You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં ત્રણ-ચાર દિવસમાં પહોંચી શકે ચોમાસું, ગુજરાતમાં ક્યારે થશે શરૂઆત?
હવામાન વિભાગે ભારતમાં ચોમાસાની શરૂઆતને લઈને આપેલી માહિત પ્રમાણે દેશમાં ચોમાસું તેની નિર્ધારિત તારીખની આસપાસ શરૂ થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગ પ્રમાણે આંદામાન-નિકોબાર અને દક્ષિણ બંગાળની ખાડીમાં ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં થોડું વહેલું પહોંચે તેવી શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે અને આગામી દિવસોમાં તે ભારતના દરિયામાં પહોંચી જશે.
આંદામાન નિકોબારમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ 22 મે છે અને પરંતુ આ વર્ષે કદાચ તેના કરતાં થોડું વહેલું ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગ પ્રમાણે આ અઠવાડિયાના અંત સુધીમાં ચોમાસું બંગાળની ખાડીમાં પહોંચી જાય તેવી શક્યતા છે.
બંગાળની ખાડીમાં ચોમાસું પ્રવેશ્યા બાદ જો સ્થિતિ અનુકૂળ રહી તો તે આગળ વધીને શ્રીલંકાની પાસે અને ત્યારબાદ અરબી સમુદ્રમાં ચોમાસું પહોંચશે.
જે બાદ કેરળમાંથી દેશમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. કેરળમાં ચોમાસું પહોંચે ત્યારે જ દેશમાં તેની શરૂઆત થઈ ગણાય છે.
હવામાન વિભાગે હજી ભારતમાં ચોમાસું કઈ તારીખે બેસશે તેની કોઈ તારીખ જારી કરી નથી. પરંતુ કેરળમાં સામાન્ય રીતે 1 જૂનની આસપાસ ચોમાસું પહોંચતું હોય છે.
ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે. કેરળ બાદ ચોમાસું ધીરે ધીરે આગળ વધીને દેશના અન્ય વિસ્તારો સુધી પહોંચે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન