You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જેતપરમાં આંદોલનના 12 દિવસ : ખેડૂતોએ કહ્યું, "11 દિવસ થયા, સરકારના પેટનું પાણી હલતું નથી..."
મોરબી નજીક જેતપર ગામે ચાલી રહેલું ખેડૂત આંદોલન આજે 12 દિવસ પૂર્ણ કરી રહ્યું છે. જેતપરના બસસ્ટૅન્ડ ચોકમાં ખેડૂતોની છાવણીમાં હજુય હજારો લોકો બેઠા છે.
પોતાનાં ખેતરોમાં નાખવામાં આવી રહેલા વીજથાંભલાના વિરોધમાં ખેડૂતો ત્યાં આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે અને સતત વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
જેતપર તથા આસપાસનાં ગામડાંમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ આંદોલનમાં ભાગ લઈ રહ્યા છે.
આંદોલનરત ખેડૂતોની માગ છે કે તેમના ખેતરમાં નંખાઈ રહેલા થાંભલાનું કામ અટકાવવામાં આવે અથવા તો તેમની માગ મુજબનું વળતર તેમને આપી દેવામાં આવે.
જોકે સરકારે અધિકૃત રીતે આ મામલે કંઈ કહ્યું નથી પરંતુ રાજ્ય સરકારના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, "સરકાર એ ખેડૂતો પ્રત્યે સકારાત્મક છે. "
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય અને સહયોગી રાજેશ આંબલિયાએ જેતપુર ગામમાં અનેક ખેડૂતો સાથે વાત કરી હતી અને એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે તેમની માગ શું છે.
'અમને વળતર ક્યારે આપવામાં આવશે?'
જેતપરના બસસ્ટૅન્ડ ચોકમાં છેલ્લા 12 દિવસથી કેટલાક ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે.
ઉપવાસ પર બેસેલા ખેડૂત મેહુલ અમૃતિયાએ કહ્યું હતું કે, "અહીં સરકારના પ્રતિનિધિઓ આવેલા હતા જેમને અમે તેમની માગ અનુસાર લખીને રજૂઆતો આપી હતી. આથી, અમે પણ લેખિતમાં તેમની પાસેથી માગ કરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થાંભલા રોપાવાની વાત અંગે તેમણે કહ્યું હતું કે, "કાયદા હેઠળ અમને જે નુકસાન થાય એ પ્રમાણે અમને વળતર મળવું જોઈએ. અમારી દરખાસ્ત એ જ છે કે અમારા સંપૂર્ણ નુકસાનની ભરપાઈ થાય."
અન્ય એક ખેડૂત રમેશભાઈએ કહ્યું હતું કે, "આ આંદોલનને 10 દિવસ કરતાં વધારે સમય થઈ ગયો છે. શું સરકારના આ ધ્યાનમાં આવતું નથી? સરકાર આંધળી-બહેરી છે. આખા જગતને અમે ખવડાવ્યું અને આજે અમારે ઉપવાસ પર બેસવું પડ્યું છે."
તેમણે કહ્યું હતું કે, "અમે અનેક વાર રજૂઆતો કરી છે, પણ કોઈ સાંભળતું નથી. સરકાર સમજી જાય તો સારું, નહીંતર 2027માં તેમને પરિણામ જોવા મળશે."
અન્ય એક ખેડૂતે કહ્યું હતું કે, "આ આંદોલન એ ખેડૂતોની વેદના છે. એક ખેતર 20 લાખમાં વેચાઈ રહ્યું છે અને બીજું ખેતર 10 લાખમાં પણ કોઈ લેવા તૈયાર નથી. કારણ કે એ ખેતરમાં થાંભલા રોપાયા છે. અમને કોઈ વળતર મળતું નથી."
ઉપવાસ પર બેસેલા ખેડૂત નિલેશ એરવાડિયાએ કહ્યું હતું કે, "અમે 1885ના કાયદા અનુસાર વળતર માગ કરી રહ્યા છીએ."
