અભિજિત દીપકેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા, સીજેપીએ શું માહિતી આપી? – ન્યૂઝ અપડેટ

અભિજિત દીપકેને અટકાયત બાદ મુક્ત કરવામાં આવ્યા, સીજેપીએ શું માહિતી આપી – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, દીપકેએ શુક્રવારે સાંજે 'લહેરા દો તિરંગા' માર્ચનું આહ્વાન કર્યું હતું, પરંતુ માર્ચ શરૂ થાય તે પહેલાં જ તેમને પ્રિવેન્ટિવ ડિટેન્શન હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકેને શનિવારે મુક્ત કરવામાં આવ્યા હતા. આ અંગેની માહિતી સીજેપીની લીગલ સેલનાં વડાં રત્નાસિંહે આપી હતી.

બાર ઍન્ડ બેન્ચના જણાવ્યા પ્રમાણે, એસઈએમ કોર્ટે આ સંબંધમાં આદેશ જારી કર્યો છે. કોર્ટે કેટલીક શરતો પણ લગાવી છે પરંતુ તેની વિસ્તૃત જાણકારીની રાહ જોવાઈ રહી છે.

લાઇવ લૉના જણાવ્યા પ્રમાણે, દીપકેને બૉન્ડની શરતો માનવી પડશે. જેમાં એક શરત એ પણ છે કે તેમણે એક વર્ષ સુધી શાંતિ જાળવવી પડશે.

દીપકેએ શુક્રવારે સાંજે 'લહેરા દો તિરંગા' માર્ચનું આહ્વાન કર્યું હતું, પરંતુ માર્ચ શરૂ થાય તે પહેલાં જ તેમને પ્રિવેન્ટિવ ડિટેન્શન હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

શનિવારે તેમને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વિશેષ કાર્યકારી મૅજિસ્ટ્રેટ (Special Executive Magistrate) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

તે જ સાંજે ડાબેરી વિદ્યાર્થી સંગઠન આઈસા (AISA)નાં અધ્યક્ષ નેહા બોરાને પણ અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં, પરંતુ તેમને શનિવારે વહેલી સવારે મુક્ત કરી દેવામાં આવ્યાં હતાં.

સીજેપીના અન્ય બે મુખ્ય નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા અગાઉથી જ ન્યાયિક હિરાસતમાં છે. તેમને જંતર-મંતર ખાતે પરવાનગી વિના પ્રવેશવાના મામલે પાંચ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.

અભિજિત દીપકેને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવાયા, પોલીસ સ્ટેશન બહાર હંગામો

અભિજિત દીપકેને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવાયા, પોલીસ સ્ટેશન બહાર હંગામો – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, મંદિર માર્ગ પોલીસ સ્ટેશનની બહારનું દૃશ્ય

શનિવારે કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકેને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

આ પ્રસંગે વકીલો અને પોલીસકર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

સ્થળ પર હાજર બીબીસીના સંવાદદાતા જુગલ પુરોહિતના જણાવ્યા અનુસાર, અટકાયતમાં લેવામાં આવેલા લોકોને મળવાની અથવા તેમની તરફથી કાયદાકીય રજૂઆત કરવાની પરવાનગી વકીલોને આપવામાં ન આવતા તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.

તેમણે જણાવ્યું કે મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે હંગામો થયો હતો. અહીં વિશેષ કાર્યકારી મૅજિસ્ટ્રેટની અદાલત આવેલી છે.

અભિજિત દીપકેએ શુક્રવારે કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં 'લહેરા દો તિરંગા' પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.

દીપકે દિલ્હીમાં જ્યાં રોકાયેલા હતા ત્યાંથી જેમ જ તેઓ હાથમાં તિરંગો લઈને બહાર નીકળ્યા, ત્યારે ત્યાં હાજર એક પોલીસ અધિકારીએ તેમને કહ્યું:

"અમે તમને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં લઈ રહ્યા છીએ."

અજય દેવગનના બંગલા પર BMCની કાર્યવાહી, ગેરકાયદે બાંધકામનો ભાગ તોડી પાડ્યો

અજય દેવગણના બંગલા પર BMCની કાર્યવાહી
ઇમેજ કૅપ્શન, અજય દેવગનના બંગલા પર BMCની કાર્યવાહી

બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલા અભિનેતા અજય દેવગનના બંગલામાં અંદર કરવામાં આવેલા બાંધકામના એક ભાગને તોડી પાડ્યો છે.

આ કાર્યવાહી કપોલ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલા આ બંગલામાં જરૂરી મંજૂરી વિના આંતરિક માળખામાં ફેરફાર કરવામાં આવ્યો હોવાના આરોપો બાદ કરવામાં આવી છે.

BMC દ્વારા કામ બંધ કરવાની નોટિસ આપવામાં આવ્યા છતાં બાંધકામનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું અને જરૂરી મંજૂરીના દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા ન હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે.

બૃહન્મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કામ બંધ કરવાની નોટિસ આપવામાં આવ્યા છતાં બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું (ફાઇલ ફોટો: અજય દેવગણ)
ઇમેજ કૅપ્શન, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કામ બંધ કરવાની નોટિસ આપવામાં આવ્યા છતાં બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું (ફાઇલ ફોટો: અજય દેવગન)

BMCએ આ મામલે 10 સપ્ટેમ્બર, 2026ના રોજ નોટિસ જારી કરીને કામ બંધ કરવા અથવા જરૂરી મંજૂરીઓ રજૂ કરવા સૂચના આપી હતી.

સાથે જ, સૂચનાઓનું પાલન ન કરવામાં આવે તો કોઈ વધારાની નોટિસ આપ્યા વિના બાંધકામનો સંબંધિત ભાગ તોડી પાડવામાં આવશે અને કાર્યવાહીનો ખર્ચ મિલકતના માલિક પાસેથી વસૂલવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.

અજય દેવગણે નોટિસનો જવાબ આપવા માટે ચાર સપ્તાહનો વધારાનો સમય માગ્યો હતો.

જોકે, BMCને તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. આ દરમિયાન બંગલાની અંદર દીવાલો, બારીઓ અને અન્ય ભાગોમાં ફેરફાર કરવાનું કામ ચાલુ રહ્યું હતું.

નેહા બોરા કસ્ટડીમાંથી મુક્ત; અભિજિત દીપકેને 'પોલીસે કર્યા અરેસ્ટ' - ન્યૂઝ અપડેટ

નેહા બોરા કસ્ટડીમાંથી મુક્ત; અભિજીત દીપકેની 'પોલીસે કર્યા અરેસ્ટ'

ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ યુનિયન (AISA)નાં રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાને આજે શનિવારે સવારે કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં.

શુક્રવારે સાંજે 'લહરા દો તિરંગા' માર્ચ દરમિયાન દિલ્હી પોલીસે નેહા બોરાની અટકાયત કરી હતી.

નેહાએ પોતાના ઍક્સ હેન્ડલ દ્વારા કસ્ટડીમાંથી મુક્ત થવાની માહિતી પણ શેર કરી છે. નેહાએ લખ્યું, "મને કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવી છે! દિલ્હી પોલીસે અટકાયતમાં લીધેલા તમામ પ્રદર્શનકારીઓને મુક્ત કરવા જોઈએ. લોકશાહી અને બંધારણ માટે લડવું એ કોઈ અપરાધ ગણી શકાય નહીં."

આ પહેલાં, મોડી રાત સુધી તેમના સમર્થકો દિલ્હી પોલીસને પૂછતા રહ્યા કે નેહા ક્યાં છે.

એએનઆઈ અનુસાર, દિલ્હી પોલીસ અધિનિયમની કલમ 65 હેઠળ ઔપચારિક પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી નેહા બોરાને મુક્ત કરવામાં આવ્યાં હતાં.

આ દરમિયાન, અભિજિત દીપકે વિરુદ્ધ BNSSની કલમ 126/170 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમને SEM કૉર્ટમાં રજૂ કરવામાં આવશે.

કૉક્રોચ જનતા પાર્ટીનાં લીગલ હેડ રત્ના સિંહે ઍક્સ પર આ અંગે માહિતી આપી હતી.

ધ્રુવ રાઠી લંડન પહોંચ્યા, કહ્યું-'હવે સમય આવી ગયો છે કે...'

પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠી લંડન પહોંચ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લોકોને લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી છે.

પ્રખ્યાત યુટ્યૂબર ધ્રુવ રાઠી લંડન પહોંચ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર લોકોને લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ-પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી છે.

ધ્રુવ રાઠીએ શુક્રવારે મોડી રાત્રે ઍક્સ પર લખ્યું, "હું લંડન પહોંચી ગયો છું. હવે સમય આવી ગયો છે કે દુનિયા 'વોટ ચોર' અને 'લોકશાહીના હત્યારાઓ'ની વાસ્તવિકતા જુએ."

તેમણે લખ્યું, "હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નિવેદન આપવાનો સમય છે. જો તમે અહીં છો, તો શનિવારે બપોરે 12 વાગ્યે પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ-પ્રદર્શનમાં જોડાઓ."

અગાઉ, ધ્રુવ રાઠી 10 ઑક્ટોબરના રોજ કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. જોકે, તેઓ વિરોધ-પ્રદર્શનમાં જોડાય તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી.

જોકે થોડા કલાકો પછી તેમને છોડી દેવામાં આવ્યા. તેમને મુક્ત કરાયા પછી ધ્રુવ રાઠીએ આરોપ મૂક્યો કે પોલીસે તેમનું અપહરણ કર્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન