પીએમ મોદીના લાંબા કાર્યકાળ માટે મલેશિયાથી લઈને માલદીવ સુધીના રાષ્ટ્રપતિઓએ શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

પીએમ મોદીના લાંબા કાર્યકાળ માટે મલેશિયાથી લઈને માલદીવ સુધીના રાષ્ટ્રપતિઓએ શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Alberto PIZZOLI / AFP via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે સૌથી લાંબા કાર્યકાળ ધરાવતા નેતા બની ગયા છે. તેમણે આ મામલે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુને પાછળ છોડી દીધા.

તેમની આ ઉપલબ્ધિ પર તેમને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યાં છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકેએ ઍક્સ પર લખ્યું, "હું ભારતના ઇતિહાસનાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા પ્રધાન રહેવા પર પીએમ નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન પાઠવું છું. શ્રીલંકા આપણી ઘનિષ્ઠ ભાગેદારીને મહત્ત્વ આપે છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં આશાન્વિન્ત છું."

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂએ કહ્યું, "ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા પ્રધાનપદે રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન. માલદીવ, આપસી સન્માન, સંપ્રભુ સમાનતા અને પરસ્પર હિતો માટે ભારતની સાથે સહયોગને વધુ મજબૂત કરવાની દિશામાં આગળ વધવા ઇચ્છૂક છે."

પીએમ મોદીને મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે પણ અભિનંદન પાઠવ્યાં છે.

તેમણે ઍક્સ પર લખ્યું, "ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા પ્રધાન બની રહેવાની ઉપલબ્ધિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન. આ ઉપલબ્ધિ ભારતના વિકાસ, સમૃદ્ધિ અને વૈશ્વિક સ્તરે તેની પ્રતિષ્ઠાને આગળ વધારવામાં તેમની વર્ષોની સમર્પિત જનસેવા તથા નેતૃત્વનું પ્રમાણ છે."

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પીએમ મોદીને અભિનંદન પાઠવતા કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દાયકાઓની સમર્પિત જનસેવા અને નેતૃત્વનું આ એક સશક્ત પ્રમાણ છે. તેમને ભવિષ્ય માટે મારી શુભકામનાઓ."

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હિંસા, 11નાં મોત, ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને શું અપીલ કરી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, ન્યૂઝ અપડેટ, પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘર્ષણમાં 11 લોકોનાં મૃત્યુ અને 70 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં સોમવારે પ્રતિબંધિત સંગઠન જૉઇન્ટ અવામી ઍક્શન કમિટીના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણમાં 11 લોકોનાં મૃત્યુ થઈ ગયાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સમાચાર એજન્સી રૉયટર્સે કહ્યું છે કે 11 લોકોનાં મૃત્યુ થયાં છે અને 70 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમજ સમાચાર એજન્સી એએફપીએ સાત લોકોનાં મૃત્યુ થયાંના અને ડઝનો ઈજાગ્રસ્ત થયાના સમાચાર આપ્યા છે.

રૉયટર્સ પ્રમાણે પોલીસે કહ્યું કે જૉઇન્ટ અવામી ઍક્શન કમિટીના સમર્થક વધુ આર્થિક અને રાજકીય અધિકારોની માગ કરી રહ્યા છે.

આ ઘર્ષણ ત્યારે શરૂ થયું જ્યારે જૉઇન્ટ અવામી ઍક્શન (જેએએસી) કમિટીના લોકો એક હૉસ્પિટલની બહાર એકઠા થયા હતા, જ્યાં અન્ય એક સંગઠનના સભ્યનો મૃતદેહ રખાયો હતો. આ વ્યક્તિનું મૃત્યુ પોલીસ ફાયરિંગમાં થયું હતું.

પુંછ સેક્ટરના કમિશનર સરદાર વાહિદ ખાને સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું કે ઉપદ્રવીઓની ગોળીથી ચાર પોલીસ ઑફિસર અને એક રાહદારીનું મૃત્યુ નીપજ્યું. પોલીસની જવાબી ફાયરિંગમાં છ પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયાં.

પોલીસપ્રમુખ લિયાકત મલિકે જણાવ્યું કે સોમવારની ઘટનામાં 23 સુરક્ષાકર્મી અને 50 પ્રદર્શનકારી ઈજાગ્રસ્ત થયા. 30 લોકોની ધરપકડ કરાઈ છે.

જેએએસી ક્ષેત્રની વિધાનસભા માટે 27 જુલાઈના રોજ થનારી ચૂંટણીઓમાં શરણાર્થીઓ માટે 12 બેઠકો અનામત રાખવાના વિરોધમાં 9 જૂનના રોજ હડતાળનું આહ્વાન કરેલું. નોંધનીય છે કે કુલ 45 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.

ગઠબંધનની માગ છે કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં વિધાનસભામાં અનામત બેઠકોની વ્યવસ્થા ખતમ કરવામાં આવે.

બીબીસી ઉર્દૂ મુજબ, મંગળવારે સંગઠને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં લાંબી માર્ચ શરૂ કરી દીધી હતી.

સ્થાનિક પોલીસ અનુસાર તેમની પદયાત્રામાં ભાગ લેનારા લોકોની સંખ્યા લગભગ બે હજાર હતી.

પોલીસ કાર્યવાહી અંગે જૉઇન્ટ અવામી ઍક્શન કમિટીના નેતા શૌકત નવાઝ મીરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં કહ્યું, "રાવલકોટમાં અમારી જનતાનો સંહાર કરાઈ રહ્યો છે."

તેઓ એ જિલ્લાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યાં આ ઘટના બની છે.

બીજી તરફ, કમિશનર ખાને કહ્યું, "જૉઇન્ટ અવામી ઍક્શન કમિટી આને જનસંહાર ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. રાજ્યની કાર્યવાહીનો ઉદ્દેશ માત્ર કાયદો-વ્યવસ્થા બહાલ કરવાનો હતો."

ભારતે પણ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં થયેલી આ હિંસા અંગે પ્રતિક્રિયા આપી છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું, "અમે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનો અને તેની સાથે સંકળાયેલા મુદ્દા વિશે અહેવાલો જોયા છે. આ સંદર્ભે અમે સતત પાકિસ્તાનમાંથી ફેલાવાઈ રહેલી ફેક ન્યૂઝ અને ભ્રામક વીડિયોની એક પૅટર્ન જોઈ રહ્યા છીએ."

"એવી લાગે છે કે પાકિસ્તાન પોતાની નાકામીઓ પર પડદો નાખવા અને માનવાધિકાર ઉલ્લંઘનો પરથી ધ્યાન ભટકાવવા માટે આ હતાશ કોશિશ કરી રહ્યું છે."

"તમે પણ જેમ જોયું હશે કે, પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પોલીસની ક્રૂરતાના ઘણા અહેવાલ સામે આવ્યા છે. અહેવલો અનુસાર, ઘણા લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે."

"અમને આશા છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનને તેનાં કારનામાં અને માનવાધિકાર ઉલ્લંઘનો માટે જવાબદાર ઠેરવશે."

અફઘાનિસ્તાનનો દાવો, 'પાકિસ્તાની સેનાના હુમલામાં 11 બાળકો સહીત 13 લોકોનાં મોત'

અફઘાનિસ્તાનનો દાવો, 'પાકિસ્તાની સેનાના હુમલામાં 11 બાળકો સહીત 13 લોકોનાં મોત' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, AAMIR QURESHI/AFP via Getty Image

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના પ્રવક્તા જબિહુલ્લાહ મુજાહિતે કહ્યું કે પાકિસ્તાની સેનાએ 'અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન' કર્યું છે. મંગળવાર-બુધવારની રાતે ડુરંડ લાઇન પાસે ઘણા પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા છે.

જબિહુલ્લાહ મુજાહિદે કેટલીક તસવીરો પોસ્ટ કરતાં ઍક્સ પર લખ્યું, "કાલે રાતે પાકિસ્તાની સેનાએ ફરી એક વખત અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું અ કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં નાગરિકોનાં ઘરો પર બૉમ્બમારો કર્યો."

તેમણે દાવો કર્યો, "આ હુમલામાં 11 બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ માર્યાં ગયાં, જ્યારે કે 14 મહિલાઓ અને બાળકો ઘાયલ થયાં છે."

તાલિબાન સરકારના પ્રવક્તાએ આ હુમલાને 'માનવીય અપરાધ તથા આક્રામકતાની કાર્યવાહી' ગણાવી તેની નિંદા કરી છે.

આ હુમલાને લઈને પાકિસ્તાન તરફથી કોઈ નિવેદન નથી આવ્યું. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર અને પાકિસ્તાન વચ્ચે કેટલાક મહિનામાં તણાવ વધ્યો છે.

અમેરિકન સૈન્યે કહ્યું, 'અપાચે હેલિકૉપ્ટર પર હુમલા બાદ જવાબી કાર્યવાહી પૂર્ણ કરી'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, ન્યૂઝ અપડેટ, ઈરાન, યુએસએ, અમેરિકા

ઇમેજ સ્રોત, Chung Sung-Jun/Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન સૈન્યે ઈરાનની ઍર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનો અને સર્વેલન્સ રડારનાં ઠેકાણાંને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે (ફાઇલ તસવીર)

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેંટકૉમ)એ બુધવારે પોતાના લેટેસ્ટ નિવેદનમાં કહ્યું છે કે તેણે અમેરિકાના અપાચે હેલિકૉપ્ટર પર હુમલાના જવાબમાં કાર્યવાહી પૂરી કરી લીધી છે.

સેંટકૉમે કહ્યું, "અમેરિકન સૈન્યનું એક અપાચે હેલિકૉપ્ટર તોડી પાડવાના જવાબમાં સૈન્યે આત્મરક્ષા અંતર્ગત 9 જૂનના રોજ ઈરાન વિરુદ્ધ કાર્યવાહી પૂરી કરી લીધી. આ કાર્યવાહી કમાન્ડર ઇન ચીફના નિર્દેશ પર કરાઈ."

નિવેદનમાં કહેવાયું કે અમેરિકન ઍરફોર્સ અને નેવીનાં ફાઇટર વિમાનોએ હોર્મુઝની સામુદ્રધુની નજીક 'ઈરાનની ઍર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનો અને સર્વેલન્સ રડારનાં ઠેકાણાંને નિશાન બનાવ્યાં.'

સોમવારે અમેરિકન સૈન્યના એક અપાચે હેલિકૉપ્ટરને ઓમાનના સમુદ્ર કાંઠા પાસે તોડી પડાયું હતું. આ હેલિકૉપ્ટરમાં સવાર બે ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવાયા હતા.

મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ થતાં વિપક્ષના નેતાઓએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, પાકિસ્તાન, ન્યૂઝ અપડેટ, પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસે મીનાક્ષી નટરાજનને મધ્ય પ્રદેશથી રાજ્યસભાનાં ઉમેદવાર બનાવ્યાં હતાં (ફાઇલ તસવીર)

કૉંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનનું રાજ્યસભાની ચૂંટણી માટેનું નામાંકન રદ થયા બાદ વિપક્ષના નેતાઓએ ઘણા સવાલ ઉઠાવ્યા છે.

કૉંગ્રેસે આને 'સીટ ચોરી' કહ્યું છે, તો સત્તાધારી પક્ષ ભાજપે આને 'સત્યની જીત' ગણાવી છે.

આ દરમિયાન અન્ય વિપક્ષનાં દળો તરફથી પણ આ મામલામાં પ્રતિક્રિયાઓ આવી રહી છે.

શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા આદિત્ય ઠાકરેએ એક્સ પર લખ્યું, "આપણે એક સમયે લોકશાહી હતા. વિશ્વની સૌથી મોટી લોકશાહી, જ્યાં સંસ્થાયઓનાં નિષ્પક્ષતા અને સાર્વભૌમત્વ રાજકીય અસરથી મુક્ત હતાં. હવે... હવે વિશ્વની સૌથી મોટી પૂર્વ લોકશાહી."

તેમજ તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું, "એક નાનકડું બહાનું આગળ ધરીને કૉંગ્રેસનાં રાજ્યસભાનાં ઉમેદવાર મીનાક્ષી નટરાજનને ખારિજ કરી દેવાની વાત એ બતાવે છે કે મોદી અને શાહ બંને ગૃહો પર નિયંત્રણ મેળવવા અને બંધારણમાં સંશોધન કરવા માટે કેટલા તત્પર છે. નહીંતર 2029માં તેમનો સમય સમાપ્ત થઈ જશે."

મંગળવારે મીનાક્ષી નટરાજનનું રાજ્યસભાની ચૂંટણી માટેનું નામાંકન રદ કરી દેવાયું. કૉંગ્રેસ તેમને મધ્ય પ્રદેશથી ઉમેદવાર બનાવ્યાં હતાં.

નામાંકન રદ થયા બાદ કૉંગ્રેસ નેતા જયરામ રમેશ, ભૂપેશ બઘેલ, સચીન પાઇલટ અને કેસી વેણુગોપાલ સહિત ઘણા નેતા નવી દિલ્હી ખાતે ચૂંટણીપંચની ઑફિસે પહોંચીને ધરણાં પર બેઠા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન