દાહોદના અભલોડ ગામે લગ્નના જમણવાર બાદ '400થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર'

વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતના દાહોદ જિલ્લાના અભલોડ ગામમાં એક લગ્નના જમણવાર બાદ કેટલાક લોકોને શંકાસ્પદ 'ખોરાકી ઝેર' (ફૂડ પૉઇઝનિંગ)ની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, લગ્ન સમારંભમાં શંકાસ્પદ ફૂડ પૉઇઝનિંગ બાદ 400થી વધુ લોકો બીમાર પડ્યા છે. ઘણાને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. અચાનક તબિયત બગડતા લોકોને 108 ઍમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં હૉસ્પિટલોમાં લઈ જવાયા હતા.

દર્દીઓને દાહોદની ઝાયડસ હૉસ્પિટલ અને ખાનગી હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે ગામમાં જ ડૉક્ટરોએ અંદાજે 200 લોકોની સારવાર કરી હતી.

વીડિયો જુઓ

સાંજે 6 વાગ્યે શરૂ થયેલા રાત્રિભોજન પછી રાત્રે 11 વાગ્યે લોકોની તબિયત ખરાબ થઈ રહી હોવાનું જણાયું હતું. દાહોદની ઝાયડસ હૉસ્પિટલના આરએમઓ (RMO) ડૉ. રાજીવ ડામોરે મીડિયાને જણાવ્યું કે, "ગરબાડા નજીક અભલોડ ગામ પાસે એક ફળિયામાં લગ્ન પ્રસંગ હતો. લગ્નમાં દાળ-ભાત, શાક-પૂરી, પનીર અને કેરીનો રસ પીરસાયાં હતાં. 200ની આસપાસ લોકોને ફૂડ પૉઇઝનિંગ થયું છે. હાલ દર્દીઓની સારવાર ચાલી રહી છે."

ગામના આગેવાન જિતેન્દ્ર પંચાલે કહ્યું કે, "અમારા ગામમાં લગ્નપ્રસંગ બાદ કોઈ કારણસર ફૂડ પૉઇઝનિંગ થયું છે, જેમાં 200-250 જેટલા લોકોને ઝાયડસ હૉસ્પિટલ લાવ્યા છે અને સારવાર ચાલી રહી છે. અંદાજે 1000 જેટલા માણસોનો જમણવાર હતો." આ ઘટના બાદ આરોગ્ય વિભાગ અને ખાદ્ય વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે.

સમગ્ર બાબતે બીબીસીના સહયોગી પત્રકાર દક્ષેશ શાહ સાથેની વાતચીતમાં સીડીએચઓ ઉદય ટીલાવતે જણાવ્યું કે, "અભલોડ ખાતે શુભ પ્રસંગમાં કુલ 238 લોકોને અસર થઈ હતી. જેમાં ઝાયડસ હૉસ્પિટલ ખાતે હાલ 5 લોકો સારવાર હેઠળ છે, જ્યારે 233 લોકોને તબિયત સારી થઈ જતાં રજા આપવામાં આવી છે. પનીર અને કેરીના રસને કારણે ફૂડ પૉઇઝનિંગ થયું છે કે કેમ, તે આરોગ્ય વિભાગની તપાસ બાદ જ ખ્યાલ આવી શકશે."

દાહોદની ઝાયડસ હૉસ્પિટલના આરએમઓ ડૉ. રાજીવ ડામોર જણાવે છે કે, જિલ્લાના અભલોડ ગામે લગ્નમાં રસ, પૂરી, પનીરનું શાક અને દાળ-ભાતનો જમણવાર રાખવામાં આવ્યો હતો, જેમાં જમ્યા બાદ લોકો અચાનક બીમાર પડી ગયા. દર્દીઓને 108 ઍમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા હૉસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

અભલોડ ગામના સ્થાનિક જિતેન્દ્ર પંચાલ બીબીસીને જણાવે છે કે, "લગ્નપ્રસંગમાં ફૂડ પૉઇઝનિંગ થયું છે. 200થી 250 લોકોને સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. 1000 માણસોનો જમણવાર હતો, જેમાંથી ૨૫૦ લોકોને હાલ સારવાર અર્થે ખસેડાયા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન