ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ પડશે, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વીડિયો કૅપ્શન, Gujarat Weather : નવી સિસ્ટમની અસર ભારત સહિત ગુજરાત પર કેવી જોવા મળશે?
ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ પડશે, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પ્રકાશિત

ગુજરાતમાં વરસાદની નવી સિસ્ટમ રચાઈ છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે અને રાજ્યના બીજા કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડ્યો છે.

અમદાવાદસ્થિત હવામાન કચેરીના બુલેટિન અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ કેટલાક ભાગોમાં છેલ્લા ચોવીસ કલાકમાં હળવો વરસાદ નોંધાયો છે.

જ્યારે નવસારી જિલ્લાના અમુક ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. તેવી જ રીતે સુરત, વલસાડ અને દમણમાં પણ છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ નોંધાયો છે.

રવિવારની સવારથી સોમવારે સવારના છ વાગ્યા સુધીના ચોવીસ કલાકના આંકડા જોવામાં આવે તો નવસારીના જલાલપોર તાલુકામાં સૌથી વધુ પોણા છ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે નવસારી શહેરમાં પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના પારડીમાં 3.82 ઇંચ, સુરતના પલસાણામાં ત્રણ ઇંચ અને નવસારીના ચીખલીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાત સિવાય સુરેન્દ્રનગરના લીંબડીમાં પોણો ઇંચ, જૂનાગઢના મેંદરડા અને જૂનાગઢ શહેરમાં 0.67 ઇંચ, મોરબીના વાંકાનેરમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

નવા બુલેટિન પ્રમાણે સોમવારે સુરત, ડાંગ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે, જ્યારે નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે.

મંગળવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં યલો ઍલર્ટ જારી કરાયું છે. અહીં મંગળવારે ભારે વરસાદ પડી શકે છે.

બુધવારે નવસારી, વલસાડ, સુરત અને દાદરા, નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ત્યાર પછી શનિવારે અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન