બાળકોમાં કૅન્સર : ક્યાં લક્ષણો સામાન્ય ગણીને નજરઅંદાજ ન કરવા? જાણો તેના બચાવ અને ઓળખના ઉપાયો

ઇમેજ સ્રોત, Family handout
- લેેખક, કૅમિલા હોરોક્સ
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
બાળકોમાં કૅન્સરનું પ્રમાણ ઓછું જોવા મળે છે, છતાં યુકેમાં 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં બીમારીને કારણે થતાં મૃત્યુનું તે મુખ્ય કારણ છે.
તેમ છતાં, ત્રીજા ભાગથી પણ ઓછાં માતાપિતાને લાગે છે કે તેઓ બાળકોમાં કૅન્સરનાં લક્ષણો ઓળખી શકે છે.
કૅન્સર રિસર્ચ યુકેના જણાવ્યા અનુસાર, દર વર્ષે 14 વર્ષ સુધીની વયનાં લગભગ 1,900 બાળકોને કૅન્સર હોવાનું નિદાન થાય છે.
13 વર્ષની અમેલિયા કેરોલને ગયા વર્ષે ઍક્યુટ માયલોઇડ લ્યુકેમિયા (AML) હોવાનું નિદાન થયું હતું. હવે તે રોગમુક્ત અવસ્થામાં છે.
તેમનાં માતા જેમ્માને યાદ છે કે, શરૂઆતનાં લક્ષણો સહેલાઈથી નજરઅંદાજ થઈ શકે એવાં હતાં.
તેઓ કહે છે કે, અમેલિયાને થાક લાગતો હતો અને હળવી કસરત કર્યા પછી પણ તેને શ્વાસ ચડી જતો હતો. પરંતુ આ બંને બાબતોને શારીરિક તંદુરસ્તીના અભાવ અને શાળા પછી લાગતા થાક તરીકે જોવામાં આવી હતી.
અમેલિયાના શરીર પર ઉઝરડા દેખાવા લાગ્યા ત્યારે જ જેમ્માને સમજાયું કે કંઈક બરાબર નથી. માત્ર 10 દિવસમાં અમેલિયાને લ્યુકેમિયા હોવાનું નિદાન થઈ ગયું.
કયાં લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ?
બાળરોગ કૅન્સર નિષ્ણાત પ્રો. બૉબ ફિલિપ્સ કહે છે કે, માતાપિતાએ લક્ષણોના એવા સમૂહ પર ધ્યાન આપવું મહત્ત્વનું છે, જે સતત રહેતાં હોય, વધુ ગંભીર બનતાં હોય અથવા વધતાં જતાં હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીચે આપેલાં લક્ષણો જોવા મળે તો ડૉક્ટરનો સંપર્ક કરવા અંગે વિચારો:
- · અત્યંત થાક લાગવો.
- · ચહેરો ખૂબ ફિક્કો દેખાવો.
- · શરીર પર એવા ઉઝરડા પડવા, જેનું કારણ સમજાતું ન હોય.
- · શરીર પર ગાંઠો કે ઉપસેલા ભાગો, જેનું કદ વધતું હોય, દૂર ન થાય કે સમય જતાં મોટા થાય.
બાળકોમાં કૅન્સરનો વિકાસ પુખ્ત વયના લોકોની સરખામણીએ ઘણો ઝડપથી થાય છે. તેનું મુખ્ય કારણ એ કે બાળકોનો વિકાસ થતો રહે છે.
ચિલ્ડ્રન ઍન્ડ યંગ પીપલ્સ કૅન્સર ઍસોસિયેશન (CCLG) સાથે સંકળાયેલા ફિલિપ્સ જેવા નિષ્ણાતો લોકોને એક રાષ્ટ્રીય અભિયાનને અનુસરવા અપીલ કરી રહ્યા છે. આ અભિયાનનો હેતુ જાગૃતિ વધારવાનો અને નિદાન માટે લાગતો સમય ઘટાડવાનો છે.
આ અભિયાનમાં તબીબી વ્યાવસાયિકો માટે 'ત્રણના નિયમ'નો સમાવેશ થાય છે: જો બાળકમાં ત્રણ લક્ષણો સતત રહેતાં હોય, અથવા તેણે ત્રણ વખત ડૉક્ટરની મુલાકાત લીધી હોય, અથવા કોઈ સ્પષ્ટ કારણ વિના ત્રણ અઠવાડિયાંથી લક્ષણો હોય, તો તેને નિષ્ણાત પાસે મોકલવા અંગે વિચારવું જોઈએ.
જોકે, એ નોંધવું મહત્ત્વનું છે કે, 1970ના દાયકાથી જીવિત રહેવાના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. નિદાન થયા પછી 10માંથી 8 બાળકો પાંચથી દસ વર્ષ કે તેથી વધુ સમય સુધી જીવિત રહે છે.
કૅન્સર સામેની લડતની શરૂઆત
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જેમ્મા કહે છે કે અમેલિયાની કૅન્સર સામેની લડતની શરૂઆત અચાનક દેખાયેલા એક લાલ ઉઝરડાથી થઈ હતી.
ત્રણ દિવસ પછી, અમેલિયાના બંને પગની પિંડીઓ પર ઉઝરડા દેખાયા. એ ઉઝરડા દુ:ખતા હતા અને ચામડીથી ઊપસેલા હતા.
તેઓ ઉમેરે છે, "અમે નિયમિત તપાસ માટે આંખના ડૉક્ટર પાસે ગયાં હતાં. ત્યાં તેમણે જોયું કે તેની કેટલીક રક્તવાહિનીઓ ફાટી ગઈ હતી, પરંતુ આમ શા માટે થયું હતું તે અંગે તેમને ખાતરી નહોતી."
10 દિવસની અંદર જ ડૉક્ટરોએ અમેલિયાને કયા પ્રકારનું લ્યુકેમિયા છે તેની પુષ્ટિ કરી અને સારવાર શરૂ કરવા માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
"જે દિવસે ડૉક્ટરોએ તેને કઈ બીમારી છે તેની પુષ્ટિ કરી, તે દિવસે મેં તેને બેસાડી. તેણે મને પૂછ્યું, 'મને કેન્સર છે?' મેં કહ્યું, 'હા, તને કેન્સર છે.' પછી તેણે મને પૂછ્યું કે શું તે મરી જશે."
"મેં તેને કહ્યું, 'ના, તેઓ શક્ય બધું કરી રહ્યા છે. તેમની પાસે સારવારનું આયોજન છે અને કૅન્સરને હરાવવા માટે તેઓ શક્ય તમામ સારવાર કરશે."
અમેલિયા હાલમાં રોગમુક્ત અવસ્થામાં છે. દર ત્રણ મહિને તેની નિયમિત બૉનમેરો અને લોહીની તપાસ થાય છે. તે ફરીથી શાળાએ જવા લાગી છે.
ફિલિપ્સ કહે છે કે, યુકેમાં બાળપણના કૅન્સરમાં જીવિત રહેવાનો દર 80 ટકાથી વધુ છે. જોકે, નિદાન હજી વહેલું થાય, તો ઓછી સઘન સારવારથી પણ કામ થઈ શકે છે.
'જાગૃતિ ફેલાવવી એ જ તેની વિરાસત છે'

ઇમેજ સ્રોત, Family handout
તેઓ કહે છે કે, સમગ્ર યુકેમાં કેન્સરનું નિદાન થયેલાં લગભગ અડધાં બાળકોનું નિદાન બે અઠવાડિયાંની અંદર થઈ જાય છે.
"આ સમયગાળો ઘણો ઝડપી છે, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે બાકીનાં અડધાં બાળકોને શરૂઆતનાં લક્ષણો દેખાય ત્યારથી નિદાન થાય ત્યાં સુધી 16, 18, 20 કે 25 અઠવાડિયાં સુધી રાહ ન જોવી પડે."
કૅન્સર રિસર્ચ યુકેના આંકડા દર્શાવે છે કે યુકેમાં દર વર્ષે કૅન્સરના 4,00,000થી વધુ નવા કેસનું નિદાન થાય છે. બ્રિટિશ મેડિકલ જર્નલ (બીએમજે) અનુસાર, તેમાંથી માત્ર 54 ટકા દર્દીઓને એનએચએસ દ્વારા નિર્ધારિત 28 દિવસની સમયમર્યાદામાં નિદાનની જાણ કરવામાં આવે છે.
આ ઉપરાંત, દર વર્ષે 15થી 24 વર્ષની વયનાં વધુ 2,300 કિશોરો અને યુવા વયના લોકોને કૅન્સર હોવાનું નિદાન થાય છે.
લિન્સી સ્વિન્સ્કો જૅકનાં માતા છે. જૅકનું 13 વર્ષની વયે સૉફ્ટ ટિશ્યૂ કૅન્સરથી મૃત્યુ થયું હતું. જુલાઈ 2023માં જૅકને ત્રીજા તબક્કાનું, ફ્યુઝન પૉઝિટિવ ઍલ્વિઓલર રૅબ્ડોમાયોસાર્કોમા હોવાનું નિદાન થયું હતું.
નિદાન પહેલાં જૅકને નાક બંધ થઈ જવું અને આંખોમાંથી પાણી વહેવા જેવાં શરૂઆતનાં લક્ષણો દેખાતાં હતાં. આ લક્ષણોને પરાગરજની ઍલર્જી માની લેવામાં આવ્યાં હતાં. શાળાના સમય પછી તેના ઊંઘી જવાને પણ સત્રના અંતે લાગતા સામાન્ય થાક તરીકે જોવામાં આવતું હતું.
લિન્સી કહે છે, "તેના નાકના ઉપરના ભાગમાં સોજો આવવા લાગ્યો, ત્યારે જ અમને લાગ્યું કે હવે તેને જનરલ પ્રૅક્ટિશનર (જીપી) પાસે લઈ જવો જોઈએ."
"પરંતુ એ સમયે અમને એવું લાગતું નહોતું કે થાક અને ઍલર્જીનાં લક્ષણો એકબીજા સાથે સંકળાયેલાં હોઈ શકે છે."
જૅકનાં નાક અને નાસિકાગુહામાં ગાંઠ મળી આવી અને તેને સૉફ્ટ ટિશ્યૂ સાર્કોમા હોવાનું નિદાન થયું. તેણે કીમોથેરાપીનાં નવ રાઉન્ડ અને પ્રોટોન બીમ રેડિયેશનની સારવાર પૂરી કરી.
આંચકી આવવા લાગી અને કીમોથેરાપીને કારણે તેની તબિયત ખૂબ ખરાબ રહેવા લાગી, ત્યાર પછી જૅકે આગળની સારવાર ચાલુ ન રાખવાનો નિર્ણય લીધો.

ઇમેજ સ્રોત, Family handout
14મો જન્મદિવસ આવવામાં માત્ર બે અઠવાડિયાં બાકી હતાં ત્યારે, 26 એપ્રિલ 2024ના રોજ, ઘરે જ શાંતિથી તેનું મૃત્યુ થયું.
"મને લાગે છે કે જેક વિશે સૌથી મહત્ત્વની વાત એ છે કે તેને મૃત્યુનો ડર નહોતો. અમે મૃત્યુ વિશે અને મૃત્યુ પામતી વખતે કેવું લાગતું હશે એ વિશે ઘણી વાતો કરી હતી. તેને માત્ર એક જ વાતનો ડર હતો. તે પૂછતો, 'શું બધા લોકો મને યાદ રાખશે? શું બધા મને ભૂલી જશે?'
"એટલા માટે હું આ કામ કરી રહી છું, જેથી લોકો જાણે કે જૅક કોણ હતો અને તે કેટલો અદ્ભુત હતો. અને એટલે જ હું લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરી રહી છું. મને લાગે છે કે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું આ કામ જ તેની પાછળ રહી ગયેલી વિરાસત છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