"અમારી મુખ્ય રજૂઆત એ છે કે અમારી જમીનનું મૂલ્ય નક્કી કરવા કમિટી નીમવામાં આવે. તેનું ચારગણું અમને વળતર આપવામાં આવે. આ કમિટીમાં અમારા પણ પ્રતિનિધિ હોય. "
'માત્ર આશ્વાસન આપવામાં આવે છે...'
ઉપવાસ પર બેસેલા ખેડૂતનાં પત્ની જૂલીબહેને કહ્યું હતું કે, "એવું લાગે છે કે સરકાર કાચબાની ગતિએ ચાલી રહી છે. આજે ગુજરાતમાં બધાંને ખબર છે કે ખેડૂતો જેતપરમાં ઉપવાસ પર બેઠા છે."
"તેમના સુધી શું હજુ આ વાત પહોંચી નથી? માત્ર આશ્વાસનો આપવામાં આવે છે."
તેમણે કહ્યું હતું કે, "10 દિવસથી તો અમે ઉપવાસ પર છીએ. આ ખેડૂતોનું આંદોલન તો એક મહિનાથી ચાલે છે."
"સરકારને હજુ ખબર નથી. સરકારના પ્રતિનિધિઓ વાતચીત કરવા નહીં, પણ આંદોલનને તોડવા આવી રહ્યા છે."
અન્ય એક મહિલાએ કહ્યું હતું કે, "એક ખેડૂતને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બીજા ખેડૂતની તબિયત પણ લથડી રહી છે. તેમના પરિવારો પણ ચિંતામાં છે. સરકાર ક્યારે સાંભળશે?"
તો અન્ય એક મહિલાએ કહ્યું હતું કે, "મત માગવા માટે અહીં તરત આવે છે, પણ અત્યારે કોઈ દેખાતું નથી."
'અમારી જમીનની કોઈ કિંમત રહેતી નથી...'
આ આંદોલનમાં મોરબીની આસપાસનાં ગામડાંમાંથી જ નહીં, પરંતુ દૂરદૂરના જિલ્લામાંથી ખેડૂતો આવ્યા છે.
ભરૂચથી આવેલા એક ખેડૂત મોહમ્મદ આરિફે કહ્યું હતું કે, "મારા ખેતરમાં પણ ટાવર છે. અમે દોઢ વર્ષથી સરકાર સામે લડી રહ્યા છીએ."
"અમારી જમીન પાણીના ભાવે જઈ રહી છે. બાજુનાં રાજ્યોમાં જે રીતે વળતર મળી રહ્યું છે એ રીતે જ બજારકિંમતનું ચાર ગણું વળતર મળે."
"અથવા તો અમને ટાવરનું માસિક 50 હજાર ભાડું મળે અથવા ટાવર દીઠ સીધા જ બે કરોડ રૂપિયા આપવામાં આવે."
તેમણે કહ્યું હતું કે, "ટાવર આવવાથી અમારી જમીનની કિંમત ઘટી જાય છે. આ જમીનમાં અમે કંઈ કરી શકતા નથી."
"અમે પાણી માટે કૂવો પણ ખોદી શકતા નથી. કંપની અમારી સાથે 30 વર્ષનો કરાર કરે છે."
"30 વર્ષ પછી શું થશે એ ખબર નથી. ત્યારે અમારી જમીનની કિંમત કેટલી હોય એ વિચારો."
અન્ય એક મહિલા મંજુલાબહેનને કહ્યું હતું કે, "આજે 11-11 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે. 11 ભાઈઓ અને ત્રણ બહેનો ઉપવાસ પર બેઠાં છે. પણ સરકારના પેટનું પાણી હલતું નથી."
અન્ય મહિલા ખેડૂતોએ પણ આવી જ વાત કરી હતી અને કહ્યું હતું કે સરકાર ખેડૂતોને પક્ષે હોય તેવું લાગતું નથી.
વાતચીતનો પ્રસ્તાવ ખેડૂતોએ નકાર્યો
ગઈકાલે સ્થાનિક મીડિયા અહેવાલોમાં એ વાત વહેતી થઈ હતી કે સરકારે વાતચીત માટે ખેડૂતોને અધિકૃત આમંત્રણ આપ્યું છે.
પરંતુ ખેડૂતોએ કહ્યું કે તેમને સ્થાનિક એસડીએમ અને ડીવાયએસપી એક પત્ર લઈને મળવા આવ્યા હતા અને તેમની સામે વાંચન કર્યું હતું. ખેડૂતોએ કહ્યું છે કે તેમણે આ વાતનો તરત જ અસ્વીકાર કર્યો છે.
ખેડૂત આગેવાન તથા આમરણ ઉપવાસ પર બેસેલા મેહુલ અમૃતિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "અમે અમારી છ માગને લેખિતમાં આપી છે. અમારી રજૂઆતોમાં સરકાર કે ઊર્જા વિભાગ શું શું સ્વીકારે છે કે સ્વીકારતી નથી એ અમને લખીને મુદ્દાસર આપે. પછી અમે આગળ વિચારીશું."
તેમણે કહ્યું હતું કે ત્યાં સુધી અમે ગાંધીનગર ચર્ચા કરવા જઈશું.
તેઓ કહે છે કે, "અમે ભૂતકાળમાં પણ રજૂઆતો કરી છે. પણ સરકાર તરફથી કોઈ જવાબ આવતો નથી, એટલે ખેડૂતો અને સરકાર વચ્ચે અવિશ્વાસ ઊભો થયો છે."
"અમારા મુદ્દાઓ વિશે તેમના પત્રમાં કોઈ વાત નથી, આથી અમે તેમની સાથે અત્યારે ચર્ચા કરવા તૈયાર નથી."
મહિલાઓએ સ્કૂટર રેલી યોજી
જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં મહિલાઓએ ગઈકાલે મોટી સ્કૂટર રેલીનું આયોજન કર્યું હતું.
મોરબીથી બીબીસી સહયોગી રાજેશ આંબલિયાએ આપેલી માહિતી અનુસાર, મહિલાઓ મોરબીથી સ્કૂટર રેલી કાઢીને જેતપર ગામે ઉપવાસી છાવણી સુધી પહોંચ્યા હતા.
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી આ સ્કૂટર રેલી શરૂ કરવામાં આવી હતી અને મહિલાઓએ મોટી સંખ્યામાં આ આંદોલનને સમર્થન આપ્યું હતું.
આજે પણ વિરોધનો આ દૌર યથાવત રહ્યો હતો અને સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયાના બીજા ભાઈ પણ ખેડૂતોને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા.
કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા ઉપવાસ પર બેઠા છે અને હવે ભરત અમૃતિયા પણ ખેડૂત આંદોલનમાં જોડાયા છે.
કાળુ અમૃતિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "10-15 દિવસ તો સરકારે સાંભળ્યું જ નહોતું. એટલે અમારે ઉપવાસ પર ઊતરવું પડ્યું છે."
જોકે, તેમણે કહ્યું હતું કે સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે કોઈ નારાજગી નથી અને એ જ આ મુદ્દાનો ઉકેલ લાવશે.
આજે પણ ઉપવાસ આંદોલન યથાવત્ છે અને ચોવીસી ગામથી અનેક ખેડૂતો ટ્રૅક્ટર સાથે રેલી કાઢીને આજે જેતપર પહોંચ્યા હતા.
સરકારનું શું કહેવું છે?
ગુજરાત સરકારે હજુ સુધી જાહેરમાં આ વિશે વિગતવાર પોતાનો પક્ષ રાખ્યો નથી.
પરંતુ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, "સરકાર એ ખેડૂતો પ્રત્યે સકારાત્મક છે. "
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી ખેડૂતોની માગને લઈને પોઝિટિવ છે. ટૂંક સમયમાં સારા સમાચાર મળે તેવા અણસાર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન