'ચોમાસામાં અંડરબ્રિજમાંથી પસાર થાવ તો જવાબદારી તમારી', અમદાવાદ કૉર્પોરેશને આવો આદેશ કેમ બહાર પાડ્યો?

અમદાવાદના એક અન્ડરપાસમાં પાણી, પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદના એક અન્ડરપાસમાં પાણી, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને તાજેતરમાં એક 'આશ્ચર્યજનક' આદેશ બહાર પાડ્યો છે.

મ્યુનિસિપલ કમિશનરે બહાર પાડેલા આ આદેશમાં એવું લખવામાં આવ્યું છે કે, "ચોમાસાની વર્ણવેલ પરિસ્થિતિમાં જો વાહનચાલકો અને રાહદારીઓ દ્વારા આ અન્ડરપાસના રસ્તાનો ઉપયોગ કરવામાં આવશે અને અકસ્માત સર્જાશે કે જાનહાનિ થશે તો તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની કોઈ જાતની જવાબદારી રહેશ નહીં."

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આ પ્રકારના આદેશથી વિવાદ સર્જાયો છે.

અહીં ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચોમાસા દરમિયાન અનેક અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે રસ્તાઓ બંધ થઈ જતાં હોય છે. ઘણી વાર તેમાં વાહનચાલકો ફસાઈ જવાની ઘટના પણ બનતી હોય છે.

એવામાં આ વખતે ચોમાસા પહેલાં જ મ્યુનિસિપલ કૉર્પોરેશને આવો આદેશ બહાર પાડ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શું ચેતવણી આપી?

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનેે આપેલી ચેતવણીની નોટિસ
ઇમેજ કૅપ્શન, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનેે આપેલી ચેતવણીની નોટિસ

અખબારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 'જાહેર જનતા જોગ ચેતવણી' બહાર પાડી છે.

આ ચેતવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં આવતા 25 અન્ડરપાસનો ઉલ્લેખ છે.

તેમાં લખવામાં આવ્યું છે કે, "ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિમાં પણ વાહનચાલકો દ્વારા અન્ડરપાસના રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અન્ડરપાસમાં પાણી ભરાયેલ હોય તેવા સંજોગોમાં વાહનચાલકો આ રસ્તાનો ઉપયોગ કરે એ જોખમી છે. તેના લીધે અકસ્માત સર્જાવાની અને જાનહાની સર્જાવાની શક્યતા છે."

મ્યુનિસિપલ કૉર્પોરેશને કહ્યું છે કે, "તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ચોમાસામાં વરસાદના સમય દરમિયાન અન્ડરપાસમાં પાણી ભરાયેલ હોય તે દરમિયાન તેમજ અન્ડરપાસની અંદર કાદવ-કીચડની સફાઈ બાકી હોય તે દરમિયાન ગેટ બંધ હોય ત્યારે આ રસ્તાઓનો ઉપયોગ ન કરવા જાહેર ચેતવણી આપવામાં આવે છે."

"આમ છતાં જો ચોમાસાની ઉપરોક્ત વર્ણવેલ પરિસ્થિતિમાં વાહનચાલકો અને રાહદારીઓ દ્વારા આ અન્ડરપાસના રસ્તાનો ઉપયોગ કરવામાં આવશે અને અકસ્માત સર્જાશે કે જાનહાનિ થશે તો તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની કોઈ જાતની જવાબદારી રહેશે નહીં. આવી સ્થિતિમાં તેની આજુબાજુમાં આવેલ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાણ કરવામાં આવે છે."

અમદાવાદ કૉર્પોરેશનની ચેતવણી સામે નિષ્ણાતોનો મત

વિનોદ પંડ્યાનું કહેવું છે કે આ તો સત્તાધારીઓની જવાબદારી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લોકોની સામાજિક સમસ્યાઓ વિશે જાહેર હિતની અરજીઓ કરી અનેક કેસ લડી ચૂકેલા જાણીતા ઍડ્વોકેટ વિનોદ પંડ્યા સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "મ્યુનિસિપલ કૉર્પોરેશન જયારે ટૅક્સ લે છે ત્યારે ઓવરબ્રિજ અને અન્ડરપાસના રસ્તા પ્રજાના ટૅક્સના પૈસાથી બનાવે છે અને બંધારણની કલમ 21 મુજબ દરેકને 'રાઈટ ટુ લાઈફ' છે."

"આ સંજોગોમાં અન્ડરપાસમાંથી પસાર થતાં લોકોને જાનહાનિ કે ઇજા થાય તો એનું વળતર મ્યુનિસિપલ કૉર્પોરેશને ફરજિયાત ચૂકવવું પડે. ગુજરાત હાઈકોર્ટે મ્યુનિસિપલ કૉર્પોરેશનની જૂની દીવાલ તૂટી અને એક વ્યક્તિનું મૃત્યુ થયું તો એને વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. તો એક અન્ય કેસમાં બાળક મેનહોલમાં પડીને મૃત્યુ પામ્યું ત્યારે પણ એના માતાપિતાને વળતર ચૂકવવાનો આદેશ કરેલો."

પંડ્યા કહે છે, "સત્તાધીશો પ્રજાના પૈસે આવા અન્ડરપાસ બનાવે તો એમાંથી પસાર થનારા લોકોની જાનમાલની સલામતીની જવાબદારી પણ એમની જ છે. આ દરેક નાગરિકનો હક્ક છે. પ્રજાના પૈસાથી જોખમી અંડરબ્રિજ બનાવી ચોમાસામાં અહીંથી પસાર થનારને મ્યુનિસિપલ કૉર્પોરેશન કોઈ વળતર નહીં આપે અને જોખમી અંડરપાસ નીચેથી નાગરિક પોતાના જોખમે પસાર થાય તો એમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની કોઈ જવાબદારી નથી, આવા નવા નિયમો બનાવી કોર્ટની સત્તાને પણ પડકારવાનો પ્રયાસ થઈ રહ્યો છે."

કૉર્પોરેશન જવાબદારીમાં છટકવા માગે છે?

બીબીસી ગુજરાતી

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉંગ્રેસના નેતા શહેઝાદખાન પઠાણને જ્યારે અમે આ બાબતે સંપર્ક કર્યો તો તેમણે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવાને બદલે મૌન પાળ્યું હતું.

કૉંગ્રેસના કોર્પોરેટર હાજી અસારબેગ મિર્ઝાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "આ નિર્ણય તદ્દન તુઘલખી છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન જો ટૅક્સ ઉઘરાવતું હોય તો એમની મિલ્કતની જાળવણીની જવાબદારી પણ એમની છે."

"જો અન્ડરપાસ જોખમી હોય તો તેમણે પહેલેથી જ બધા અન્ડરપાસ બંધ કરાવવા જોઈએ. પરંતુ વરસાદ આવે ત્યારે અન્ડરપાસ ચાલુ હોય અને કોઈને ઈજા કે જાનમાલનું નુકસાન થાય ત્યારે મ્યુનિસિપલ કૉર્પોરેશનની જવાબદારી નથી એમ કહીને છટકી જવું એ પ્રજા સાથે દગો છે."

કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેમણે જણાવ્યું કે, "ભાજપના વિકાસના ભગવાનને અમદાવાદીઓ ટૅક્સ ચૂકવે છે પરંતુ વિકાસના નામે ભ્રષ્ટાચારે માજા મૂકી છે. નબળા બાંધકામને કારણે અન્ડરપાસ ટૂંકા સમયમાં જોખમી થઈ જાય છે. તેમણે આ યાદીમાં વર્ષો જૂના અમદાવાદના બે અન્ડરપાસ પણ આવરી લીધા છે જેથી એમના સમયમાં બનેલા અન્ડરપાસની કામગીરી નબળી છે એ આક્ષેપ ના થાય."

"પણ જયારે મ્યુનિસિપલ કૉર્પોરેશન નાગરિકો પાસેથી ટૅક્સ ઉઘરાવે છે ત્યારે એમની સલામતીની જવાબદારી પણ તેમની છે. જો પ્રજાના પૈસામાંથી બનેલા અન્ડરપાસમાંથી લોકોએ પોતાના જોખમે પસાર થવું એમ કહેવાય તો પછી મ્યુનિસિપલ કૉર્પોરેશને એમના કાર્યકાળમાં બનેલા અન્ડરપાસના પૈસા વ્યાજ સાથે લોકોને રિબેટ તરીકે પાછા આપવા જોઈએ."

વિવાદિત નિર્ણય સામે ભાજપના નેતાઓ શું કહે છે?

અમદાવાદના એક અંડરપાસની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અમદાવાદના એક અંડરપાસની પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન કમલેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે આ પરિપત્રમાં કેટલાક શબ્દોને કારણે ગેરસમજણો ઊભી થઈ છે.

તેઓ કહે છે, "વાસ્તવમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છૂટવા નથી માગતું. આ પરિપત્ર કરવાનો મૂળ આશય એ હતો કે વરસાદના સમયમાં અન્ડરપાસમાં પાણી ભરાઈ જતું હોય ત્યારે કેટલાક નાગરિકો મ્યુનિસિપલ કૉર્પોરેશનના કર્મચારીઓની મનાઈ કરવા છતાં અન્ડરપાસમાં જોખમી રીતે જાય છે અને ફસાઈ જાય છે. આવી જ રીતે એક વાર બસ પણ ફસાઈ હતી."

"કેટલાક લોકો પાણી ઊતરી ગયા પછી કાદવ સાફ થાય એ વખતે પણ વાહન લઈને જાય છે અને અકસમાત થાય તો એમાં ઇજાનો ભોગ બને છે. એટલે આ પરિપત્ર જાહેર કરવાનો આશય નાગરિકોને સચેત કરવાનો છે. શબ્દો સુધારી દેવામાં આવશે એવી મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા થઈ ગઈ છે."

તેઓ કહે છે. "પ્રી-મૉન્સૂન પ્લાનમાં હૉર્ડિંગ્સ, વૃક્ષ, કોઈ જગ્યાએ પાણી ભરાવાથી થનારી મુશ્કેલી એમ આ બધાનું આગોતરું આયોજન પણ અમે કર્યું છે. મૂળ આશય એ જ હતો કે લોકો અન્ડરપાસમાં પાણી ભરાય તો જોખમી રીતે વાહન લઈને ન જાય. આમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકવાનો કોઈ પ્રયાસ કરી રહ્યું નથી."

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનો સંપર્ક સાધવા અમે વારંવાર પ્રયાસ કર્યો પરંતુ તેમની સાથે વાત થઈ શકી નથી. તેમની પ્રતિક્રિયા મળશે તો આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.

ભૂતકાળમાં કોર્ટે કૉર્પોરેશનને વળતર આપવા કહેલું

ગુજરાત હાઈકોર્ટે મ્યુનિસિપલ કૉર્પોરેશનની બેદરકારીથી થયેલા અકસ્માતમાં ભોગ બનેલા પીડિતોને વળતર આપવાના ચુકાદા આપેલ છે.

૩ નવેમ્બર, 2001ના રોજ મણિનગરમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની 100 ફૂટ ઊંચી દીવાલ ધરાશાયી થતાં શહેઝાદ હુસૈન નામના 30 વર્ષીય દરજીનું દીવાલ નીચે દબાઈને મૃત્યુ થયું હતું.

યુવકના પરિવારને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જેબી પારડીવાળાએ આપેલા એક ચુકાદામાં મ્યુનિસિપલ કૉર્પોરેશનને 5.80 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

આ સિવાય એક યુવક પોતાની બહેન સાથે જઈ રહ્યા હતા ત્યારે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટ્રાન્સપોર્ટ બસ એએમટીએસએ અકસ્માત સર્જ્યો હતો. તેમને કાયમી વિકલાંગતા આવી હતી.

આ કિસ્સામાં પણ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એચકે રાઠોડે મ્યુનિસિપલ કૉર્પોરેશનને 1.80 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન