'ખાલડાનું નામ લેવું એ પણ ગુનો', દિલજિત દોસાંઝની ફિલ્મ 'સતલુજ' રિલીઝ થયાના 48 કલાકમાં હઠાવાઈ

જસવંતસિંહ ખાલડા અને ફિલ્મના મુખ્ય અભિનેતા દિલજીત દોસાંઝ

ઇમેજ સ્રોત, KHALRA MISSION ORGANISATION/FB

ઇમેજ કૅપ્શન, જસવંતસિંહ ખાલડા અને ફિલ્મના મુખ્ય અભિનેતા દિલજિત દોસાંઝ
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

માનવાધિકાર કાર્યકર જસવંતસિંહ ખાલડાના જીવન પર આધારિત દિલજિત દોસાંઝની ફિલ્મ 'સતલુજ' ગત ત્રણ જુલાઈના રોજ ઓટીટી પ્લૅટફૉર્મ ઝી5 પર રિલીઝ થઈ હતી, પરંતુ પાંચ જુલાઈના રોજ તેને પ્લૅટફૉર્મ પરથી દૂર કરવામાં આવી હતી.

ઝી5ના સત્તાવાર ઍક્સ હૅન્ડલ પર એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, "સતલુજ' ભલે અટકી ગઈ હોય, પરંતુ તેણે છેડેલી ચર્ચા ચાલુ છે. તમારા અપાર પ્રેમ માટે દિલથી ધન્યવાદ. અમને આશા છે કે અમે તેને ટૂંક સમયમાં તમારા સુધી પાછી લાવીશું."

ફિલ્મના મુખ્ય અભિનેતા દિલજિત દોસાંઝે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે લખ્યું હતું કે, "આ ફિલ્મ હવે અટકવાની નથી અને ખાલડાસાહેબના અવાજને કોઈ દબાવી નહીં શકે."

ઓટીટી પ્લૅટફૉર્મ પર આ ફિલ્મ રિલીઝ થયા પછી, ફિલ્મના દિગ્દર્શક હની ત્રેહાને કહ્યું હતું કે, "આ ફિલ્મમાં કોઈ કટ મૂકવામાં આવ્યા નથી કે તેના મૂળ સ્વરૂપ સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી."

આ ફિલ્મનું મૂળ નામ 'પંજાબ 95' હતું. વિવિધ કારણસર તેની રિલીઝ લાંબા સમય સુધી વિલંબિત રહી હતી.

આ ફિલ્મ સૌપ્રથમ 7 ફેબ્રુઆરી, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.

જોકે, પાછળથી તેની રિલીઝ ફરી એક વાર મુલતવી રાખવામાં આવી હતી.

ફિલ્મમાં દિલજિત દોસાંઝ, અર્જુન રામપાલ, સુવિન્દર વિક્કી, જગજીત સંધુ અને ગીતિકા વિદ્યા ઓહલિયાન અલગ-અલગ ભૂમિકામાં છે.

ઝી5એ તેના નિવેદનમાં શું કહ્યું?

સતલુજ ફિલ્મનું મૂળ નામ 'પંજાબ 95' હતું

ઇમેજ સ્રોત, Zee5/Instagram

ઇમેજ કૅપ્શન, સતલુજ ફિલ્મનું મૂળ નામ 'પંજાબ 95' હતું

રવિવારે પાંચ જુલાઈના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે ઝી5ના સત્તાવાર ઍક્સ એકાઉન્ટ પર એક નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

ઝી5 ફિલ્મને સબસ્ક્રાઇબ કરનાર, જોનાર અને સમર્થન આપનાર બધા દર્શકોનો આભાર માને છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "રિલીઝ પછી 'સતલુજ'ને દર્શકો તરફથી જબરદસ્ત પ્રેમ અને સમર્થન મળ્યાં છે. અમે 'સતલુજ' અને તેની પાછળના સર્જનાત્મક દૃષ્ટિકોણની પાછળ મજબૂત રીતે ઊભા છીએ."

ઝી5એ કહ્યું છે કે, "'સતલુજ' આગામી આદેશ સુધી ભારતમાં ઉપલબ્ધ રહેશે નહીં. ફિલ્મને શક્ય તેટલી વહેલી તકે ફરીથી ઉપલબ્ધ કરાવવા માટે તમામ યોગ્ય વિકલ્પો શોધવામાં આવશે."

ફિલ્મ અત્યાર સુધી કેમ રિલીઝ નહોતી થવા દેવાઈ?

ફિલ્મના ડિરેક્ટર હની ત્રેહાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલ્મના ડાયરેક્ટર હની ત્રેહાન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માર્ચ 2025માં બીબીસી પંજાબીએ આ ફિલ્મના ડાયરેક્ટર હની ત્રેહાન સાથે ફિલ્મ રિલીઝ અંગે વાત કરી હતી.

એ સમયે હની ત્રેહાને બીબીસીને જણાવ્યું હતું કે, "સેન્ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)એ શરૂઆતમાં ફિલ્મમાં 21 કટ માંગ્યા હતા."

"પરંતુ જેમ જેમ કેસ આગળ વધતો ગયો તેમ તેમ કટની સંખ્યા 120 કરતાં પણ વધુ થઈ ગઈ. આ મારી સમજની બહાર છે. ઘણા કટ એવા હતા કે તેનું કોઈ કારણ પણ આપવામાં આવ્યું નહોતું."

તે સમયે હની ત્રેહાને કહ્યું હતું કે, "આ જસવંતસિંહ ખાલડાની બાયોપિક છે અને તેમાંથી જ મને જસવંતસિંહ ખાલડાનું નામ દૂર કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આનો મતલબ તો એ થયો કે તેમનું નામ લેવું એ પણ ગુનો છે. આવી બધી માગણીઓ સ્વીકારી શકાય નહીં."

તેમણે કહ્યું, "હું ઇચ્છું છું કે જેમને ફિલ્મ સામે કોઈ વાંધો હોય તેઓ મારી સાથે વાત કરે. જો તેમને કોઈ વાજબી વાંધો હોય, તો હું તેને સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. હું શાંતિપ્રિય અને કાયદાનું પાલન કરનાર નાગરિક છું."

તેમણે આગળ કહ્યું, "જેમને પણ કોઈ વાંધો હોય તેના માટે હું ન્યાયપાલિકામાં લડવા તૈયાર છું. પરંતુ જો તમે મને કોર્ટમાં જ ન જવા દો, તો હું શું કરી શકું?"

જસવંતસિંહ ખાલડા કોણ હતા અને તેમની હત્યા કોણે કરી હતી?

જસવંતસિંહ ખાલડા

ઇમેજ સ્રોત, Khalra Mission Committee

ઇમેજ કૅપ્શન, જસવંતસિંહ ખાલડા

જસવંતસિંહ ખાલડાનું 6 સપ્ટેમ્બર, 1995ના રોજ અમૃતસરના કબીર પાર્કસ્થિત તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ ક્યારેય ઘરે પાછા ફર્યા નહીં.

સીબીઆઇ દ્વારા કોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, જસવંતસિંહ ખાલડા માનવ અધિકાર કાર્યકર હતા અને શિરોમણી અકાલી દળના માનવ અધિકાર સેલના મહાસચિવ રહી ચૂક્યા છે.

સીબીઆઇના જણાવ્યા અનુસાર, 1980 અને 1990ના દાયકા દરમિયાન પંજાબ એ અત્યાચાર, કસ્ટોડિયલ ડેથ અને કથિત નકલી પોલીસ ઍન્કાઉન્ટરની ઘટનાઓ તેમજ ચરમપંથની ઘટનાને કારણે સતત સમાચારમાં રહ્યું હતું.

જસવંતસિંહ ખાલડાએ જૂન 1984 અને ડિસેમ્બર 1994 વચ્ચે અમૃતસર, મજીઠા અને તરણતારણમાં ત્રણ સ્મશાનમાંથી મળી આવેલા અજાણ્યા મૃતદેહોની વિગતો જાહેર કરી હતી.

તેમણે દાવો કર્યો હતો કે આ બિનવારસી મૃતદેહો પોલીસનાં ગેરકાયદે કાર્યોના સાક્ષી છે.

ખાલડાના દાવાને તથ્યને પછી મજબૂતી મળી હતી, કારણ કે આમાંના મોટા ભાગના મૃતદેહો પોલીસ દ્વારા સ્મશાનમાં લાવવામાં આવ્યા હતા.

સીબીઆઇના રિપોર્ટ મુજબ, જસવંતસિંહ ખાલડાએ આ કથિત ઘટનાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો.

રિપોર્ટમાં કહેવાયું છે કે, "સ્થાનિક પોલીસને આ ગમ્યું નહીં અને તેમણે ખાલડાનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું. આ ગુનાહિત કાવતરાના ભાગ રૂપે, સ્થાનિક પોલીસ અધિકારીઓએ 6 સપ્ટેમ્બર, 1995ના રોજ કબીર પાર્કસ્થિત તેના ઘરેથી ખાલડાનું અપહરણ કરી લીધું."

રિપોર્ટ અનુસાર, "ગેરકાયદેસર કસ્ટડીમાં રાખ્યા પછી, તેમની હત્યા કરી નાખવામાં આવી હતી અને તેમના મૃતદેહને હરીકે વિસ્તારમાં એક નહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન