ટિમ કૂક ઍપલનું સીઇઓ પદ છોડશે, હવે કોણ સંભાળશે કમાન- ન્યૂઝ અપડેટ

ગુજરાત, ભારત, અમેરિકા, ઈરાન, દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANGELA WEISS/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ટિમ કૂક સ્ટીવ જૉબ્સના સ્થાને સીઇઓ બન્યા હતા. તેમનો લગભગ 15 વર્ષનો કાર્યકાળ હવે સમાપ્ત થઈ રહ્યો છે
વાંચવાનો સમય: 2 મિનિટ

ઍપલના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) ટિમ કૂક પોતાના પદ પરથી રાજીનામું આપશે.

ઍપલે જાહેરાત કરી કે ટિમ કૂક પહેલી સપ્ટેમ્બરથી કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સના ઍક્ઝિક્યુટિવ ચૅરમૅન બનશે અને જૉન ટર્નસ નવા સીઇઓ બનશે. જૉન ટર્નસ હાલમાં હાર્ડવેર ઍન્જિનિયરિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે.

ટિમ કૂક સ્ટીવ જૉબ્સના સ્થાને સીઇઓ બન્યા હતા. તેમનો લગભગ 15 વર્ષનો કાર્યકાળ હવે સમાપ્ત થઈ રહ્યો છે.

ઍક્ઝિક્યુટિવ ચૅરમૅન તરીકે ટિમ કૂક કંપનીનાં કેટલાંક કામમાં મદદ કરશે, જેમ કે વિશ્વભરના નીતિ-નિર્માતાઓ સાથે જોડાણ.

જૉન ટર્નસ 2001માં ઍપલની પ્રોડક્ટ ડિઝાઇન ટીમમાં જોડાયા હતા. 2013માં તેઓ હાર્ડવેર ઍન્જિનિયરિંગના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા.

ટર્નસ 2021માં હાર્ડવેર ઍન્જિનિયરિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઍક્ઝિક્યુટિવ ટીમમાં જોડાયા. હવે તેઓ સપ્ટેમ્બરથી સીઇઓની ભૂમિકા સંભાળશે.

ઈરાની બંદરો પરનો નાકાબંધી હઠાવવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

ગુજરાત, ભારત, અમેરિકા, ઈરાન, દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે નાકાબંધી ઈરાનને સંપૂર્ણપણે તબાહ કરી રહી છે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ત્યાં સુધી ઈરાની બંદરો પરનો નાકાબંધી હઠાવશે નહીં, જ્યાં સુધી ઈરાન સાથે કોઈ કરાર ન થાય.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એ સ્પષ્ટ નથી કે યુદ્ધનો અંત લાવવા માટે બીજા તબક્કાની વાતચીત થશે કે નહીં.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે, "નાકાબંધી ઈરાનને સંપૂર્ણપણે તબાહ કરી રહી છે. તેઓ દરરોજ 500 મિલિયન ડૉલર ગુમાવી રહ્યા છે અને આ લાંબા સમય સુધી ચાલુ રાખવું અશક્ય છે."

બીજી બાજુ, ઈરાને કહ્યું છે કે જ્યાં સુધી ઈરાની બંદરો પર અમેરિકન નાકાબંધી ન હઠાવે ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની રાજધાનીમાં બેઠકની અપેક્ષાએ સુરક્ષા કડક કરવામાં આવી છે. જોકે, બેઠકમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરનારા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હજુ સુધી વૉશિંગ્ટનથી રવાના થયા નથી.

ઈરાને કહ્યું છે કે તેણે હજુ સુધી નક્કી કર્યું નથી કે તે બેઠકમાં હાજરી આપશે કે નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન