પ્રિન્સેસ ડાયનાએ પહેરેલા 'રિવેન્જ ડ્રેસ'માં શું ખાસ છે કે તેની હરાજી થશે?

આ તસવીર 20 નવેમ્બર, 1994ની છે, જ્યારે પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયનાએ તેમનો પ્રસિદ્ધ કાળા રંગનો ‘રિવેન્જ ડ્રેસ’ પહેર્યો હતો

ઇમેજ સ્રોત, Anwar Hussein/WireImage

ઇમેજ કૅપ્શન, આ તસવીર 20 નવેમ્બર, 1994ની છે, જ્યારે પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયનાએ તેમનો પ્રસિદ્ધ કાળા રંગનો 'રિવેન્જ ડ્રેસ' પહેર્યો હતો
    • લેેખક, બ્રાન્ડન લિવસે અને ઍલેક્સ ફિલિપ્સ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

પ્રિન્સેસ ડાયનાએ પહેરેલો એક પ્રસિદ્ધ ડ્રેસ હરાજી માટે મુકાશે. આ ડ્રેસને સામાન્ય રીતે 'રિવેન્જ ડ્રેસ' કહેવાય છે.

દિવંગત પ્રિન્સેસ ઑફ વેલ્સે આ સ્ટ્રેપલેસ કાળો સિલ્ક ઇવનિંગ ડ્રેસ લંડનમાં એક પાર્ટીમાં પહેર્યો હતો. આ ઘટનાના થોડા કલાકો પહેલાં જ તેમનાથી અલગ રહેલા પતિ પ્રિન્સ ચાર્લ્સે સ્વીકાર્યું હતું કે લગ્નજીવન દરમિયાન તેમના લગ્નેતર સંબંધો હતા.

વર્ષ 1994માં આ ડ્રેસ પહેરીને સર્પેન્ટાઇન ગૅલરી ખાતે પહોંચેલાં પ્રિન્સેસ ડાયનાનો અંદાજ પોપ કલ્ચરના સૌથી યાદગાર પળોમાંથી એક બની ગયો હતો.

હરાજી કરનાર સંસ્થા સોથેબીઝને આશા છે કે 9 ડિસેમ્બરે યોજાનારી હરાજીમાં આ ડ્રેસ લગભગ 2.85 કરોડ રૂપિયા સુધીની કિંમતમાં વેચાઈ શકે છે.

વર્ષ 1997 પછી પ્રથમ વખત હરાજી થશે

પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયના

ઇમેજ સ્રોત, PA

વર્ષ 1997 પછી આ ડ્રેસ પ્રથમ વખત હરાજી માટે મૂકવામાં આવી રહ્યો છે. તે સમયે પ્રિન્સેસ ડાયનાએ પોતાના અવસાનના થોડા મહિના પહેલાં ચેરિટી માટે નાણાં એકત્ર કરવાના હેતુથી પોતાના 79 ડ્રેસની હરાજી કરી હતી.

સોથેબીઝમાં હેન્ડબૅગ અને ફૅશન વિભાગનાં ગ્લોબલ હેડ મૉર્ગન હાલિમીએ એક નિવેદનમાં જણાવ્યું કે પ્રિન્સેસ ડાયના સ્વાભાવિક રીતે સમજતાં હતાં કે ફૅશનની પણ પોતાની એક ભાષા હોઈ શકે છે.

તેમણે કહ્યું, "પ્રિન્સેસ ડાયનાએ પોતાની રીતે આ ડ્રેસને તેમના સૌથી શક્તિશાળી સંદેશાઓમાંથી એક બનાવી દીધો હતો. આ તેમની જિંદગીનો એવો સમયગાળો હતો, જેના પર લોકોની ખૂબ નજર હતી અને જેમાં લાગણીસભર ઊથલપાથલ પણ ઘણી હતી."

"તેઓ એવા સમયે લોકો સામે આવ્યાં હતાં, જ્યારે તેમની કહાણી અન્ય લોકો કહી રહ્યા હતા. પરંતુ તેમણે જે કપડાં પહેરવાનું પસંદ કર્યું, તેનાથી પોતાની કહાણી પોતાની રીતે દુનિયા સામે રજૂ કરી હતી."

સર્પેન્ટાઇન ગેલરીના ફંડરેઇઝિંગ ડિનરની એ જ સાંજે એક ટેલિવિઝન ડૉક્યુમેન્ટરી પ્રસારિત કરાઈ હતી, જેમાં તે સમયના પ્રિન્સ ઑફ વેલ્સ ચાર્લ્સ (હાલના રાજા)એ વર્ષોથી ચાલી રહેલી અફવાઓ અને મીડિયા અહેવાલો બાદ સ્વીકાર્યું હતું કે તેઓ ડાયના પ્રત્યે વફાદાર રહ્યા નહોતા.

આઇટીવીના આ ઇન્ટરવ્યૂની માહિતી થોડા દિવસ પહેલાં જ લીક થઈ ગઈ હતી. તેથી ડૉક્યુમેન્ટરીના પ્રસારણ બાદ ડાયનાનું પ્રથમ જાહેર આગમન તેમના જવાબ તરીકે વ્યાપકપણે માનવામાં આવ્યું હતું.

તે સમયે ડાયનાનાં સ્ટાઇલિસ્ટ રહેલાં ઍના હાર્વીના જણાવ્યા મુજબ, પ્રિન્સેસ "અત્યંત આકર્ષક દેખાવા માગતાં હતાં."

કાર્યક્રમમાં જવાના થોડા સમય પહેલાં જ તેમણે પોતાનો ડ્રેસ બદલવાનો નિર્ણય કર્યો હતો. તેમણે સરખામણીએ ઓછો આકર્ષક વેલેન્ટિનો ગાઉન પહેરવાનો વિચાર છોડ્યો અને તેના બદલે ખભાની નીચે સુધી ખુલ્લો રહેતો આ પ્રસિદ્ધ કાળો ડ્રેસ પસંદ કર્યો હતો.

'રિવેન્જ ડ્રેસ'ને વિશ્વનાં અનેક શહેરોમાં પ્રદર્શિત કરવામાં આવશે

ગ્રીક ડિઝાઇનર ક્રિસ્ટિના સ્ટૅમ્બોલિયને તૈયાર કરેલા આ ડ્રેસનો નીચેનો ભાગ એક બાજુથી ટૂંકો અને બીજી બાજુથી લાંબો હતો. તેની પાછળ શિફૉન કાપડનો લાંબો ભાગ પણ જોડવામાં આવ્યો હતો. ડાયનાએ આ ડ્રેસ સાથે શાહી હાર, કાળો ક્લચ બૅગ અને કાળા હીલ્સ પહેર્યાં હતાં.

આ ડ્રેસના વેચાણ પહેલાં 'રિવેન્જ ડ્રેસ'ને વિશ્વનાં અનેક શહેરોમાં પ્રદર્શિત કરવામાં આવશે.

આ ડ્રેસ 18થી 24 સપ્ટેમ્બર દરમિયાન લંડનમાં સોથેબીઝના શોરૂમમાં રાખવામાં આવશે. ત્યાર બાદ તેને ઑક્ટોબરની શરૂઆતમાં હૉંગકૉંગ અને નવેમ્બરની શરૂઆતમાં જીનીવા લઈ જવામાં આવશે. અંતે તેને ન્યૂ યૉર્ક લઈ જવામાં આવશે, જ્યાં તેની હરાજી યોજાશે.

આ પહેલાં આ ડ્રેસની હરાજી ખુદ પ્રિન્સેસ ડાયનાએ કરાવી હતી. તે એવા અનેક સામાનમાં સામેલ હતો, જેને કૅન્સર અને એઇડ્સ સંબંધિત ચેરિટી સંસ્થાઓ માટે નાણાં એકત્ર કરવાના હેતુથી વેચવામાં આવ્યો હતો.

આ ડ્રેસ તે સમયે ગ્લાસગોમાં રહેતાં બ્રિજ મેકેન્ઝી અને તેમના પતિ ગ્રેમ મેકેન્ઝીએ ખરીદ્યો હતો. તેમણે તેના માટે અંદાજે 50.6 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

20 નવેમ્બર, 2025ના રોજ પેરિસના મ્યુઝે ગ્રેવેં મ્યુઝિયમમાં લેવામાં આવેલી આ તસવીરમાં પ્રિન્સેસ ડાયનાની પ્રસિદ્ધ ‘રિવેન્જ ડ્રેસ’ પહેરેલી મીણની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું

ઇમેજ સ્રોત, Sébastien DUPUY / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 20 નવેમ્બર, 2025ના રોજ પેરિસના મ્યુઝે ગ્રેવેં મ્યુઝિયમમાં લેવામાં આવેલી આ તસવીરમાં પ્રિન્સેસ ડાયનાની પ્રસિદ્ધ 'રિવેન્જ ડ્રેસ' પહેરેલી મીણની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મેકેન્ઝીએ તે સમયે ધ ઇન્ડિપેન્ડન્ટને જણાવ્યું હતું કે તેમણે આ ડ્રેસ તેને પહેરવા માટે ખરીદ્યો નહોતો. તેમણે કહ્યું હતું, "હું આ ડ્રેસમાં ફિટ થઈ શકું તેમ નથી."

તેમણે આ ડ્રેસ એટલા માટે ખરીદ્યો હતો કે તેના વેચાણમાંથી મળનારી રકમ 'ચિલ્ડ્રન ફર્સ્ટ' નામની ચેરિટી સંસ્થાને આપવામાં આવવાની હતી.

સોથેબીઝ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા નિવેદનમાં મેકેન્ઝીએ જણાવ્યું, "મારા સ્વર્ગસ્થ પતિ અને હું જાણતાં હતાં કે આ ડ્રેસ અત્યંત ખાસ છે."

"પ્રિન્સેસ ડાયના પોતાના જીવનની સૌથી મુશ્કેલ રાતનો સામનો કરવા જઈ રહ્યાં હતાં, પરંતુ તેમને જોઈને તેનો જરા પણ અંદાજ આવતો નહોતો. તેમની તસવીરો લેવામાં જેટલો સમય લાગ્યો, એટલા સમયમાં જ આ ડ્રેસ એક સામાન્ય કોકટેલ ડ્રેસમાંથી એક મજબૂત સંદેશમાં પરિવર્તિત થઈ ગયો હતો."

"આજે પણ 30 વર્ષ પછી વિશ્વમાં તમે ક્યાંય પણ 'રિવેન્જ ડ્રેસ' કહો, તો દરેક વ્યક્તિ સમજી જાય કે તમે કયા ડ્રેસની વાત કરો છો."

તેમણે વધુમાં જણાવ્યું કે તેમના પતિના અવસાન બાદ તેમણે આ ડ્રેસ વેચવાનો નિર્ણય લીધો હતો.

તેમના જણાવ્યા અનુસાર, પોતાના પતિ સાથે મળીને આ ડ્રેસ માટે બોલી લગાવવાનો પ્રસંગ તેમના વૈવાહિક જીવનની સૌથી યાદગાર અને સુંદર ક્ષણોમાંનો એક હતો.

આ હૉસ્પિટલને આપવામાં આવશે ચેરિટીની રકમ

અગાઉ આ ડ્રેસની હરાજી પહેલી વાર 1997માં ખુદ પ્રિન્સેસ ડાયનાએ કરાવી હતી

ઇમેજ સ્રોત, Sébastien DUPUY / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, અગાઉ આ ડ્રેસની હરાજી પહેલી વાર 1997માં ખુદ પ્રિન્સેસ ડાયનાએ કરાવી હતી

સોથેબીઝે જણાવ્યું છે કે 1997ની હરાજીના કેટલૉગની એક દુર્લભ નકલ પણ આ ડ્રેસ સાથે વેચવામાં આવશે. આ કેટલૉગ પર પ્રિન્સેસ ડાયના અને ડિઝાઇનર ક્રિસ્ટિના સ્ટૅમ્બોલિયનના હસ્તાક્ષર છે. કેટલૉગમાં જણાવાયું છે કે આ ડ્રેસની હરાજી કરવાનો વિચાર પ્રિન્સ વિલિયમે આપ્યો હતો.

આ ડ્રેસના વેચાણમાંથી મળનારી રકમનો એક હિસ્સો એનએચએસ લોથિયન ચેરિટી મારફતે રૉયલ ઍડિનબરા હૉસ્પિટલને આપવામાં આવશે.

જોકે, એવી અપેક્ષા છે કે આ ડ્રેસ ખૂબ ઊંચી કિંમતે વેચાશે, પરંતુ આ પહેલી એવી ઘટના નહીં હોય જ્યારે પ્રિન્સેસ ડાયના દ્વારા પહેરાયેલી કોઈ વસ્તુ આટલી મોટી રકમમાં વેચાઈ હોય.

ડાયનાનું એક સ્વેટર વર્ષ 2023માં ન્યૂ યૉર્કમાં યોજાયેલી સોથેબીઝની હરાજીમાં અંદાજે 11.9 કરોડ રૂપિયામાં વેચાયું હતું.

આ સ્વેટર પર સફેદ ઘેટાંની અનેક હરોળો વચ્ચે એક કાળું ઘેટું દર્શાવવામાં આવ્યું હતું, જેના કારણે તે ખાસ ચર્ચામાં રહ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન