પાકિસ્તાની વિદેશ મંત્રાલયના નિવેદનમાં અમેરિકા-ઈરાન વાતચીતનો ઉલ્લેખ નહીં – ન્યૂઝ અપડેટ

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના નિવેદનમાં અમેરિકા-ઈરાન વાતચીતનો ઉલ્લેખ નહીં – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Iranian Ministry of Foreign Affairs/Anadolu via Getty

વાંચવાનો સમય: 2 મિનિટ

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી એક પ્રતિનિધિમંડળ સાથે ઇસ્લામાબાદ પહોંચી ગયા છે. તેમના આ પ્રવાસ પર પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના નિવેદનમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની કોઈ મિટિંગનો ઉલ્લેખ નથી.

આ પહેલાં ઈરાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે અરાગચીની ઇસ્લામાબાદ યાત્રા દરમિયાન "ઈરાન અને અમેરિકા વચ્ચે મિટિંગની કોઈ યોજના નથી."

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું, "વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના નેતૃત્વમાં એક ઈરાની પ્રતિનિધિમંડળ આજે ઇસ્લામાબાદ પહોંચ્યું છે. તેમનું સ્વાગત નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇસહાક ડાર, ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓએ કર્યું."

નિવેદનમાં કહેવાયું છે કે "આ પ્રવાસ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી પાકિસ્તાનના વરિષ્ઠ નેતૃત્વ સાથે બેઠક કરશે, આ બેઠકોમાં ક્ષેત્રમાં હાલના ઘટનાક્રમો તેમજ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ચાલી રહેલા પ્રયાસો પર ચર્ચા થશે."

ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા, 'ઈરાન એક ઑફર આપી રહ્યું છે, અમારે જોવું પડશે'

ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા, 'ઈરાન એક ઑફર આપી રહ્યું છે, અમારે જોવું પડશે' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Alex Wong/Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂઝ એજન્સી રૉયટર્સ સાથેની વાતચીતમાં કહ્યું કે "ઈરાન એક ઑફર આપી રહ્યું છે અને અમારે જોવું પડશે."

જોકે, તેમનું કહેવું છે કે તેમને ખબર નથી કે ઑફર કઈ છે.

ફોન કૉલ દરમિયાન જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે અમેરિકા કોની સાથે વાતચીત કરી રહ્યું છે, તો તેમણે આ મામલે કોઈ સ્પષ્ટ જાણકારી ન આપી.

તેમણે કહ્યું, "તેઓ એવા લોકો સાથે વાત કરે છે જેઓ હાલ સત્તામાં છે."

તેમણે એમ પણ કહ્યું કે આવતા સપ્તાહે જ્યારે બ્રિટનના કિંગ ચાર્લ્સ અમેરિકા આવશે, ત્યારે તેઓ તેમની સાથે ઈરાન પર ચર્ચા કરશે.

આ પહેલાં વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી કે અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિક્ટૉફ અને જૅરેડ કુશ્નર ઈરાન સાથે વાતચીત માટે ઇસ્લામાબાદની યાત્રા કરશે.

ઈરાનની સરકારે પણ પુષ્ટિ કરી છે કે વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી ઇસ્લામાબાદના પ્રવાસે રહેશે, પરંતુ આ નિવેદનમાં એ ઉલ્લેખ નથી કે તેઓ આ પ્રવાસ દરમિયાન અમેરિકા સાથે વાતચીત કરશે કે નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન