચ્છ પરિસ્થિતિઓ જોવા મળી હોવાનું જણાવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સ્થિતિ રેલવે બોર્ડ દ્વારા નક્કી કરાયેલાં ધોરણોના ઉલ્લંઘન સાથે સંબંધિત છે.

કૅગે રેલવેના 16 ઝોનમાં આવેલાં 512 સ્ટેશનો પર મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓનો અભ્યાસ કર્યો હતો.

તપાસ કરાયેલાં 512 સ્ટેશનોમાંથી 458 સ્ટેશનો પર એક અથવા વધુ આવશ્યક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. આ સુવિધાઓમાં પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, શૌચાલય, પ્લૅટફૉર્મ શૅલ્ટર, પંખા, વૉટર કૂલર અને સાઇનબોર્ડનો સમાવેશ થાય છે.

આશ્ચર્યજનક રીતે વધુ આવક અને વધુ મુસાફરો ધરાવતા NSG-1 થી NSG-3 શ્રેણીનાં સ્ટેશનોમાં પણ નોંધપાત્ર ખામીઓ જોવા મળી હતી.

કૅગના રિપોર્ટ મુજબ, દક્ષિણ રેલવેના કોયમ્બતુર અને પાલક્કડ જંકશન, દક્ષિણ મધ્ય રેલવેના હૈદરાબાદ સ્ટેશન, મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ભિવંડી રોડ, કલ્યાણ અને લોનાવલા તેમજ પૂર્વ રેલવેના મધુપુર સ્ટેશનનાં વૉટર કૂલરોમાંથી લેવાયેલા પાણીના નમૂનાઓમાં ઈ-કોલાઈ બૅક્ટેરિયા મળી આવ્યો હતો.

કૅગના રિપોર્ટમાં રેલવે સ્ટેશનો પર મુસાફરોને ઉપલબ્ધ કરાવવામાં આવતી મૂળભૂત સુવિધાઓની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

રિપોર્ટમાં સ્વચ્છતા અને પીવાના પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે રેલવે બોર્ડના નિયમોનું કડક પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

ઈ-કોલાઈ બૅક્ટેરિયા શું છે?

ઈ-કોલાઈ એક પ્રકારનો બૅક્ટેરિયા છે, જે સામાન્ય રીતે માનવ અને પ્રાણીઓનાં આંતરડાંમાં જોવા મળે છે. જોકે, તેની કેટલીક જાતિઓ ખૂબ જ ખતરનાક હોઈ શકે છે અને દૂષિત ખોરાક અથવા પાણી દ્વારા ફેલાઈ શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ વર્ષ 2017માં તેને ઍન્ટિબાયૉટિક પ્રતિરોધક (સુપરબગ) બૅક્ટેરિયાનાં સૌથી ચિંતાજનક જૂથોમાં સામેલ કર્યો હતો.

"સુપરબગ" એવા ખતરનાક બૅક્ટેરિયાને કહેવામાં આવે છે જેના પર ઘણી ઍન્ટિબાયૉટિક દવાઓ પણ અસરકારક સાબિત થતી નથી. આ યાદીમાં બૅક્ટેરિયા ઈ-કોલાઈનું નામ અગ્રણી રીતે સામેલ હતું.

ઈરાને કતાર પર પોતાના ત્રણ પાઇલટોને કેદમાં રાખવાનો આરોપ લગાવ્યો, કતારે શું કહ્યું?

ઈરાને કતાર પર પોતાના ત્રણ પાઇલટોને કેદમાં રાખવાનો આરોપ લગાવ્યો, કતારે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ઈરાનનાં સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફની ગુમ થયેલા લોકોની શોધખોળ સંબંધિત સમિતિના વડાએ દાવો કર્યો છે કે ત્રણ ઈરાની પાઇલટો કતારની કેદમાં છે.

તેમણે તેમની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવામાં મદદ કરવા માટે આંતરરાષ્ટ્રીય રેડક્રૉસ સમિતિ (ICRC)ને અપીલ કરી છે.

ઈરાની મીડિયા અનુસાર, બ્રિગેડિયર જનરલ મોહમ્મદ બાકરઝાદેહે ICRCનાં અધ્યક્ષા મારિયાના સ્પોલ્યારિકને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે 2 માર્ચ 2026ના રોજ બે સુખોઈ-24 લડાકુ વિમાનોને કતારમાં આવેલા એક "દુશ્મન સૈન્ય મથક"ને નિશાન બનાવવાના મિશન પર મોકલવામાં આવ્યાં હતાં.

તેમના જણાવ્યા અનુસાર, મિશન પૂર્ણ કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ વિમાનોને દુશ્મન પક્ષની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ચાર ઈરાની પાઇલટો અસરગ્રસ્ત થયા હતા.

આ ચાર પાઇલટોમાંથી એક, માજિદ કાઝેમીનો મૃતદેહ બાદમાં ઈરાન લાવવામાં આવ્યો હતો અને 29 ઑગસ્ટે શિરાઝમાં તેમને દફનાવવામાં આવ્યા હતા.

બ્રિગેડિયર જનરલ બાકરઝાદેહે દાવો કર્યો કે બાકીના ત્રણ પાઇલટો, જવાદ સાલેહી, અબ્દુલમજીદ દશ્તિયાન અને ઇમરાન બહરૂશિયાનને કતારની સેનાએ જીવતા પકડી લીધા હતા.

કતારે શું કહ્યું?

કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ-અન્સારીએ ઈરાનના આ દાવાને નકારી કાઢ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે પ્રદેશમાં તણાવ ઘટાડવા માટે રાજદ્વારી પ્રયાસો ચાલુ છે. આવા સમયે "આ પ્રકારનાં ભ્રામક નિવેદનો" સાંભળીને તેમને આશ્ચર્ય થયું છે.

માજિદ અલ-અન્સારીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે માર્ચ મહિનામાં કતારના હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘન બાદ તેમણે ઈરાની પાઇલટો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના ઉડાન માર્ગની પણ પુષ્ટિ કરી હતી.

તેમના જણાવ્યા મુજબ, જ્યારે પાઇલટોની તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો, ત્યારે કતારે "સંઘર્ષના નિયમો અને આંતરરાષ્ટ્રીય કાયદાની જોગવાઈઓ અનુસાર" પોતાની સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે કતારની રૅસ્ક્યૂ ટીમોએ આ પાઇલટોની શોધ માટે અભિયાન પણ ચલાવ્યું હતું.

પ્રવક્તાએ જણાવ્યું કે એક પાઇલટનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેને ઈરાનને સોંપવા માટે કતાર સરકારે તહેરાન સાથે સંપર્ક પણ કર્યો હતો.

મમતા બેનરજીના નજીકના અને પૂર્વ મંત્રી આશિષ બેનરજીનો મૃતદેહ પાર્ટી કાર્યાલયમાં મળ્યો

આશિષ બેનરજી, મમતા બેનરજીની સરકારમાં શિક્ષણ અને કૃષિ મંત્રી રહ્યા હતા. વર્ષ 2021માં તેમને વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા (ફાઇલ ફોટો).

ઇમેજ સ્રોત, Sanjay Das

ઇમેજ કૅપ્શન, આશિષ બેનરજી, મમતા બેનરજીની સરકારમાં શિક્ષણ અને કૃષિ મંત્રી રહ્યા હતા. વર્ષ 2021માં તેમને વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. (ફાઇલ ફોટો)

મમતા બેનરજી સરકારમાં મંત્રી અને વિધાનસભાના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા તૃણમૂલ કૉંગ્રેસના નેતા આશિષ બેનરજીનો મૃતદેહ રવિવારે સવારે તેમના નિવાસસ્થાનને અડીને આવેલા પાર્ટી કાર્યાલયમાંથી મળી આવ્યો હતો.

બીબીસી હિંદીના સહયોગી પ્રભાકર મણિ તિવારીએ આ માહિતી આપી છે.

તેઓ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલી રામપુરહાટ બેઠક પરથી સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેમનો મૃતદેહ એક રૂમમાં મળ્યો હતો. હાલ તેમના મૃત્યુનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મૃતદેહની પાસે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જોકે, અધિકારીઓએ તેના વિશે કોઈ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. હાલ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

આશિષ બેનરજી વર્ષ 2001થી આ બેઠક પરથી સતત ચૂંટણી જીતતા આવ્યા હતા. પરંતુ આ વર્ષે તેમને ભાજપના ઉમેદવાર ધ્રુવ સાહા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

સ્થાનિક લોકોએ સૌપ્રથમ આશિષનો મૃતદેહ ફાંસે લટકતો જોયો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી રામપુરહાટ પોલીસ સ્ટેશનની ટીમે મૃતદેહને કબજે લીધો હતો.

આશિષ બેનરજી મમતા બેનરજી સરકારમાં શિક્ષણ અને કૃષિ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા. વર્ષ 2021માં તેમને વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. બર્દવાન યુનિવર્સિટીમાંથી બંગાળી વિષયમાં ડૉક્ટરેટ પૂર્ણ કર્યા બાદ તેમણે રામપુરહાટ કૉલેજમાં અધ્યાપક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ રાજકારણમાં જોડાયા હતા. તેમને મમતા બેનરજીના નજીકના સહયોગી તરીકે માનવામાં આવતા હતા.

(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)

ઈરાનના સાંસદે કહ્યું કે ટ્રમ્પ હોર્મુઝની ચિંતા છોડે, પોતાની સુરક્ષાની ચિંતા કરે

ઇબ્રાહીમ અઝીઝીએ કહ્યું કે ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુની અંગે સતત ધમકીઓ આપવાના બદલે પોતાની સુરક્ષા અંગે ચિંતા કરવી જોઈએ. (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Anna Moneymaker/Getty Images

ઇમેજ કૅપ્શન, ઇબ્રાહીમ અઝીઝીએ કહ્યું કે ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુની અંગે સતત ધમકીઓ આપવાના બદલે પોતાની સુરક્ષા અંગે ચિંતા કરવી જોઈએ. (ફાઇલ ફોટો)

ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશનીતિ સમિતિના વડા ઇબ્રાહીમ અઝીઝીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુની અંગે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

અઝીઝીએ કહ્યું કે ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુની અંગે વારંવાર ધમકીઓ આપવાના બદલે પોતાની સુરક્ષાની ચિંતા કરવી જોઈએ.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે પોતાની સુરક્ષા માટે ટ્રમ્પને કદાચ 'ખાવાના ટ્રક'માં છુપાવાની જરૂર પડી શકે છે.

અઝીઝીનું આ નિવેદન ટ્રમ્પના એ જવાબમાં આવ્યું છે, જેમાં તેમણે ગઈ રાત્રે કહ્યું હતું કે તેઓ "હોર્મુઝ સામુદ્રધુનીને અમેરિકાનો વિસ્તાર જાહેર કરશે."

બાદમાં વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી હતી કે ટ્રમ્પે આ વાત મજાકમાં કહી હતી. જોકે, તેમના આ નિવેદનની મીડિયામાં વ્યાપક ચર્ચા થઈ હતી અને ઈરાનના અનેક અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓએ પણ તેના પર પ્રતિક્રિયા આપી હતી.

તેલંગાણા મંદિરના મૅનેજર પર સગીરા પર યૌન ઉત્પીડનનો આરોપ, પૉક્સો હેઠળ કેસ નોંધાયો

પ્રતીકાત્મક તસવીર તેલંગાણા મંદિરના મૅનેજર પર સગીરા પર યૌન ઉત્પીડનનો આરોપ, પૉક્સો હેઠળ કેસ નોંધાયો

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

તેલંગાણાની રાજધાની હૈદરાબાદ નજીક આવેલા એક મંદિરના 66 વર્ષીય મૅનેજરને એક સગીરા સાથે કથિત રીતે યૌન ઉત્પીડન કરવાના આરોપમાં હિરાસતમાં લીધા છે.

પોલીસે રવિવારે આ માહિતી આપી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, આ ઘટના 13 ઑગસ્ટે મંદિર પરિસરમાં થઈ હતી.

કહેવાઈ રહ્યું છે કે કેટલાક સ્થાનિક લોકોએ પોલીસને આ ઘટના અંગે માહિતી આપી હતી, બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

એજન્સીએ પોલીસ અધિકારીના હવાલાથી કહ્યું કે આરોપી સામે રામચંદ્રપુરમ પોલીસ સ્ટેશનમાં પૉક્સોની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ આગળની તપાસ કરી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન