રોમાનિયામાં રશિયાના ડ્રૉન ટકરાવાને કારણે તણાવ વધ્યો, રશિયાએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

રોમાનિયાના રહેણાક વિસ્તારમાં 'રશિયાના ડ્રૉન'ના ટકરાવાને લઈને રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય અને વિદેશ મંત્રાલય તરફથી પ્રતિક્રિયા આવી છે.

રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવના હવાલેથી કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રોમાનિયામાં ડ્રૉન ઘટનાથી 'વાકેફ' છે.

તાસે કહ્યું કે આ ઘટનાના જવાબમાં 'રશિયાના દૂતને પર્સોના નૉન ગ્રાટા એટલે કે નિષ્કાસિત કરવાના નિર્ણય' પર રશિયાનું વિદેશ મંત્રાલય જલદી પ્રતિક્રિયા આપશે.

તાસના જણાવ્યા પ્રમાણે, રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા જાખારોવાએ કહ્યું છે કે રોમાનિયામાં ડ્રૉનના હંગામાનો ઉપયોગ પશ્ચિમી દેશ 'યુક્રેન યુદ્ધથી ધ્યાન ભટકાવવા માટે કરી રહ્યા' છે.

ઉલ્લેખનીય છે કે રોમાનિયાની એક રહેણાક ઇમારતમાં રશિયાનું ડ્રૉન ટકરાયા બાદ રોમાનિયાએ રશિયાના રાજદૂતને બોલાવ્યા છે અને કહ્યું છે કે દેશની સુરક્ષા તેમની 'સર્વોચ્ચ પ્રાથમિકતા' છે.

રોમાનિયાનાં વિદેશ મંત્રી તોઇઉ ઓઆનાના જણાવ્યા પ્રમાણે, સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે ગાલાતીના ઍપાર્ટમેન્ટ સાથે ટકરાયેલું ડ્રૉન 'રશિયન મૂળ'નું હતું.

આ ઘટના પર રશિયાની કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ઓઆનાએ કહ્યું, "વિદેશ મંત્રાલય આધિકારિક રીતે એ જ જણાવશે કે રશિયાની આ ગેરજવાબદારી પૂર્વકની હરકતની બંને દેશોના કૂટનીતિક સંબંધો પર કેવી અસર પડી શકે છે."

રોમાનિયાના રાષ્ટ્રપતિએ દેશની સર્વોચ્ચ રાષ્ટ્રીય સંરક્ષણ પરિષદની બેઠક બોલાવી છે.

ઉલ્લેખનીય છે કે રોમાનિયાના યુક્રેન સરહદ પાસે આવેલા ગાલાતી શહેરમાં એક ઍપાર્ટમેન્ટના દસમે માળે રશિયન ડ્રૉન ટકરાવાને કારણે આગ લાગી હતી. જેને કારણે બેના ઘાયલ થયાના સમાચાર છે.

યુરોપ સંઘના નેતાઓએ તેને 'સ્પષ્ટ તથા ગંભીર ઉલ્લંઘન' ગણાવ્યું છે. જ્યારે કે નાટોએ કહ્યું છે કે "રશિયાની આ લાપરવાહી ધરાવતો વ્યવહાર તમામ માટે જોખમ છે."

આઈપીએલ : બીજી ક્વૉલિફાયર મૅચમાં રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે બે વખત ટૉસ કેમ થયો?

આઈપીએલ 2026ના બીજી ક્વૉલિફાયર મુકાબલામાં રાજસ્થાન રૉયલ્સ (આરઆર)એ ટૉસ જીતી લીધો છે. ટીમના કૅપ્ટન રિયાન પરાગે પહેલા બેટિંગ પસંદ કરી છે.

મેદાનમાં બે વખત ટૉસ થયો. પહેલી વખત ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલે સિક્કો ઉછાળ્યો અ રિયાન પરાગે કૉલ લીધો, પરંતુ રેફરીને તે કૉલ સંભળાયો નહીં. જેથી બીજી વખત ટૉસ કરવામાં આવ્યો.

આ મૅચ ન્યૂ ચંડીગઢમાં થઈ રહી છે. આ મૅચને જીતનારી ટીમ ખિતાબ માટે ફાઇનલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ સાથે ટકરાશે.

પહેલા ક્વૉલિફાયરમાં આરસીબીએ ગુજરાતને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

ઋષભ પંત લખનઉના કૅપ્ટનપદેથી હઠ્યા, ફ્રૅન્ચાઇઝીએ શું કહ્યું?

લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ કહ્યું છે કે ફ્રૅન્ચાઇઝીએ ઋષભ પંતનો કૅપ્ટનશિપ છોડવાનો અનુરોધ સ્વીકારી લીધો છે.

એલએસજીના જણાવ્યા પ્રમાણે, પંતે પોતે જ કપ્તાનીથી હઠવાનો અનુરોધ કર્યો હતો.

એલએસજીના ક્રિકેટ નિદેશક ટૉમ મૂડીએ કહ્યું, "ઋષભે આ અનુરોધ સાથે ફ્રૅન્ચાઇઝીનો સંપર્ક કર્યો હતો અને અમે તેને સન્માનપૂર્વક સ્વીકાર્યો છે."

તેમણે કહ્યું, "આ પ્રકારના નિર્ણય સરળ હોતા નથી. કૅપ્ટન તરીકે ઋષભે ડ્રેસિંગરૂપમાં જે યોગદાન રહ્યું, તે બદલ અમે તેમના આભારી છીએ."

ઋષભ પંત વર્ષ 2025માં એલએસજી સાથે જોડાયા હતા. તે પહેલાં ટીમની કૅપ્ટનશિપ કેએલ રાહુલ કરી રહ્યા હતા. દિલ્હી કૅપિટલથી રિલીઝ થયા બાદ પંતને એલએસજીએ 27 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.

પંતની કૅપ્ટનશિપમાં એલએસજી સારું પ્રદર્શન ન કરી શકી. આઈપીએલ 2025માં એલએસજી પૉઇન્ટ ટેબલમાં સાતમા સ્થાને હતી, જ્યારે કે હાલ ટીમ દસમા સ્થાને છે.

રશિયાનું ડ્રૉન રહેણાક વિસ્તારમાં ટકરાતા રોમાનિયાએ રશિયાના રાજદૂતને બોલાવ્યા

રોમાનિયાની એક રહેણાક ઇમારતમાં રશિયાનું ડ્રૉન ટકરાયા બાદ રોમાનિયાએ રશિયાના રાજદૂતને બોલાવ્યા છે અને કહ્યું છે કે દેશની સુરક્ષા તેમની 'સર્વોચ્ચ પ્રાથમિકતા' છે.

રોમાનિયાનાં વિદેશ મંત્રી તોઇઉ ઓઆનાના જણાવ્યા પ્રમાણે, સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે ગાલાતીના ઍપાર્ટમેન્ટ સાથે ટકરાયેલું ડ્રૉન 'રશિયન મૂળ'નું હતું.

આ ઘટના પર રશિયાની કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ઓઆનાએ કહ્યું, "વિદેશ મંત્રાલય આધિકારિક રીતે એ જ જણાવશે કે રશિયાની આ ગેરજવાબદારી પૂર્વકની હરકતની બંને દેશોના કૂટનીતિક સંબંધો પર કેવી અસર પડી શકે છે."

રોમાનિયાના રાષ્ટ્રપતિએ દેશની સર્વોચ્ચ રાષ્ટ્રીય સંરક્ષણ પરિષદની બેઠક બોલાવી છે.

ઉલ્લેખનીય છે કે રોમાનિયાના યુક્રેન સરહદ પાસે આવેલા ગાલાતી શહેરમાં એક ઍપાર્ટમેન્ટના દસમે માળે રશિયન ડ્રૉન ટકરાવાને કારણે આગ લાગી હતી. જેને કારણે બેના ઘાયલ થયાના સમાચાર છે.

યુરોપ સંઘના નેતાઓએ તેને 'સ્પષ્ટ તથા ગંભીર ઉલ્લંઘન' ગણાવ્યું છે. જ્યારે કે નાટોએ કહ્યું છે કે "રશિયાની આ લાપરવાહી ધરાવતો વ્યવહાર તમામ માટે જોખમ છે."

સુપ્રીમ કોર્ટે વીનેશ ફોગાટને એશિયન ગેમ્સનાં ટ્રાયલ્સમાં સામેલ થવા માટે આપી પરવાનગી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહિલા પહેલવાન વીનેશ ફોગાટને એશિયન ગેમ્સ 2026 માટે થનારાં ટ્રાયલ્સમાં સામેલ થવાની પરવાનગી આપી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, આ ટ્રાયલ્સ 30 અને 31 મેના રોજ થઈ રહ્યાં છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે શુક્રવારે આ આદેશ આપ્યો.

સુપ્રીમ કોર્ટ ભારતીય કુસ્તી મહાસંઘ (ડબ્લ્યૂએફઆઈ)ની અરજીની સુનાવણી કરી રહી હતી. જેમાં દિલ્હી હાઇકોર્ટના એ આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં વીનેશ ફોગાટને ટ્રાયલમાં સામેલ થવાની પરવાનગી આપવામાં આવી હતી.

પીટીઆઈ પ્રમાણે, કોર્ટે ડબ્લ્યૂએફઆઈ તરફથી પેશ વકીલને કહ્યું, "હાઇકોર્ટ આદેશ આપી ચૂકી છે, જેનાથી ઉમ્મીદ અને અપેક્ષાઓ વધી ગઈ છે. હવે તેમને (વીનેશ) એ કહીને ઘરે પરત મોકલવાં કે અમે કંઈ નહીં કરી શકીએ, એ ઠીક નથી."

સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઇકોર્ટને આપ્યો આ મહત્ત્વપૂર્ણ નિર્દેશ

સુપ્રીમ કોર્ટે કેસના સમાધાનમાં થતા વિલંબ પર ચિંતા વ્યક્ત કરતાં દેશની તમામ હાઇકોર્ટને નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ મામલામાં આદેશ સુરક્ષિત રાખવાની તારીખના ત્રણ મહિનામાં ચુકાદો સંભળાવી દેવો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચુકાદામાં થતા વિલંબથી અદાલતમાં ન્યાય માટે આવનારા લોકોને ક્ષતિ થાય છે જેની પૂર્ત ન થઈ શકે. આનાથી ન્યાય મળવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે.

કાનૂની સમાચારો અને વિશ્લેષણ આપતી વેબસાઇટ લાઇવ લૉ અનુસાર ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમાલ્ય બાગચીની બૅન્ચે શુક્રવારે કહ્યું કે વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જોડાયેલા મામલામાં વધુ ઝડપથી નિર્ણય લેવાવો જોઈએ.

બૅન્ચે કહ્યું કે જામીન અરજીઓ પર આદેશ શક્ય હોય તો એ જ દિવસે આપવામાં આવે.

જો આદેશ સુરક્ષિત રાખવામાં આવે તો તેને આગલા દિવસે જ સંભળાવીને અપલોડ કરી દેવો.

જામીન અથવા સજા-સ્થગિત કરવાનો આદેશ સંભાળવાય તો તેની માહિતી તુરંત જેલ તંત્રને આપવામાં આવે.

વિચારાધીન કેદી અથવા દોષિત વ્યક્તિને શક્ય હોય તો એ જ દિવસે અથવા આવતા દિવસે મુક્ત કરી દેવામાં આવે.

કર્ણાટકના રાજ્યપાલે સિદ્ધારમૈયાનું રાજીનામું મંજૂર કર્યું

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમને કાર્યવાહક મુખ્ય મંત્રી તરીકે પદ પર રહેવાનું કહ્યું છે.

રાજ્યપાલ ગેહલોત બુધવાર રાત્રે પારિવારિક કટોકટીને કારણે ઇન્દોર જતા રહ્યા હતા.

ત્યાર બાદ સિદ્ધારમૈયા ગુરુવાર બપોરે રાજભવન પહોંચ્યા અને પોતાનું રાજીનામું રાજ્યપાલના વિશેષ સચિવને સોંપ્યું હતું.

કર્ણાટકના ઇતિહાસમાં આ પ્રથમ વખત થયું છે કે કોઈ મુખ્ય મંત્રીનું રાજીનામું રાજ્યપાલની અનુપસ્થિતિમાં તેમના વિશેષ સચિવને સોંપવામાં આવ્યું હોય.

સિદ્ધારમૈયાનું રાજીનામું સ્વીકાર થયા બાદ હવે કૉંગ્રેસ પાર્ટી કાલે અથવા રવિવારના કૉંગ્રેસ વિધાયક દળની બેઠક બોલાવવાની જાહેરાત કરી શકે છે.

સિદ્ધારમૈયા અને તેમના સંભાવિત ઉત્તરાધિકારી ડીકે શિવકુમાર નવા મંત્રીમંડળના ગઠન પર પાર્ટી નેતૃત્વ સાથે ચર્ચા કરવા માટે દિલ્હી પહોંચ્યા છે.

એક વરિષ્ઠ મંત્રીએ નામ ન આપવાની શરતે બીબીસી હિંદીને કહ્યું કે, ''રાહુલ ગાંધીએ મંગળવારે સિદ્ધારમૈયા સાથે મુલાકાત દરમિયાન કહ્યું હતું કે નવા મંત્રીમંડળમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) દલિતો અને લઘુમતીઓને પર્યાપ્ત પ્રતિનિધિત્વ આપવું જોઈએ."

સિદ્ધારમૈયાએ ગુરુવારના પત્રકારોને કહ્યું કે તેઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળીને આભાર વ્યક્ત કરવા દિલ્હી જઈ રહ્યા છે.

સિદ્ધારમૈયાના એક નજીકના સહયોગીએ જણાવ્યું કે, "તેઓ પોતાના સમર્થક નેતાઓની એક યાદી પણ લઈ ગયા છે, જેમને નવા મંત્રીમંડળમાં સામેલ થવાની ભલામણ કરવામાં આવશે."

पहलेयूपी: हमीरपुर में निर्माणाधीन पुल गिरा, छह मजदूरों की मौत,गौरव गुलमोहर, बीबीसी हिन्दी के लिए

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ 60 દિવસ લંબાવવા પર સહમતિના સમાચાર, જેડી વૅન્સે શું કહ્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી પર સહમતિના સમાચાર છે.

મળતી જાણકારી અનુસાર આ સમજૂતીમાં યુદ્ધવિરામને 60 દિવસ માટે લંબાવવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય પર વાટાઘાટો શરૂ કરવાનું સામેલ છે.

જોકે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વૅન્સે કહ્યું કે યુદ્ધ અંગે કોઈ સમજૂતી પર પહોંચતા પહેલાં અમેરિકા અને ઈરાનને અત્યારે કેટલાક લંબિત મુદ્દાઓનું સમાધાન લાવવું પડશે.

પરંતુ બીબીસી પર્શિયન અનુસાર ઈરાનની અર્ધસરકારી સમાચાર સંસ્થા તસ્નીમે સમાચાર આપ્યા છે કે સમજૂતી અત્યારે અંતિમ રૂપ નથી લઈ શકી અને તેની પુષ્ટિ પણ નથી થઈ.

બીબીસીએ પ્રશ્ન પૂછ્યો કે શું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમજૂતી પર હસ્તાક્ષર કરવા નજીક છે. આની પર વૅન્સે કહ્યું કે આ ટિપ્પણી કરવી અત્યારે ઉતાવળ હશે કે બંને પક્ષ અંતિમ સમજૂતી સુધી"ક્યારે અથવા શું" પહોંચી શકશે.

આની પહેલાં ગુરુવારના અમેરિકાના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે બંને દેશો વચ્ચે સમજૂતીના માળખા પર સહમતિ બની છે પણ આને ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની નેતૃત્વની મંજૂરી મળવાની બાકી છે.

આ દરમિયાન, અમેરિકાની સેનાએ ઈરાન પર નાજુક યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.

આ નિવેદન ત્યારે આવ્યું છે કે જ્યારે કુવૈતે જણાવ્યું કે તેની પર હુમલો કરાયો છે.

કૉંગોથી ગુજરાત આવેલા ઇબોલા વાઇરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નૅગેટિવ

કૉંગોથી ગુજરાત આવેલા ઇબોલા વાઇરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે.

રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઍક્સ પર આ વાતની પુષ્ટિ કરી છે.

તેમણે વધુમાં લખ્યું કે નાગરિકોને વિનંતી છે કે કોઈ પણ પ્રકારનો ભય અને ગભરાટ રાખવાની જરૂર નથી. તેમજ અફવાથી દૂર કરીને આરોગ્ય વિભાગ દ્વારા આપેલી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ ઇબોલાનો એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે "કૉંગોથી મુંબઈ થઈ વડોદરા આવેલા એક વેપારીને તાવ આવ્યો હતો, તેથી તેમને વડોદરાની બૅન્કર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનાં લક્ષણો શંકાસ્પદ ઇબોલાનાં જણાતાં તેમને અમદાવાદ ખાતેની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમના બ્લડનાં સૅમ્પલો લઈને વિવિધ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે."

તો સુરતની નવી સિવિલ હૉસ્પિટલ ખાતે 10 બૅડના એક આઇસોલેશન વૉર્ડને તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ઇબોલા વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા શંકાસ્પદ લોકોને સારવાર આપવામાં આવશે.

ગુજરાતમાં સુરત ઉપરાંત અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં પણ આવો અલાયદો વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

નેતન્યાહૂએ ગાઝાના 70 ટકા ભાગ પર કબજો કરવાનો નિર્દેશ આપ્યો

ઇઝરાયલના વડા પ્રધાન બિન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે કહ્યું કે તેમણે સેનાને ગાઝાના વધુ ભાગો પર કબજો કરવાના નિર્દેશ આપ્યો છે.

સમાચાર એજન્સી રૉયટર્સે સમાચાર આપ્યા કે નેતન્યાહૂએ કહ્યું કે શરૂઆતનું લક્ષ્ય પેલેસ્ટાઇન ક્ષેત્રના 70 ટકા ભાગ પર નિયંત્રણ હાંસલ કરવાનું છે.

આ પગલું ઑક્ટોબર 2025માં ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરારની શરતોથી વિપરીત માનવામાં આવે છે.

ગાઝાની વસ્તી પહેલેથી દરિયાકાંઠે એક સાવ નાના વિસ્તારમાં સીમિત થઈ ગઈ છે.

અનુમાન છે કે ઇઝરાયલે પહેલેથી ગાઝાપટ્ટીના અંદાજે 64 ટકા વિસ્તાર પર પોતાનું પ્રભાવક નિયંત્રણ મેળવી લીધું છે.

2023માં દક્ષિણ ઇઝરાયલ પર હમાસના હુમલા બાદ શરૂ થયેલા ઇઝરાયલના બે વર્ષ લાંબા સૈન્ય અભિયાનમાં આ નાના તટીય વિસ્તારનો મોટો ભાગ ખંડેર બની ચૂક્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન