BRICS એટલે શું? વૈશ્વિક અર્થતંત્ર માટે તે શા માટે મહત્ત્વનું છે? જાણો તેની સ્થાપના પાછળનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Sanjeev Verma/Hindustan Times via Getty Images
12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં 18મું બ્રિક્સ સમિટ યોજાઈ રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ બેઠકમાં સામેલ થશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ સંમેલનમાં ભાગ લેવા માટે ભારત પહોંચી ગયા છે.
ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પીએમ મોદીના આમંત્રણ પર શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે બ્રિક્સના 18માં શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવશે.
શી જિનપિંગની મુલાકાતને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈએ દિલ્હી પોલીસના હવાલાથી જણાવ્યું કે તુગલક રોડ વિસ્તારમાં લગભગ 500 સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે કાર્યક્રમ સ્થળની આસપાસ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં લગભગ 15,000 પોલીસકર્મીઓ અને અર્ધસૈનિક દળોની 200 કંપનીઓને તહેનાત કરાયા છે.
તૈયારીઓ અંગે માહિતી આપતાં સ્પેશિયલ દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારી મનીષકુમાર અગ્રવાલે કહ્યું, "ઘણા ગણમાન્ય લોકો દિલ્હી આવી રહ્યા છે. તેમાં રાષ્ટ્રાધ્યક્ષો, સરકારોના વડાઓ, મંત્રીઓ, વિદેશી પ્રતિનિધિમંડળો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના સભ્યો સામેલ છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી સામાન્ય લોકોને ઓછામાં ઓછી અસુવિધા થાય."
આ પહેલાં પણ ભારત વર્ષ 2012, 2016 અને 2021માં બ્રિક્સની અધ્યક્ષતા અને બેઠકોની યજમાની કરી ચૂક્યું છે.
આ જ વર્ષના મે મહિનામાં બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકની યજમાની ભારતે કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વખતે આ શિખર સંમેલન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે મધ્ય-પૂર્વમાં ફરીથી તણાવ વધ્યો છે અને વૈશ્વિક તેલ બજારમાં અસ્થિરતાનો સમય ચાલી રહ્યો છે.
તે ઉપરાંત શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આવવાની પુષ્ટિ થઈ છે, જેના પર સૌની નજર છે.
શું છે બ્રિક્સ?

ઇમેજ સ્રોત, Per-Anders Pettersson/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બ્રિક્સ વિશ્વની પાંચ સૌથી ઝડપથી ઉભરી રહેલી અર્થવ્યવસ્થાઓનું એક સમૂહ છે.
બ્રિક્સ અંગ્રેજીના અક્ષરો B R I C S પરથી બનેલો શબ્દ છે, જેમાં દરેક અક્ષર એક દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ દેશો છે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા.
બ્રિક્સમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી 11 મુખ્ય અર્થવ્યવસ્થાઓ અને વિકાસશીલ દેશો સામેલ છે: રશિયા, ચીન, ભારત, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત.
બ્રિક્સ 2026ની વેબસાઇટ અનુસાર, ઇજિપ્ત, ઇથિયોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત જાન્યુઆરી 2024થી સભ્ય છે, જ્યારે કે ઇન્ડોનેશિયા જાન્યુઆરી 2025માં આ સમૂહનો પૂર્ણ સભ્ય બન્યું.
બેલારુસ, બોલિવિયા, કઝાખસ્તાન, ક્યુબા, મલેશિયા, નાઇજિરિયા, થાઇલૅન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામ 2025માં બ્રાઝિલના રિઓ-ડી-જાનેરિઓમાં પૂર્ણ થયેલા બ્રિક્સ સમિટમાં આ સમૂહના ભાગીદાર દેશો બન્યા.
કેટલાક જાણકારોનું કહેવું છે કે આ દેશો વર્ષ 2050 સુધીમાં ઉત્પાદન ઉદ્યોગ, સેવાઓ અને કાચા માલના મુખ્ય સપ્લાયર એટલે કે પુરવઠાકર્તા બની જશે.
તેમનું માનવું છે કે ચીન અને ભારત ઉત્પાદન ઉદ્યોગ અને સેવાઓના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વના મુખ્ય સપ્લાયર બની જશે, જ્યારે રશિયા અને બ્રાઝીલ કાચા માલના સૌથી મોટા પુરવઠાકર્તા બની જશે.
બ્રિક્સને આ નામ કોણે આપ્યું?

ઇમેજ સ્રોત, MIKHAIL KLIMENTYEV/AFP via Getty Images
એક બ્રિટિશ અર્થશાસ્ત્રી જિમ ઓ'નીલે વિશ્વની સૌથી શક્તિશાળી રોકાણ બૅન્ક ગોલ્ડમૅન સૅક્સમાં કામ કરતી વખતે આ શબ્દ બનાવ્યો હતો. ત્યારે આ શબ્દ BRIC હતો.
જ્યારે 2010માં દક્ષિણ આફ્રિકાને પણ આ સમૂહ સાથે જોડવામાં આવ્યું, ત્યારે તે BRICS બન્યું.
ઓ'નીલે આ શબ્દાવલીનો પ્રથમ વખત વર્ષ 2001માં પોતાના સંશોધનપત્રમાં ઉપયોગ કર્યો હતો.
પ્રથમ વખત 2006માં રશિયાના સૅન્ટ પીટર્સબર્ગમાં જી-8 સમૂહના શિખર સંમેલન સાથે જ બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન એટલે કે બ્રિકના નેતાઓ મળ્યા હતા.
સપ્ટેમ્બર 2006માં ન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન જ્યારે આ દેશોના વિદેશ મંત્રીઓની ઔપચારિક બેઠક થઈ, ત્યારે આ સમૂહને બ્રિક નામ આપવામાં આવ્યું.
બ્રિક્સને લઈને ટ્રમ્પનો અભિગમ શું છે?

ઇમેજ સ્રોત, DMITRY KOSTYUKOV/AFP via Getty Images
બ્રિક દેશોની પ્રથમ શિખર સ્તરની સત્તાવાર બેઠક 16 જૂન 2009ના રોજ રશિયાના યેકાતેરિનબર્ગમાં યોજાઈ હતી.
તે બાદ 2010માં બ્રિકનું શિખર સંમેલન બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયામાં યોજાયું. આ જ વર્ષે દક્ષિણ આફ્રિકા જોડાતાં બ્રિકનું નામ બ્રિક્સ બન્યું.
દક્ષિણ આફ્રિકા એપ્રિલ 2011માં ચીનના સાન્યામાં યોજાયેલા આ સમૂહના ત્રીજા શિખર સંમેલનમાં પ્રથમ વખત સામેલ થયું હતું.
બ્રિક્સની રચના ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપના સમૃદ્ધ દેશોની રાજકીય અને આર્થિક શક્તિને પડકારવા માટે, વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ વિકાસશીલ દેશોને એકજૂથ કરવાના હેતુથી કરવામાં આવી હતી.
પછીનાં વર્ષોમાં ઘણા દેશોએ તેમાં જોડાવાની રસ દાખવી અને ત્યારથી બ્રિક્સમાં સામેલ થવા માટે લગભગ 30 અન્ય દેશોએ ઇચ્છા વ્યક્ત કરી છે.
જોકે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી બ્રિક્સ અંગે નારાજગી પણ જોવા મળી હતી.
વર્ષ 2025માં યોજાયેલી બ્રિક્સ સમિટ બાદ ટ્રમ્પે સીધી ચેતવણી આપતાં કહ્યું હતું, "જે દેશો અમેરિકા વિરોધી નીતિઓનો સાથ આપશે, અમેરિકા તે દેશો પર પહેલેથી લાગુ ટેરિફ ઉપરાંત વધુ 10 ટકા ટેરિફ લગાવશે."
કેટલી મોટી છે બ્રિક્સ દેશોની અર્થવ્યવસ્થા?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિક્સનું મુખ્યાલય ચીનના શાંઘાઈમાં છે. બ્રિક્સનાં સંમેલનો દર વર્ષે યોજાય છે અને તેમાં તમામ સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લે છે.
જ્યારે આ સમૂહમાં ચાર દેશો હતા, ત્યારે દર પાંચમા વર્ષે એક સભ્ય દેશ આ સંમેલનની યજમાની કરતો હતો.
બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા દર વર્ષે એક પછી એક બ્રિક્સના સભ્ય દેશોના સર્વોચ્ચ નેતાઓ કરે છે.
આ વર્ષે આ બેઠકની યજમાની ભારત કરી રહ્યું છે.
બ્રિક્સ 2026ની વેબસાઇટ અનુસાર, બ્રિક્સ દેશોની વસ્તી વિશ્વની કુલ વસ્તીના લગભગ 49.5 ટકા છે અને વૈશ્વિક કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં તેનો હિસ્સો લગભગ 40 ટકા છે, જ્યારે વૈશ્વિક વેપારમાં તેની ભાગીદારી 26 ટકા છે.
બ્રિક્સ દેશો આર્થિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા માંગે છે, પરંતુ તેમાંના કેટલાક દેશો વચ્ચે ગંભીર રાજકીય વિવાદો પણ છે. આ વિવાદોમાં ભારત અને ચીન વચ્ચેનો સરહદી વિવાદ સૌથી મહત્ત્વપૂર્ણ છે.
તેનો સભ્ય બનવા માટે કોઈ ઔપચારિક પ્રક્રિયા નથી. સભ્ય દેશો પરસ્પર સહમતિથી આ નિર્ણય કરે છે.
2020 સુધી નવા સભ્યોને આ સમૂહ સાથે જોડવાના પ્રસ્તાવો પર વિશેષ ધ્યાન આપવામાં આવતું ન હતું, પરંતુ ત્યારબાદ આ સમૂહના વિસ્તરણ અંગે ચર્ચા શરૂ થઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























