નેપાળ-તિબેટ પૂર : અત્યાર સુધી 165 મૃતદેહો મળ્યા, 800થી વધુ લોકો ગુમ, ભારતીયો વિશે શું માહિતી મળી?

નેપાળ-તિબેટ, ભયાનક પૂર

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
    • પદ, નવી દિલ્હીથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં આવેલા પૂરના કારણે દેશના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે તબાહી થઈ છે.

નેપાળની નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્જ ઑથોરિટી (NDRRMA) અનુસાર, પૂરથી પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 165 મૃતદેહો મળી આવ્યા છે, જોકે તેમની ઓળખ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે.

એજન્સીનું આ અપડેટ જિલ્લા પ્રશાસન કચેરીઓ અને ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરો પાસેથી મળેલી માહિતી પર આધારિત છે. તેમાં જણાવાયું છે કે હાલમાં 85 ઇમર્જન્સી સેવા કર્મચારીઓનો સંપર્ક થઈ શક્યો નથી.

નિવેદનમાં પુલો અને રસ્તાઓને થયેલા નુકસાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ વધુ વિગતવાર માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા હજુ ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું છે.

નેપાળના પૂરમાં 800થી વધુ લોકો ગમ

નેપાળ-તિબેટ, ભયાનક પૂર

ઇમેજ સ્રોત, EPA

NDRRMA એ જણાવ્યું છે કે ભોટેકોશી-ત્રિશૂલી પૂરની ઘટનામાં 826 લોકો ગુમ છે.

એજન્સી અનુસાર, આ આંકડામાં સુરક્ષા દળોના જવાનો, પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.

ગુમ થયેલા લોકોમાં 529થી વધુ પ્રવાસીઓ હોવાના જણાવાયું છે.

પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ દળોને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અધિકારીઓ અનુસાર, સેંકડો પર્યટકો હજુ પણ લાપતા છે. નેપાળના વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે ભારતના લગભગ 300 લોકો ગુમ છે. જ્યારે અત્યાર સુધી જે માહિતી મળી રહી હતી જે મુજેબ ભારતના 130 નાગરિકો ગુમ થયા છે.

લાપતા પર્યટકોમાં 113 નેપાળના નાગરિક છે, 54 અમેરિકન છે અને 33 બ્રિટિશ નાગરિક છે.

રસુવા જિલ્લો તિબેટની સરહદને અડીને આવેલો છે. ચીનના સરકારી મીડિયાએ જાણકારી આપી છે કે તિબેટમાં ભયાનક પાણી અને કાદવના પૂરના કારણે મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં છે. ઘણા લોકો હજુ પણ ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

બીબીસીનાં ચીન સંવાદદાતા લૉરા બિકરે જણાવ્યું છે કે સરહદ પર લગાવવામાં આવેલા સર્વેલન્સ કૅમેરાનાં ફૂટેજમાં ઇમારતો સંપૂર્ણપણે કાદવ અને પાણીમાં ડૂબેલી દેખાઈ રહી છે.

ચીનમાં કોઈપણ આફતનું વાસ્તવિક પ્રમાણ સમજવું હંમેશાં મુશ્કેલ રહે છે. કારણ કે, દેશમાં તમામ મીડિયા પર, ખાસ કરીને તિબેટમાં, કડક નિયંત્રણ રાખવામાં આવે છે.

પરંતુ જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વ્યક્તિગત રીતે સૂચનાઓ આપે છે, ત્યારે સામાન્ય રીતે આ ઘટનાની ગંભીરતા કેટલી છે તે સમજાય છે.

તેમણે રાહત-બચાવ કામગીરી કરી રહેલાં દળોને ગુમ થયેલા લોકોને શોધવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા જણાવ્યું છે.

તિબેટમાં આવેલી આ આફત વિશે ચીને શું જણાવ્યું?

(ડ્રોન ફોટો) અચાનક પૂર પછી ત્રિશુલી નદીના કિનારે ક્ષતિગ્રસ્ત ઇમારતો અને માળખાગત સુવિધાઓનો હવાઈ દૃશ્ય. તિબેટમાં લેંડે નદીના ઉપરના ભાગમાં બરફ અને ખડકોના હિમપ્રપાતને કારણે અચાનક પૂર આવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, (ડ્રોન ફોટો) અચાનક પૂર પછી ત્રિશુલી નદીના કિનારે ક્ષતિગ્રસ્ત ઇમારતો અને માળખાગત સુવિધાઓનો હવાઈ દૃશ્ય. તિબેટમાં લેંડે નદીના ઉપરના ભાગમાં બરફ અને ખડકોના હિમપ્રપાતને કારણે અચાનક પૂર આવ્યું હતું.

ચીનના સરકારી મીડિયા આઉટલેટ સીસીટીવીએ નેપાળને અડીને આવેલા તિબેટના વેપાર કેન્દ્રમાં કાદવ અને પાણીના પૂરના કારણે "મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં" હોવાની માહિતી આપી છે.

ગ્યિરોંગ કાઉન્ટીના બૉર્ડર પોસ્ટ પર થયેલી વિનાશક સ્થિતિ સીસીટીવીનાં દૃશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ પોસ્ટ મારફતે વેપાર થાય છે અને કૈલાસ માનસરોવર યાત્રા પર જતા શ્રદ્ધાળુઓ પણ અહીંથી પસાર થાય છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે યાત્રા પર આવેલા ઘણા લોકો ગુમ થયા હોવાની આશંકા છે.

નેપાળ અને તિબેટમાં આવેલા ભયાનક પૂર અને કૈલાસ માનસરોવરના શ્રદ્ધાળુઓ વિશે શું જાણકારી છે? બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, RSS

ઇમેજ કૅપ્શન, નેપાળ-ચીન સરહદ પાસે કાદવ અને પાણીની વિનાશક પૂર જેવી સ્થિતિ બાદનું એક દૃશ્ય સામે આવ્યું છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુમ થયેલા લોકોને "પૂર્ણ શક્તિ સાથે" શોધવાના આદેશ આપ્યા છે. સાથે જ તેમણે ભવિષ્યમાં આવી આફતો અટકાવવા માટે મજબૂત મૉનિટરીંગ અને અર્લી વૉર્નિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની પણ વાત કરી છે.

ચીન સરકારે પણ કર્મચારીઓને શોધ અને બચાવ અભિયાન માટે તિબેટ મોકલવાના નિર્દેશ આપ્યા છે. તિબેટ ચીનના નિયંત્રણ હેઠળનો એક સ્વાયત્ત પ્રદેશ છે.

કયા વિસ્તારમાં પૂર આવ્યું?

નેપાળ અને તિબેટમાં આવેલા ભયાનક પૂર અને કૈલાસ માનસરોવરના શ્રદ્ધાળુઓ વિશે શું જાણકારી છે? બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, નેપાળ-ચીન સરહદ પર ગ્યિરોંગ ખીણમાં થયેલા વિનાશની તસવીર.

આ પૂરથી તિબેટમાં પણ ભારે તબાહીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગ્યિરોંગ કાઉન્ટીના બૉર્ડર જ્યાં છે તે ચીન અને નેપાળ વચ્ચે પ્રવાસીઓ અને વાહનવ્યવહાર માટેનું મુખ્ય ક્રૉસિંગ પૉઇન્ટ છે. ત્યાં આશરે 4,000 લોકો વસે છે.

લૉરા બિકરે જણાવ્યું છે કે બીબીસી સાથે વાત કરતાં સ્થાનિક કર્મચારીઓએ કહ્યું કે તિબેટના સરહદી વિસ્તારમાં ઘણા ચીની નિર્માણ પ્રોજેક્ટ્સનાં કામો પણ ચાલી રહ્યાં હતાં.

નેપાળ અને તિબેટમાં આવેલા ભયાનક પૂર અને કૈલાસ માનસરોવરના શ્રદ્ધાળુઓ વિશે શું જાણકારી છે? બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઘણી એજન્સીઓને બચાવ કામગીરીમાં જોડવામાં આવી છે. તેમાં 200 ભૂસ્તરશાસ્ત્રીય, ઇજનેરી અને ઇમરજન્સી રિસ્પોન્સ કર્મચારીઓની ટીમ સામેલ છે, જે રૅકી ડ્રૉન, 3D લેઝર સ્કૅનર, લાઇફ ડિટેક્ટર અને બચાવ સાધનોથી સજ્જ છે.

વિસ્તારમાં માર્ગવ્યવસ્થા, સંચાર વ્યવસ્થા અને વીજ પુરવઠો હજુ પણ ખોરવાયેલો છે.

કૈલાસ-માનસરોવર જતાં યાત્રાળુઓ પણ પ્રભાવિત

નેપાળ અને તિબેટમાં આવેલા ભયાનક પૂર અને કૈલાસ માનસરોવરના શ્રદ્ધાળુઓ વિશે શું જાણકારી છે? બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માઉન્ટ કૈલાસની ફાઇલ તસવીર

નેપાળ પર્વતારોહકો, ટ્રૅકરો તેમજ હિંદુ અને બૌદ્ધ તીર્થયાત્રીઓ માટે એક જાણીતી જગ્યા છે. દર વર્ષે હજારો લોકો ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા નેપાળ આવે છે.

આ સમય તિબેટના નગારી વિસ્તારમાં આવેલા માઉન્ટ કૈલાસની યાત્રા માટે પણ વ્યસ્ત સિઝન હોય છે, જે ચીનના નિયંત્રણ હેઠળ છે. કાઠમાંડૂથી અહીં લગભગ 10 દિવસની યાત્રા યોજાય છે. હજારો શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્થળોના દર્શન માટે નેપાળની સરહદ પાર કરીને તિબેટ જાય છે.

હવે નેપાળના પર્યટન અધિકારીઓનું કહેવું છે કે આમાંથી સેંકડો તીર્થયાત્રીઓ, જેમાં 100થી વધુ ભારતીયો સામેલ છે, ગુમ હોવાનું માનવામાં આવે છે. ગ્યિરોંગમાં આવેલ નેપાળ-તિબેટ સરહદી સ્થળ, જ્યાં કાદવ અને પાણીનું ભયાનક પૂર આવ્યું હતું, તીર્થયાત્રીઓ માટેનું એક લોકપ્રિય સરહદી ક્રૉસિંગ પૉઇન્ટ છે.

તામિલનાડુના એક ટૂર ઑપરેટરે જણાવ્યું કે તેમના ગ્રાહકો ત્રણ બસોમાં પહાડી વિસ્તારમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમના એક સહકર્મચારીના જણાવ્યા મુજબ, જ્યારે ત્યાં વિશાળ ભૂસ્ખલન થયું ત્યારે તેમણે તે વિસ્તાર છોડીને ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એક બસ રસ્તા પરથી ખીણમાં પડી ગઈ. હાલમાં તેઓ યાત્રીઓ વિશે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છે.

નેપાળમાં ભારતીય દૂતાવાસે પૂરમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ અને તેની સાથે જોડાયેલી જાણકારી માટે ઇમરજન્સી નંબર જાહેર કર્યા છે.દૂતાવાસે કહ્યું છે કે લોકો કોઈ પણ જાણકારી માટે આ ફોન નંબરો પર સંપર્ક કરી શકે છે.આ નંબર છે:+977 985 131 6807 અને +977 970 910 7500.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન